અમારા વૉર્ડન – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ. વિવેક મનહર ટેલર)

મોતના મોઢામાં ઊભેલા માણસની અ-મર કવિતાઓ…

15385353_10153972047011367_1979167902819050663_o

અમારા વૉર્ડન

અમારા જેલવાસનો હવાલો જેમના હાથમાં સોંપવામાં આવ્યો છે એ વૉર્ડન સારા વ્યક્તિઓ છે. એમની રગોમાં ખેડૂતોનું લોહી છે. પોતાના ગામડાંઓના રક્ષણથી વિચ્છિન્ન થઈ વિચિત્ર, ન સમજાયેલ દુનિયામાં તેઓ આવી પડ્યા છે.

તેઓ ભાગ્યે જ બોલે છે. ફક્ત એમની આંખો જ સમય સમય પર વિનમ્રતાથી બોલે છે, જાણે કે તેઓ જાણવા માંગતા હોય એ જે તેઓના હૃદયે કદી અનુભવવાનું નહોતું માતૃભૂમિનું દુર્ભાગ્ય જે તેઓની છાતી પર ચડી બેઠું છે.

એ લોકો ડનુબેના પૂર્વીય વિસ્તારોમાંથી આવે છે જે યુદ્ધના કારણે ક્યારના નાશ પામી ચૂક્યા છે. એમના પરિવારોમાં કોઈ જીવતું બચ્યું નથી. એમની માલ-મત્તા બધું જ સાફ થઈ ગયું છે.

કદાચ તેઓ હજી પણ જિંદગીની કોઈ એક નિશાનીની પ્રતીક્ષામાં છે. તેઓ કામ કરે છે ચુપકીદીમાં. કેદીઓ છે – તેઓ પણ. પણ શું તેઓ આ સમજી શક્શે? આવતી કાલે? પછીથી? કદી પણ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી અનુ: એમ. ડી. હેર્ટર નોર્ટન)
(અનુ. વિવેક મનહર ટેલર)

મૃત્યુનો અનુભવ ફર્સ્ટહેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષયના કારણે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલે મૃત્યુને નજીક આવતું પ્રત્યક્ષ અનુભવ્યું હતું. એની ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં’ ગીતરચના મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે… નિરાંતવા જીવે મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું જોવા વચ્ચે જમીન- આકાશનો ફરક છે. કેન્સરના કારણે યુવાવસ્થામાં જ ગુડબાય કરી જનાર કવિ જગદીશ વ્યાસ તથા અમેરિકાસ્થિત હિમાંશુ ભટ્ટ જેવા સર્જકો મૃત્યુશૈયા પર બેસીને મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની ક્ષણભંગુરતાની જે વાતો કરી ગયા એ રૂંવાડા ઊભા કરી દે એવી છે.

પણ આજે આપણે જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફરની વાત કરવાની છે. બર્લિન જીઓગ્રાફિકલ સૉસાયટીના તેઓ સેક્રેટરી જનરલ હતા અને ઊંચી સરકારી પૉસ્ટની રૂએ વિશ્વભરમાં ફર્યા. બહોળો અનુભવ પામ્યા. ભૂગોળમાં પી.એચ.ડી. કર્યું. જિઓપોલિટિક્સના તેઓ પ્રોફેસર હતા. બીજા વિશ્વયુદ્ધમાં ફ્રાંસ અને બ્રિટન વચ્ચે શાંતિ સ્થાપવા એમણે મધ્યસ્થી તરીકે કામ કર્યું. નાઝીઓ સામેના વિરોધ, હેસને ભગાડવામાં મદદરૂપ થવાની આશંકા તથા માતા અર્ધયહૂદી હોવાના ‘અપરાધ’સર એમને બર્લિનના મુઆબિત જિલ્લાની ગેસ્ટાપો જેલમાં બંદી બનાવવામાં આવ્યા. જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા આલ્બ્રેશ્ટ કાગળ-પેન માંડ મેળવી શક્યા અને જીવન-મૃત્યુ, આજ-કાલ અને વિશ્વયાત્રાઓના પરિપાકરૂપ સંસ્મરણોને સન્મુખ ઊભેલા મૃત્યુના હાથમાં આપીને કાગળ પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.

23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ તો કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ હિટલરના સૈનિકો (SS-Saal-Schutz) એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

આ સૉનેટ વાંચો. રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળી કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે ! મૃત્યુ નિશ્ચિત થઈ જાય ત્યારે મનુષ્યમાં સમ્યકભાવ આવી જાય છે. કેદીને પોતાને બંદી રાખી, દેખરેખ કરતા, કાયદાઓ પળાવતા વૉર્ડન પણ ભલા લાગે છે. ભલા છે કેમકે મૂળે તેઓ ખેડૂત છે અને જે માણસ ધરતીની છાતીમાં બીજ વાવી જાણે એ કદી નિર્દય કેમ હોઈ શકે? એ લોકો પણ માતૃભૂમિની નિશ્ચિત સુરક્ષાથી દૂર ધકેલાઈ આવ્યા છે.

યુદ્ધના ખપ્પરમાં એમના ઘર-બાર, માલ-મત્તા અને પરિવાર – બધું જ હોમાઈ ચૂક્યું છે. જીવવાના વાંકે એકલતા જીરવતા વૉર્ડનની વાચા પણ આ આઘાતોએ હરી લીધી છે. એમણે કદી વિચાર્યું નહીં હોય કે એમના હૃદયે આવો બોજ વેઠવાનો આવશે. પણ આવ્યો એટલે તેઓ મૂંગા-મૂંગા જ ફરે છે. જેલરની આંખોમાં તો કરડાકી હોય. પણ આ તો યુદ્ધના હાથે પાયમાલ થઈ ચૂકેલાઓ છે. એમની આંખો વિનર્મતાથી એ જ પૂછવા ઇચ્છે છે કે આ બોજ એમના દિલે શા માટે વેંઢારવાનો આવ્યો? શું મનુષ્યને શાંતિ અભિપ્રેત જ નથી?

તેઓ જીવી રહ્યા છે. કદાચ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોવાના ન્યાયે જ સ્તો. કદાચ હજી પણ જિંદગીની એક નિશાનીની પ્રતીક્ષા છે. કેદીઓની જેમ જ તેઓ પણ ચુપચાપ પોતાના ભવિષ્યની, કોઈક આશાના કિરણની રાહ જોઈ રહ્યા છે. જોવા જઈએ તો તેઓ પણ કેદી જ છે ને? કેદીકવિ વૉર્ડનની સાંકળ-સળિયા વિનાની ‘ખુલ્લી’ જેલ જોઈ-સમજી શકે છે પણ શું વૉર્ડનોને આ સમજ હશે? પાયમાલીની દીવાલોમાં, ઉદાસીના સળિયા વચ્ચે એકલતાની સાંકળમાં કેદ વૉર્ડનોને પોતાનો કારાવાસ શું સમજાશે? કાલે? મોડેથી? ક્યારેય? છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

3 replies on “અમારા વૉર્ડન – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ. વિવેક મનહર ટેલર)”

  1. Thanks a lot . wonderful introduction for a gem of man. just remembered Rilke another GERMAN POET . and his karunya prashasti,,, translated by shree CHANDRA KANT DESAI OF USA. directly from german and published by with good wishes of GUJ SAHITYA ACC. AHM.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *