Category Archives: હરિહર જોશી

હજી હમણાં જ બેઠો છું – હરિહર જોશી

કોઈની વાટ નીરખતો હજી હમણાં જ બેઠો છું
અધૂરું ગીત ગણગણતો હજી હમણાં જ બેઠો છું

હતાં ચોમેર મારાં બિંબ દર્પણના નગર વચ્ચે
ડરીને ભીડમાં ભળતો હજી હમણાં જ બેઠો છું

ખબરઅંતર ખરેલાં પાનનાં પૂછી: દિલાસા દઈ
ઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું

અજાણ્યા માર્ગમાં મળશે બીજો પંથી એ આશામાં
હું રસ્તે આંખ પાથરતો હજી હમણાં જ બેઠો છું

મુઢ્ઢીભર આગિયા સાથે હતા અજવાળવા રસ્તો
તમસમાં ખુદ ઝળહળતો હજી હમણાં જ બેઠો છું

– હરિહર જોશી