સમ ખાવા પૂરતી મોસમ – મુકુલ ચોક્સી

season.jpg
તેની આ ચાલ્યા જવાની ધમકીમાં કંઇ દમ નથી,
પ્રેમ પડછાયાને કરવામાં કોઇ જોખમ નથી.

ભીંતમાં બાકોરું કરવા જેટલી જગ્યા નથી;
બસ કરો કે આટલાં કેલેન્ડરો કંઇ કમ નથી.

આમ તો સુંદર પ્રસંગો પણ જીવનમાં કમ નથી,
ગમ ફક્ત એ છે કે એને કોઇ ચોક્કસ ક્રમ નથી.

આ તરફ છે એટલી, કે એને કંઇ સંયમ નથી,
તે તરફ સમ ખાવા પૂરતી પણ કોઇ મોસમ નથી.

7 replies on “સમ ખાવા પૂરતી મોસમ – મુકુલ ચોક્સી”

  1. ભીંતમાં બાકોરું કરવા જેટલી જગ્યા નથી;
    બસ કરો કે આટલાં કેલેન્ડરો કંઇ કમ નથી.

    મુકુલભાઈનો આ શેર થોડો વિચાર માંગી લે તેવો છે:

    શબ્દાર્થ જોઈએ તો સાવ સીધો છે. ભીંત પર એટલા બધા કેલેંડરો લટકાવ્યા છે કે આખી ભીંત એ રીતે ભરાઈ ગઈ છે કે એક બાકોરું કરવા જેટલી પણ જગા નથી. અહીં સાચી કવિતા આ બાકોરું શબ્દમાં જ છે. ભીંતમાં ખીલી મારવાની કે પૉસ્ટર ચોંટાડવાની વાત કરી હોત તો કવિતાનું બાલમરણ થાત. પણ મુકુલ સશક્ત કવિ છે. ભીંતમાં બાકોરું એટલા માટે કરવાનું હોય કે એમાં પ્રવેશવાની જગ્યા થાય. આટલું સમજાય ત્યાંથી આ શેરમાં કવિતા શરૂ થાય છે. આપણે આપણી જાતને ભીંત જેવી બનાવી દીધી છે-કોઈ આપણામાં પ્રવેશી ન શકે એમ. લટકામાં જાતને એટલા બધા બાહ્યાડંબરોથી ઢાંકી દીધી છે કે હવે આપણી અંદર ક્યાંથી પ્રવેશવું એ તો નથી જ દેખાતું, પ્રવેશવા માટે કોઈએ બાકોરું કરવું હોય તો એનોય આપણે અવકશ રાખ્યો નથી… એટલે જ મુકુલભાઈ બીજા મિસરાની શરૂઆત ચીમકીભરી બૂમ પાડીને કરે છે, બસ કરો…!

  2. ઉલા મિસરામાં કાફિયાની ગેરહાજરીનું કારણ એ દર્શાવે છે કે આ ગઝલ મત્લા ગઝલ નથી… ગઝલના નિયમોને અનુસરીએ તો એ શેર આખરી શેર હોવો જોઈએ.

  3. વિવેક, આ મત્લા-ગઝલ જ છે ને? તો પછી આ શેરનાં ઉલા-મિસરામાં કાફિયો કેમ સચવાયો નથી?

    ભીંતમાં બાકોરું કરવા જેટલી જગ્યા નથી;
    બસ કરો કે આટલાં કેલેન્ડરો કંઇ કમ નથી.

    આ તરફ છે એટલી, કે એને કંઇ સંયમ નથી,
    તે તરફ સમ ખાવા પૂરતી પણ કોઇ મોસમ નથી.

    આ શેર ખૂબ જ ગમ્યો…

  4. ભીંતમાં બાકોરું કરવા જેટલી જગ્યા નથી;
    બસ કરો કે આટલાં કેલેન્ડરો કંઇ કમ નથી.

    સુંદર શબ્દો ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *