વરસાદી મોસમ જેવું મળીએ – પ્રફુલા વોરા

ચાલ હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત

ખાલિપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં
જામ દરદનાં ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે
મહોંરા-બુરખા ઓઢી લઇને ભૂલીએ થોડું અંગત અંગત

મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત

5 replies on “વરસાદી મોસમ જેવું મળીએ – પ્રફુલા વોરા”

  1. મારેી પાસે શબ્દો નથિ કે કેવી રીતે વખાણુ.કદાચ મારા મનની જ વ્યથા.

  2. મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ
    પણ વ્હાલમ ……..વરસાદી મોસમ જેવું મળીએ થોડું થોડુ અંગત અંગત

  3. મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ
    પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત

    -સરસ !

  4. ભાવનગરના પ્રફુલ્લાબેન વોરાની એક સરસ ગઝલ માણવાની મજા!
    એ તક બદલ આભાર જ્યશ્રીબેનનો.
    સુધીર પટેલ.

  5. મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ
    પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત
    સરસ
    યાદ આવી
    સૈફ પાલનપુરીની બધાને ગમતી અમર પંક્તીઓ
    જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
    બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *