Category Archives: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સજનવા – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

walk-alone-3.jpg

કેટલી ને ક્યાં લગી કરવી હજુ અટકળ સજનવા.
કાં હવે આવો કાં તેડાવો લખી કાગળ સજનવા.

આંખની સામે જ સઘળે ચીતર્યા હરપળ સજનવા.
કેટલા ભરચક ભરેલા હોય છે હર સ્થળ સજનવા.

‘આવજો’ કીધા પછી વળતી નથી જે કળ સજનવા,
એ જ બસ ખુટવાડતી ચાલી હવે અંજળ સજનવા.

આંખ જ્યાં મીંચાય ત્યાં ઝબકીને પાછું જાગવાનું.
એમ કૈં ખખડ્યાં કરે છે દ્વાર ને સાંકળ સજનવા.

આ અહીંની જેમ ત્યાં પણ કૈંક તો થાતું હશે ને?
પૂર છે ઊમટ્યાં રગેરગમાં હવે ખળખળ સજનવા.

એ જ આશાએ હવે આ સાવ સૂનો પંથ કાપું,
રાહ જોતા ક્યાંક બસ ઊભા હશો આગળ સજનવા.

કોઇ ટહુકે છે ખૂબ આઘેથી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


ખૂબ તરસ્યો છું ધોધમાર વરસ,
તોડ બંધન બધાં ધરાર વરસ.

કોઇ એકાદ જણ તો ભીંજાશે,
છે વરસવું ભલે અસાર, વરસ.

મન અમારું ય સાવ માટીનું,
બસ અમસ્તું ય એક વાર વરસ.

યાદ પેઠે ફરી ફરીને તું;
આવ આવીને અનરાધાર વરસ.

આજ પણ કોઇ ભલે ના આવે,
આજ અંદર નહીં બહાર વરસ.

કોઇ ટહુકે છે ખૂબ આઘેથી,
ચાલ મિસ્કીન મૂશળધાર વરસ.

મૃગજળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.

આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.

સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.

અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?

કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.

પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.

હવે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ocean1.jpg

પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે.

જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે.

આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે,
બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે.

હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે.

એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી ?
થઇ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે.

કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે.

દેહને છોડી જવાનું મન હજુ ‘મિસ્કીન’ ક્યાં ?
ને જીવું હર પળને એવું ક્યાં કશું અંદર હવે ?

માણસ છું -રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ocean.jpg

હૈયે તો છું  પણ હોઠેથી  ભુલાઈ   ગયેલો માણસ છું,
હું  મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ  ગયેલો  માણસ છું.

સૌ  જાણે છે કે  ચાવું છું  પાન હું  હંમેશા મઘમઘતાં,
હર  પિચકારીમાં  રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા  છે શ્વાસ બધા,
જીવું    છું   ઝાંખું પાંખું હું  ભુંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી  રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

કયારેક   એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક  સાવ બજારૂ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને  કહેવું  હું  મારાથી   રિસાઈ  ગયેલો   માણસ છું.

એકલા વાગ્યા નથી પથ્થર મને – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

stone.jpg

જંપવા દેતું નથી પળભર મને,
કોણ કોરી ખાય છે અંદર મને.

કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.

નામ બીજા પણ ઘણા છે દોસ્તો,
એકલા વાગ્યા નથી પથ્થર મને.

ઝેર ભોળા થાવ તો પીવું પડે.
બસ ગમે છે એટલે શંકર મને.

વસવસો, કે જોઇ ટોળામાં પછી,
તેં ગણી લીધો હશે કાયર મને.

પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?

શરૂઆત અધૂરી લાગે છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


શું સાંભળવા ઝંખે છે મન, હર વાત અધૂરી લાગે છે,
આ કોણ નથી સંગાથે કે શરૂઆત અધૂરી લાગે છે.

એ રંગ કયો આંખે ઘૂંટ્યો ? ભીતરથી જાય નહીં છૂટ્યો,
એ રંગ-ભાતને શું નિસ્બત ? હર ભાત અધૂરી લાગે છે.

એમાં થોડું જો સ્મિત ભળે આખો અવસર અજવાળી દે,
આ હું પદ કેવું ખટકે છે ? સોગાત અધૂરી લાગે છે.

જે મૌન મહીં ઘૂંટી હરપળ જે રાત-દિવસ ભીતર ખળખળ,
એ વાત વિનાની તો સઘળી રજૂઆત અધૂરી લાગે છે.

સઘળું છોડીને આવી છે મનગમતા સૌને લાવી છે,
આખરની પળ આખરવેળા કાં રાત અધૂરી લાગે છે.

ક્યાં ખોટ કશાની છે ઘરમાં જીવું છું જાણે અવસરમાં,
આ કોણ યાદ આવ્યું મિસ્કીન કે જાત અધૂરી લાગે છે.