આજે સવંતસરી, એટલે મિચ્છામી દુક્કડમ કહીને સૌની માફી માંગવાનો, અને મિચ્છામી દુક્કડમ કહેનારને દિલથી માફ કરી દેવાનો દિવસ. તો આજે કોઇ ગીત, ગઝલ કે કવિતા ના બદલે, થોડા સરળ શબ્દોમાં એક-બે વિચારો.
( અનુવાદ : રમેશ પુરોહિત )
કોઇને કંઇક આપતા રહેવું ખૂબ જ મહત્વનું છે
પણ ક્ષમા આપવી સૌથી મુશ્કેલ કામ છે.
હા, ક્ષમા ખરેખર આપવી એ અઘરું છે.
આમ છતાં મારે વારંવાર કઇંક આપવાનું હોય તો
એ છે ક્ષમા, ક્ષમા અને બીજું કાંઇ નહીં, પણ ક્ષમા.
હું માફ કરી દેવાનું બંધ કરું કે તરત જ એક દીવાલ ઊભી કરું છું
અને આ દીવાલ કેદખાનાના ચણતરનો પાયો નાખે છે.
આ જિંદગીમાં જે કાંઇ છે એમાં બે વસ્તુ મહત્વની છે
– સમજણ અને ક્ષમા.
હું ઘણા માણસોને જાણું છું
અને ઘણાનાં રહસ્યો મારી પાસે છે
અને બરાબર પામી ગયો છું કે
કોઇ પણ બે માણસો વચ્ચે કોઇ સામ્ય નથી હોતું
પ્રત્યેક વ્યક્તિને પોતાનું વિશ્વ છે
અને એ જીવે છે, અનુભવે છે, વિચારે છે અને પ્રતિભાવ આપે છે
પોતાનામાં સમાયેલા વિશ્વમાંથી.
અને એ વિશ્વનો ગહનતમ છાનો ખૂણો
હજી લગી મારાથી અજાણ્યો છે.
આથી જીવનની રોજિંદી ઘટમાળમાં
વિસંવાદ, ઘર્ષણ અને તાણનું હોવું
ખૂબજ સ્વાભાવિક લાગે છે.
જો માણસ એટલું સમજે કે
બીજી વ્યક્તિને પોતાનું નોખું વિશ્વ છે
અને એ ક્ષમા આપવા તૈયાર હોય તો જ
સાથે રહેવું શક્ય બને.
આમ ન કરીએ તો આખરે નસીબમાં રહે છે
રોજબરોજના પ્રહારો અને અંદરઅંદરના ઝગડાઓ.
———
કોઇને માફ ન કરવાની તમારી મનોવૃત્તિ તમને નીચું જોવડાવે છે.
રોજ ને રોજ આવું હઠીલું મન રાખવું અને હૈયામાં હડહડતો તિરસ્કાર
રાખવો એનાથી વધારે કરુણ કશું જ નથી.
હા, હું એટલું જ સમજું છું કે
કોઇકે અથવા કહો કે ઘણા બધાએ તમારી જોડે ખોટો વર્તાવ કર્યો હોય
અને ધીમે ધીમે તમારું હ્યદય ઉષ્માહીન થઇ ગયું હોય.
તમે હવે પહેલા જેવા રહ્યા નથી. તમને પણ નવાઇ લાગતી હશે.
તમે હવે એવા મૃદુ, સૌમ્ય કે સારા રહ્યા નથી.
તમારી સહાનુભૂતિની સરવાણી સુકાઇ ગઇ છે, પ્રેમ થીજી ગયો છે.
એક વાર જ્યાં સંબંધનો સેતુ હતો, ત્યાં ભંગાણ પડ્યું છે.
આનાથી દુ:ખ થાય છે, મૈત્રી મુકાબલામાં ફેરવાઇ ગઇ છે.
પ્રેમ ધિક્કારમાં ફેરવાઇ ગયો છે, તમે દુ:ખીના ડાળિયા થઇ ગયા છો;
તમે ક્યાંક ફસાઇ ગયા હો એમ લાગે છે. તમારી બારીઓ બંધ છે
અને સૂર્યના કિરણો પ્રવેશી શકતા નથી.
જિંદગીએ તમને પછડાટ આપી છે.
અંદરથી તમને એક ઝંખના છે કે હું આમાંથી
ક્યારે મુક્ત થાઉં.
પરંતુ તમે મારું માનો તો કહું કે આમાં એક જ રસ્તો છે.
ક્ષમા !
ક્ષમા કરવી. હું જાણું છું કે એ કેટલું મુશ્કેલ છે, પણ કરવા જેવું કામ છે.
ભૂલી જવું એ એક પ્રકારની સર્જકતા છે. એ નવું જીવન નવો આનંદ
લાવે છે. તમારામાં અને બીજામાં જે અગાધ શક્યતોઓ છે તેનું એ
નિર્માણ કરે છે.
તમારે વારંવાર ક્ષમા આપવી જ પડશે.
સાત, સત્તર કે સિત્તેર વાર ક્ષમા અને તે પણ સદાયને માટે આપવી પડશે.
કારણ કે તમને પોતાને પણ અઢળક ક્ષમાની જરૂર છે.