( આ કવિતા વાંચીને એવું લાગ્યું, કે જાણે મને ઘર પાછું બોલાવે છે… )
હે વિહંગ ! આમ દૂર દૂર ના ઊડી જવાય,
આ સંબંધ નીડ, ડાળ, પર્ણનો, નસેનસે, ફરી, ફરી,
નહીં, નહીં, નહીં, રચાય.
હે વિહંગ….
આવરણ અગાધ ત્યજીને થયેલ સળવળાટ
યાદ કર થયેલ પાંખમાંથી સ્હેજ ફડફડાટ,
નીડ ડાળ પર્ણ મૂળમાં થયેલ ઝણઝણાટ,
ને ઊડેલ તુંય કેવું સ્વપ્ન જેમ સડસડાટ !
હે વિહંગ, અંતરંગ એ ઉમંગ, એ પ્રસંગ
એમ કેમ વિસ્મરાય ?
હે વિહંગ….
કૂંપળોય આંખમાં ભરી ભરી ફરે ઉચાટ,
ડાળ ડાળનેય આમ જોવડાવીએ ન વાટ,
પાંખ સ્હેજ ફફડતાં જ એમ થાય થરથરાટ,
આંગણેથી જેમ કે ઊડી રહ્યું ન હો વિરાટ !
હે વિહંગ, શું ન એટલું પુછાય આભનેય –
વૃક્ષથી ઊડી શકાય ?
હે વિહંગ….
કવિ પરિચય : (‘વાંસલડી ડોટ કોમ’ માં પ્રસ્તુત મોટાભાઇ કિરિટ દવે એ આપેલ પરિચયમાંથી સાભાર)
શ્રી કૃષ્ણ દવેનો જન્મ તા. સપ્ટેંબર 4, 1963. વતન સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનું ધારી ગામ. એટલે 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ એમણે ધારીમાં કર્યો. ત્યાર પછી થોડોક અભ્યાસ રાજુલા તત્વજ્યોતિ સંસ્થામાં કર્યો. જેને કારણે તેમનું સંસ્કૃત સ્તોત્રોનું ગાન પાકું થયું. શ્રી કૃષ્ણ દવેની કવિતામાં લયનું સાતત્ય આને કારણે છે. ભાવનગર જિલ્લા તાલીમ સેવા કેન્દ્રમાં સુથારી કામની તાલીમ લઇને એ ફર્નિચરના નિષ્ણાત મિસ્ત્રી બન્યા. આજે એ ડોરસ્કીનના નિષ્ણાત ડિઝાઇનર છે. વ્યવસાયે બેંકમાં સેવા આપે છે. આ સમય દરમ્યાન એમણે ફરીથી અભ્યાસ પણ ચાલુ કર્યો અને બી.એ. પાસ કર્યું.
પ્રકાશિત સાહિત્ય :
* પ્રહાર
કાવ્યસંગ્રહ, પ્રથમ આવૃત્તિ 1992, દ્વિતીય આવૃત્તિ 1998
* વાંસલડી ડોટ કોમ
કાવ્યસંગ્રહ, પ્રથમ આવૃત્તિ 2005
* ભોંદુભાઇ તોફાની
બાળકિશોર કાવ્યસંવ્રહ, પ્રથમ આવૃત્તિ 2005
‘શંભુપ્રસાદ જોષી’ ના શબ્દોમાં
ફૂટે કવિતા કૃષ્ણને,
જ્ય્મ ફૂલ ફૂટે ડાળને !
I like krishna dave & his poems very much, iam proud of you
કવિ,કલા,કૃતિ,કાવ્ય -અત્રે મૂકનારની સૌંદર્યદૃષ્ટિ
પ્રશંસનીય છે !કવિપરિચય અપેક્ષિત લાગ્યો.વૃક્ષને પણ વિહંગની જેમ પાંખોનો પ્રશ્ન આપણને વિચારતાં કરે છે ને ?
સુંદર !
કૃષ્ણ દવે ફરીથી. મારો બહુ જ ગમતો કવિ. તે કંક નવું જ લૈ આવે છે. વૃક્ષને પણ ઊડવાની અભિલાશા થઇ આવે તેવું ગીત.
વિહંગ મારા દીકરાનું નામ પણ છે!