આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું :
લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો;
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું!
નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
આ તો નરી જ મઝધાર બધે! પ્રમાણું,
ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;
ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં;
ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું!
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને!
– ઉશનસ્
મૂંગું આંસુ દરિયાથી પણ ખારું લાગે? બોલો ને ભાઈ !
આંસુ. આમ જોઈએ તો એક ટીપું જ માત્ર. એનું આયુષ્ય પણ કેટલું? આંખમાંથી સર્યું નથી કે ખતમ. આંગળીનું ટેરવું પણ આખું ભીનું ન કરી શકે એવા નાનેરા આંસુમાં જો કે દુનિયા આખી ડૂબી જાય છે. પહાડ સમા કઠોર નિર્ણયોને પીગાળી નાંખવાની તાકાત આંસુ ધરાવે છે. આંસુએ તો ઇતિહાસ રચ્યા છે અને બદલ્યા પણ છે જગ આખાના. આંસુ ગુલાબની કળી જેવા મઘમઘતા હોય છે તો ક્યારેક કાંટા જેવા નઠોર, તીક્ષ્ણ. આંસુ ક્યારેક પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ કાઢી દેતા મોતી સમા મૂલ્યવાન હોય છે તો ક્યારેક સમજણના બારે વહાણના બેડાં ગરકાવ કરી દેનાર હોય છે. ક્યારેક એ બોલકાં હોય છે તો ક્યારેક સીવાયેલા હોઠ પાછળથી વહેતી રહેતી ચુપકીદીની નદી સમા. ક્યારેક પ્રગટપણે તો ક્યારેક અપ્રગટપણે, પણ માણસ આંસુ જરૂર સારે છે. આંસુ ઉપર લખાયેલી સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા કઈ એમ કોઈ પૂછે તો કદાચ ઉશનસની આ કવિતા જવાબમાં સામે ધરી શકાય.
‘ઉશનસ્.’ નટવરલાલ પંડ્યા. બીજું ઉપનામ ‘આરણ્યક.’ જન્મ વડોદરા જિલ્લાના સાવલી ખાતે ૨૮-૦૯-૧૯૨૦ના રોજ. ગૌડ બ્રાહ્મણ. માતા લલિતાબહેન. પિતા કુબેરભાઈ રણછોડભાઈ પંડ્યા. ચાર ભાઈ અને એક બહેનમાં તેઓ સૌથી નાના. રાશિ મુજબનું નામ ચંદ્રકાન્ત પણ ક્યારે નટવર નામ પડી ગયું એ કવિનેય યાદ નહોતું. બાળપણ વીત્યું રુદ્રમાળના ખાંચામાં. મહેસાણા, સિદ્ધપુર, સાવલી, ડભોઈ, વડોદરા એમ અલગ-અલગ ગામ-શહેરોમાં પ્રાથમિક વિદ્યાભ્યાસ. અભ્યાસ ગુજરાતીમાં બી.એ., સંસ્કૃતમાં એમ. એ., ટીચિંગ ડિપ્લોમા અને હિન્દીમાં કોવિદ. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન એક વર્ષ કોલેજ છોડી દીધી હતી. ૧૯૩૯માં કાલોલના શિવશંકર ભટ્ટની દીકરી શાંતા સાથે લગ્ન. ત્રણ દીકરીઓના પિતા બન્યા. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઇસ્કૂલમાં શિક્ષક અને આકાશવાણીમાં ‘નભોવાણી’ના તંત્રી. નવસારીની ગાર્ડા કોલેજમાં ૧૯૪૭થી ૫૭ સુધી અધ્યાપક રહ્યા બાદ વલસાડને કર્મભૂમિ બનાવી. ૧૯૫૭થી આર્ટ્સ કોલેજ, વલસાડમાં અધ્યાપક અને ૧૯૬૮થી શરૂ કરી ૧૯૮૦માં આચાર્યપદેથી નિવૃત્ત થયા. ૧૯ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય ‘પ્રસ્થાન’માં પ્રગટ થયું અને ૩૫ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રસૂન.’ દોઢ ડઝનથી વધુ કાવ્યસંગ્રહો આપ્યા. ઉશનસની કવિતા અનુગાંધીયુગ સાથે અનુસંધાન ધરાવે છે. પણ સાથોસાથ ગાંધીયુગની કવિતા સાથે પણ તાલમેલ ધરાવે છે. કવિ ઉપરાંત તેઓ સમર્થ વિવેચક, ચરિત્રકાર, નાટ્યકાર અને નવલકથાકાર પણ હતા. ૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. આ સિવાય અસંખ્ય પારિતોષિકોથી સન્માનિત થયા. નિધન ૦૬-૧૧-૨૦૧૧ના રોજ વલસાડ ખાતે.
કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે. કવિતાને તેઓ એક જાતનું Home coming ગણતા હતા. વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. એમની કવિતાઓ પર કાલિદાસ, રવીન્દ્રનાથ, શેક્સપિયર જેવા મહાકવિઓ ઉપરાંત ગાંધીજી, વિનોબા જેવી વિભૂતિઓ અને ઉમાશંકર, બ.ક.ઠાકોર, સુન્દરમ્ જેવા પંડિતયુગ અને ગાંધીયુગના કવિઓનો પ્રભાવ જોવા મળે છે. પણ અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ખાસ તો ગઝલ સામે નાકનું ટોચકું ચડાવવાને બદલે એમણે પોતાની સ્થિતિસ્થાપકતાનો સબળ પુરાવો આપીને બે-ચાર ગઝલો નહીં, આખો ગઝલ સંગ્રહ પણ આપ્યો. ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે. જો કે ગઝલ અને કંઈક અંશે ગીત એમને જોઈએ તેવા હસ્તગત થઈ ન શક્યા, ગઝલ તો ખાસ. ગઝલશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન હોવાના કારણે અને ગઝલ અને સૉનેટનો મૂળભૂત તફાવત સમજી શકવામાં નિષ્ફળ જવાના કારણે એમના વિપુલ સર્જનમાંથી ગઝલ કહી શકાય એવી રચના શોધવું કપરું થઈ પડે છે. સુરેશ દલાલ એમના વિશે લખે છે: ‘ગુજરાતી કવિતામાં ઉશનસની કવિતા વૈપુલ્ય અને વૈવિધ્યથી તો જુદી તરી આવે છે, પણ સવિશેષ જુદી તરી આવે છે એમની ભાષાથી. ઉશનસે કાવ્યનાં અજમાવી શકાય એટલાં બધાં જ સ્વરૂપો અજમાવ્યાં છે. એમની કુંડળીમાં સૉનેટનો ગ્રહ સૌથી પ્રબળ. ઉશનસની કલમ પોતાના વ્યાપમાં અનેક વિષયોને સમાવી લે છે. એમની કવિતામાં જનમપૂર્વેનું કોઈ વિરહનું દર્દ છે અને એમના શબ્દોમાં સંભળાય છે ‘માટીનો ડૂમો.’ કવિએ જીવન અને જગતને છેક છેડા પરથી નહીં પણ મધ્યમાં રહીને સમતોલ દૃષ્ટિથી જોયું છે. ઉશનસ્ એટલે ‘લૂંટવ્યું એટલી લ્હાણ’નો કવિ.’ ધીરુ પરીખ એમને સિસૃક્ષાનો પાતાળઝરો કહી ઓળખાવે છે.
પોતે ‘ઉશનસ્’ ઉપનામ શા માટે પસંદ કર્યું એ વિશે કવિએ જાતે કહ્યું હતું: ‘એ જમાનો જ ઉપનામ રાખવાનો હતો. એનાથી પ્રેરાઈને મેં પણ એંક ઉપનામો વિચારેલાં, પરંતુ જ્યારે ‘ગીતા’માં कवीनाम् उशना कविः વાંચ્યું ત્યારે ‘ઉશનસ્’ ઉપનામ ગમી ગયું, રાખી લીધું.’ ગીતાના દસમા અધ્યાયના સાડત્રીસમાં શ્લોકમાં શ્રીકૃષ્ણ પોતાનો પરિચય આપતાં અર્જુનને ‘કવિઓમાં હું ઉશના કવિ છું’ એમ કહે છે ત્યારે એ પ્રખર વિચારક, પ્રચંડ મેધાવી અને કુશાગ્ર રાજનીતિજ્ઞ અને અસુરોના ગુરુ એવા શુક્રાચાર્યની વાત કરે છે. ‘ઉશનસ્’ ઉપનામના મૂળ વિશે વિચારીએ ત્યારે કવિની પ્રજ્ઞા કેવી હશે એનો પણ ખ્યાલ મળે છે. ડૉ. અશ્વિન દેસાઈના મતે ‘ઉશનસ્’નો કોશગત અર્થ ભલે ગમે તે હોય પણ, કવિના કાવ્યકોશમાં ‘ઉશનસ્’નો અર્થ થાય છે –વ્યાકુલ વૈષ્ણવ.
કવિએ પ્રસ્તુત સૉનેટ માટે વસંતતિલકા છંદ પ્રયોજ્યો છે, જે ૧૪ અક્ષરનો અખંડ રૂપમેળ છંદ છે. ગણ ત, ભ, જ, જ + ગા ગા છે અને લગાત્મક બંધારણ ગાગાલગા લલલગા લલગા લગાગા છે. આઠમા અક્ષરે યતિ આવે છે. બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ આ શેક્સપિરિઅનશાઈ સૉનેટ છે, જેમાં ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક મળીને ચૌદ પંક્તિ બને છે અને abba cddc effe gg પ્રકારની ચુસ્ત પ્રાસયોજના પ્રયોજવામાં આવી છે. ગુજરાતી સૉનેટોમાં ચુસ્ત પ્રાસરચના બહુ ઓછા કવિઓ સફળતાપૂર્વક કરે છે. કવિની ભાષા પરની હથોટી કેવી મજબૂત હશે એ આના પરથી સમજી શકાય છે. કવિતાનું શીર્ષક ‘આંસુ’ સ્વયંસ્પષ્ટ છે. શીર્ષક વાંચતા જ એક ભાવચિત્ર નજર સમક્ષ આવી ઊભે છે.
આંસુ આમ તો લાગણીની અભિવ્યક્તિની એક ભાષા જ છે, પણ એ આંખોની તંદુરસ્તી માટે પણ એ અનિવાર્ય છે. સજીવજગતમાં માત્ર મનુષ્યની આંખમાંથી જ આંસુ ટપકે છે એમ કહેવાય છે. અશ્રુગ્રંથિઓમાં મૂળભૂત આંસુ (બેઝલ ટિઅર્સ) નિરંતર બનતાં રહે છે, જે આંખમાં આવ્યે રાખે છે પણ આંખ ભીની રાખવા માટે જરૂરી પ્રવાહીથી વિશેષ બનેલું પ્રવાહી આંખ અને નાક વચ્ચેની નળી (નાઝો-લેક્રિમલ ડક્ટ) વાટે ગળાના પાછળના ભાગેથી થઈ પેટમાં ઊતરી જાય છે, એટલે આપણને આંસુનું એકધારું ઉત્પાદન વર્તાતું નથી, સિવાય કે રડવા બેસીએ. આ આંસુ દરેક પલકારા સાથે આંખોને ધોઈને સાફ કરે છે, અને સતત ભીની રાખે છે. આ આંસુમાં બેક્ટેરિયા સામે લડનાર તત્ત્વ હોય છે, જે સારી દૃષ્ટિ માટે અનિવાર્ય છે. પવન, ધુમાડા કે કાંદો કાપતી વખતે આવતાં આંસુ પ્રતિક્ષિપ્ત આંસુ (રિફ્લેક્સ ટિઅર્સ) કહેવાય છે અને જો કે લાગણીના કારણે આવતા આંસુ (ઇમોશનલ ટિઅર્સ)નું રાસાયણિક બંધારણ અલગ હોય છે. એમાં પ્રોટીન-યુક્ત અંતઃસ્ત્રાવોની માત્રા વધુ હોય છે. લાગણીશીલ બનીને રોવાથી તન અને મન –બંનેને લાભ થાય છે. આ આંસુ મન શાંત કરે છે અને આવેશને ઠંડો પાડે છે. આસપાસના માણસો તમને સહારો આપવા પ્રેરાય છે. રડવાના કારણે શરીરમાં ઓક્સિટોનિન અને એન્ડોર્ફિન ઉત્પન્ન થવાથી દર્દ ઓછું અનુભવાય છે. તણાવ ઘટે છે અને મૂડમાં સુધારો અનુભવાય છે. ઊંઘ પણ સારી આવે છે. મોટાભાગના સમાજમાં સ્ત્રીઓ અને બાળકોના આંસુઓ સહજ સ્વીકારાયાં છે પણ પુરુષોનું રડવું અજુગતું ગણાય છે. કેટલાક લેટિન વિસ્તારોમાં પુરુષોનું રૂદન પણ સામાજિક સ્વીકૃતિ પામ્યું છે. પ્રાચીન ગ્રીક કથાઓમાં શિકારને લલચાવવા માટે મગર ખોટાં આંસુ સારતાં હોવાની વાતો આવે છે, જેના પરથી કોઈ ખોટેખોટું રડતું હોય એને આપણે ‘મગરનાં આંસુ’ કહીએ છીએ.
જો કે આંસુઓની કવિતામાં કંઈ નવું અને મૌલિક નથી. હજારો વર્ષોથી દુનિયાભરના તમામ ભાષાઓના તમામ કવિઓના ઊર્મિકાવ્યોમાં પ્રેમીઓના આંસુઓ અત્યંત છૂટથી અને કવચિત્ તો કંટાળો આવી જાય એ હદે વહેતાં જ આવ્યાં છે ને વળી વહેતાં જ રહેવાનાં છે. હૉમરના ‘ઑડિસી’માં ઑડિસિયસ મૃત્યુશય્યા પર એની માતાને ભેટવા માંગતા ખારાં આંસુઓથી મળતી રાહત ચાખવાની વાત કરે છે. જોન ડનનું અમર કાવ્ય ‘અ વેલિડિક્શન: ઑફ વિપિંગ’ પણ અવશ્ય યાદ આવે. જોન કહે છે કે છૂટાં પડતાં પહેલાં મને રડવા દે, જેથી મારા આંસુ પર તારો ચહેરો છપાઈ જાય અને સાધારણ રીતે વેડફાઈ જવા સર્જાયેલા આંસુ ‘સિક્કા’ બનીને બહુમૂલ્યવાન બની જાય. ગર્ભાશય જેવો આકાર ધરાવતા આંસુ એ પછી પ્રિયાની છાપથી ‘ગર્ભવતાં’ બને છે, દુઃખભર્યાં ‘ફળ’ બને છે, ‘પૃથ્વી’ બની રહે છે, અને અંતે ખારા સમુદ્રની ‘ભરતી’ બને છે, જે પ્રિયાના ચંદ્રથીય અદકેરા ચહેરાને લઈને તોફાને ચડે છે અને નિઃસાસાનો શ્વાસ નાયકને ડૂબાડવા માટે કારણભૂત બની રહેશે એવો અંદેશો કવિ વ્યક્ત કરે છે. ‘મેઘદૂત’માં કાલિદાસ પણ બહુ અદભુત વાત કરે છે:
मत्संभोग: कथमुपनयेत्स्वप्नजोऽपीति निद्रा-
माकाङक्षन्तीं नयनसलिलोत्पीडरुद्धावकाशाम्॥ (ઉત્તરમેઘ: ૩૦)
(કોઈક રીતે સ્વપ્નમાં પણ મારી સાથે સમાગમનું સુખ મળી જાય એ માટે તે ઊંઘ ઇચ્છતી હશે પણ આંખોમાં ઊભરાતાં આંસુઓના કારણે ઊંઘ પણ આવતી નથી.)
આંસુની ખારાશ પકડીને કવિ કવિતા આદરે છે. આંસુને સમુદ્રનું લઘુત્તમ સ્વરૂપ ગણાવે છે. સમુદ્રનું જેવું લાવણ્ય છે, એવું જ આંસુનું પણ છે. લાવણ્ય શબ્દ લવણ યાને મીઠાં પરથી બન્યો છે. નામે મીઠું સ્વાદે ખારું છે પણ એના વિના બધી રસોઈ નકામી. સ્વાદનું ઐશ્વર્ય એ લવણનું સૌંદર્ય છે. પ્રામાણિક આંસુઓ અંદરથી આવે છે ને અંતરની સફાઈ કરે છે. પરિણામે રડતી વ્યક્તિ પર વધુ વહાલ આવે છે. માટે જ કવિ આંસુ અને સમુદ્ર વચ્ચેની ખારાશ અને સુંદરતાને લાવણ્ય વિશેષણથી જોડી આપે છે. સ્વાદ અને સૌંદર્ય પછી સમુદ્ર સાથેની આંસુની બીજી સમાનતા વડવાનલની છે. એવું માનવામાં આવે છે કે દરિયાના પેટાળમાં એક આગ ભભૂકી રહી છે. પુરાણોમાં લખ્યું છે કે વડવાનલ કે વડવાગ્નિ એ જળમાંનો પૌરાણિક અગ્નિ દેવતા છે. વડવા એટલે ઘોડી અને અનલ એટલે અગ્નિ. વડવાનલનું મોં ઘોડી જેવું અને શરીર અગ્નિના ભડકા-જ્વાળાઓનું બનેલું છે. સમુદ્રમાં રહીને વડવાનળ એનું જળશોષણ કરે છે. સમુદ્રમાં હોવા છતાં તે ઓલવાઈ જવાના બદલે સદા પ્રજળતો જ રહે છે. વડવાગ્નિ એ વરુણ (જળ) અને અગ્નિ વચ્ચેના મેળનો સંકેત છે. મનાય છે કે સમુદ્રના જળને પીને તે મળદ્વારે કાઢી નાંખે છે અને તે પાણી મીઠું થાય છે, જેને લાવીને મેઘ દુનિયામાં વૃષ્ટિ કરે છે. બૃહસ્પતિની પત્ની તારાના છ પુત્રોમાંનો એક પુત્ર તે આ વડવાનલ. વિભીષણે હનુમાન વડવાનલ સ્તોત્ર પણ રચ્યું છે, જે તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. ‘કુમારસંભવમ્’ના સર્ગ ૮માં કાલિદાસ કહે છે: ‘ज्वलन इव समुद्रान्तर्गतस्तज्जलेषु.’ સમુદ્રના પેટાળમાં રહેલો વડવાગ્નિ એનાં જળ પીને પણ શાંત થતો નથી. આંસુની અંદર પણ એક આગ છે, જે આંખ આંસુઓ સાર્યે રાખે તોય બુઝાતી નથી. કવિ સરખામણીમાં હજી આગળ વધે છે. સમુદ્રમંથનની વાત આવે છે. વિષ્ણુના કૂર્માવતારમાં કાચબાની પીઠ ઉપર મંદરાચલ પર્વત મૂકીને ફરતે નાગરાજ વાસુકિને વીંટાળીને એક છેડેથી દેવો અને બીજે છેડેથી દાનવો અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું મંથન કરે છે. પણ એ તો એક જ વારનું હતું. આંસુનું પેટાળ તાગવા માટે તો દેવો અને દાનવો યુગયુગોથી મથી રહ્યા છે પણ એનું ઘેરું તળ કોઈને હજીય હાથ ચડ્યું નથી… આમ જે આંસુને કાવ્યારંભે સમુદ્રનું લઘુત્તમ રૂપ કહી કવિ કાવ્યારંભ કરે છે એ સમુદ્રને માત્ર ચાર જ પંક્તિમાં આંસુનું લઘુત્તમ રૂપ બનાવી દે છે. આ છે કવિકર્મ! આ છે કવિતા!
આંસુ સાવ નાનું ટીપું જ છે. નદીને કિનારો હોય, સાગરને, તળાવને કિનારા હોય પણ આંસુને કોઈ કિનારો નથી. પણ તોય એની પાર આજ લગી કોઈ ઊતરી શક્યું હોય એની જાણ નથી. આંસુને તમે આમથી તાગો કે તેમથી, એમાં અહીંથી ઝંપલાવો કે તહીંથી, જ્યાં જુઓ ત્યાં બધે જ તટહીન નરી મઝધાર જ છે. અહીં તો પ્રણયની પેઠે જ ‘ડૂબ્યા છે તે તર્યા સાચા પછી ભવપાર શા માટે’ (રઘુનાથ બ્રહ્મભટ્ટ) જેવી વાત છે. કવિ ફરી આંસુને સમુદ્રથી અદકેરું સ્થાન આપતાં કહે છે કે આંસુ એ ઘૂંટાયેલી ભરતીનું રૂપ છે. સમુદ્રમાં તો ભરતી આવે ને મોજાં કંઠાઓ ધમરોળી નાંખે પણ આંસુ તો ચુપચાપ ટપક્યે રાખે. ભીતર કેટલું ઘૂંટાઈ ભર્યું છે એની સામાને જાણ સુદ્ધાં થતી નથી. ‘પારકી થાપણ’ ફિલ્મમાં લતાના અમર કંઠે અવિનાશ વ્યાસના શબ્દો અમરત્વ પામ્યા છે: ‘આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી.’ કેવી સાચી વાત! ‘દર્દ હો કે ખુશી જીવનની હો, બેયમાં આંખમાં તરે ઝાકળ.’ પારદર્શક હોવા છતાં આંસુનું કારણ જોઈ શકાતું નથી અને આંગળીનું ટેરવુંય ડૂબી ન શકે એવું ટચૂકડું હોવા છતાં આંસુ આપણાં બારે બેડાં ગર્ક કરી શકવાની હિકમત ધરાવે છે. ભલભલી વ્યાકુળતા અને તોફાન આંસુમાં વિલીન થઈ જાય છે. આંખોના સમુદ્ર પર શમણાંની જે તરી બાઝે છે, એનુંય નામોનિશાન આંસુના સાગરમાં બચતું નથી. આપણી સમગ્ર ઇચ્છાઓ, જીવનભરના સપનાંઓ આંસુના વમળમાં ઊં…ડે ગરકાવ થઈ જાય છે. તરીનો એક અર્થ વહાણ, હોડી પણ થાય છે. સપનાંની હોડી આંસુમાં ડૂબી જાય છે એવો અર્થ પણ અહીં લઈ શકાય.
કાવ્યાંતે કવિ કહે છે કે આંસુ અબોલ ઘન મૌન મુખે ધરીને બેઠું છે. મૌન ઘન એટલે કે ઘાટું, નક્કર, પોલાદી છે એમ કહીએ ત્યાં સુધી તો બરાબર છે પણ અબોલ મૌન? મૌન તો અબોલ જ હોય ને? ને જે અબોલ હોય એને મૌન જ કહેવાય ને? કે માત્ર છંદ સાચવવા માટે વપરાયેલ ભરતીનો શબ્દ ગણી શકાય આને? ના, કવિ મૌનને કદાચ એટલું સઘન બનાવવા માંગે છે કે જેમાં શબ્દનો લેશમાત્ર પણ અવકાશ હોઈ જ ન શકે. આંસુને મુખ આપીને કવિ સજીવારોપણ અલંકાર પ્રયોજે છે અને મુખને તો હોઠ અને ખુલે તો બોલ પણ હોવાના જ. બીજી બાજુ આંસુને હોઠ હોઈ જ ન શકેની વાસ્તવિક્તાનો તંતુ ઝાલીને બોલ જન્મવાની વૈજ્ઞાનિક અશક્યતાનો નિર્દેશ કરીને આંસુનું મુખ ખૂલે તોય એબો અવાજ અબોલ જ રહેનાર છે એમ કહીને મૌનની સઘનતાને ગાઢી બનાવી મૂર્તિમંત કરે છે. પણ રહો! આ અબોલ ઘન મૌન મુખ ધરાવતું આંસુ પાછું અબોલ તો છે જ નહીં. એના પેટમાં તો આખા જીવતરની ભાષા ભંડારાયેલી છે, એ તો આખેઆખો શબ્દકોશ ગળીને બેઠું છે… રડતા પ્રિયજનના આંસુના મુખેથી ઉચ્ચારાતા આ જીવનકોશને સાંભળવાના કાન તમારી આંખ પાસે હોવા જોઈએ, બસ!
યશોધરા પ્રીતિ નામના એક કવયિત્રી आँसू માટે લખે છે કે युग बदलते है, कहानियाँ बदलती हैं, आँखे बदलती हैं, मैं शाश्वत हूँ| જગદીપ ઉપાધ્યાય લખે છે: ‘ફૂલો કોમળતા ડાળીની, માણસની કોમળતા આંસુ.’ ચિનુ મોદી તો આંસુ ઉપર ઇચ્છાના નખની નિશાની પણ ઉકેલી આપે છે. એક જ આંખમાંથી ટપકતાં આંસુ પણ અલગ-અલગ સમયે અલગ-અલગ અર્થ ધરાવે છે. એક જ કુળના હોવા છતાં બે સગી બહેનોના દીકરાઓ કવિ બને અને એક જ વિષય ઉપર કવિતા કરે ત્યારે કેવો ચમત્કાર થાય તે પણ જોવા જેવો છે. કવિશ્રી ઉશનસના મસિયાઈ ભાઈ જયન્ત પાઠકે પણ આંસુ ઉપર સૉનેટ રચ્યું છે. તેઓ કહે છે, આંસુ એકી સાથે કઠણ અને કુમળું છે. એકી સાથે શીતળ અને દાહક છે. એ વર્ષા પણ છે અને વીજળી પણ છે. એ મૂંગા મોંએ ભીતરના મેલને ધોઈને હૃદયને સ્વચ્છ પણ કરે છે અને કાંઠા તોડીને ભીતરના ભલભલા જહાજ-મોતી ને માછલીઓને ડૂબાડી પણ દે છે. આંસુ પીડે પણ છે અને દયા દાખવી જીવાડી પણ શકે છે. એક જ પદાર્થને બે અલગ અલગ માણસો કેવી સંવેદનાથી આળખે છે એ સરખાવીએ. જયન્ત પાઠકનું ‘આંસુ’ માણીએ:
હશે આંસુ જેવી કઠણ -કુમળી કોઈ ચીજ કે !
ડુબાડે પોતાને શીતલ જલ ને ટાઢક કરે;
ડુબાડે પોતાને જળ ફફળતે, દાહક ઠરે;
પડે વર્ષા થૈને, પડત થઈને ઉગ્ર વીજ કે.
કશું રોવું ! ધોવું હૃદય ભીતરી સ્વચ્છ જલથી,
વહાવી દેવું સૌ મલિન નિજ મૂગા પ્રવાહમાં
તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;
લહેરો જેવી કે અલસ જળલીલા જ અમથી.
તમે આવો આંસુ ! નયન અધીરાં રાહ નીરખે
થવા ખારો ખારો અતલ ગહનાબ્ધિ, લહરમાં
રમે જેની નૌકા તનુ, પ્રબલ લોઢે વળી ડૂબે
જહાજો, મોતી ને માછલી ધસતાં કૈં ભીતરમાં.
અહો, આંસુ જેવી અજબ ચીજ લાવણ્યમય જે
ક્ષતોમાં પીડે ને બની સદય જિવાડીય શકે !
આંસુ….માલિક ના હોય કે નોકરના,
સમજનારા સમજે..તોકામના…નરેન્દ્રસોની
thanks a lot
અફલાતુન કવિતા છે. ગાગરમાં સાગર ની વાત તો સાંભળી છે પણ કવિ અહીં સાગરને આસુંના એક ટીપામાં સમાવી લે છે તે ખરેખર અદ્ભુત છે. સુંદર વિષ્લેણ બદલ આભાર!
“….અને તે પાણી મીઠું થાય છે,” “પાણી ખારું થાય છે.” વધુ યોગ્ય છે.
હર્ષના આસું આવે તો …માંય પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જોને…
સજીવજગતમાં માત્ર મનુષ્યની આંખમાંથી જ આંસુ ટપકે છે એમ કહેવાય છે એ માન્યતા ખોટી છે. પ્રાણિઓ ને પણ આસું આવેછે.
The soul would have no rainbow had the eyes no tears.
પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર…
અને તે પાણી મીઠું થાય છે… – આ જ બરાબર છે કેમકે ખારા સાગરજળમાંથી જે વરસાદ બને છે તેનું પાણી મીઠું હોય છે… વડવાગ્નિ આ કામ કરે છે એવી માન્યતા છે. આંસુવાળી વાત સાચી છે. પ્રાણીઓ પણ આંસુ સારે છે, એટલે જ મેં આ માન્યતા છે એમ લખ્યું છે.
ઉત્તમ કવિતા અને ઉત્તમ રસાસ્વાદ. વિવેકભાઈ, ખુબ આભાર.
ખૂબ ખૂબ આભાર…
કવિતાનો ભાવાર્થ જાણવાથી એને સમજવાનુ ખુબ સરળ બને છે.
આભાર, વિવેકભાઇ,
નવિન કાટવાળા
કવિતાનો ભાવાર્થ વાંચ્યા પછી એને વધુ સારી રીતે સમજી શકાય છે.
ખુબ ખુબ આભાર ,વિવેક ભાઈ,
નવિન કાટવાળા
પ્રતિભાવ પાઠવવા બદલ આભાર….