Category Archives: Global કવિતા

ગ્લૉબલ કવિતા : ૪૮ : ગેરહાજરી – અબુ અલ બક્ર તુર્તુશી

Absence

Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.
I question travelers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.
When the wind blows
I make sure it blows in my face:
the breeze might bring me
news of you.
I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.

Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.

Abu Bakr al-Turtushi
Translation into Spanish by Emilio García Gómez
Translatiion from Spanish to English by Cola Franzen

ગેરહાજરી

દરરોજ રાતે હું ફંફોસ્યા કરું છું
આકાશને મારી આંખ વડે,
એ તારો શોધવાને
જેના પર તારીય આંખ મંડાયેલી છે.
પૃથ્વીના ચારે ખૂણાઓથી આવેલા
મુસાફરોની હું પૂછપરછ કરતો રહું છું
કાશ ! એમાંથી એકાદના શ્વાસમાં
તારી સુગંધ મળી આવે.

ફૂંકાતા પવનની બરાબર સામે જ
હું મોઢું રાખીને ઊભો રહું છું
રખે કોઈ ઝોકુ
તારા સમાચાર લઈ આવે

હું ગલી-ગલી ભટ્ક્યા કરું છું
મંઝિલ વિના, હેતુ વિના.
કે કાશ! કોઈ ગીતના બોલમાં
તારું નામ જડી આવે.

છાનામાના હું ચકાસ્યા કરું છું
એ દરેક ચહેરો જે હું જોઉં છું
તારા સૌંદર્યની આછીપાતળી ઝલક મેળવવાની
આકાશકુસુમવત્ આશામાં.

– અબુ અલ બક્ર તુર્તુશી
(અંગ્રેજી પરથી અનુવાદ : વિવેક મનહર ટેલર)

પ્રતીક્ષાની પરાકાષ્ઠાનું નિરવધિ ગાન…

પ્રેમ અને પ્રતીક્ષા પ્રકાશ અને પડછાયાની જેમ તાણાવાણાથી વણાયેલા છે. જ્યાં પ્રેમ હોવાનો ત્યાં પ્રતીક્ષા પણ હોવાની જ. પ્રેમમાં મિલનમાં જેટલી મજા છે એટલી જ મજા વિરહની પણ છે. મિલનની મીઠાઈ એકધારી ખાઈ ખાઈને ઓચાઈ ન જવાય એ માટે જ કદાચ પ્રેમની થાળીમાં વિયોગનું ફરસાણ, ઇંતેજારના અથાણાં અને યાદની ચટણી પણ પીરસવામાં આવ્યા હશે. પ્રેમમાં મિલન કરતાં પ્રતીક્ષા કવિતા માટે પણ હંમેશા વધુ ઉપકારક નીવડ્યા છે. ‘कहीं वो आ के मिटा दें न इंतिज़ार का लुत्फ़, कहीं कबूल न हो जाए इल्तिजा मेरी।‘ (‘હસરત’ મોહાની) અબુ બક્રની પ્રસ્તુત કવિતા પણ પ્રેમ અને પ્રતીક્ષાની પરાકાષ્ઠા પર બિરાજમાન છે…
અગિયારમી-બારમી સદીમાં થઈ ગયેલા અબુ બક્રને આપણે જ્ઞાન માર્ગના પ્રવાસી તરીકે પણ ઓળખીએ છીએ. અહીં કવિ તરીકેની એક બીજી ઓળખાણ આપણી સમક્ષ ખુલે છે. આખું નામ અબુ બક્ર મુહમ્મદ ઇબ્ન અલ-વલિદ અલ-તુર્તુશી. જન્મ ૧૦૫૯માં ઈશાન સ્પેઇનના અલ-અંડાલુસ પ્રાંતના તોર્તોસા ગામમાં. નિધન ઈ.સ. ૧૧૨૬માં એલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્તમાં. ન્યાય અને કાયદાના ઊંડા અભ્યાસુ. મધ્ય યુગીન અંડાલુસી મુસ્લિમ રાજકીય તત્ત્વ ચિંતક. જ્ઞાનોપાર્જનાર્થે અને નાનાવિધ મહારથીઓના હાથ નીચે શિક્ષા પામવા માટે તેમણે છેક બગદાદ સુધી પ્રવાસ કર્યા. એમના ડઝનબંધ શિષ્યો કાયદાશાસ્ત્રીઓ અને ધર્મશાસ્ત્રીઓ બન્યા. એમની સન્યાસી જેવી નિસ્પૃહતા અને ધાર્મિકતાના ચુંબકથી સેંકડો લોકો આકર્ષાયા. એમનું પુસ્તક ‘કિતાબ સિરાજ અલ-મુલક’ (રાજાઓનો દીપક) મધ્યયુગીન ઇસ્લામિક વિશ્વમાં ઇસ્લામિક રાજનીતિક સિદ્ધાંતો પર અમીટ છાપ છોડનારાઓમાંનું મહત્ત્વનું એક છે, જે સદીઓથી આજપર્યંત એક સીમાચિહ્ન, દીવાદાંડી બની પ્રકાશી રહ્યું છે. એમાં અબુ કહે છે, ‘ન્યાયી શાસક એની પ્રજા માટે એ હોવો જોઈએ જે વરસાદ તરસ્યા છોડવાઓ માટે છે, અથવા એથી વધીને, કેમ કે વરસાદ તો થોડા સમય માટે જ છે, જ્યારે ન્યાયના આશીર્વાદ તો સમયાતીત છે.’

પ્રસ્તુત રચના અબુ બક્રની કવિતાના એમિલિયો ગાર્સિયા ગોમેઝે કરેલા સ્પેનિશ અનુવાદ પરથી કોલા ફ્રાન્ઝને કરેલા અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલ ગુજરાતી અનુવાદ છે. દરેક ભાષાની પોતાની એક ફ્લેવર હોય છે. ભાષા જે તે સમાજ અને સમય –બંનેને યથાર્થ ઝીલતી હોય છે. દરેક સમાજની પોતાની કહેવતો, રુઢિપ્રયોગો, રિવાજો અને શબ્દાર્થો છે. ભાષા આ બધાને આગવી છટાથી પોતાની પીઠ પર બેસાડીને સમયની ધાર પર રેવાળ ચાલે ચાલતી હોય છે. એક જ શબ્દ અલગ અલગ સમયે એક જ ભાષામાં અલગ અલગ અર્થ ધરાવતો હોઈ શકે. ૧૩-૧૪મી સદીથી શેક્સપિઅરના સમય દરમિયાન ઑનેસ્ટનો અર્થ ‘આદરણીય’, ‘સદાચારી’, ‘સભ્ય’ થતો હતો પણ આજે એ જ શબ્દનો અર્થ ‘પ્રામાણિક’ થાય છે. એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓને પણ ‘હેન્ડસમ’ કહેવામાં આવતું. જેન ઑસ્ટિન કે થોમસ હાર્ડીની નવલકથાઓમાં આ પ્રયોગ અવારનવાર થતો પણ આજે કોઈ સ્ત્રીને તમે હેન્ડસમ કહો તો? અબુ બક્રની ભાષા કે સ્પેનિશ કે અંગ્રેજી ભાષા પણ ન સમજી શકતા હોય એવા ગુજરાતી કાવ્યરસિકો આ કવિતાની સુંદરતાથી વેગળા રહી જાય એ તો યોગ્ય નથી જ ને? અનુવાદ બે ભાષા, બે સંસ્કૃતિ, બે દેશો વચ્ચેનો પુલ છે. અનુવાદ જ લોકલને ગ્લોબલ બનાવે છે પણ કોઈપણ અનુવાદ સર્વાંગસંપૂર્ણ કદી હોઈ જ ન શકે. જે તે ભાષાની અર્થચ્છાયા અને શબ્દપ્રયોગોની બારીકી બીજી ભાષા કદી પણ યથાતથ ઝીલી શકે જ નહીં. એટલે અનુવાદ એક ભાષાના મૂળ ભાવ અને શબ્દોને બને એટલી ચિવટાઈથી વળગી રહીને એને નવી ભાષા, નવા શબ્દપ્રયોગો અને અર્થચ્છાયામાં ઢાળવાની કળા છે. આ કવિતાનો સ્પેનિશ ભાષામાં અનુવાદ થયો ત્યારે પણ મૂળ કૃતિમાંથી કંઈક રહી ગયું હશે અને કંઈક નવું ઉમેરાયું હશે. સ્પેનિશનો અંગ્રેજીમાં અનુવાદ થયો હશે ત્યારે ફરી આમ બન્યું હશે અને આખરે ગુજરાતીમાં અનુવાદ થયો ત્યારે ફરીથી કંઈક ચૂકી જવાયું હશે ને કંઈક મૂકી જવાયું હશે. એટલે અબુ બક્રની મૂળ કવિતા તો ભગવાન જાણે કેવી હશે! આપણે તો એના અંતઃસત્ત્વની એક ઝલક પામી શકીએ એટલું જ બસ.

સમય કોઈ પણ હોય, પાત્ર કોઈ પણ હોય, સંસ્કૃતિ કોઈ પણ હોય, પ્રેમ હંમેશા જિંદગીની તીવ્રતમ અનુભૂતિ અને ઉચ્ચતમ ઉપલબ્ધિ જ બની રહ્યો છે. વાત પ્રિયતમાની હોય કે અલ્લાહની ઇબાદતની હોય, પ્રેમની તરસ એની એ જ રહે છે… કબીર-મીરા-નરસિંહની સમર્પણભાવના અબુ બક્રની આ કવિતામાં શબ્દે-શબ્દે વર્તાય છે…

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા થોડા લઉં છું કામમાં.

ખલિલ જિબ્રાને કહ્યું હતું: ‘યાદ કરવું એ મુલાકાતનો જ એક પ્રકાર છે.’ પ્રિયજનની ગેરહાજરીમાં સ્મરણ જ સાચો સંગાથી બની રહે છે. એટલે જ કવિ કહે છે,

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
સ્મરણના ‘સ’ વગર તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.

સ્મરણના આ જ ઊંટ પર સવાર થઈને અબુની આ કવિતાનો કાફલો સમયના રણમાં આગળ ધપે છે. અલ્લાહ કહો તો અલ્લાહ અને માશૂકા કહો તો માશૂકા – હવે સાથે નથી. બંદો કે માશૂક હવે એકલો છે. એટલે દરરોજ રાતે એ શૂન્યમનસ્ક આકાશમાં તાકી રહે છે. કવિતા ‘દરરોજ રાતે’થી શરૂ થાય છે એય વિચારવા જેવું છે. આ કોઈ ‘નવું નવું નવ દિવસ’વાળા પ્રેમીની વાત નથી ‘જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો’ (મરીઝ) હોય. પ્રતીક્ષાની તીવ્રતા સાચા પ્રેમમાં સમયની સાથે વધુને વધુ બળવત્તર બનતી હોય છે. નાયક દરરોજ રાતે થાક્યા વિના આખા આકાશને ફંફોસ્યા કરે છે. મતલબ ‘ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.’ (બેફામ) નાયિકા દૂર ચાલી ગઈ છે એ સાચું પણ પ્રણયવિચ્છેદ હજી થયો નથી કે આ વિયોગનું કારણ બેવફાઈ પણ જણાતું નથી કેમકે નાયકને ખબર છે કે ‘जो हाल दिल का इधर हो रहा है, वो हाल दिल का उधर हो रहा है|’ (સમીર). કિટ્સ યાદ આવે: ‘આત્મા બે પણ વિચાર એક જ, બે હૃદય પણ ધબકાર એક જ.’ આ તરફ જો નાયક અથાક ઉજાગરા કરીને આકાશે મીટ માંડીને બેઠો છે તો પેલા ખૂણે નાયિકા પણ એમ જ એકટકે જોતી બેઠી હશે. નાયકને એ તારો જડવાની આશા છે, જેના ઉપર જ નાયિકાનું ધ્યાન પણ કેન્દ્રિત હોવાનું. એક અલગ જ પ્રકારના તારામૈત્રક માટેની આ કેવી ઘેલછા! આ ઘેલછા જો કે ન હોય તો એક રાત કાપવી પણ કપરી થઈ પડે:

‘इक उम्र कट गई है तिरे इंतिज़ार में,
ऐसे भी हैं कि कट न सकी जिनसे एक रात।’ (‘ફિરાક’ ગોરખપુરી)

નાયક પૃથ્વીના ખૂણેખૂણેથી આવનાર વટેમાર્ગુઓની પૃચ્છા કરતો રહે છે:

आते-जाते हर राही से पूछ रहा हूं बरसोंसे,
नाम हमारा लेकर तुमसे, हाल किसीने पूछा है? (વિશ્વાનાથ ‘દર્દ’)

કોઈક મુસાફર કાશ એના સમાચાર લઈ આવે… ‘છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો, છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.’ કોઈક પ્રવાસે ક્યાંક ક્યારેક એને મળી ગયો હોય અને એના શ્વાસમાં કવિને ‘કોઈ જાણીતો શ્વાસ લાગે છે, એ અહીં આસપાસ લાગે છે’ (શોભિત દેસાઈ)ની અનુભૂતિ થાય! પ્રિયતમના સમાચાર મેળવવાની ઝંખના હવે તીવ્રતમ થાય છે. ફૂંકાતા પવનને નાયક પોતાના ચહેરા પર ઝીલી લે છે, એ આશામાં કે નિર્જીવ પવનનું કોઈ એક ઝોકું કદાચ એના સમાચાર લઈને આવ્યું હોય. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય છે. કાલિદાસના મેઘદૂતનો યક્ષ યાદ આવે: ‘कामार्ता हि प्रकृतिकृपणाश्चेतनाचेतनेषु।’ (કામ પીડિત સમજી નથી શકતા કે આ જડ છે, આ ચેતન છે.) (પૂર્વમેઘ)

आलिङ्ग्यन्ते गुणवति मया ते तुषाराद्रिवाताः
पूर्वं स्पृष्टं यदि किल भवेदङ्गमेभिस्तवेति॥
(હે ગુણવતિ! એ વાયુઓને તારા અંગનો સ્પર્શ થયો હોય એમ ધારી હું એને આલિંગું છું.) (ઉત્તરમેઘ)

વાલ્મિકીના રામાયણમાં રામ પણ આવી જ અનુભૂતિ વર્ણવે છે: वाहि वात यतः कान्ता तां स्पृष्ट्वा मामपि स्पृश| (એ સ્ત્રી (સીતા)ને સ્પર્શીને આવતા પવન, મને પણ સ્પર્શ.)

દરબદર, ગલી-ગલી નાયક ભટકી રહ્યો છે. આશ એજ છે ને એક જ છે કે ક્યાંકથી કોઈક ગીત સંભળાય જેના બોલમાં એનું નામ સંતાયેલું હોય. રૂમી કહે છે: ‘પ્રેમીઓ ધૈર્યવાન હોય છે અને જાણે છે કે ચંદ્રને સોળેકળાએ ખીલવા માટે સમય જોઈએ છે.’ જો કે હવે મિલનની રહીસહી આશાનું પોત પણ પાતળું પડી રહ્યું છે. એ જાણવા છતાં કે હવે મિલનની આશા આકાશકુસુમવત્ બની ગઈ છે પણ તોય આ આશા એવી દુર્દમ્ય બની ગઈ છે કે આશાના આ તણખલાના સહારે નાયક ભવસાગર પાર કરવા કૃતનિશ્ચયી બન્યો છે. દુનિયાની ભીડમાં નાયક દરેક ચહેરાને એ હજીય ચકાસી રહ્યો છે કે જરાઅમથી આશાના અજવાળે ક્યાંક પ્રેયસીના ચહેરાની એક ઝલક જોવા મળી જાય!

આવા જ કોઈ પ્રેમઘેલા માટે રૂમીએ કહ્યું હશે: ‘ભલે તમારા મોઢા પર જ દરવાજો કેમ ન બંધ કરી દેવાયો હોય, ધીરજપૂર્વક રાહ જુઓ.’ જિબ્રાને સાચું જ કહ્યું છે: ‘કોઈપણ ઝંખના અપરિપૂર્ણ રહેતી નથી.’ જો મિલન અને વિરહ પ્રેમની બે આંખ હોય તો ધીરજ અને આશા પ્રેમના બે પગ છે. એના વિના પ્રેમ ચાલી શકતો જ નથી. પ્રેમી જ કહી શકે: ‘તારી પ્રતીક્ષામાં હું રોજેરોજ મર્યો છું. પ્રિયે, ડરીશ મા. હું તને હજારો વર્ષોથી ચાહતો આવ્યો છું. હું તને હજારો વરસ ચાહતો રહીશ.’ (ક્રિસ્ટીના પેરી) ફરી જિબ્રાન યાદ આવે: ‘એકાંત એ નિઃશબ્દ તોફાન છે જે તમારી તમામ મૃત ડાળીઓને તોડી પાડે છે; છતાં આપણા જીવંત મૂળને જીવિત ધરાના જીવંત હૃદયમાં ઊંડા ઉતારે છે.’

સ્મરણ એ પ્રેમની રગોમાં વહેતું રુધિર છે. પ્રેમમાં સાથે હોવામાં જે મજા છે એથીય અદકેરી મજા સાથને સ્મરવામાં છે. વિયોગની કપરી કમરતોડ પળોએ યાદોની ભીંત જ પ્રેમને અઢેલવા માટે કામ લાગે છે. ૫૮મા સોનેટમાં શેક્સપિઅર કહે છે: ‘I am to wait, though waiting so be hell’ (મારે રાહ જોવાની જ છે, ભલે આમ રાહ જોવું નર્ક કેમ ન હોય!) તો ૫૭મા સોનેટમાં એ કહે છે, ‘કેમકે હું તારો ગુલામ છું, તું ઇચ્છે એ સમય આવે ત્યાં સુધી કલાકો પ્રતીક્ષા કરવા સિવાય હું બીજું શું કરી શકું?’

પ્રાચીન ઉર્દૂ-ફારસી કવિતામાં માશૂક અને અલ્લાહને અળગા કરવા ઘણીવાર અશક્ય બની જાય છે. કવિતા પરનો નકાબ ઉતારીએ ને અંદરથી પ્રિયતમ નીકળે છે કે ઈશ્વર – એ નકાબ હટાવનારની અનુભૂતિ પર જ અવલંબિત રહે છે. પ્રેમની ક્ષિતિજ પર આમેય અલ્લાહ અને માશૂક એકમેકમાં ઓગળી જાય છે. પ્રિયજનની ગેરહાજરીને તારસ્વરે વાચા આપતી આ રચનાને પણ ઈશ્વરની અનુપસ્થિતિ અને ઈશ્વરની એક ઝલક પ્રાપ્તિ માટેની આકંઠ તાલાવેલી તરીકે પણ જોઈ શકાય. કે કદાચ એ રીતે જ જોઈ શકાય? કહેજો…

ગ્લૉબલ કવિતા : ૪૭ : હાઇકુ – કોબાયાશી ઇસા

Haiku

These sea slugs,
they just don’t seem
Japanese.

The crow
walks along there
as if it were tilling the field.

Even with insects—
some can sing,
some can’t.

Don’t worry, spiders,
I keep house
casually.

New Year’s Day—
everything is in blossom!
I feel about average.

The snow is melting
and the village is flooded
with children.

Mosquito at my ear—
does he think
I’m deaf?

All the time I pray to Buddha
I keep on
killing mosquitoes.

A huge frog and I,
staring at each other,
neither of us moves.

Fiftieth birthday:

From now on,
It’s all clear profit,
every sky.

Children imitating cormorants
are even more wonderful
than cormorants.

It once happened
that a child was spared punishment
through earnest solicitation.

Summer night–
even the stars
are whispering to each other.

O snail
Climb Mount Fuji
But slowly, slowly!

– Kobayashi Issa
(Eng Tra.: Robert Hass)

હાઇકુ

ગોકળગાય
જે હોય એ, જાપાની
નથી જ નથી.

કાગડો ચાલે
એમ, જાણે ખેડતો
ન હો ખેતર.

જંતુઓમાંય
કોઈ ગાઈ શકે છે
કોઈક નહીં.
ચિંતા ન કર,
કરોળિયા, રાખું છું
ઘર એમ જ.

નૂતન વર્ષ –
બધું પૂરજોશમાં
હું છું તટસ્થ.

બર્ફ પીગળ્યો
ગામ છલકી ઊઠયું
છે બાળકોથી.

મચ્છર, કાન
પાસે- શું વિચારે છે?
હું બહેરો છું?

પ્રાર્થતી વેળા
બુદ્ધને હરપળ
મારું મચ્છર.
દેડકો ને હું,
તાકે છે ઉભયને
હલે ન કોઈ.

પચાસમી વર્ષગાંઠે:

હવે પછીથી,
એ સૌ સાફ નફો છે,
દરેક આભ.

જળકાગથી
નિરાળાં, એની કોપી
કરતાં બાળ.

એકદા બાળ
સજાથી બચ્યું, તીવ્ર
આજીજી વડે.

તારાય કરે
ગ્રીષ્મમાં, કાનાફૂસી
એકમેકથી.

ગોકળગાય
આંબ માઉન્ટ ફુજી
ધીમે… ધીમેથી…

– કોબાયાશી ઇસા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

ગાગરમાં સાગર : હથેળીમાં આભ

‘એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ; ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પ્હાડ !’ –કવિશ્રી જયંત પાઠકના ગીતની આ કડી જાણે કે હાઇકુની વ્યાખ્યા ન હોય એમ લાગે છે. હાઇકુ હવે આપણા માટે નવો કાવ્યપ્રકાર નથી. હાઇકુ એટલે ગાગરમાં સાગર. થોડામાં ઘણું કહી દેવાની કળા એટલે હાઇકુ. કાગળ પર કલમનો એક લસરકો ફરે અને જંગલજંગલ ઝાડ ઊગી નીકળે… વિચારનું એક ટપકું પડે અને પહાડ ફૂટી નીકળે એ ઘટનાનું બીજું નામ એ હાઇકુ. હાઇકુ ભારતમાં પહેલવહેલીવાર લાવનાર હતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર. ગુજરાતી ભાષામાં હાઇકુ સ્નેહરશ્મિ લઈ આવ્યા પણ મૂળે એ જાપાનીઝ કાવ્યપ્રકાર છે. જાપાનીઝ કવિ ઇસાના કેટલાક હાઇકુ અહીં માણીએ.

કોબાયાશી ઇસા. મૂળ નામ કોબાયાશી નોબુયુકી. બાળપણનું નામ કોબાયાશી યાતરો. ઇસા એમનું ઉપમાન છે જેનો અર્થ ‘ચાનો કપ’ થાય છે. જાપાનના ‘ગ્રેટ ફોર’ (ચાર મહાન) હાઇકુ સર્જકોમાંના એક. (બાશો, બુસોન અને શિકી અન્ય ત્રણ.) જાપાનમાં ૧૫-૦૬-૧૭૬૩ના રોજ જન્મ. જીવન જાણે દુઃખનો પર્યાય હતું. નાની ઉંમરે મા ગુજરી ગઈ. સાવકી મા-ભાઈ જોડે ફાવ્યું નહીં. પિતાની મિલકત બાબતમાં ટંટો થયો. પહેલી પત્ની અને એનાથી થયેલા ત્રણેય સંતાન અવસાન પામ્યાં. બીજું લગ્ન નિષ્ફળ ગયું. ઘર આગમાં ભસ્મીભૂત થયું. ત્રીજા લગ્નથી પુત્રી જન્મે એ પહેલાં તો ઇસા પોતે જ ૦૫-૦૧-૧૮૨૮ના રોજ અવસાન પામ્યા.

નાના-નાના જીવજંતુઓ – મચ્છર,માખી, કરોળિયા, દેડકા, ગોકળગાય ઇસાના હાઇકુના ખરા હીરો છે. રોજબરોજના વપરાશની સરળ ભાષા, રોજબરોજના વિષયો, તીક્ષ્ણ અવલોકનશક્તિ, પ્રવર્તમાન સમાજની તીવ્ર વિવેચના અને ઉમદા સંગીતથી એમની કવિતાઓ અલગ જ પોત સાથે ઉપસી આવી અને જાપાનીઓના દિલમાં ઘર કરી ગઈ. વિશાળ માત્રામાં કાવ્યસર્જન કર્યું. ૨૦,૦૦૦ જેટલા હાઇકુ લખ્યા. કોઈકે કહ્યું છે કે કવિતા એમના હૃદયની ડાયરી હતી. એ પોતાના હાઇકુ સાથે સંલગ્ન ચિત્રો પણ દોરતા અને એમના ચિત્રો પણ એટલા જ પ્રસિદ્ધ છે.

હાઇકુનું મૂળ નામ ‘હોક્કુ’. જાપાનીઝ કાવ્યપ્રકાર ‘રેન્ગા’ અને ‘રેન્કુ’ની શરૂઆતમાં હોક્કુ (પ્રારંભિક કાવ્યાંશ) આવતું. બાશોના સમયમાં એ સ્વતંત્ર કાવ્ય બન્યું. મસાઓકા શિકીએ ‘હાઇકુ’ નામ આપ્યું. હાઇકુના ત્રણ મુખ્ય ઘટકતત્ત્વ છે. (૧) ‘કીરુ’ અર્થાત્ ‘કાપનાર’. બે ચિત્ર કે વિચાર અને એમની વચ્ચે એમને કાપતો શબ્દ ‘કિરેજી’, જે બંને ચિત્ર કે વિચારને અલગ પણ પાડે ને બંને વચ્ચેનો પરાપૂર્વનો સંબંધ પણ સ્થાપિત કરે એ કીરુનું મુખ્ય પાસુ છે. (૨) હાઇકુ ૧૭ ધ્વનિ (આપણે ત્યાં અક્ષર, અંગ્રેજીમાં શબ્દાંશ)નું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ધ્વનિના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. જાપાનીઝ ભાષામાં હાઇકુ એક જ ઊભી લીટીમાં લખાય છે. અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણ વિભાગ ત્રણ પંક્તિ બની ગયા છે. ૩-૫-૩ ગોઠવણીથી કુલ ૧૧ ધ્વનિવાળું પણ હાઇકુ હોઈ શકે છે. (૩) ‘કીગો’ અર્થાત્ ઋતુનો સંદર્ભ પણ લગભગ ફરજિયાત છે. એવો નિયમ પ્રસ્થાપિત થયો કે ઋતુસંદર્ભ પહેલી અથવા ત્રીજી પંક્તિમાં જ આવવો જોઈએ. પ્રકૃતિ અને બૌદ્ધવાદ હાઇકુના પ્રાણ છે. રૉબર્ટ હાસના મત મુજબ બૌદ્ધ તત્ત્વમીમાંસાના મૂળમાં ત્રણ ઘટક તત્ત્વ છે: તેઓ ક્ષણભંગુર છે, તેઓ આકસ્મિક છે અને તેઓ સહન કરે છે… સરળ ભાષા હાઇકુની પૂર્વશરત છે. બાશોએ કહ્યું હતું, ‘હાઇકુનું કામ છે સામાન્ય ભાષાને સુધારવું’ રોબર્ટ હાસ કહે છે, ‘કદાચ (હાઇકુને વાંચવાનો) શ્રેષ્ઠ રસ્તો, શક્ય હોય એટલી સપાટ રીતે અને શબ્દશઃ વાંચવું એ છે.’ હાઇકુ બૌદ્ધવાદ અને ઝેનપંથથી પ્રભાવિત કાવ્યપ્રકાર હોવાથી અર્થ તારવવાની પ્રક્રિયા છોડી દેવી જોઈએ અને અર્થ તારવીએ તો એને એક અલગ જ ઘટના તરીકે જોવું જોઈએ એમ એ કહે છે. ઇમેજીસ્ટ કવિ એઝરા પાઉન્ડ હાઇકુના લાઘવ અને ચમત્કૃતિથી ખૂબ પ્રભાવિત હતા. એમની અમર કૃતિ -ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો- મૂળ છત્રીસ પંક્તિમાંથી મઠારી-મઠારી ઘટાડી-ઘટાડીને એમણે એક વરસની તપશ્ચર્યાના અંતે ચૌદ શબ્દોની બનાવી હતી જેને ઘણા હાઇકુસ્વરૂપનું સૉનેટ પણ ગણે છે. (The apparition of these faces in the crowd/ Petals on a wet, black bough)

હવે કોબાયાશીના હાઇકુ તરફ વળીએ:

૧) અમેરિકાએ બે અણુબૉમ્બ નાંખીને જાપાનની કરોડરજ્જુ ભાંગી નાંખી પણ જાપાની પ્રજા તો ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠી થઈ ગઈ. જાપાનીઝ જેવી કર્મઠ પ્રજા જડવી મુશ્કેલ અને કોબાયાશી બહુ સરસ રીતે સત્તર જ ધ્વનિમાં આખી પ્રજાના આત્માને અભૂતપૂર્વરીતે પ્રગટ કરી આપે છે. કોઈ બહુ જ ધીમું હોય તો આપણે એને ગોકળગાય કહીએ છીએ. કવિ કહે છે કે ગોકળગાયની ગતિ એટલી બધી ધીમી છે કે એ ગમે તે હોય પણ જાપાની તો જરાય નથી જ નથી. કેવી અદભુત કવિતા!

૨) શકટનો ભાર શ્વાન તાણે એમ બિનમહત્ત્વના માણસો પોતે સર્વેસર્વા ન હોય અને સૃષ્ટિ જાણે પોતા થકી જ ન હોય એમ ક્યારેક વર્તતા હોય છે. ખાલી ચણો વગે ઘણો. અહીં કાગડાની જગ્યાએ કોઈપણ પક્ષી મૂકી શકાયું હોત પણ કવિને માટે આ જગ્યાએ માત્ર પક્ષી જ નહીં, પક્ષીનો રંગ પણ અભિપ્રેત છે. કાગડાનો રંગ કાળો હોવાથી જ કવિએ બીજું પક્ષી વિચાર્યું નથી. કાગડો ખેતર ખેડવાના વહેમમાં ચાલતો હોવાના શબ્દચિત્રથી કવિએ ભ્રમિત, ચલિત અને અહમપિડિત લોકોના ચારિત્ર્યના કાળા રંગને, અને ભ્રમણાઓને બખૂબી ઉપસાવી આપ્યા છે.

૩) ગળાકાપ સ્પર્ધાનો જમાનો છે. આખા સમાજની આંખે ઘોડાની જેમ ડાબલા ન બાંધ્યા હોય એમ બધા માત્ર ભૌતિક પ્રગતિ તરફ જ જોઈ રહ્યા છે. પૌરાણિક ગ્રીસમાં નબળા જન્મેલા બાળકોને ટેગેટસ પર્વતની તળેટીમાં ભૂખે મરવા માટે , ઠંડીથી થીજીને કે જંગલી પ્રાણીઓના શિકાર થવા માટે છોડી દેવામાં આવતા. ‘સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ’નો ડાર્વિનવાદ કદાચ આ સ્વરૂપે ત્યારે અમલી થયો હશે પણ દુન્યવી સફળતા પાછળની આવી દોડ તો માનવજાતના ઇતિહાસમાં પહેલાં ક્યારેય નોંધાઈ નથી.ઉદાહરણ તરીકે જોઈએ તો દરેક મા-બાપ એમ જ ઇચ્છે કે એમનું સંતાન બધા જ ક્ષેત્રમાં અવ્વલ જ હોય. આવા ‘સુપરકિડ્ઝ’ના સ્વપ્નજનકો માટે જ જાણે કવિએ કહ્યું છે કે માણસો તો છોડો, જંતુઓ પણ બધા સરખા હોતા નથી. એમાંય કોઈ ગાઈ શકે છે, કોઈ નહીં. દરેક જીવ એ પોતાની રીતે અનોખો જીવ છે અને ‘ટકે શેર ભાજી’ના ગંડુ-ગજથી બધાને માપવા મૂર્ખતાથી વિશેષ કંઈ નથી.

૪) ઘર એટલે એવી ચાર દીવાલ જ્યાં તમારો થાક પણ અઢેલી શકે. ફાઇવસ્ટાર હૉટલના ઐશ્વર્યસભર કમરામાં પણ એ શાંતિ મળતી નથી જે ઘરની રૂની ગાદીમાં મળે છે. જીવજંતુઓને પણ પોતાના ઘરની ચિંતા તો હોવાની. કવિની આંખ એ સૃષ્ટાની-ઈશ્વરની આંખ છે, એમાં દરેક માટે સમ્યક્ દૃષ્ટિ જ હોવાની. બહુ સફાઈદાર ઘરમાં કરોળિયો કેવી રીતે ઘર કરી શકે? કવિ એટલે જ કરોળિયાને હૈયાધરપત આપે છે કે હું મારું ઘર એમ જ –અસ્તવ્યસ્ત- રાખું છું, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. ઝેન સિદ્ધાંત મુજબ માણસે એ જેમ છે એમ જ રહેવાની જરૂર છે. ઝેન સિદ્ધાંત બાહ્યાડંબરને નકારે છે એ નજરિયાથી પણ હાઇકુને જોઈ શકાય.

૫) હિંદુ કરતાં ખ્રિસ્તી નવા વર્ષને આજકાલ આપણે વધુ આવકરાતા થઈ ગયા છીએ એ અલગ વાત છે પણ દર વરસે નવું વર્ષ આવે એટલે આપણે ઘરની સફાઈ, નવા કપડાં-રાચરચીલાની ખરીદીથી લઈને ખાણી-પીણી સુધી એવી રીતે વર્તન કરીએ છીએ કે નવું વર્ષ બધા જ દુઃખોનો અંત આણીને સાચે જ સુખનો સૂરજ લઈને આવશે. દર વરસે આપણો સ્વપ્નભંગ થાય છે ને દરવરસે આપણે એનું એ સ્વપ્ન ફરી જોઈએ જ છીએ. કવિનો અભિગમ ‘નવા વર્ષની હું કથા શી લખું? શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું?’ જેવો છે. એ તટસ્થ રહે છે. આમેય કવિનો મોહભંગ કરે એવી મેનકા જડવી દોહ્યલી છે.

૬) વસંતના આગમનનું મજાનું દૃશ્ય કવિ દોરી આપે છે. આપણે ત્યાં તો હિમવર્ષાની સમસ્યા નથી એટલે એની તકલીફો અને સ્થગિત થઈ જતી જિંદગીનો આપણને પરિચય પણ નથી. પણ જ્યાં બરફ સમાજજીવનનો મોટો હિસ્સો ઝબ્બે કરી લે છે ત્યાં બરફનું પીગળવું એ બંધ પડી ગયેલા ફેફસાંમાં પ્રાણવાયુના પુનર્પ્રવેશ જેવું છે. શિયાળામાં જામી રહેલા બરફની સાથોસાથ જ જામી રહેલી જિંદગી પણ જાણે પીગળી રહી છે, વહી રહી છે. ડબ્બામાં પૂરાયેલી બકરીઓ ભાગાદોડી કરી મૂકે એમ જ બરફ પીગળતાં પાણીનું નહીં, ગામમાં બાળકોનું, જિંદગીનું પૂર ફરી વળે છે.

૭) મોટાભાગના હાઇકુ બહુઆયામી જિંદગીની કોઈક ક્ષણની તસ્વીર જ હોવાના. એમાંથી અર્થ તારવી શકાય તો એ તમારો નફો, બાકી કવિને તો સત્તર ધ્વનિમાં એક ચિત્ર પૂરું કરવાના આનંદથી વધુ કંઈ ખપતું નથી. A poem has to be, not mean. (આર્ચિબાલ્ડ મેકલિશ). કાયમ કાનની પાસે જ આવીને ગણગણ કરતા મચ્છરની પ્રકૃતિ જોઈને કવિને સહજ પ્રશ્ન થાય છે કે આ શા માટે કાયમ કાન લગોલગ આવીને જ ગણગણ્યા કરે છે? શું એ એમ વિચારે છે કે હું બહેરો છું?

૮) આપણું બધું જ ઉપરછલ્લું, દેખાવ પૂરતું જ. ડોળ પ્રાર્થનાનો હોય પણ ધ્યાન મંદિર બહાર કાઢેલા ચપ્પલમાં હોય -કોઈ ચોરી તો નહીં જાય ને? આપણી ભીતરની દૃષ્ટિ ખૂલી છે કે નહીં એના કરતાં બાજુવાળાએ આંખ મીંચી છે કે નહીં એમાં આપણને વધુ રસ હોય છે. રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે આપણે ઊભા થઈ જઈને ચારેબાજુ કોઈક ‘દેશદ્રોહી’ બેસી તો નથી રહ્યો ને એ અવશ્ય ચકાસતાં હોઈએ છીએ. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’ જેવી આ વાત છે.

૯) ઝેનનો એક સિદ્ધાંત ‘સૈજાકુ’ અર્થાત્ સ્થિરતા કે શાંતિ છે. ઝેન કહે છે, ‘કંઈક કરવું કંઈ જ ન કરવાથી હંમેશા સારું હોતું નથી.’ આર્ટ ઑફ ડુઇંગ નથિંગનો ઝેનમાં અર્થ સક્રિય શાંતિ (Active Calm) થાય છે જે આ હાઇકુમાં દૃષ્ટિગોચર થાય છે. નાયક અને દેડકો બંને એકમેકને તાકતા સ્થિર ઊભા છે. ગતિનો અભાવ જ અહીં ખરી ગતિ છે.

૧૦) આપણે ત્યાં પચાસ પૂરા થાય એને વનપ્રવેશ અથવા વાનપ્રસ્થાશ્રમ કહે છે. સંસારની મોહમાયા અને પળોજણમાંથી મુક્ત થઈ મનુષ્યે ભીતરની જાતરા શરૂ કરવાની, લાંબી ઊંઘમાંથી જાગવાની આ ઘડી છે. કોબાયાશી પણ પચાસમી વર્ષગાંઠે આવું જ અનુભવે છે. હવે પછીની જિંદગી, જેટલી અને જે મળે છે એ બધી રોકડો નફો જ છે. જેટલા આભ, જેટલા દિવસ જોવાની ઈશ્વર હવે તક આપે એ બધા જ આભ, એ બધા દિવસ બોનસ જ છે.

૧૧) નકલ આમ તો કદી અસલની બરાબરી કે અસલથી ચડિયાતી હોવાની નથી પણ આ નિયમમાં એક અપવાદ છે. બાળકો! બાળકોની સહજ કૌતુકવૃત્તિમાં જે નિર્દોષતા રહેલી છે એ નકલને પણ મૂળથી વધુ નિરાળી, રોચક બનાવી દે છે. પશુ-પક્ષી એમની દિનચર્યામાં જે પણ કરે એ તો નૈસર્ગિક છે, એ એમનું જીવન છે અને એ તો એમ કરવાનાં જ પણ નાનાં બાળકો એમની નૈસર્ગિક ક્રિયાઓની નકલ ઉતારતા હોય એ દૃશ્ય વધુ જીવંત, વધુ રોમાંચક જ હોવાનું.

૧૨) બાળકોને સજા કરવી એ મોટાઓનો જન્મસિદ્ધ અધિકાર છે જાણે. ભાગ્યે જ કોઈ બાળક મોટાના હાથે સજા પામ્યા વિના મોટું થયું હશે. સીધી-સહજ નહીં પણ ‘તીવ્ર’ આજીજી શબ્દપ્રયોગ કરીને કવિ આપણી સમાજવ્યવસ્થામાં બાળકના સ્થાન પર તીવ્રતમ કટાક્ષ કરે છે. બહુ વિનંતી કરવામાં આવે તોય બહુ ઓછાં બાળકો બહુ ઓછીવાર મોટેરાંઓની સજાથી બચતાં હશે. જાપાનના જ લેખિકા તેત્સુકો કુરુનાયોગીનું ‘તોત્તોચાન’ પુસ્તક આવી જ વાત બહુ રસપ્રદ રીતે કરે છે.

૧૩) ઉનાળો મનુષ્યની ક્ષમતાની કસોટીનો સમય છે. દિવસભરની ગરમી માણસને તોડી નાંખે છે. આટલું પૂરતું ન હોય એમ ઉનાળાની રાત પણ નકરા ઉકળાટથી ઉકળતી હોય છે. ઉનાળાની આવી રાત બચ્યાકૂચ્યા માણસનેય લીંબુના આખરી ટીપાની જેમ નિચોવી નાંખે છે. કવિ જોકે આકાશમાંના તારાઓની મદદથી તીર તાકે છે. ઉનાળાની રાતે ટમટમતા તારા પણ બહુ બોલકા દેખાતા નથી. નિચોવાઈ ગયેલી માનવઊર્જા ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ના ન્યાયે આપણને આકાશમાંય પરિવર્તાતી ભાસે છે. તારા જેવા તારા પણ ગુફ્તેગૂના બદલે કાનાફૂસીથી કામ ચલાવી લે છે.

૧૪) ‘ટીપે ટીપે સરોવર ભરાય’ની પેઠે આ હાઇકુ ધીરજ અને લગનનો મહામહિમા કરે છે. ‘પંગુ લંઘયતે ગિરિમ્’. ‘અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો’ (?શૂન્ય પાલનપુરી). અઢીહજાર વર્ષ પહેલાં ચીની ફિલસૂફ લાઓઝી કહી ગયા હતા, ‘હજાર મીલોની મુસાફરી પણ એક પગલાંથી જ શરૂ થાય છે.’ આજ વાત આ હાઇકુમાં પ્રસ્તુત છે. સૃષ્ટિનું કદાચ સૌથી ધીમું જળચર ગોકળગાય પણ પર્વત આંબી શકે છે, ધૈર્ય અને ખંત હોય તો. (આ એક હાઇકુનો અંગ્રેજી અનુવાદ આર. એચ. બ્લિથે કર્યો છે)

અંતે એક સૉનેટની બે પંક્તિઓ:

‘લાગે ભલે કદથી હાઇકુ નાનું તોયે,
સોનેટથીય અદકેરું બની શકે છે.’

ગ્લૉબલ કવિતા : ૪૬ – ઓઝિમન્ડિસ – શેલી

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley

ઓઝિમન્ડિસ

હું મળ્યો’તો પુરાતન મલકના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
ટીકા સૌની જે હાથ થકી કરી ને પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર લિખિત છે ત્યાં શબદ આ:
મહારાજા છું, ઓઝિમનડિસ છે નામ મુજ, ને
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
ન બીજું બચ્યું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)

समय समय बलवान है|

સૌથી મોટો વિનાશક કોણ? સંહારના દેવતા શંકર? ના, ના, સમય જ! શિવનું તાંડવ તો ત્રીજું નેત્ર ખૂલે ત્યારે જ જોવા મળે પણ સમય તો ક્ષણ-ક્ષણના છીણી-હથોડા લઈ સતત સંહારતો રહે છે. એનું ટાંકણું ભલભલા ‘છે’ને ‘હતા’ બનાવી દે છે. સમય અવળો હોય તો મહાભારતનું આખું યુદ્ધ અંકે કરી લેનાર અર્જુન પણ મામૂલી ભીલના હાથે લૂંટાઈ જાય છે:

समय समय बलवान है, नहीं मनुष बलवान,
काबे अर्जुन लूंटियो, वही धनुष, वही बाण॥

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. સમયનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે. સમયની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

પર્સી બિશ શેલી. ૦૪-૦૮-૧૭૯૨ના રોજ ઇંગ્લેન્ડમાં જન્મ. વંશપરંપરાગત અમીર. પણ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો, આઝાદ મગજ અને બૌદ્ધિક જિજ્ઞાસા દીવા જેવા સાફ. મુક્તપ્રેમના અને નાસ્તિકવાદના ચાહક. ‘નાસ્તિકતાની જરૂરિયાત’ શીર્ષકવળું પોતાનું લખાણ પરત ખેંચી લેવાની માંગણીના અસ્વીકારના કારણે એ ન માત્ર ઓક્સફર્ડમાંથી, ધનાઢ્ય પરિવારથી પણ અને એ રીતે આર્થિક મોકળાશથીય વેગળા થયા. ઓગણીસ વર્ષની ઉંમરે હેરિયટ વેસ્ટબ્રુકની સાથે ભાગી ગયા અને લગ્ન કર્યા. બે સંતાનના પિતા પણ થયા પણ પછી મેરી ગોડવિનના પ્રેમમાં પડી એની સાથે ભાગી નીકળ્યા અને ઇટાલીમાં સ્થાયી થયા. બાયરન સાથે ગાઢી દોસ્તી કરી. ૦૮-૦૭-૧૮૨૨ના રોજ શબ્દોના મહાસાગરને સફળતાપૂર્વક પાર કરી શકનાર શેલી ૨૯ વર્ષની નાની વયે ડોન જુઆન નામની યાટમાં તોફાનમાં ફસાઈને સ્પેઝિયાના અખાતમાં ડૂબી ગયા. શેલીના અકાળ અવસાનથી સાહિત્યજગતને પડેલી ખોટ પૂરી પૂરાય એમ નથી.

શેલી રોમેન્ટિસિઝમના અગ્રગણ્ય કવિ હતા. જે રીતે નાટ્યકાર તરીકે શેક્સપિઅર અતુલ્ય ગણાય છે એ જ રીતે ગીતકાર તરીકે શેલી નિર્વિવાદપણે બેજોડ છે. સ્વપ્નદૃષ્ટા પ્રબોધક કાવ્યો અને ઉત્તમોત્તમ નાના ગીતકાવ્યો –એમ શેલીને બે સાફ વિભાગમાં વહેંચી શકાય. શેલીની શૈલી સરળ, સહજ, લવચિક અને આવેશપૂર્ણ હતી. ભાષાની શુધ્ધતા, કલ્પનની ઊંચાઈ અને બયાનની પ્રવાહિતાના કારણે શેલી બધાથી અલગ તરી આવે છે. ટૂંકમાં શેલી સરળતા અને ગહનતાનો સુભગ સમન્વય હતા.

ઓઝિમન્ડિસ (અંગ્રેજી ઉચ્ચાર ઓઝિમન્ડિયાસ) શીર્ષક આપણા માટે આગંતુક છે. લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ઇજિપ્શ્યન નામ User-maat-Re હતું જેનું ગ્રીક ઓઝિમન્ડિસ હતું. શેલી એ રેમસિઝ કે ઉસર-માત-રે પડતાં મૂકીને ઓઝિમન્ડિસની પસંદગી કરી કેમકે પ્રાચીન ગ્રીક ભાષા પર એમનું ખાસ્સંલ પ્રભુત્વ હતું. ઓઝિયમનો અર્થ શ્વાસ કે હવા થાય છે અને મેન્ડેટ અર્થાત્ શાસન કરવું. એ અર્થમાં ઓઝિમન્ડિસ મતલબ “શાસન કરવા માટે શ્વસવું (જીવવું).” ઓઝિમન્ડિસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો ત્રીજો ફેરો હતો. તમામ ફેરોમાં એ સૌથી વધુ શક્તિશાળી હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું. એના વિશાળકાય પૂતળા નીચે કુંભી પર આ લખાણ હતું: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝિમન્ડિસ. જે કોઈપણ એ જાણે કે હું કેટલો મહાન હતો અને ક્યાં સૂતો છું, એને મારા કાર્યોમાંથી એકને વટી જવા દો.’

મોટા દેખાવું, પ્રસિદ્ધ થવું કોને નથી ગમતું પણ પોતે હોઈએ એનાથીય વધુ વિરાટ દેખાવાની ઝંખના જ્યારે બિમારીની કક્ષાએ પહોંચે ત્યારે એને મેગાલોમેનિયા કહે છે. મેગાલોમેનિઆક સ્વથી આગળ વધી શકતો નથી. આ બિમારી હાલ નાર્સિસિસ્ટીક પર્સનાલિટી ડિસઓર્ડર (NPD) તરીકે ઓળખાય છે. મેગાલોમેનિઆકના હાથમાં ઓઝિમનડિસ જેવી સત્તા આવી જાય એનું એક ઉદાહરણ આ ગંજાવર પૂતળું છે. પણ જે રીતે અંધારું નાના-મોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાંખે છે એ જ રીતે સમય પણ ખોટી મોટાઈને ભૂંસીને નીરક્ષીરન્યાય કરી જ દે છે. કહ્યું છે ને:

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. સ્મિથના સૉનેટમાં શેલીએ જે વાત કરી છે એની સાથોસાથ લંડન શહેરની શિકારી દોડ અને શક્તિશાળી પ્રાચીન જાતિઓ વિશેનું આશ્ચર્ય વ્યક્ત થયું છે.

ઓઝિમન્ડિસ સૉનેટ અષ્ટક-ષટક સ્વરૂપે બહુધા આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ શેલીએ ટ્રોકી (trochee) પણ અનિયમિતતાથી વચ્ચે વચ્ચે પ્રયોજીને કોઈ કે છંદને વળગી રહેવાનો વિરોધ કર્યો છે. સૉનેટ સ્વરૂપ પેટ્રાર્કન છે પણ પ્રથમ ચાર પંક્તિમાં શેક્સપિરિઅન પ્રકારની અને એ પછી બિલકુલ અનિયમિત પ્રાસરચના (ABABACDC EDEFEF) પ્રયોજાઈ છે. આ અટપટી પ્રાસરચના કાવ્યને કોઈ રીતે ઉપકારક ન હોવાથી શિખરિણીમાં ગુજરાતી અનુવાદ કરતી વખતે એ પ્રકારની પ્રાસરચના જાળવવી અનિવાર્ય લાગી નથી.

શેલીની આ રચના એની ખરી શૈલીની દ્યોતક નથી. પ્રમાણમાં આખી કવિતા એક જ લીટીમાં ચાલે છે અને કોઈપણ ગૂઢાર્થ ખિસ્સામાં છુપાવી રાખીને ભાવકને મળતી નથી. તરત જ સમજી શકાય એવી સરળ હોવા છતાં જનમનને તરત જ સ્પર્શી જાય એવું સાર્વત્રિક ભાવકેન્દ્ર ધરાવતી હોવાના કારણે એ શેલીની સૌથી વધુ લોકપ્રિય થયેલી અને ટંકાયેલી રચના બની છે. આખી રચના બે સ્તરે ચાલતા એકતરફી સંવાદ સ્વરૂપે છે. એક બાજુ, કવિ વાચક સાથે એકતરફી વાત કરે છે અને બીજી બાજુ, એક વટેમાર્ગુ કવિની સાથે વાત કરે છે અને પ્રથમ સવા લીટીને બાદ કરતાં આખો મોનોલોગ વટેમાર્ગુ તરફથી જ કરવામાં આવ્યો છે. એક રીતે આ ઓઝિમન્ડિસની સરમુખત્યારીનું પણ દ્યોતક ગણી શકાય.

કાવ્યારંભે કવિ કહે છે કે એ કોઈક પ્રાચીન સ્થળ, અહીં ઇજિપ્ત તરફથી આવેલા મુસાફરને મળ્યા હતા. અને એ મુસાફરે કવિને જે બયાન આપ્યું એ બયાન એટલે બાકીનું આખું સૉનેટ. ઇજિપ્તના રણમાં નજર પહોંચે ત્યાં સુધી ચારે તરફ અફાટ રેતી જ રેતી ફેલાઈ પડી છે. મુસાફરી કરતી વખતે મુસાફર રેતીના સમુદ્રની વચ્ચોવચ ઊભા એક પૂતળા પાસે આવે છે. સમયની થપાટો ખાઈ ખાઈને પૂતળું હતું-ન હતું થઈ ગયું છે. માત્ર એક કુંભી પર બે વિરાટકાય પગો ઊભેલા રહી ગયા છે. માથું તૂટીને રણમાં પડ્યું છે ને અડધું રેતીમાં ગરકાવ પણ થઈ ગયું છે. ધડનું તો ક્યાંય નામોનિશાન રહ્યું નથી. મુસાફર ચહેરા પર કોતરવામાં આવેલા ભાવો ચિવટાઈથી નિહાળે છે. ભવાં તણાયેલા છે, હોઠ વંકાયેલો છે અને ઠંડા કલેજે અપાતા આદેશનો ઉપહાસ કહી રહ્યો છે કે શિલ્પી રાજાના મનોભાવોને બખૂબી યથાર્થ વાંચી શક્યો છે અને પથ્થર પર કંડારી શક્યો છે જે હજી પણ આ જીવનહીન વસ્તુઓ પર એમનેમ ટકી રહ્યા છે. સમજી શકાય છે કે રાજા ભરે જુલમી અને સરમુખત્યાર હશે. જે હાથે રાજાના આવા હાવભાવ કોતરીને હાંસી ઊડાવી એ શિલ્પી પોતે અને આવા જુલ્મો સહન કરનાર, પોષનાર હૃદય અર્થાત્ પ્રજા – આમાનું કંઈ હવે બચ્યું નથી. પગ નીચે કુંભી પર લખ્યું છે, ‘હું રાજાઓનો રાજા છું. મારું નામ ઓઝિમન્ડિસ છે. હે શક્તિશાળી લોકો! મારા કાર્યો તરફ જુઓ અને નિઃસાસા નાંખો.’ પણ આજે ત્યાં આ તૂટ્યા-ફૂટ્યા તોય વિશાળકાય ભંગાર સિવાય કંઈ જ બચ્યું નથી. ચારે તરફ એકલી-અટૂલી, નગ્ન, અસીમ અને બધાને સમથળ કરી દેતી રેતી સિવાય બીજું કંઈ જ નથી.

શેલીનું સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે એ પણ સૂચક છે. વળી શેલીએ mockedને પણ બે અર્થમાં પ્રયોજ્યો હોવાનું સમજાય છે. એક, શેક્સપિઅરની જેમ ‘વર્ણવવું’ના અર્થમાં તો બીજું, સર્વમાન્ય ‘હાંસી ઊડાવવું’ તરીકે. ગુજરાતી અનુવાદ માટે આવો શબ્દ જડવો અશક્ય હોવાથી ‘ટીકા’ શબ્દ વાપર્યો છે, જેનો એક અર્થ ‘સમાલોચના’ અને બીજો સર્વમાન્ય ‘હાંસી’ થાય છે જેથી મૂળ કૃતિની બને એટલા નજીક રહી શકાય.

જૈનાચાર્ય શય્યમ્ભવ ‘દશવૈકાલિક સૂત્ર’માં કહે છે : ‘माणो विणयनासणो|’ (માન વિનયનો નાશ કરે છે.) આપણે વાતવાતમાં ‘નામ તેનો નાશ’ અને ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું’ બોલતા હોઈએ છીએ. પ્રસ્તુત સૉનેટ આજ વાતનો બોલતો અરીસો છે. કબીર યાદ આવે:

कबीर गर्व न किजीये, चाम लपेटी हाड़।
एक दिन तेरा छत्र सिर, देगा काल उखाड़॥

શેકસપિઅરનું મેક્બેથ આખું નાટક અહંકાર અને એનાથી સર્જાતી દુર્દશાનું કથાનક છે. ‘એઝ યુ લાઇક ઇટ’માં એ કહે છે, ‘મારું અભિમાન મારા સદભાગ્યની સાથે જ જમીનદોસ્ત થયું.’ ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં શેક્સપિઅર જ કહે છે, ‘જે અભિમાન કરે છે એ પોતાની જાતને જ ખાઈ જાય છે’ ઓઝિમન્ડિસનો પણ સમયે એ જ હાલ કર્યો.

ભગવદ્ગીતામાં કહ્યું છે: ‘अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते| (અધ્યાય:૩, શ્લોક ૨૭) (અહંકારથી ભ્રમિત જીવ પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે.) હકીકત એ છે કે ન માત્ર ઓઝિમન્ડિસ, પણ એ શિલ્પી જેણે એના ક્રૂર ભાવો શિલ્પાંકિત કર્યા એ શિલ્પી અને એ પ્રજા જેણે રાજાના જુલમો સહન કરીને અન્યાયને પોષ્યો, એ બધા જ સમયની રેતીમાં ક્યારે ગરકાવ થઈ ગયા એય કોઈ જાણતું નથી. મહાન જર્મન તત્ત્વચિંતક નિત્શેએ સાચું જ કહ્યું’તું: ‘જ્યારે પણ હું ઊંચે ચડું છું, અહમ નામનો કૂતરો મારો પીછો કરે છે.’

શેલી કહે છે, ‘કવિઓ દુનિયાના અસ્વીકૃત કાનૂનનિર્માતા છે.’ સાચી વાત છે. તહસનહસ થઈ ગયા બાદ પણ ૩૩૦૦ વર્ષોથી ટકી રહેલ ઓઝિમન્ડિસની કુંભી પરના લખાણની નિરર્થક વાસ્તવિકતા સામે કવિ જ અરીસો ધરી શકે. શેલીના મતે ‘કવિતા એવો અરીસો છે જે વિરૂપનેય સુંદર બનાવે છે.’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝિમન્ડિસનું તૂટેલું પૂતળું પણ શેલીના સૉનેટમાં ખૂબસૂરત, અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે. મનુષ્યના મિથ્યાભિમાન પર આખરી હાસ્ય એનું જ હોય છે, શું એટલે જ એને ઇતિ-હાસ કહે છે?

ગ્લૉબલ કવિતા : ૪૫ – (નાનકડું ચિનાર) – અજ્ઞાત (ઇજિપ્ત)

The Little sycamore

The Little sycamore she planted
prepares to speak – the sound of rustling leaves
sweeter than honey.
On its lovely green limbs
is new fruit and ripe fruit red as blood jasper,
and leaves of green jasper.
Her love awaits me on the distant shore.
The river flows between us,
crocodiles on the sandbars.s
Yet I plunge into the river,
my heart slicing currents,
steady as if I were walking.

O my love, it is love
That gives me strength and courage,
Love that fords the river.

– Unknown Egyptian
(Eng. Translation: Sam Hamill)


નાનકડું ચિનાર

નાનકડું ચિનાર, જે તેણીએ રોપ્યું હતું
બોલવાની તૈયારીમાં છે – પાંદડાઓનો મર્મરાટ
મધથીય મીઠો.

એના પ્યારા લીલા અંગો પર
છે કાચાં ફળ અને પાકાં ફળ લાલ જાણે કે લાલ માણેક,
અને પાંદડાઓ જાણે કે લીલા માણેક.

દૂર પેલે કાંઠે એનો પ્રેમ મારી પ્રતીક્ષામાં છે.
નદી વહી રહી છે અમારી વચ્ચે,
મગરો રેતીની પથારી ઉપર.

તોય હું નદીમાં ઝંપલાવું છું,
મારું હૃદય પ્રવાહોને કાપતું, સ્થિર
જાણે કે હું ચાલતો ન હોઉં.

ઓ મારા પ્યાર, એ પ્યાર જ છે
જે મને તાકાત અને હિંમત આપે છે,
પ્યાર જે નદીમાં રસ્તો કાપે છે.

– અજ્ઞાત (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

પ્રણયનો મારગ છે શૂરાનો…

ચાંદો એની પખવાડિક રજા પર હતો ને મેઘલી અમાસની રાતે આગિયા જેટલો પ્રકાશ પાથરનાર તારાઓ પણ વાદળોમાં છૂપાઈ ગયા હતા. પાદર-જંગલમાં અટવાતો-અથડાતો એ નદીના કિનારે આવી ઊભો. એક તો માથે સાંબેલાધાર વરસાદ કોઈએ સમ દીધા હોય એમ અટકવાનું નામ નહોતો લેતો ને નદી પણ પૂર આવ્યું હોય એમ બે કાંઠે વહેતી હતી. પરિણામની પરવા કર્યા વિના એણે નદીમાં ઝંપલાવ્યું ને તરવાના બદલે તણાવા માંડ્યો. ક્યાંકથી એક લાકડું હાથ ચડી ગયું તે પકડી લઈ માંડ સામા કિનારે પહોંચ્યો ને ચાલતો-લંગડાતો એના ઘર સુધી આવી પહોંચ્યો. કાળીડિબાંગ રાતના આવા કારનામા દરવાજો ખટખટાવવા જેટલા ઉજળા તો ક્યાંથી હોવાના? એની બારી કઈ છે એ ખબર હતી એટલે બારીમાંથી લટકતું દોરડું પકડીને એ ઉપર ચડી ગયો. પ્રિયાએ પહેલાં તો એને બાથમાં લીધો ને પછી કઈ રીતે આવી શકાયું એનો ઇતિહાસ પૂછ્યો. દોરડું? એની આંખો ચાર થઈ ગઈ… બારી પાસે જઈ જોયું તો સાપ લટકતો હતો. નદીમાં સહારો લીધો એ લાકડું પણ શબ હતું એ સમજાયું… પત્નીએ ધિક્કારમિશ્રિત ગુસ્સામાં સંભળાવ્યું કે હાડ-ચામના આ દેહ પ્રત્યે તમને જેટલી પ્રીતિ છે એનાથી અડધી પણ રામ માટે હોત તો આ ભવસાગર પાર કરી ગયા હોત. યુવકને લાગી આવ્યું અને આપણને સંતકવિ ગોસ્વામી તુલસીદાસ પ્રાપ્ત થયા.

પાંચસો વર્ષ પહેલાંની ભારતમાં ઘટેલી આ ઘટનાનું આલેખન પાંત્રીસસો વર્ષ પહેલાં ઇજિપ્તના કોઈ કવિ કરી ગયા હતા એમ કોઈ આપણને કહે તો? ન ફેસબુક, ન વૉટ્સ-એપ, ન ઇન્ટરનેટ, ન ફોન – પ્રત્યાયનના કોઈપણ સાધનસુવિધા વિના પાંચ હજાર કિલોમીટર અને ત્રણ હજાર વર્ષોનો અવરોધ વટાવીને આકાશ-ધરતી જેવી બે ભિન્ન સંસ્કૃતિ કોઈ એક જગ્યાએ ભેગી મળતી જોવા મળે તો એ ક્ષિતિજનું નામ સાહિત્ય જ હોવાનું. કવિતા પણ કેવી સંતર્પક ! એક શબ્દ વધારાનો નહીં. એક વાક્ય આમથી તેમ ખસેડી શકાય એમ નહીં. શૂન્ય ગ્લૉબલાઇઝેશનના જમાનામાં બીજા કોઈ પણ સાહિત્યની જાણકારીના અભાવમાં લખાયેલી આ કવિતાની મૌલિકતા વિશેનો વિચાર જ રૂંવાડા ખડા કરી દે છે.

૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં ચિનાર વૃક્ષ નીચે બેઠેલો કોઈ કવિ મગરમચ્છથી છલકાતી નદીમાં ઝંપલાવીને પોતાની પ્રિયા સાથે સાયુજ્ય પામવા એ જ રીતે કૂદ્યો હશે જે રીતે તુલસીદાસે રત્નાવલીને પામવા માટે ઝંપલાવ્યું હશે. સ્થળ કે સમય ભલેને બે દૂ…રના અંતિમો પર કેમ ન હોય, પ્રેમ અને પ્રેમને પામવાની રીત તો અનાદિકાળથી સરખી જ રહી છે. જેમ ઝાડને ફળ કેમ વિકસાવવું એ શીખવવું નથી પડતું તેમ મનુષ્યને પ્રેમ અને પ્રેમમાં સાહસ કરવાનું શીખવવું નથી પડતું. પ્રેમ એ રક્તસંસ્કાર છે. પ્રેમ મનુષ્યનો શૌર્યસંસ્કાર પણ છે. પ્રેમની જનોઈ જાણે કવચ-કુંડળ ન હોય એમ પ્રેમી દુનિયા આખી સામે બાથ ભીડતા ખચકાતા નથી. આપણે ભલે એમ કહીએ છીએ કે પ્રેમમાં માણસ ‘પડે’ છે કે ‘ડૂબે’ છે પણ આપણે એ પણ જાણીએ છીએ કે પ્રેમમાં જે જેટલો વધુ પડે છે કે ડૂબે છે એ જ જિંદગીમાં એટલો ઊઠે છે કે તરે છે.

જેમ આપણે ત્યાં કામદેવ એમ ગ્રીક પુરાણકથાઓમાં ઇરોઝ પ્રેમ અને કામનો દેવતા ગણાય છે. કામદેવની જેમ જ એ પણ તીર-કામઠાં રાખે છે અને બાણ છોડીને ઘાયલ કરે છે, પ્રેમમાં પાડે છે. ઇરોઝ તોફાની પ્રકૃતિનો દેવતા છે. ન કરવાના કામ કરે છે ને કરાવે પણ છે. પ્રેમ તો સફર છે, ઇરોઝ રાહબર છે, મંઝિલ સમ્-ભોગ છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં થઈ ગયેલ આ કવિ તો ઇરોઝ કે કામદેવને જાણતો નથી, એને જાણ નથી કે ઇરોઝ એની પાસે શું કરાવી રહ્યો છે, એ તો માત્ર એના દિલની લાગણીઓનો જ વશવર્તી ગુલામ છે ને એટલે જ એ આંધળુકિયા કરવા પર મજબૂર છે.

નાયક કદાચ નદીના આ કાંઠે ચિનાર વૃક્ષની નીચે ઊભો છે, એ વૃક્ષ પ્રેયસીએ જાતે જ રોપ્યું હતું એટલે નાયકને મન એની કેટલી કિંમત હશે એ સહજ સમજી શકાય છે. આ વૃક્ષ પ્રેમનું પ્રતીક પણ છે. હજી એ નાનકડું છે એટલે પ્રેમ પણ તાજો-તાજો જ હશે. વૃક્ષ પર પાંદડાં અને કાચાં-પાકાં ફળ આવી ચૂક્યાં છે મતલબ પ્રેમ નવો ખરો પણ એટલો પણ નહીં, પરિપક્વ છે, ફળ આપી શકે એટલો પુખ્ત છે. નાયિકા તો સામા કાંઠે બહુ દૂર છે એટલે નાયકને નાયિકાના વરદહસ્તે રોપાયેલ ચિનારવૃક્ષ બોલવાની તૈયારીમાં હોય એમ લાગે છે. પાંદડાઓનો મર્મરધ્વનિ મધમીઠો નહીં, મધથીય મીઠો લાગે છે. ઝાડની ડાળીઓ પણ ‘બોલકણું’ ઝાડ સજીવ ન હોય એમ ઝાડના અંગોપાંગ જેવી નજરે ચડે છે અને વળી એ પ્યારી પણ લાગે છે. ફળ લાલ માણેક જેવા લાગે છે અને પાંદડાં લીલા માણેક જેવા. વાહ રે પ્રેમ! વાહ રે પ્રેમના ચશ્માં!

પ્રેમ હંમેશા પરીક્ષા માંગે છે. એટલે જ બે પ્રેમીઓના મિલનની વચ્ચે નદી અવરોધ થઈને વહી રહી છે અને આટલું અપૂરતું હોય એમ આ નદી વળી મગરોથી ભરી પડી છે ને કેટલાક તો નદીકાંઠે રેતીમાં ચામડી શેકવા માટે પડ્યા છે. (કવિએ નદીમાંના મગરો વિશે કશું કહ્યું નથી પણ સમજી શકાય છે કે કિનારા પર મગરો હશે તો પાણીમાં તો હોવાના જ!) મગર એ પ્રેમીઓને નડતા સંકટોનું પણ પ્રતીક છે. સામા કાંઠે જવા માટે નાયક પાસે માત્ર હાથ-પગની હોડી ને હિંમતના હલેસાં જ છે. માયા એંજેલો કહે છે, ‘કોઈને પ્રેમ કરવા માટે તમારામાં હિંમત હોવી જરૂરી છે, કેમકે તમે બધુ જ દાવ પર લગાવી દો છો, બધું જ.’ અહીં પણ બધું જ દાવ પર લગાવવું પડે એવી નોબત આવી ઊભી છે. નદી તો તરીને પણ પાર કરી શકાય પણ ભૂખ્યાડાંસ મગરમચ્છોનું શું? શેક્સપિઅર કહી ગયા, ‘પ્રેમ આંખથી નહીં, મનથી જુએ છે, એટલે જ પાંખાળા કામદેવને આંધળા ચીતર્યા છે.’ જ્યોફ્રી ચૌસરે ૧૪૦૫ની સાલમાં જગપ્રસિદ્ધ ‘કેન્ટરબરી ટેલ્સ’માં વેપારીની વાર્તામાં કહ્યું હતું, ‘કેમકે પ્રેમ હંમેશા આંધળો છે અને જોઈ નથી શકતો’ (For love is blynd alday, and may nat see) (જો કે આ વાક્ય શેક્સપિઅરને એટલું ગમી ગયું કે એમણે ‘ટુ જેન્ટલમેન ઑફ વેરોના’, ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ અને ‘હેનરી ૫’માં –એમ વારંવાર વાપર્યું છે અને લોકો આ વાક્ય એમનું જ હોવાનું માને છે.)

આંધળો પ્રેમ નદી કે મગર કે મોતને જોતો નથી, એ માત્ર મિલનની ભરપૂર પળોની સંભાવનાના દિવાસ્વપ્ન જ જોઈ શકે છે. લાઓ ત્ઝુ કહે છે કે, ‘તમારા માટેની કોઈની અનહદ ચાહના તમને તાકાત આપે છે, અને કોઈને માટેની અનહદ ચાહના તમને હિંમત આપે છે.’ અહીં તો પ્રેમ બંને પક્ષે છે અને એટલે નાયક ન માત્ર તાકાત, હિંમતથીય ભરપૂર છે. એ ન આજુ જુએ છે, ન બાજુ, બસ ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ના ન્યાયે કે નર્મદની જેમ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’ કરીને ઝંપલાવી જ દે છે. અને સાહસના પડખે તો ખુદ ઈશ્વર પણ આવી ઊભો રહે છે. મગરભરી નદીના પ્રવાહોને એનું હૃદય, એનો ઉમંગ, એનો જુસ્સો એવી રીતે કાપી રહ્યું છે જાણે એ પાણી પર ચાલતો ન હોય!

‘દરેક ડાહ્યા માણસનો દીકરો જાણે છે કે મુસાફરી પ્રેમીઓના મિલનમાં પરિણમે છે.’ (શેક્સપિઅર) પ્રિયામિલનની ઉત્તેજનાનો શિકાર નાયક પણ ડાહ્યો છે, એટલે જ આ જોખમી મુસાફરીએ નીકળી પડ્યો છે. આમેય, ‘હિંમતનું કાર્ય હંમેશા પ્રેમનું કાર્ય છે.’ (પાઉલો કોએલો) અને પ્રેમ જ તાકાત અને હિંમત બંને આપે છે. નદીમાં રસ્તો જે કાપી રહ્યો છે એ હકીકતમાં નાયક નથી, પ્યાર પોતે જ છે. ફરહાદ જ પહાડ ખોદીને દૂધની નદી લાવવા જેવું આકાશકસુમવત્ કામ કરી શકે. રોમિયો-જુલિયેટ, ક્લિઓપેટ્રા-એન્થનીની જેમ પ્રેમીઓ જ એકબીજા પર જાન ન્યોછાવર કરી શકે. પ્રેમની તાકાત મનુષ્યમાત્રની સમજ બહારની છે અને એટલે જ મનુષ્ય પ્રેમમાં પડવાનું છોડી શકતો નથી.

જાપાનીઝ કવયિત્રી ઇઝુમી શિકિબુ (ઈ.સ. ૯૭૦-૧૦૩૦) ખૂબ મજાની વાત કરે છે: ‘જ્યારે હું તારા વિશે વિચારું છું, દલદલમાંના આગિયાઓ ઉત્થાન પામે છે, જે રીતે આત્માના ઘરેણાં શાશ્વત ઝંખનામાં લુપ્ત થઈ જાય છે, મારા શરીરને ત્યાગીને!’ આમ, પ્રેમ મનુષ્યને ઉર્ધ્વગામી બનાવે છે. સંસારના કીચડમાંથી એ આગિયાનો પ્રકાશ થઈને ઊંચે ઊઠતા શીખવે છે. પ્રેમ શીખવે છે દેહાતીત થઈ જતા. બે શરીર જ્યારે એક થાય છે ત્યારે બે આત્મા શરીર ત્યજીને ઊંચે ઊઠે છે અને સાયુજ્ય પામે છે. સમ્-ભોગની ચરમસીમાએ સાચું આત્મીય સંધાન પણ સધાતું હોવાથી જ કામકેલિની પરાકાષ્ઠાએ મનુષ્ય ઈશ્વરની સૌથી વધુ નજીક હોય છે. પ્રેમ જ શીખવે છે કે મગરભરેલી નદીને કેવી રીતે પાર કરવી. પ્રેમ જ ગાંડીતૂર નદી પાર કરતી વખતે પણ જમીન પર ચાલતાં હોઈએ એવો આરામદાયી અહેસાસ કરાવે છે. ઇસુથી છસો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફો આજ વાત કરે છે, ‘ઇરોઝ ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હચમચાવે છે.’ પ્રેમ મનુષ્યના ‘હું’પણાને ઝંઝોડી નાંખે છે અને હોવાપણાને કબ્જે કરી લે છે. પ્રેમની કેદમાં આવ્યા પછી મનુષ્યની આંખો સામેથી દુનિયા આખી ઓઝલ થઈ જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જ્યારે પ્રેમ ઇશારો કરે, એને અનુસરો, ભલે એના રસ્તાઓ આકરા અને સીધા ચઢાણવાળા હોય. એમ ન વિચારો કે તમે પ્રેમને દિશા ચીંધી શકશો, જો એ તમને લાયક ગણશે, તો એ તમને દિશા ચીંધશે. પોતાની જાતને પરિપૂર્ણ કરવાથી વિશેષ પ્રેમની બીજી કોઈ ઇચ્છા નથી.’

ગ્લૉબલ કવિતા : ૩૨ : મને લાગે છે – સેફો (ગ્રીક)

પેલો પુરુષ મને ભગવાન બરાબર લાગે છે,
જે તારી સામે બેઠો છે
અને તને નજીકથી સાંભળી રહ્યો છે
મીઠું બોલતી

અને મજાનું હસતી, જે ખરેખર
મારા હૃદયને છાતીમાં ફડફડાવે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
મારા માટે કંઈ પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે.
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે.

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ફિક્કી પડી જાઉં છું
ઘાસ કરતાં, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામું છું.

પરંતુ બધામાં સાહસ કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર

ઈર્ષ્યા – પ્રેમની પેથોલોજીની પરાકાષ્ઠા

લગભગ છવ્વીસસો વર્ષ પહેલાં ગ્રીસમાં ઇજિઅન સમુદ્રમાં લેસ્બોસ ટાપુ –જ્યાંની દેવી લેસ્બો હતી- પર નવ જેટલા ઉત્તમ ગીતકવિઓ થઈ ગયા હોવાના પુરાવા મળે છે, આમાં સેફો (ઇ.પૂ. આશરે ૬૩૦-૫૭૦) નામની કવયિત્રી આગવું સ્થાન ધરાવે છે. કહે છે કે એ ધનાઢ્ય પરિવારમાંથી હતી અને એના ત્રણ ભાઈ પણ હતા. એક પુત્રી નામે ક્લેઇસ હતી. ઇસવીસન પૂર્વે ૬૦૦માં એને રાજકીય કારણોસર સિસીલી દેશનિકાલ કરવામાં આવી હતી અને કહેવાય છે કે એણે ખૂબ લખ્યું હતું. લગભગ દસ હજાર જેટલી પંક્તિઓ. ૬૫૦ બચી છે આજે. એની કવિતાઓ પરથી એના જીવનનો તાળો મેળવવાની કોશિશ આજેય ચાલુ છે. આજે સેફો સ્ત્રી સમલૈંગિક્તાનું પ્રતિક ગણાય છે. સેફો નામ ‘લેસ્બિયન’ શબ્દનો પર્યાય બની રહ્યું છે. સેફોના છસો વર્ષ પછી થઈ ગયેલા ઓવિડની રચનાઓમાંથી પ્રતિત થાય છે કે એ શિક્ષિકા હતી અને વાયકા અનુસાર પોતાની સ્ત્રીવિદ્યાર્થિનીઓ સાથે સમલૈંગિક સંબંધ ધરાવતી હતી. કેટલાક આ વાતનો વિરોધ પણ કરે છે. હકીકત ચકાસવાનું કામ ઇતિહાસકારોનું, આપણને તો એની કવિતાઓમાં રસ છે.

લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો સેફોની વિશેષતા. ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો ધ્યાન ખેંચે છે. ઘણા એને ગ્રીક-રોમન કળા-વિજ્ઞાનની નવ દેવીઓ (muse) પછીની દસમી પણ કહે છે. પરવીન શાકિર અને મીનાકુમારીની જેમ સ્ત્રીગત સંવેદન સેફોની રચનાઓનો પ્રમુખ કાકુ છે. સેફો એક રચનામાં કહે છે, ‘કામદેવતા ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હલાવે છે.’ કાવ્યાત્મક પરાકાષ્ઠાના સર્વોચ્ચ ઉદાહરણ ગણાતા સેફોના ગીત વિશે ઇસ્વીસનની પહેલી સદીમાં થઈ ગયેલ વિવેચક લોન્જાઇનસ (Longinus) કહે છે, ‘તમને શું આશ્ચર્ય નથી થતું જે રીતે એ એકીસાથે થીજાવી દે છે અને બાળે છે, અતાર્કિક છે અને સમજદાર છે, ભયભીત છે અને મૃતઃપ્રાય છે? સેફોની સર્વોચ્ચ ઉત્કૃષ્ટતા એના કસબમાં છે જેમાં તેણી આવેશના સૌથી આઘાતજનક અને ઝનૂની સંજોગો પસંદ કરે છે અને એમને સુસંગત સંપૂર્ણતામાં ઢાળે છે.’ અઢી હજારથી વધુ વર્ષોથી એની કવિતાઓ આજદિન પર્યંતના તમામ કવિઓ અને ભાવકોને એટલા માટે પ્રેરણા આપતી રહી છે કે એની કવિતાઓ આપણા સૌના મન-હૃદયના અંગતતમ ભાવોને સીધેસીધી સ્પર્શી જાય છે. છસો વર્ષ પછી કટલસે લગભગ ઊઠાંતરી કહી શકાય એ રીતે સેફોના આ કાવ્યને પોતાનો સ્પર્શ (Catullus 51) આપ્યો છે.

સેફોની પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! મોટા ભાગના અનુવાદકોએ છેલ્લી મુખ્ય રચનાથી છૂટી લખાયેલી અને અધૂરી ગણાતી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર રહીને કરાયેલા અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે. સેફોના ગીત અને શૈલી એટલા બધા પ્રભાવક છે કે જે છંદોલયમાં એ રચના કરતી હતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિમાં અગિયાર-અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિમાં પાંચ (adonic) શબ્દાંશ (syllable) આવે છે. સેફોની ભાષા પણ લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. આપણે ત્યાં મરાઠી ભાષામાંથી ઊતરી આવેલું અંજનીગીત મૂળે આના પરથી ઊતરી આવ્યું હોય તો નવાઈ નહીં. અંજનીગીતમાં પણ ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ-સોળ માત્રા અને ચોથી પંક્તિ ટૂંકી-દસ માત્રાની હોય છે.

સેફોએ કોઈ શીર્ષક આપ્યું જણાતું નથી પણ આ રચના ‘મને લાગે છે’થી જાણીતી થઈ છે. કવયિત્રી અથવા કાવ્યનાયિકાની સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજી શકાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોઈ શકે. પ્રવર્તમાન ગ્રીસમાં જાહેરમાં પ્રણયકેલિઓ સામાન્ય હતી. નાયિકા જે સ્ત્રીના સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી, એ પુરુષ જે નાયિકાના તનબદનમાં અદેખાઈનો દાવાનળ સળગાવે છે અને પ્રેમની પેથોલોજી કહી શકાય એવા શારીરિક-માનસિક કષ્ટ જન્માવે છે. પોતાના પ્રેમને છિનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને ભગવાનની સમકક્ષ લાગે છે, કેમકે બીજું તો કોણ આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક કરી શકે?

પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને હસતાં-બોલતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. ‘तुम अगर मुझ को ना चाहो तो कोई बात नहीं, तुम किसी और को चाहोगी तो मुश्किल होगी’ એ જ આપના સૌની મૂળભૂત સમસ્યા છે. દિપ્તી મિશ્ર આ જ વાત એના અંદાજમાં કહે છે,

कब कहा मैंने कि वो मिल जाए मुझको, मैं उसे
गैर न हो जाए बस इतनी हसरत है, तो है

એરિસ્ટોટલે કહ્યું એમ, ‘અન્યોના સદભાગ્ય પર તકલીફ થાય એ ઈર્ષ્યા.’ પ્રેમ અને ઈર્ષ્યા એ કોઈપણ સ્નેહસંબંધના બે પગ હોય એમ સાથે જ રહે છે. સંબંધ ચાલતો હોય ત્યારે વારાફરતી આગળ-પાછળ થયા કરે છે પણ બંને સાથે આવી જાય ત્યારે સંબંધ ઊભો રહી જતો હોય છે. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘તમારી જાતને પ્રેમમાં ધકેલો મા, માલિકીભાવથી વેગળા રહો, કેમકે આ પ્રેમના લક્ષણ નથી. પ્રેમ એટલે આઝાદી.’ પ્રેમ વિપુલદર્શક કાચમાંથી જુએ છે, ઈર્ષ્યા સૂક્ષ્મદર્શક કાચમાંથી. સંત ઑગસ્ટિને તો કહ્યું કે, ‘જે અદેખો છે, એ પ્રેમી નથી.’ બધા જ કહે છે કે પ્રેમ સાચો હોય તો ઈર્ષ્યાથી પર હોય છે પણ સાચો પ્રેમ હોય છે ખરો? પ્રેમનું વર્તુળ રચાવાની સાથે જ અધિકાર એમાં કેન્દ્રસ્થાન મેળવી લેતો હોય છે અને અધિકારના કોટના ખિસ્સા તપાસીએ તો અંદર નકરી અદેખાઈ જ ભરી હોય છે. બીજી પણ એક કવિતામાં સેફો ઈર્ષ્યાની વાત કરે છે, ‘બધા તારાઓએ એમના ચહેરા ફેરવી લીધા, જ્યારે મંદ ચંદ્ર પૂર્ણ પ્રકાશ્યો.’ ઓથેલોમાં ઈર્ષ્યાને green-eyed monster નામ આપી શેક્સપિઅર કહે છે, ‘નામદાર! ઈર્ષ્યાથી ચેતીને ચાલજો, આ લીલી આંખવાળો રાક્ષસ જે માંસ પર જીવે છે એની જ ઠેકડી ઊડાવે છે.’ શેક્સપિઅરના નાટકો અને કવિતાઓમાં તો ઈર્ષ્યા ડગલેને પગલે નજરે ચડે છે. માત્ર શેક્સપિઅરમાં જ નહીં, દુનિયાભરના સાહિત્ય-કળામાં ઈર્ષ્યા મોખરાનું સ્થાન ધરાવે છે કેમકે ઈર્ષ્યા મનુષ્યમાત્રનો સહજ ભાવ છે. ઈર્ષ્યાથી પર તો દેવતાઓ થઈ શક્યા નથી, આપણું શું ગજુ?

એક ચાટુક્તિમાં સેફો કહે છે, ‘વેરના વિષયમાં મૌન હું નિર્દોષતાને વળગી રહું છું.’ પણ અહીં પરિસ્થિતિ જરા જુદી છે. પોતાની પ્રેયસીને ઈશ્વર સમા સંપૂર્ણ પુરુષ પાસે જોઈને નાયિકાનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. જીભ ભાંગી ગઈ હોય એમ કશુંય બોલવું અશક્ય બની રહે છે. તનબદનમાં આગ ફરી વળે છે. આંખ આગળ ઝાંખપ ફરી વળે છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. શરીર કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી ઘેરી વળે છે. જુરઅત કલંદર બખ્સ જેવો શાયર આવા પ્રસંગે આવું કહે,

‘कर लेता हूँ बंद आँखें मैं दीवार से लग कर
बैठे है किसी से जो कोई प्यार से लग कर।’

જાવેદ અખ્તરના દાદા મુજ્તર ખૈરાબાદીનો અંદાજ અલગ જ છે:

‘तुम्हें चाहूँ, तुम्हारे चाहनेवालों को भी चाहूँ,
मेरा दिल फ़ेर दो, मुझ से ये झग़डा हो नहीं सकता।‘

સેફોનો અંદાજ કંઈક આવો જ છે. પણ નાયિકાની મજબૂરી અહીં નાયિકાના ગાત્રો ગાળી નાંખે છે. પ્રેમ ફરતેની લાગણીઓના આવેશની ચરમસીમા કવયિત્રી શબ્દોની મોજડી પહેરીને લાંઘે છે. કવયિત્રીનું ધ્યાન હકીકતમાં પ્રેયસી કે ભગવાન-જેવા પુરુષ તરફ છે જ નહીં, માત્ર અને માત્ર પોતાની તરફ છે. કાળજીપૂર્વક સભાનતા સાથે જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને સ્ટેપ-બાય-સ્ટેપ એ રજૂ કરે છે. ફ્રૉન્સ્વા દ લા રોશેફકોલ્ડ (François de La Rochefoucauld) નામના વિચારકે કહ્યું હતું, ‘ઈર્ષ્યામાં જાત માટેનો પ્રેમ, પ્રેમ કરતાં વધુ હોય છે.’

મૃતપ્રાય અવસ્થાની લાચારી ઘેરી વળે છે. કવિતાના પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજી શકાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ તો કરવું જ જોઈએ કેમકે આમેય પ્રેયસી કોઈ બીજું છિનવી ગયું જ હોય એવી ગરીબ-નિર્માલ્ય અવસ્થામાં આથી વધુ તો શું ગુમાવવાની બીક હોઈ શકે? રૂમી કહી ગયા, ‘પાંખો ખોલી શકો અને આત્માને ઈર્ષ્યાથી પર કરી શકો તો તમે અને તમારી આસપાસના દરેક કબૂતર પેઠે ઊડી શકશે.’ આપણે જાણીએ જ છીએ કે ઈર્ષ્યાથી ભરેલો સંબંધ એ પંક્ચર પડેલી ગાડી જેવો છે, તમે એમાં બેસી તો શકો છો પણ લાંબુ જઈ શકતા નથી…. પણ ઈર્ષ્યાથી પર થઈ શકવાનું ઐશ્વર્ય કેટલાને હાંસિલ?

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho

ગ્લૉબલ કવિતા : ૩૧ : પ્રેમ પછી પ્રેમ (ડેરેક વૉલ્કોટ)

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે તમારી જાતને આવકારશો
તમારા પોતાના દરવાજે, તમારા પોતાના અરીસામાં,
અને બંને જણ સ્મિત કરશે પરસ્પરના આવકાર પર,

અને કહો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી એ અજાણ્યાને ચાહશો જે તમારી જ જાત હતો.
ચા-પાણી આપો. ખાવાનું આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, એ અજાણ્યા શખ્સને જેણે તમને ચાહ્યો છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો છે
બીજા માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી પ્રેમપત્રો ઉતારો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીને ઉજવો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)

જાત સુધીની જાતરા…

જેના વિશે બધી જ ખબર હોય એ વ્યક્તિને ચાહી શકાય? પતિ-પત્ની એકમેકને જેમ વધુ ઓળખતા જાય તેમ દામ્પત્યનો રંગ ફીકો નથી પડતો જતો? અરીસામાં રોજ આપણે જેને જોઈએ છીએ એ વ્યક્તિને તો આપણે પૂરેપૂરો ઓળખીએ છીએ. આપણી ખામી-ખૂબીથી આપણે પૂરેપૂરા વાકેફ છીએ ને કદાચ એટલે જ આપણે જાત સાથે વાત કરવાનું બહુધા ટાળીએ છીએ. પણ જે ખુદને ન ચાહી શકે એ અન્યને કદી ‘સાચા’ અર્થમાં ચાહી શકે? એરિસ્ટોટલ કહ્યું હતું, ‘બીજાને મિત્ર બનાવતા પહેલાં મનુષ્યે પોતાની જાતને મિત્ર બનાવવો જોઈએ. સ્વની ઓળખ બધા જ ડહાપણની શરૂઆત છે.’ સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે જે કહ્યું, ‘તમારી પોતાની જાત, સમસ્ત સંસારમાં, અન્ય કોઈનીય જેમ તમારા પ્રેમ અને સ્નેહની અધિકારી છે,’ એ જ વાત ડેરેક વૉલ્કોટ લઈને આવ્યા છે.

સર ડેરેક ઑલ્ટન વૉલ્કોટ. જન્મ ૨૩-૦૧-૧૯૩૦ના રોજ સેન્ટ લુસિયા, વેસ્ટ ઇંડિઝ ખાતે. મૃત્યુ ૮૭ વર્ષની ઊંમરે આ વર્ષે જ ૧૭-૦૩-૨૦૧૭ના રોજ. એક વર્ષની ઊંમરે તો ચિત્રકાર પિતા ગુમાવ્યા. માતા આચાર્યા હતી. એક બહેન અને બે જોડિયા ભાઈઓમાં ડેરેક એક. દાદી અને નાની-બંનેના મૂળિયાં ગુલામોમાંથી ઊતરી આવ્યાં હતાં. ડેરેક કહેતા કે પિતામાં જે અધૂરું રહી ગયું એ જ મારામાં આગળ વધ્યું. તાલીમ ચિત્રકારની મળી પણ ચિત્રો પીંછીના બદલે કલમથી દોર્યાં. ૧૪ વર્ષની ઊંમરે પહેલી કવિતા. ૧૮ વર્ષની ઊંમરે બસો ડૉલર ઉધાર મેળવીને પોતાનો પહેલો કાવ્યસંગ્રહ છાપી નાંખ્યો, મિત્રોને અને શેરીઓમાં વેચીને પૈસા પરત પણ મેળવી લીધા ને ૧૯ની ઊંમરે તો બીજો કાવ્યસંગ્રહ.

બૉસ્ટન, ન્યુ યૉર્ક અને લુસિયા વચ્ચે એમનો જીવનકાળ વહેંચાયેલો રહ્યો પરિણામસ્વરૂપે એમના સર્જનમાં કરેબિઅનની લોકલથી લઈને આંતરરાષ્ટ્રીયની ગ્લૉબલ ફ્લેવર એકમેકમાં ભેળસેળ થઈને એક નવી જ સોડમ જન્મી. સ્વીકૃત અંગ્રેજીમાં લખવા બદલ એમને ઓછા ‘બ્લેક’ ગણતા બ્લેક પાવર મૂવમેન્ટવળાઓએ એમના પર પસ્તાળ પણ પાડી, પણ ડેરેકે કહ્યું, “I have no nation now but the imagination.” (મારે હવે કોઈ દેશ નથી, માત્ર કલ્પના જ છે) ૧૯૮૨ અને ૯૬માં એમના પર બે વિદ્યાર્થીનીઓએ જાતીય કનડગતનો આરોપ મૂક્યા જેને મિડિયાએ ખૂબ ચગાવ્યા હતા જેની કિંમત ડેરેકે ઓક્સફર્ડ પ્રોફેસર ઑફ પોએટ્રીના પદ માટેની ઉમેદવારી ખેંચી લઈને ચૂકવવી પડી. ત્રણવાર લગ્ન અને ત્રણવાર છૂટાછેડા.

સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક (૧૯૯૨) મેળવનાર એ બીજા કરેબિઅન સર્જક હતા. કમિટિએ ડેરેકના સર્જન માટે કહ્યું, ‘ઉત્તમ તેજસ્વિતાવાળી એક કાવ્યાત્મક કળાકૃતિ, જે ટકી રહી છે બહુસાંસ્કૃતિક પ્રતિબદ્ધતાના પરિણામસ્વરૂપ ઐતિહાસિક દૃષ્ટિ વડે.’ હૉમરના ઑડિસીને આધુનિક કરેબિઅન માછીમાર સાથે સાંકળી લેતું ‘ઓમેરોસ’ નામનું આધુનિક મહાકાવ્ય એમના મુગટમાંનું ઉત્કૃષ્ટ પીંછુ. ‘અનઅધર લાઇફ’ એમનું આત્મકથનાત્મક દીર્ઘકાવ્ય. વિવેચક, પત્રકાર અને કવિતાના શિક્ષક. બહુપુરસ્કૃત ખ્યાતનામ નાટ્યકાર. એમનો અવાજ ઇતિહાસમાં સતત ગૂંજતો રહેનારો છે. જોસેફ બ્રોડ્સ્કીએ કહ્યું, ‘ભરતીના મોજાં જેવી એમની કવિતાઓ વિના આધુનિક સાહિત્ય વૉલપેપર બનીને રહી જાત. ભાષામાં લપેટીને એમણે આપણને અનંતતાની ભાવના આપી છે.’ વૉલ્કોટ કહેતા, ‘કવિતા જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમે આસપાસની આખી દુનિયાથી કપાઈ એકલા થઈ જાવ છો. તમે કાગળ ઉપર જે કરી રહ્યા છો એ તમારી ઓળખનું નહીં, પણ ગુમનામીનું નવીનીકરણ છે.’

પ્રસ્તુત કવિતાનું સ્વરૂપ જોઈએ તો એ મુક્ત પદ્યમાં લખાઈ છે એટલે કોઈ નિયત છંદ કે પ્રાસરચના દેખાતા નથી પણ યતિનો પ્રયોગ ધ્યાનાર્હ છે. વોલ્કૉટ યતિ(caesura)ના શોખીન હતા. એ કહેતા કે યતિનો અયોગ્ય પ્રયોગ રેવાળ ચાલે ચાલતો ઘોડો અધવચ્ચે ફસડાઈ પડી પગ તોડે એના જેવો હોય છે. એકતરફ અવારનવાર આવતા અલ્પવિરામ અને વાક્યની વચ્ચે આવતા પૂર્ણવિરામ વડે કવિતાની ગતિ તેઓ નિયત માત્રામાં અવરોધીને ભાવકને ઝડપભેર આગળ દોડી જતો અટકાવે છે તો બીજી તરફ ઓછી-વત્તી પંક્તિના ચાર ફકરા, લાંબા-ટૂંકા વાક્યોમાં અપૂર્ણાન્વયરીતિ (enjambment)થી મોટાભાગના વાક્યોને એક પંક્તિમાંથી બીજીમાં ઢોળી દઈને તેઓ ગતિ વધારી દે છે. જીવનની ગતિ સાથે આ રીતે કાવ્યગતિ સુસંગત બને છે અને જાત વિશે-જિંદગી વિશે મીમાંસા કરવાનો સમય કવિતાની વચ્ચે જ કવિ પૂરો પાડે છે.

કવિતાનું શીર્ષક વિચારતાં કરી દે છે. આપણે જે અર્થમાં ‘દિવસ પછી દિવસ’ કહીએ છીએ એ જ અર્થમાં ‘પ્રેમ પછી પ્રેમ’ પ્રયોજાયું હશે? કવિતામાં સ્વ-પ્રેમની વાત છે એ તો સમજાય છે પણ શું આ પ્રેમ કાવ્યાંતે આવતા પ્રેમપત્રોવાળા પ્રેમ પછીનો પ્રેમ છે? બીજાઓ સાથેના પ્રેમથી પરવારી જઈને ‘સમય આવશે’ ત્યારે જાત સાથે જે પ્રેમ કરવાનો છે એ કવિ કહેવા માંગતા હશે?

કવિતા વાંચતા જ ડેલ વિમ્બ્રૉની ‘ધ મેન ઇન ધ ગ્લાસ’ કવિતા યાદ આવે. જેમાં અરીસામાં દેખાતો માણસ શું કહે છે એના પર ધ્યાન આપવાની અને એના તમારા માટેના ચુકાદાને સર્વોચ્ચ ગણવાની, એને જ ખુશ રાખવાની વાત આવે છે. સત્તરમી સદીમાં જ્યૉર્જ હર્બર્ટની ‘લવ’ કવિતાના અંશ પણ નજરે ચડે જેમાં પ્રેમ ગુનાહિત ભાવથી પીડાતા અને એક અતિથિની રાહ જોતા કાવ્યનાયકને સમજાવે છે કે એ અતિથિ તું પોતે જ છે અને પોતાની સાથે ખાવા-પીવા બેસાડે છે.

જાત તરફની જાતરાની આ કવિતા છે. ‘સમય આવશે’ કહીને કવિતા શરૂ થાય છે. મતલબ આ સમય આવવાનો જ છે એની ખાતરી છે અને આ સમય દરેકની જિંદગીમાં આવતો જ હોય છે જ્યારે માણસ પોતાની જાત સાથે જ મુખામુખ થતો હોય છે. હરિવંશરાય બચ્ચન કહે છે એમ, ‘जीवन की आपाधापी में कब वक्त मिला/ कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ’ની જેમ જીવનની દોડમાં ને અન્યોને ચાહવાની હોડમાં આપણે મોટાભાગે જાતને ચાહવાનું ભૂલી જતાં હોઈએ છીએ. જાત સાથે વાત કરવાનો સમય જ રહ્યો નહીં. અને જે જાતને નથી ચાહી શકતો એ અન્યને શી રીતે ચાહી શકે? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. તમારું હૃદય જીવનભર તમને ચાહે છે. હવે, તમારે એને ચાહવાનો સમય આવી ગયો છે. એને પ્રેમથી, ઉત્તેજનાસહિત આવકારો. એને ચાહો. મનની અભરાઈ પરથી જૂની યાદો, જૂના સંબંધોથી ઉભરાઈ ગઈ છે. આ બધાને ઉતારી દઈ મન સાફ કરી દો. જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો. કહો કે, ‘ખુદ મને જ મારી સાક્ષાત્ કર, તું પાંચ મિનિટ બેસીને વાત કર.’ હોવાની મહેફિલ કરી દો. જિદગીની ઉજાણી કરો. તમારું પોતાનું હોવું ઉજવો…

ધર્મ અને ખ્રિસ્તીપણાનાં સંદર્ભ પણ નજરે ચડે છે. ‘Love thy neighbour’ (તારા પાડોશીને પ્રેમ કર), ‘Eat. Drink’ (ખાઓ. પીઓ.) વાઇન, બ્રેડ – બાઇબલના આ સંદર્ભ અછતા નથી રહેતા. દરવાજો, અરીસો અને પ્રેમને એ સંદર્ભમાં પણ જોઈ શકાય.વૉલ્કોટ હંમેશા પોતાના અશ્વેતપણાંને શ્વેત સાથે એકાકાર કરવા મથતા. કલમના લસરકાથી રંગભેદ ભૂસવાની મથામણ કરતા. પ્રસ્તુત રચનાનું રૂપક જરા વિસ્તારીએ તો એમ પણ લાગે કે બે અલગ સંસ્કાર, બે અલગ રંગોનું એકમેકમાં પુનર્ગઠન કરવા કવિ ચહે છે.

અંગ્રેજી ‘I’ (હું) લેટિન શબ્દ ‘ઇગો’ પરથી ઉતરી આવ્યો છે. ફિલસૂફીમાં ઇગોઇઝમનો સિદ્ધાંત કહે છે કે વ્યક્તિની પોતિકી ક્રિયાઓની પ્રેરણા અને ધ્યેય પોતાની જાત જ છે અથવા હોવી જોઈએ. પ્રખ્યાત લેખિકા એન રેન ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફિશનેસ’માં સ્વાર્થને પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સદગુણ લેખાવી તર્કસંગત અહંભાવની તરફેણ કરે છે. અંગ્રેજીમાં બિમારીની હદ સુધી વકરેલી સ્વરતિને narcissism કહે છે, જેનાં મૂળ રોમન કથાના નાર્સિસસમાંથી ઉતરી આવ્યાં છે. યુવાન નાર્સિસસ તળાવમાંથી પાણી લેવા જતાં પોતનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં ઘેલો થઈ જાય છે અને પ્રતિબિંબને યથાવત રખવાની લાલસામાં તરસે મોતભેગો થઈ જાય છે. સત્તરમી સદીમાં પાસ્કલે “l’amour propre” (સ્વ-પ્રેમ)ને તમામ અનિષ્ટોની જડ ગણાવી હતી. તો સોળમી સદીમાં શેક્સપિઅરે ‘હેનરી ૫’માં કહ્યું, ‘Self-love, my liege, is not so great a sin as self-neglect.’ (જાતની અવગણના એ જાતને પ્રેમ કરવાથી મોટું પાપ છે) લ્યુસિલી બૉલે કહ્યું હતું, ‘સૌપ્રથમ જાતને ચાહો અને બીજું બધું બરાબર થઈ જશે.’ કેમકે ‘આપણી અંદર જે છે એની આગળ આપણી પાછળ જે છે અને સામે જે છે એ બધું બહુ ક્ષુલ્લક છે.’ (રાલ્ફ વાલ્ડો ઇમર્સન) ‘જ્યારે હું શોધી લઈશ કે હું કોણ છું, હું મુક્ત હોઈશ’ (રાલ્ફ એલિસન) કેમ કે ‘જાતના અનુમોદન વિના મનુષ્ય આરામદેહ નથી અનુભવતો.’ (માર્ક ટ્વેઇન) આજ વાત લાઓ-ત્ઝુ કહી ગયા, ‘જે જાતને સ્વીકારે છે એને દુનિયા સ્વીકારે છે.’

જમાનો સેલ્ફીનો છે પણ સેલ્ફનો ફોટો લેવાનું આપણે ભૂલી ગયાં છીએ. જાત સાથે વાત કરતાં આવડી જાય તો સંસાર સરળ બની જાય. અન્ય સંબંધોની આંટીઘૂંટી અને ગાંઠ ઉકેલવાને બદલે સૌપ્રથમ સ્વ સાથે સંધાન સધાવું જોઈએ. માણસ પોતાની સાથે comfortable થતાં શીખી લે એટલે જિંદગી નિરાંતની મહેફિલ જ છે… આવો, બેસો. ખાઓ, પીઓ. જિંદગીને ઉજવો.

Love After Love

The time will come
when, with elation
you will greet yourself arriving
at your own door, in your own mirror
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott

ગ્લૉબલ કવિતા : ૩૦ : મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ

મકાનમાલિક, મકાનમાલિક,
મારું છાપરું ગળતું છે.
મેં એના માટે કઇલું’તું તે હો યાદ નંઈ,
ગયા અઠવાડિયે?

મકાનમાલિક, મકાનમાલિક,
આ પગથિયાં હો તૂટી ગઇલાં છે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ઉપર આઇવો તિયારે.

દહ રૂપિયા, તું કે’ય કે મારે તને આલવાના છે?
તું કે’ય છે કે અજી બાકી છે દહ રૂપિયા?
અંહ, આ દહ રૂપિયા ફાલતુના છે તો બી આલી દઈશ,
તું ઘર તો રિપેર કરાવ પેલ્લા.

હું કીધું ? તું ખાલી કરાવવાનો ઓડર લાવહે?
તું મારી લાઇટ કપાવવાનો કે હું ?
મારો સામાન હો તું ઊંચકીને
હેરીમાં ફેંકાવવાનો કે હું?

ઉહ-અંહ ! બઉ મોટી ફિશિયારી ની માર.
બોલ, બોલ – જે બોલવું હોય એ બોલી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
હું એક જ ફેંટ આલીશ ને તો.

પોલિસ ! પોલિસ !
આવો અને આ માણસને પકડી લો !
એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે
ને ઉથલાવી દેવા માંગે છે જમીન!

પોલીસની સીટી !
રોનની ઘંટડી !!
ધરપકડ.

જિલ્લા મથક.
લોખંડી કોટડી.
છાપાંની હેડ-લાઇન્સ:

માણસે મકાનમાલિકને આપેલી ધમકી.
ભાડૂતને જામીન નહીં.
ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.

– લેન્ગ્સ્ટન હ્યુસ
અનુ. વિવેક મનહર ટેલર

*

રંગભેદ અને આપણી અંધારી માનસિકતા – વો સુબહ કભી ભી આયેગી?

મનુષ્યજાતિના શરીરે આજદિન સુધીમાં ફૂટી નીકળેલું સૌથી ગંધાતું ગૂમડું ગુલામી અને રંગભેદનું છે. આજની તારીખે પણ એનો સંપૂર્ણ ઈલાજ થઈ શક્યો નથી એય મનુષ્યજાતિની અત્યાર સુધીની સૌથી મોટી કમનસીબી જ ને? અઢારમી સદીના અંતભગ સુધીમાં મોટાભાગના અમેરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થઈ ગઈ હતી. અબ્રાહમ લિંકનના શાસનકાળમાં ૧૮૬૫માં ગુલામીપ્રથાનો વિધિવત્ કાયદેસર અંત આવ્યો એના ૭૫ વર્ષ પછી છે…ક ૧૯૪૦માં એક અમેરિકન કવિ આ કવિતા લખે છે અને કાયદા તથા વાસ્તવિક્તા વચ્ચેની વિશાળ ખાઈથી અવગત કરાવે છે. કવિતા લખાયા બાદ બીજા ૭૫થી વધુ વર્ષ વીત્યાં પણ દુનિયામાંથી શ્વેત-શ્યામ, અમીર-ગરીબ અને ઊંચ-નીચના ઓળા જરાય ઓસર્યા છે ખરાં?

લોહી થીજી જાય એવી આ કવિતાના સર્જક જેમ્સ મર્સર લેન્ગ્સ્ટન હ્યુસ (૦૧-૦૨-૧૯૦૨થી ૨૨-૦૫-૧૯૬૭) જેઝ પોએટ્રી અને હાર્લેમ પુનરુજ્જીવનના અગ્રિમ પ્રણેતા હતા. મુખ્યત્વે કવિ. નાટ્યકાર, નવલકથાકાર અને અખબારી કોલમિસ્ટ તરીકે પણ નોંધપાત્ર. જન્મતાવેંત મા-બાપ અલગ થયા એટલે મા અને નાની સાથે રહી મોટા થયા. શહેરે-શહેરે ભટક્યા અને અંતે હાર્લેમમાં સ્થિર થયા. ન્યુયૉર્કના ‘ગ્રેટ ડાર્ક સિટી’ હાર્લેમ પરગણામાં હબસીઓની મોટી વસ્તી છે અને વીસમી સદીના વીસી-ત્રીસીના દાયકામાં એ નાઇટક્લબ્સ અને જેઝ બેન્ડ્સ માટે ખ્યાતનામ હતું. Harlem Renaissance એ લેન્ગ્સ્ટન અને ઝોરા હર્સ્ટ્ન જેવા સર્જકોની રંગભેદની નીતિ પરત્વેની જાગરૂકતાની ફળશ્રુતિ હતું. આ નૂતન નીગ્રો ચળવળ આફ્રિકી-અમેરિકન કળાની જનેતા પુરવાર થઈ. કોઈપણ એક વિચારધારાને વળગી રહ્યા વિના, વિક્ટોરિયન નૈતિક મૂલ્યો અને મધ્યમવર્ગીય શરમના અંચળા ફગાવીને ઉગ્ર ચર્ચાઓ અને નૂતન પરિમાણો સાથે જે આફ્રિકી-અમેરિકન કળાનો હાર્લેમથી શરૂ થઈ આખા અમેરિકામાં દાવાનળની જેમ ફેલાવો થયો એ એ બાદની કળાઓનો મુખ્ય પાયો બની રહ્યો.

વૉશિંગ્ટન ડીસીની એક હૉટલમાં એંઠી ડીશ-ટેબલ સાફ કરવાની નોકરી કરતા હ્યુસે વેચલ લિંસી નામના કવિની ડીશની બાજુમાં ત્રણ કવિતાઓ મૂકી અને બીજા દિવસે દેશભરના અખબારોમાં સમાચાર છપાયા કે લિંસીએ બસબૉય તરીકે કામ કરતા હોનહાર આફ્રિકી-અમેરિકન કવિને શોધી કાઢ્યો છે. હ્યુસને સ્કોલરશીપ મળી અને જિંદગીની ગાડી યુનિવર્સિટીના રસ્તે આગળ દોડી. ચોવીસ વર્ષની ઊંમરે તો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. અખબારોએ એમના વિશે અત્યંત નીચ કક્ષાનું ઘસાતું પણ લખ્યું પણ સૂર્યને ક્યાં સુધી છાબડાથી ઢાંકી શકાય? રંગભેદની નીતિ જ એમનું પ્રમુખ હથિયાર બની રહી. આફ્રિકી-અમેરિકન અનુભવ એમના લેખનનો મુખ્ય વિશેષ. લક્ષ્મણના કોમનમેનની જેમ હ્યુસનો હાર્લેમની ગલીઓમાં રહેતો ‘સિમ્પલ’ વિશાળ જનમાનસ સુધી પહોંચી ગયો. કેટલાક લોકો એમના લખાણોમાં કાળા પુરુષો તરફનો પ્રેમ જોઈને એમને હોમોસેક્સ્યુઅલ પણ માનતા. હકીકતે એ એન મેરી કૉઝીના પ્રેમમાં પણ પડ્યા હતા પણ પ્રેમિકા બીજાને પરણી ગઈ. એમના પ્રમુખ ચારિત્ર્યલેખક આર્નોલ્ડ રેમ્પરસાદના મતે એ asexual હતા. પ્રોસ્ટેટના કેન્સર અંગેની સર્જરીના કોમ્પ્લિકેશનના કારણે 65 વર્ષની ઊંમરે એમણે વિદાય લીધી.

અંગ્રેજીમાં જૂના જમાનામાં બેલડ યાને લોકગીતમાં સામાન્યરીતે રાજપરિવાર, શૌર્ય યા પરીકથા વણી લેવાનો રિવાજ હતો. ચાર લીટીના અંતરામાં અ-બ-ક-બ પ્રાસ રચના અને પહેલી અને ત્રીજીમાં ચાર અને બીજી-ચોથીમાં ત્રણ ભારયુક્ત સ્વરની વ્યવસ્થા હોય છે. પ્રસ્તુત રચનાનું સ્વરૂપ ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રખ્યાત આફ્રિકી-દક્ષિણ અમેરિકી સંગીતપ્રકાર બ્લ્યુઝ જેવું છે જે અંત ભાગમાં અચાનક બદલાઈ જાય છે. જેઝ કવિતા જેવા આ બેલડમાં છ ચતુષ્ક અને ત્રણ ત્રિપદી છે. પહેલાં છ ચતુષ્કમાં પારંપારિક બેલડ મુજબની પ્રાસ-છંદ યોજના જોવા મળે છે. છઠ્ઠો અંતરો ઇટાલિક્સમાં છે, એ વક્તા અને કવિતાના ટોનમાં પરિવર્તન પણ સૂચવે છે. પછી ત્રણ ત્રિપદીઓમાં કવિતાના વાતાવરણની સાથે જ છંદ અને પ્રાસ બંને બદલાતાં-ખોરવાતાં નજરે ચડે છે. આખરી ત્રણ પંક્તિઓ કેપિટલ લેટર્સમાં (ગાઢા ટાઇપમાં) છે, જે કાયદાનું દબાણ અને અશ્વેતના શોષણની તીવ્રતા બંનેની સૂચક છે.

‘મકાનમાલિકનું ગીત’ શીર્ષક પરથી સમજાય છે કે કવિતામાં ભાડૂત પણ હોવાનો. અને કવિતામાં કટાક્ષ પણ ત્યાંથી જ શરૂ થઈ જાય છે કેમકે હકીકતમાં આ મકાનમાલિકનું નહીં, ભાડૂતનું ગીત છે. કવિતા પૂરી થાય ત્યાં સુધી આપણે ગરીબી અને અમીરી વચ્ચેનો વર્ગવિગ્રહ જ કેન્દ્રસ્થાને અનુભવીએ છીએ પણ છે…ક છેલ્લી લીટીમાં આવતો ‘હબસી’ શબ્દ આ વર્ગવિગ્રહને વધુ એક સ્તર ઊંચે –રંગભેદ સુધી- લઈ જઈ તીવ્રતમ બનાવે છે. અનૌપચારિક અને શેરીમાં બોલાતી વ્યાકરણના નિયમો વિનાની અભદ્ર ભાષા માત્ર અભણ ભાડુતના વ્યક્તિત્વ પર જ નહીં, સમાજમાં નીચલા વર્ગના લોકોને મળતી અપૂરતી તક પર પણ ધારદાર પ્રકાશ નાંખે છે. ટપોરી ભાષા કવિતામાં પ્રાણ પણ પૂરે છે. છઠ્ઠા ફકરામાં માલિકની હાજરી સાથે કવિતાની ભાષા પણ બદલાય છે.

કવિતા અને બીજો અંતરો – બંનેની શરૂઆત ‘મકાનમાલિક’ની દ્વિરુક્તિથી થાય છે કેમકે ભાડૂત જાણે છે કે આખરે એણે બહેરા કાન સાથે વાત કરવાની છે, દીવાલ સાથે માથાં ફોડવાનાં છે. ગયા અઠવાડિયે જ ભાડૂતે ગળતાં છાપરાંને રિપેર કરાવવાની તાકીદ કરી છે પણ મકાનમાલિકે ન તો કોઈ કાર્યવાહી કરી છે કે ન તો ફરિયાદને યાદ રાખવાની દરકાર કરી છે. મકાનમાં ચડવા માટેના પગથિયાં પણ એ હદે તૂટી ગયાં છે કે માલિક પડ્યા નહીં એની જ નવાઈ છે અને આ પગથિયાં પરથી તો ભાડૂત અને એના કુટુંબે દિવસમાં પચાસવાર ચડ-ઉતર કરવાની, યાને સતત પડવાનો, ઈજા-ફ્રેક્ચરનો ઓથો માથે રાખીને જીવવાનું. ગળતું છાપરું, તૂટેલાં પગથિયાં – આ બધી મૂળભૂત તકલીફો અને એના સમારકામ માટે માલિક તરફથી સેવાતી નકરી બેદરકારી ગરીબના શૂન્ય જીવનમૂલ્યનું દ્યોતક છે. આટલું ઓછું હોય એમ દુકાળમાં અધિકમાસ જેવો માલિક પાછી ઊઘરાણી કરે છે. ઘરનું સમારકામ કરાવી આપે તો ભાડૂત એ પણ આપવા તૈયાર છે.

માલિક સાચા અર્થમાં માલિક છે. જન્મસિદ્ધ અધિકાર હોય એમ એ ઘર ખાલી કરાવવાનો ઓર્ડર લઈ આવવાની, વીજળી કપાવી નાંખવાની, સામાન ઊંચકીને શેરીમાં ફેંકાવી દેવાની ત્રણ-ત્રણ ધમકી આપે છે. ભાડૂતની કમાન છટકતાં જ એ મુક્કો મારીને માલિકની બોલતી બંધ કરી દેવાની ધમકી આપે છે અને કવિતામાં ગતિ આવી જાય છે. છંદપરિવર્તન થાય છે, બેલડની પ્રાસરચના ભાંગી પડે છે, જે અવ્યવસ્થા ઈંગિત કરે છે.

ભાડૂતની એક નાની અમથી ધમકી સામે ઓવેર-રિએક્ટ કરી માલિક પોલિસને બોલાવે છે. પોલિસનો અવાજ ફક્ત સીટી પૂરતો છે પણ છે સાવ હૃદયહીન અને વિચારહીન. પોલિસની કામગીરી કવિએ એક-બે શબ્દોમાં જ આટોપી લઈને કવિતાની અને કાનૂનની ઝડપ યથાર્થ ઊભી કરી છે. છાપાં પણ રાઈનો પર્વત કરીને હેડ-લાઇન્સ બનાવે છે. ભાડૂતની ફરિયાદ ત્યાંની ત્યાં રહી જાય છે પણ એક ગરીબનો અવાજ ઊંચો થતામાં જ સત્તાપરિવર્તનના ભણકારા સાંભળતી સિસ્ટમ ત્રણ મહિના માટે કીડા-મંકોડાની કિંમતના માણસને જેલમાં ધકેલી દે છે. છેક છેલ્લી લીટીમાં કવિ બંધ દાબડી ખોલે છે ત્યારે ખબર પડે છે કે ભાડૂત હબસી પણ છે માટે માલિક ગોરો હોવો જોઈએ.

ફરી યાદ કરીએ કે, ગુલામીપ્રથા અને શ્વેત-શ્યામના ભેદભાવ નાબૂદ થયાના દાયકાઓ પછી છે…ક ૧૯૪૦માં લખાયેલી આ કવિતા છે. ચાર અવાજ સંભળાય છે. પહેલો, ભાડૂતનો. બીજો, મકાનમાલિકનો. ત્રીજો, પોલિસનો અને ચોથો અખબારનો. અખબાર દ્વારા આડકતરી રીતે એક પાંચમો અવાજ ન્યાયતંત્ર અને એ રીતે પ્રવર્તમાન સમાજનો પણ આપણે સાંભળી શકીએ છીએ જ્યાં ગોરાઓ સામે માથું ઊંચકવાનો વિચારમાત્ર ત્રણ મહિનાની જેલમાં પરિણમે છે. એ જમાનામાં પાવલી જેવી વાત માટે અશ્વેતોને રૂપિયા જેવડી સજા છાશવારે થતી પણ પરિસ્થિતિ આજેય બદલાઈ નથી. માઇકલ જેક્સને ચામડીનો રંગ બદલવામાં આખી જિંદગી ખર્ચી નાંખી.

આફ્રિકામાં રંગભેદની નીતિનો શિકાર બનેલ એક વકીલ નામે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા બન્યો પણ એના જેવું મનોબળ કે સફળતા બધાનાં નસીબમાં તો નહીં જ ને! નેલ્સન મંડેલાએ કહ્યું હતું, ‘ચામડીનો રંગ, પશ્ચાદભૂ કે ધર્મના કારણે કોઈ બીજાને નફરત કરતું જન્મતું નથી. લોકો નફરત કરતાં શીખે છે, અને જો નફરત કરતાં શીખી શકાય તો પ્રેમ કરતાં તો શીખી જ શકાય, કેમકે પ્રેમ એના વિરોધી કરતાં વધુ નૈસર્ગિકતાથી માનવહૃદય સમીપે આવે છે.’ માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું, ‘મારું સ્વપ્ન છે કે મારાં બાળકો એક દિવસ એવા દેશમાં જીવશે જ્યાં એમનું મૂલ્યાંકન ચામડીના રંગથી નહીં, પણ ચારિત્ર્યના ગુણોથી થાય.’ જોએલ એફ. કહે છે, ‘લૉન્ડ્રી એકમાત્ર એવી વસ્તુ છે જેને રંગના આધારે અલગ તારવવી જોઈએ.’ કબાટોના કબાટ ભરાઈ જાય એટલું સાહિત્ય રંગભેદ વિશે લખાયું છે, લાખો પ્રવચનો અપાયાં છે પણ તોય એ કહેવું મુશ્કેલ છે કે કાળા-ધોળાંને એક રંગે ચિતરે એવી सुबह कभी तो आयेगी….

*

The Ballad of landlord

Landlord, landlord,
My roof has sprung a leak.
Don’t you ‘member I told you about it
Way last week?

Landlord, landlord,
These steps is broken down.
When you come up yourself
It’s a wonder you don’t fall down.

Ten Bucks you say I owe you?
Ten Bucks you say is due?
Well, that’s Ten Bucks more’nI’l pay you
Till you flx this house up new.

What? You gonna get eviction orders?
You gonna cut off my heat?
You gonna take my furniture and
Throw it in the street?

Um-huh! You talking high and mighty.
Talk on-till you get through.
You ain’tgonna be able to say a word
If I land my fist on you.

Police! Police!
Come and get this man!
He’s trying to ruin the government
And overturn the land!

Copper’s whistle!
Patrol bell!
Arrest.

Precinct Station.
Iron cell.
Headlines in press:

MAN THREATENS LANDLORD
TENANT HELD NO BAIL
JUDGE GIVES NEGRO 90 DAYS IN COUNTY JAIL!

– Langston Huges

ગ્લૉબલ કવિતા : 29 : મને યાદ છે જ્યારે – માઇકલ હેટિચ

મને યાદ છે જ્યારે

મારા પિતા પશ્ચિમનો પર્વત ચડ્યા હતા.
દરરોજ એ વધુ કાપતા હતા
એનું શિખર જેથી અમે વધુ સૂર્યપ્રકાશ
મેળવી શકીએ અમારું અન્ન ઊગાડવા માટે, અને જ્યારે એણે
પૂરતું કાપી નાખ્યું કે જેથી ભરઉનાળે અમને મળી શકે
સૂર્ય વધારાની એક મિનિટ માટે, જે,
બિલકુલ, અતિશયોક્તિ જ છે, એમણે
જાણ્યું કે એમણે કંઈક નક્કર કરી લીધું છે, અને અમને જોવા બોલાવ્યા
સૂર્યને તિરાડમાં ઢળતો
અને અદૃશ્ય થતો.

બીજા દિવસે સૂર્ય હટી ગયો હતો, પણ એમણે ખોદવો ચાલુ રાખ્યો
એ જ ખાડો, વરસમાં એક દિવસ મેળવવા માટે.
એક દિવસ, એમણે અમને કહ્યું, પર્વત
બે ભાગમાં કપાઈ જશે અને
એક આખો દિવસ મળશે
પહેલાં કદી નહોતો એવા લાંબા કલાકોવાળો.

શહેરના લોકો પણ એમને ‘‘પિતા’’ જ કહેતા.
કેટલાકે મદદ કરવા તૈયારી પણ બતાવી, પણ ના,
એ એમનો, એમનો ખાડો હતો, એમનો પ્રકાશ હતો; તેઓ નસીબદાર હતા
કે એ વહેંચવા તૈયાર હતા. રાત્રે નવા તારા પણ ઊગ્યા.

– જ્યારે એમણે એક ઝરણું ખોદ્યું અને પાણી ધસી આવ્યું
ધોધ બનીને, ખીણ, શહેરને ભરી દેતું
એક સુંદર તળાવ બનાવતું, ઊંડું,
ઠંડું, અને કયાંય જોવા ન મળે
એવી માછલીઓથી ભરપૂર, પ્રાણીઓએ જેઓ પર્વત પર
જંગલી ફરતા હતા, હર્ષોલ્લાસ કર્યો, અને વધુ
જંગલી થયા, બધુ આવેશપૂર્ણ. એમણે હર્ષોલ્લાસ કર્યો!
અમે આજે પણ કરીએ છીએ.

– માઇકલ હેટિચ
(અનુ. : વિવેક મનહર ટેલર)

I Remember When

My father climbed the western mountain
Every day he chopped more
of its peak off so we could have more
daylight to grow our food in, and when he’d
chopped deep enough that in midsummer we had
sun for an extra minute, which
is, of course an exaggeration, he
knew he had done something real, and called us
to watch the sun settle
in the chink and disappear.

Next day the sun had moved, but he kept digging
the same dent, wanting one day a year.
One day, he told us, the mountain would be
chopped in two and there would be
one complete day
hours longer than there’d ever been.

People in the town called him “father” too.
Some volunteered to help, but no,
It was his, his dent and his light; they were lucky
he was willing to share. At night there were new stars.

-When he hit a spring and the water gushed out
a waterfall, flooding the valley, the town,
to form a beautiful lake, deep,
cold, and full of fish found
nowhere else, the animals that lived
wild on his mountain rejoiced and grew
wilder, more passionate. They rejoiced!
We still do.

– Michael Hettich

માય ડેડી સ્ટ્રોંગેસ્ટ !!

દુનિયાનો પહેલો સુપરમેન કોણ ? તો કે’ પપ્પા! છોકરા માટે તો કાયમ ‘માય ડેડી સ્ટ્રોંગેસ્ટ’ જ હોવાના. મૂછ અને સમજણના દોરા ન ફૂટે ત્યાં સુધી તો દીકરો હંમેશા બાપના પેંગડામાં પગ ઘાલવાની મથામણમાં જ રહેવાનો. ‘પપ્પા, હું તમારામાંથી ઊંચો’ એવું કહ્યા વિના કયો દીકરો મોટો થઈ ગયો હશે, કહો તો? અમેરિકન કવિ માઇકલ હેટિચની આ રચના એક દીકરાના વિપુલદર્શક કાચમાંથી દેખાતું આવું જ એક બાપનું ચિત્ર છે.

માઇકલ હેટિચનો જન્મ ૧૯૫૩માં ન્યૂયૉર્કના બ્રુકલિનમાં થયો. ન્યુયૉર્કમાં જ મોટા થયા. અંગ્રેજી અને અમેરિકન સાહિત્યમાં પી.એચ.ડી. માયામીની કોલેજમાં પચ્ચીસથી વધુ વર્ષોથી અંગ્રેજીના પ્રોફેસર છે. ધર્મપત્ની કોલિન સાથે રહે છે. બે સંતાનોના પિતા છે. કવિતાના બારથી વધુ નાનાં-મોટાં પુસ્તકો એમણે પ્રગટ કર્યાં છે. સાહિત્યને લગતી જર્નલ્સમાં તથા સંપાદનોમાં એમની કવિતા અને લેખો સતત પ્રગટ થતા રહે છે અને ઢગલાબંધ પુરસ્કાર પણ મેળવી ચૂક્યા છે. કવિતા વિશેનું એમનું અધિકારત્વ નમ્ર પણ છે અને પૂર્ણતયા આધારભૂત પણ છે. એમની કવિતાઓનો શાંત કરિશ્મા દંગ કરી દે એવું ઊંડાણ ધરાવે છે. કુદરત તરફની એમની દૃષ્ટિ અનોખી છે અને માનવજાત માટે એમના શબ્દોમાં અથાક કરુણા ભરી પડી છે. ડહાપણ અને કામણ એ એમના હુકમના પત્તા છે અને એ એમને બરાબર રમી પણ જાણે છે.

કોઈકે કહ્યું છે કે, પિતાના માથે પડેલી કરચલીઓના કારણે જ આજે તમે ઈસ્ત્રી કરેલા કપડાં પહેરી શકો છો; પિતા એટલે પર્વત જેવડા વિશાળ વ્યક્તિત્વમાંથી નીકળતી પ્રેમની ખળખળતી નદી; આપણા નસીબના કાણાં બાપ એના ગંજીમાં લઈ લે છે. રમણલાલ સોનીએ તો પિતાને પહેલો ગુરુ કહ્યું છે. દેવકી અને યશોદાને આપણે યાદ કરીએ છીએ પણ કાજળકાળી રાતે મુશળધાર વરસાદમાં ઘોડાપૂરે ચડેલી યમુના નદી ઓળંગવા વાસુદેવે કરેલું સાહસ બહુ યાદ કરતા નથી કેમકે બાપ તો આ બધું કરે જ એવી આપણી સર્વસ્વીકૃત માન્યતા છે. રામાયણમાં પણ રામના વિયોગમાં દશરથ પ્રાણ ત્યજે છે, કૌશલ્યા નહીં. શ્રવણના વિયોગમાં પણ માત્ર મા જ પ્રાણત્યાગ નથી કરતી, પિતા પણ કરે છે. મા પાલવમાં ઢાંકીને વહાલ કરે છે, બાપ ખભે બેસાડીને વિશ્વદર્શન કરાવે છે. મા પ્રેમ સીંચે છે, બાપ આત્મવિશ્વાસ. મા લાગણીના સિક્કા પૂરા પાડે છે, બાપ માંગણીની કરન્સી નૉટ્સ. બાપ રુક્ષ નથી, વૃક્ષ છે જેની છાયામાં સંતાન નામનો છોડ મહોરે છે. દીકરાની સાઇકલ પાછળનો હાથ છોડવાની હિંમત બાપ જ કરે છે અને એમ કરીને દીકરાને દુનિયામાં સહારા વિના અને પડ્યા વિના આગળ વધવાનો પ્રથમ પાઠ ભણાવે છે.

પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘का स्विद् गुरुतरा भूमेः स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता चोच्चतरं च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)
માની સરખામણીએ પિતાના ગુણગાણ જોકે બહુ ઓછા જ ગવાયા છે. ‘બા’નો ‘પા’ ભાગ એટલે ‘બાપા’ એમ મારા પપ્પા કાયમ કહેતા. પપ્પાનું ટી-શર્ટ પહેલવહેલીવાર બંધબેસતું આવે એ દિવસ દીકરાની જિંદગીનો સૌથી યાદગાર દિવસ હોવાનો. આવો જ એક દીકરો પોતાના પિતાને કઈ નજરે જુએ છે, પોતના પિતા માટે કેવા વિચારો ધરાવે છે એ વાત લઈને આ કવિતા આવે છે. કવિતા આત્મકથાનકસ્વરૂપે છે પણ એનો અર્થ એ નથી કે આ વાત માઇકલ હેટિચના પિતાની જ છે. આત્મકથાનકસ્વરૂપ કાવ્યમાં આવતા કાવ્યનાયક/નાયિકા માટે વિલિયમ બટલર યીસ્ટ ‘Mask’ (મહોરું) શબ્દ વાપરતા પણ કવિતામાં આવતા આવા અર્ધકાલ્પનિક (Quasi-fictional) પાત્રોને કવિતાનો ‘Persona’ (લેટિન Person-વ્યક્તિ પરથી) કહેવાય છે. જેમ કવિ એ એની કવિતા પોતે નથી એમ જ કવિતામાં આવતી આ વ્યક્તિ એ કવિ પોતે જ હોય એવું જરૂરી નથી. આત્મકથાનકસ્વરૂપે કહેવાયેલી કવિતા શુદ્ધ આત્મકથાનક પણ હોઈ શકે, અર્ધઆત્મકથાનક પણ હોઈ શકે અને બિલકુલ કપોળકલ્પિતકથાનક પણ હોઈ શકે. કવિતામાં કવિને કે કવિની જિંદગીને શોધવાને બદલે કવિતા જ શોધવી વધુ હિતકારી છે.

હેટિચ આજની તારીખના કવિ છે. પ્રવર્તમાન ચીલા મુજબ એમણે આ કવિતામાં છંદોના બંધન ફગાવી દીધા છે. છંદ નથી એટલે પ્રાસ પણ નથી. ચાર ફકરાઓમાં પંક્તિ સંખ્યા અને લંબાઈ પણ અનિયમિત છે, જાણે કપાઈ રહેલા પર્વતનો આકારાભાસ ન કરાવતી હોય!

કવિતાનું શીર્ષક એ જ કવિતાની પ્રથમ પંક્તિ પણ છે એ જોઈને પહેલી નજરે આશ્ચર્ય થાય પણ પછી આગળ જતાં ખ્યાલ આવે છે કે આ એક બાળકની સ્વગતોક્તિ છે અને બાળક પાસે શીર્ષક અલગ પાડીને કવિતા કરવા જેટલી પુખ્તતાની અપેક્ષા કેમ કરાય આવી સમજ પડે ત્યારે કવિકર્મને દાદ આપવાનું મન થાય. બાળક યાદ કરે છે એના વધુ નાનપણના દિવસોની, ગઈકાલની. અને કવિતા બાળકની યાદદાસ્ત પર આગળ વધે છે એટલે જ બાળસહજ ચંચળતાના ન્યાયે કવિતામાં પણ ભાવ અને વિચારના કૂદકાઓ જોવા મળે છે.

બાળક પિતાને પર્વતનું શિખર કાપીને ખાડો કરી બે ભાગમાં વહેંચવાની મથામણ કરતાં જુએ છે જેથી કરીને સૂર્ય વધુ સમય માટે મળે. કવિતામાં જાતે જ કહ્યું છે કે ‘જે, બિલકુલ, અતિશયોક્તિ જ છે’ અને ન કહ્યું હોય તોય સમજી શકાય છે કે અતિશયોક્તિ પણ વામણી લાગે એવી આ વાત છે. પિતા શું કામ કરે છે એ વાતથી અણજાણ બાળક કલ્પનાની છલાંગ ભરીને ‘મહામાનવ’ પિતાના ‘અતિમાનવ’ કાર્યો નક્કી કરે છે. એક મિનિટ જેટલો જ સૂર્યપ્રકાશ મેળવવા માટેની મહેનત છેવટે રાબેત કરતાં વધુ કલાકોવાળા એક આખા દિવસનો વધારો મેળવવાની આશા સુધી લંબાય છે. ‘નવા તારા’, ‘ક્યાંય જોવા ન મળે એવી માછલીઓ’ – પરિકલ્પના વધુને વધુ ઊંડી થતી જાય છે. બાળક પોતાના ‘ફાધર’ને આખા ગામના પણ ‘ફાધરફિગર’ તરીકે અને કોઈની મદદેય ન લે એવા સ્વાભિમાની તરીકે જુએ છે. વળી એના પિતા યથોચિત ઉદાર પણ ખરા જ. જાતમહેનતથી એકલપંડે હાંસિલ કરેલો વધારાનો સૂર્યપ્રકાશ, તારા, પાણી, માછલીઓ – આ બધું એ પોતાના હકનું જ હોવા છતાં બધાને વહેંચવા તૈયાર છે.

ટૂંકમાં, કવિતા બે સ્તરે વિહાર કરે છે. એક, વાંચવી ગમે એવી મજાની પરીકથા. બીજું, બાળમાનસ. બંનેની મજા છે. બીજો કોઈ અર્થ શોધવા ન જઈએ તો પણ કવિતા આનંદ આપે છે અને એટલું પૂરતું છે. वाक्यम् रसात्मकम् काव्यम्। (વિશ્વનાથ). શૅલીએ પણ કવિતાને Expression of imagination જ કહી છે. પણ, કવિતા જે તમને કહે છે એ જ કહેતી હોય એ જરૂરી નથી. ખરી કવિતા ઘણીવાર બે શબ્દોની વચ્ચેની જગ્યામાં કે બે લીટીઓ વચ્ચેના અવકાશમાં લખાયેલી હોય છે અને ભાવક પોતાના જે-તે સમયની ભાવાવસ્થા મુજબ એનું યથેચ્છ અર્થઘટન કરી શકે છે. સપાટીની નીચે, બીજા સ્તરે બાળસહજ મનોભાવો ઉદ્ધ્રુત થાય છે. જે કુશળતા-કાબેલિયતથી આ ભાવ સુવાંગ આલેખાયા છે એ જ ખરી કવિતા છે. ‘જે, બિલકુલ, અતિશયોક્તિ જ છે’ એમ કહી દેવાયા બાદ પણ આ અતિશયોક્તિ વાસ્તવિક લાગે છે. પર્વતના કપાવાની વાત, લાંબા કલાકોવાળા વધારાના દિવસની વાત, નવા તારા, નવી માછલીઓ, જળાશય – આ બધું જ સાચું લાગે છે અને એ જ સર્જકનો જાદુ છે. અને આ બધું આપણને એટલા માટે સાચું લાગે છે કે આપણે બધા બાળપણમાં સતત આવા સુપરમેનને જોઈ-જોઈને જ મોટા થયા છે. પિતા માટેની આપણી કલ્પનામાં યથેચ્છ રંગો ભરાતાં અનુભવાતાં હોવાથી રચના દિલની વધુ નજીક અનુભવાય છે. ‘મને યાદ છે જ્યારે’ની અનિશ્ચિતતાથી આરંભાતી રચના જ્યારે ‘અમે આજે પણ કરીએ છીએ’ની નિશ્ચિતતાને સ્પર્શે છે ત્યારે આપણું હૈયું પણ વધુ જંગલી બનીને, વધુ હર્ષોલ્લાસ પોકારી ઊઠે
છે!

ગ્લૉબલ કવિતા : 28 : યુવા ગૃહિણી – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ

સવારે દસ વાગ્યે યુવા ગૃહિણી
તેના પતિના ઘરની લાકડાની વાડ પછીતે
પાતળા ગાઉનમાં આંટા મારી રહી છે.
હું મારી ગાડીમાં એકલો પસાર થાઉં છું.

અને ફરી તે વાડ પાસે આવે છે
બરફવાળા અને માછલીવાળાને બૂમ પાડવા માટે, અને ઊભી રહે છે
શરમાતી, અંતર્વસ્ત્રહીન, અંદર દબાવતી
વાળની ખુલ્લી લટને, અને હું એને સરખાવું છું
ખરી ગયેલા પાંદડા સાથે.

મારી ગાડીના નીરવ પૈડા
કિચૂડાટ સાથે ધસમસે છે
સૂકા પાંદડાઓ ઉપરથી ને હું નમીને સસ્મિત પસાર થાઉં છું.

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

The young housewife

At ten A.M. the young housewife
moves about in negligee behind
the wooden walls of her husband’s house.
I pass solitary in my car.

Then again she comes to the curb
to call the ice-man, fish-man, and stands
shy, uncorseted, tucking in
stray ends of hair, and I compare her
to a fallen leaf.

The noiseless wheels of my car
rush with a crackling sound over
dried leaves as I bow and pass smiling.

– William Carlos Williams
સ્ત્રીનું કેરેક્ટર સર્ટિફિકેટ લખવાનો અધિકાર કોનો?

પુરુષવાદી સમાજના વાડામાં કેદ ગૃહિણીની આ કવિતા પહેલાના, અને આજના – તમામ સમયગાળામાં સ્ત્રીઓનું સ્થાન અને પુરુષોની નજર પર પ્રકાશ ફેંકે છે. કવિ એક તબીબ હતા અને હોમ-વિઝિટ્સ પણ કરતા હતા, એ પશ્ચાદભૂ પણ આ કવિતા સમજવા કામ આવે એમ છે.

વિલિયમ કાર્લોસ વિલિયમ્સ. અમેરિકાના ન્યુ જર્સીના રુધરફૉર્ડ વિસ્તારમાં કળા અને સાહિત્યપૂર્ણ વાતાવરણવાળા પરિવારમાં જન્મ. (૧૭-૦૯-૧૮૮૩થી ૦૪-૦૩-૧૯૬૩) પિતાએ શેક્સપિઅર, દાન્તે, બાઇબલથી પરિચિત કરાવ્યા પણ વિલિયમનો મુખ્ય રસ ગણિત અને વિજ્ઞાન. હાઇસ્કૂલમાં પહેલીવાર એમને ભાષામાં રસ પડ્યો અને પ્રથમ કવિતા પણ એ સમયે જ લખી. જડ આદર્શવાદી અને પરિપૂર્ણતાવાદી મા-બાપનો ખાસ્સો પ્રભાવ રહ્યો. આ જ પ્રભાવ હેઠળ એ મેડિસીન ભણ્યા. તબીબ બન્યા. ચાળીસ વર્ષ સુધી તબીબ તરીકે સેવા બજાવી. તબીબ તરીકે ખૂબ સંવેદનશીલ, માયાળુ અને સામાજીક. પણ પુરુષવાદી અભિગમથી સાવ મુક્ત ન થઈ શક્યા. ઇંગ્લેન્ડની શુદ્ધ અંગ્રેજી કરતાં અમેરિકાની ઉડઝુડિયા અંગ્રેજી જ એમને ગમતી અને એ રીતે એ સાચા અર્થમાં અમેરિકન કવિ બનીને જીવ્યા. જીવનના છેલા બે દાયકામાં હૃદયરોગ અને લકવાના ઉપરાછાપરી હુમલાઓનો ભોગ બન્યા. પણ આ બિમારીઓમાં એમની સર્જનશક્તિ વધુ ખીલી ઊઠી. આખરી ઘડી સુધી તેઓ સર્જન કરતા રહ્યા.

કીટ્સ અને વ્હિટમેન એમના પ્રિય. કીટ્સને તો એ ભગવાન ગણતા. પણ મેડિકલ કોલેજના પહેલા જ વર્ષથી એઝરા પાઉન્ડ સાથેની દોસ્તી અને કવિતાનો એમના પર ભારે પ્રભાવ રહ્યો. એમણે પોતે પાઉન્ડ સાથેની મુલાકાતથી જિંદગીના બે ભાગ થયાનું – ઇસુ પહેલાં (B.C.) અને પછી (A.D.) જેવો ફરક થયાનું કબૂલ્યું છે. ઇમેજીસ્ટ અને મોડર્ન પોએટ્રી મુવમેન્ટમાં એમણે ખૂબ આગળ પડતું ને નોંધપાત્ર કામ કર્યું. એમનું સોળ જ શબ્દોનું ‘ધ રેડ વ્હિલબરો’ કાવ્ય ઇમેજિસ્ટ કવિતાની ખરી ઓળખ ગણાય છે. એલિયટની સફળતાથી એમને તકલીફ પણ થઈ અને એમની કવિતામાં વળાંક પણ આવ્યો. કવિતામાં છંદો સાથેના પ્રયોગ, તરોતાજા અમેરિકન ભાષા, ઇમેજીઝમ, રોજબરોજના પ્રસંગો અને સામાન્ય માણસની જિંદગીના પ્રામાણિક આલેખનના કારણે એમની કવિતા અલગ તરી આવે છે. એ કહેતા, ‘બધા નિયમોને ભૂલી જાવ, બધા બંધનો ભૂલી જાવ, જેમ ખાવાનું, બોલવાનું, એમ લખવાનું પણ માત્ર એના આનંદ ખાતર જ હોવું જોઈએ.’ કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, નાટક ક્ષેત્રે પણ ખૂબ પ્રભાવક ખેડાણ કર્યું.

પહેલી નજરે કવિતામાં સાવ સાદું દેખાતું દૃશ્ય જરા હળવા હાથે ઉઘાડીએ ત્યાં જ દામ્પત્યજીવનની અને સ્ત્રી-પુરુષના સામાજીક દરજ્જાની ખરી અને ખારી ભાતો ઉપસી આવે છે. કવિતાના આંચકા આપતા મૂડને અનુરૂપ કવિએ કવિતામાં દરેક પંક્તિમાં છંદના અનિયમિત આવર્તન પ્રયોજ્યા છે. ક્યાંય પ્રાસ મેળવ્યા નથી. ત્રણ અંતરા અને ત્રણેયમાં પંક્તિની સંખ્યા પણ અનિયમિત. ત્રણેય ફકરામાં વાત મોટા ફલક પર શરૂ થઈ ફકરાના અંત લગીમાં કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય એ રીતની ગતિ જોવા મળે છે. ગૃહિણીના દામ્પત્યજીવનમાં છંદોલયનો અભાવ, પ્રાસહીનતા, અને અનિયમિતતા નિર્દેશવા કાવ્યસ્વરૂપ મદદરૂપ થાય છે.
‘તેના પતિના ઘર’ શબ્દ પ્રયોગ જ આંચકાની શરૂઆત કરે છે. જે ઘરમાં લગ્ન કરીને ગૃહિણી આવી છે એ ઘર હજી એનું થયું નથી. ગૃહિણી યુવાન છે એનો અર્થ એ કે લગ્નજીવનને હજી તાજું છે. શરૂઆતનું દામ્પત્યજીવન તો સ્ત્રી-પુરુષના ભેદનો છેદ ઊડાડી દે એવા પ્રેમના વાવંટોળ જેવું મદમસ્ત હોવું જોઈએ… પણ આ એક જ શબ્દપ્રયોગ દંપતિમાંથી સ્ત્રી અને પુરુષને અલગ કરી દઈ શરૂઆતમાં જ સ્તબ્ધ કરી દે છે.

નવું કશું નથી. પૂર્વ હોય કે પશ્ચિમ, ગઈ કાલ હોય કે આજ, સ્ત્રી અને પુરુષ વચ્ચેની ભેદરેખા કદી ઓગળી નથી. સ્ત્રી હંમેશા ભોગવવાનું સાધન જ રહી છે. જીવનના રંગમંચ પર भोज्येषु माता, कार्येषु दासी, शयनेषु रंभा આ બધા કિરદાર સ્ત્રીઓએ જ ભજવવાના લખાયા છે. શૃંગારશતકની શરૂઆતમાં જ ભર્તૃહરિ લખે છે:

स्मितेन भावेन च लज्जया भिया पराङ्गमुखैरर्धकटाक्षवीक्षणैः।
वचोभिरीर्ष्याकलहेन लीलया समस्तभावै: खलु बन्धनं स्त्रियः॥

(સ્મિતથી, ભાવથી, લજ્જાથી, અર્ધકટાક્ષભરી નજરવાળા મુખ સાથે પાછા વળીને, વચનથી, ઈર્ષ્યાથી, કલહથી, લીલાથી – સમસ્ત ભાવથી સ્ત્રીઓ ખરેખર બંધન છે)

સ્ત્રી જ બંધન? સ્ત્રી જ સમસ્યા? ઈવે સફરજન માંગ્યું: આદમે કામેચ્છાવશ તોડી આપ્યું, સીતાએ સુવર્ણમૃગ માંગ્યું: રામ દોડ્યા, ગૌતમઋષિએ પતિધર્મ ન નિભાવ્યો, ઈન્દ્ર સ્ખલન કરવા આવ્યો: અહલ્યા તણાઈ ગઈ – બધામાં સ્ત્રીઓ જ દોષી? ભર્તૃહરિ સ્ત્રીઓને अविनयभुवनम् (અવિનયનું ધામ), नरकपुरमुखम् (નરકપુરનું મુખ) કહી એમની કુટિલ વાંકી ભ્રમરોને નર્કદ્વાર ઊઘાડનારી કૂંચી (कुटिला भ्रूलता कुन्चिकेव) કહી ઓળખાવે છે. એક શ્લોકમાં એ કહે છે:

किं गतेन यदि सा न जीवति प्राणीति प्रियतमा तथापि किं।
इत्युदीक्ष्य नवमेघमालिकां न प्रयाति पथिकः स्वमन्दिरम्॥

(જો એ જીવતી ન હોય તો જવાથી શું અને (વિયોગ છતાં) જીવતી હોય તોય (ઘરે જવાથી) શું? એમ વિચારીને મેઘમાળા જોઈનેય પથિક સ્વગૃહે પાછો ફરતો નથી.) પણ શું વિયોગમાં પ્રાણ માત્ર સ્ત્રીના જ જવા જોઈએ? પુરુષનું શું? આ પ્રશ્ન સદા અનુત્તરિત જ રહ્યો છે. આદિ શંકરાચાર્ય પણ પુરુષમુખી સમાજથી અળગા થઈ શક્યા નથી. કહે છે: ‘नारीस्तनभरनाभीदेशं दृष्ट्वा मा गा मोहावेशम्।’ (નારીના સ્તનનો ઉભાર અને નાભિપ્રદેશ જોઈને મોહાવેશમાં ન આવતો.) ‘પેરેડાઇઝ લોસ્ટ’ મહાકાવ્યમાં મિલ્ટન પણ પ્રખર પુરુષવાદથી પીડાતા જોવા મળે છે. ‘Not equal, as their sex not equal seem’d’ કહીને એ કહે છે, ‘Hee for God only, and shee for God in him.’ પુરુષ ઈશ્વર માટે પણ સ્ત્રી માટે તો પુરુષ જ ઈશ્વર? એકને ગોળ ને એકને ખોળ? વાહ રે સંસાર!

કવિતા ભણી વળીએ. પતિ કામે નીકળી ગયા બાદનો સમય છે. કવિતા લખાઈ એ જમાનામાં સ્ત્રીઓ ઘર બહાર પાતળી નાઇટી પહેરી આવતી નહીં. નાયિકા નાઇટી પહેરીને પતિના ઘરની લક્ષ્મણરેખા પાછળ આઝાદીના બે’ક શ્વાસ ભરી રહી છે અને કાવ્યનાયક ત્યાંથી ગાડીમાં એકલો પસાર થાય છે. ગૃહિણી એના વાડામાં અને નાયક એની ગાડીમાં – બંને પોતપોતાની કેદમાં છે.

પહેલા ફકરામાં ‘husband’s house’ તેમ બીજામાં ‘uncorseted’ શબ્દ આંચકો આપે છે. Corset આપણી સંસ્કૃતિ માટે નવું અંતર્વસ્ત્ર છે. પાશ્ચાત્ય સ્ત્રીઓ પોતાના નિતંબ અને સ્તનના ઉભારને વધુ આકર્ષક ઘાટ આપવા માટે ખાસ પ્રકારનું કડક અંતર્વસ્ત્ર દોરીથી ખૂબ કસીને પહેરતી. ઘરમાં કોર્સિટ પહેરવાનો રિવાજ નહોતો પણ ઘર બહાર કોર્સિટ વિના નીકળવું મોટી વાત ગણાતું. ગૃહિણીએ આ કડક, કસાયેલું અંતર્વસ્ત્ર પહેર્યું નથી એ પતિના પ્રભાવ અને પ્રભુત્વમાંથી બે ઘડીની મુક્તિ સૂચવે છે? પણ મુક્તિ બંધનની ઉપસ્થિતિ પણ તો સાબિત કરે જ છે ને?

ગૃહિણી ફેરિયાઓને બૂમ પાડવાના બહાને વાડની નજીક સરે છે. એ શરમાય છે. ‘અંદર દબાવતી’ શબ્દ પર પંક્તિ પૂરી થાય છે. અંદર દબાવતી? શું? પાતળા નજીવા ગાઉન, કોર્સિટની ગેરહાજરી પછી સેક્સ્યુઆલિટી તરફ આ ત્રીજો ઈશારો છે. Enjambment-run off શૈલી પ્રયોજીને બીજી પંક્તિમાં ઘટસ્ફોટ કરે છે કે ગૃહિણી વિખરાઈ ગયેલી લટોને અંદર દબાવે છે. પતિની ગેરહાજરીમાં ‘અયોગ્ય’ વસ્ત્રપરિધાન અને ફેરિયાઓ સાથેના એના વિનિમયને જોઈને નાયક એની સરખામણી ખરેલા પાંદડા સાથે કરે છે. ખરેલું પાંદડું. ચારિત્ર્ય સ્ખલન? શું ગૃહિણી ફ્લર્ટ છે?

છેલ્લા ફકરામાં કચડાતાં સૂકાં પાંદડાં. આગલી પંક્તિમાં ગૃહિણીની સરખામણી ખરેલા પાંદડા સાથે કરીને તરત જ કવિ ગાડી નીચે કચડાતા સૂકાં પાંદડાંનો નિર્દેશ કરે છે. નાયકનો કામભાવ? સ્ત્રીની ઉપર ચડી જવાની સનાતન પૌરુષીવૃત્તિ? એ જ રીતે અવાજ કર્યા વિના સરી જતી ગાડીના વિરોધાભાસમાં સૂકા પાંદડાના કિચૂડાટ સમજવા જેવો છે. પુરુષ દુષ્કર્મ કરે તો સમાજમાં અવાજ ઊઠતો નથી પણ સ્ત્રીનું દુષ્કર્મ ચિત્કારી ઊઠે છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે નાયક પસાર થતી વખતે નમે છે કેમકે બંને જણ કદાચ એક-મેકને ઓળખતા નથી પણ એ સ્મિત આપીને પસાર થાય છે… આખી કવિતામાં એક sexual tension અનુભવાતું રહે છે. સ્ત્રીનું કેરેક્ટર સર્ટિફિકેટ પુરુષ લખે છે. સીતા એકલી રહી એટલો સમય રામ પણ એકલા રહ્યા, પણ અગ્નિપરીક્ષા માત્ર સીતાની જ થઈ.

અંતે, સ્ત્રીની નજરથી આ કવિતા જોવામાં આવે તો? નજરથી જ સ્ત્રીમાત્રને નિર્વસ્ત્ર ‘ફીલ’ કરાવતા આવા પુરુષો વિશે સ્ત્રીનો શો અભિપ્રાય હોઈ શકે? રસ્તા પર ધ્યાન આપવાના બદલે પોતાના કોર્સિટ વિનાના નાઇટી ઉપર ધ્યાન આપી સ્મિત આપી પસાર થતા પુરુષ માટે કયું કેરેક્ટર સર્ટિફિકેટ ગૃહિણીને આપવું હશે? સ્ત્રી જાણે છે:

मैं सच कहूंगी मगर फ़िर भी हार जाउँगी,
वो जूठ बोलेगा, और लाज़वाब कर देगा। (પરવીન શાકિર)

ગ્લૉબલ કવિતા : 27 : દિલ, ભલા – એમિલિ ડિકિન્સન

દિલ ભલા, આપણે એને ભૂલી જશું,
તું ને હું, આજ રાતે જ જો!
તુંય ભૂલી જજે, એણે જે હૂંફ આપી હતી,
હું ભૂલી જઈશ અજવાસ, હોં!

જ્યારે પરવારે તું, યાદ રાખીને હા, ખાસ કહેજે મને,
મોળા પાડી દઈશ, મારા વિચાર સૌ,
જલ્દી કર! તું રખેને પડી જાય પાછળ અને
ક્યાંક હું યાદ એને કરી લઈશ તો!

-એમિલી ડિકિન્સન
(અનુ. વિવેક મનહર ટેલર)

Heart, we will forget him

Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.

When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!

– Emily Dickinson

જિંદગીના મકાનમાં સૌથી વહાલો કોઈ ઓરડો હોય તો એ ભૂતકાળનો ઓરડો છે. મન જરા નવરું પડ્યું નથી કે ભૂતકાળના ઓરડામાં ઘૂસ્યું નથી. એક પછી એક સ્મરણના પટારા ખૂલતા જાય અને જીવી જવાયેલી જિંદગી ક્યારેક સ્મિત પણ બહુધા ઉદાસીનો વજનદાર ડચૂરો થઈને ગળામાં ભરાઈ પડતી હોય છે. ભૂલવા જેવું ભૂલી શકાતું નથી એમાં જ જિંદગી ભારઝલ્લી બનીને રહી જતી હોય છે. સ્મરણનું મરણ કરતાં આવડી જાય તો સંસાર સ્વર્ગ ન બની જાય? પણ સ્મરણનું મરણ કે મારણ કરવાનું કોઈ શીખવે ખરું?

પ્રસ્તુત રચના ભૂતકાળના આવા જ એક કમરામાં આપણને લઈ જાય છે. જીવનનો નેવુ ટકાથી વધુ હિસ્સો એક જ મકાનમાં એકાંતવાસમાં વિતાવનાર અમેરિકન કવયિત્રી એમિલિ એલિઝાબેથ ડિકિન્સન (૧૦-૧૨-૧૮૩૦થી ૧૫-૦૫-૧૮૮૬: એમર્સ્ટ, મેસાચુસેટ્સ )ની આ રચના છે. ટીનએજમાં જ શાળા-કોલેજ છોડીને એમણે વિશાળ ઘર–ધ હૉમ્સ્ટેડ-ને જ પોતાની દુનિયા બનાવી દીધી. મેધાવી વિદ્યાર્થિની હોવા છતાં અભ્યાસ ત્યાગવા પાછળ કદાચ એમની નાજુક સંવેદનશીલતા જવાબદાર હતી. જમાનાથી ઉફરા ચાલીને એ આજીવન કોઈ પણ ચર્ચ કે સંપ્રદાયમાં જોડાયાં નહીં. માઉન્ટ હોલિઓકમાં જ્યારે આચાર્યાએ ખ્રિસ્તી બનવા માંગનારને ઊભા થવા કહ્યું ત્યારે આખી કોલેજમાં એમિલિ જ ઊભાં નહોતાં થયાં.
એમિલિનો ભાઈ એની જ ખાસ સહેલી ગિલ્બર્ટને પરણ્યો પણ એમિલિ અને બહેન લેવિનિયા આજીવન કુંવારા અને સાથે જ રહ્યાં. ઘરના એકાંતવાસમાં સ્વયં કેદ થઈને પરિવાર અને મિત્રોથી બિલકુલ ખાનગીમાં એમણે સર્જનપ્રવૃત્તિ ચાલુ રાખી. બની શકે કે ઘણાબધા પ્રિયજનોના અકાળ અવસાન જોઈને એમણે દુઃખદાયી દુનિયાથી અળગા જીવવાનું પસંદ કર્યું હોય. કોઈ સર્જકે જાત સાથે વાત ન કરી હોય એટલી એમિલિએ કરી હશે. એમિલિએ લખ્યું હતું, “Parting is all we know of heaven/ And all we need of hell.” હંમેશા જાતે સીવેલાં શ્વેત વસ્ત્રો જ પરિધાન કર્યાં. મુલાકાતીઓને ભાગ્યે જ મળતાં. એકલાં હતાં પણ અકડુ કે અતડાં નહોતાં. પરિચિતોના કહેવા મુજબ એમિલિનો સ્વભાવ વિનમ્ર, હૂંફાળો અને મજાકિયો હતો. એમનાં પત્રોમાં રોમાન્સ અને ફ્લર્ટ પણ નજરે ચડે છે. પંચાવન વર્ષની નાની વયે કિડનીની બિમારીથી એ ઘરમાં જ મૃત્યુ પામ્યાં. એમની કબર પર લખવામાં આવ્યું: “Called back”

કોશેટામાં ઈયળ જીવે એવી જ હટ કે જિંદગી જીવી જનાર એમિલિની કવિતા પણ લાઘવ, મર્મભેદકતા, અપ્રતિમ મૌલિકતા ઉપરાંત કાવ્યસ્વરૂપ અને શૈલીના અભિનવ પ્રયોગોથી એકદમ હટ કે બની રહી, જેણે વીસમી સદીની કવિતા પર ખાસ્સો પ્રભાવ પાડ્યો. કોશેટો ખતમ થાય અને સીધીસાદી ઈયળ મેઘધનુષી પતંગિયું બનીને ઊડી નીકળે એ જ રીતે એમિલિના મૃત્યુપર્યંત બહેન લેવિનિઆએ જીવનપર્યંત છુપાવી રખાયેલ ઢગલોક કવિતાઓ અને પત્રોનો અમૂલ્ય ખજાનો શોધી કાઢ્યો અને વિશ્વને અમેરિકાના ટોચના સાહિત્યકારોમાંના એકની ભેટ મળી. બે વર્ષથી ઓછા ગાળામાં એમની કવિતાઓની અગિયાર આવૃત્તિ બહાર પડી. કમનસીબે એમિલિની ઇચ્છાને વળગી રહીને લેવિનિઆએ પત્રો સળગાવી નાંખ્યા નહિંતર એક મહાન એકાંતવાસી સર્જકના મનોજગતની અંધારકોટડીઓમાં થઈ શકનાર પ્રકાશ આવનાર જગતને ઘણું શીખવી શક્યો હોત.

કવિતાની પ્રથમ પંક્તિ જ એનું શીર્ષક છે અને એ કાવ્યવસ્તુ પણ ઈંગિત કરી દે છે. દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું… પ્રેમીને ભૂલી જવાની વાત છે પણ ભૂલવાનું કામ એકલપંડે કરી શકાય એટલું સરળ-સહજ નથી. સ્મરણના ભારીખમ્મ પથરાને વિસ્મૃતિની ગર્તામાં ધકેલવા માટે નાયિકાને સાથ જોઈએ છે. અને આવી તદ્દન અંગત વાતમાં પોતાના જ દિલથી વધીને અવર કોણ સહાયક હોઈ શકે? વળી ભૂલવાનું કામ માત્ર દિલે પણ તો કરવાનું છે. એટલે જ એક સે ભલે દો.

ભૂલવાના કોઈ નિયમ હોય? કદાચ એટલે જ મૂળ કવિતામાં કોઈપણ પંક્તિમાં છંદ સ્થાયી નથી. બે જ ફકરા અને આઠ જ પંક્તિની સાવ ટૂંકીટચ કવિતામાં બંને ફકરામાં બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ જળવાયા છે પણ પંક્તિઓની લંબાઈ મનની અનિયમિત અવસ્થા જેવી જ વધઘટ થયા કરે છે. નાયિકા હૃદયનું personification (સજીવારોપણ) કરી એની સાથે સંવાદે છે. એમિલિની આ ખૂબી છે.
પ્રેમની ખરી તાકાતનો અંદાજ વિરહમાં મળે છે, મિલનમાં નહીં. પ્રેમભગ્ન થયા પછી નાયિકા પોતાના હૃદય સાથે સંવાદ સાધે છે અને બેવફા પ્રેમીને ભૂલી જવાનું નક્કી કરે છે. આમ તો,

વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું! (કલાપી)

ને તેમાં વળી આ તો સ્ત્રી ! એની તો ફિઝિયોલોજી જ ચોપડી બહારની. બાલમુકુન્દ દવે સાચું જ કહી ગયા:

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સર્જી નારી ઊર:
ઊરને દીધો નેહ, ને વળી નેહને દીધો વ્રેહ!

એક તો હૈયું ને તે વળી સ્ત્રીનું… એમાં પાછો પ્રેમ અને ઉપરથી વ્રેહ યાને વિરહ! બ્રહ્માને પણ લાગતું હશે કે ક્યાંક કાચું તો નથી કપાઈ ગયું ને? પુરુષ જિંદગીની ગઈકાલને બહુ આસાનીથી ભૂલી જઈ શકે છે. સંબંધમાંથી હાથ પણ સરળતાથી ધોઈ કાઢતો હોય છે પણ સ્ત્રી માટે તો વીતેલ દિવસોની યાદ એક અસ્ક્યામત છે. ‘સિક્કા ખિસ્સામાં છે તારી યાદના, રોજ થોડા થોડા લઉં છું કામમાં’ – આ સ્ત્રી છે! એ કહે છે:

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
‘સ્મરણ’ના ‘સ’ વિના તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.
‘સ્મરણ’નો અડધો ‘સ’ સ્ત્રીનો પ્રાણવાયુ છે. પુરુષ તો સનમની ગલીના નાકે જ બીજી શોધી લે. સ્ત્રીને વાર લાગે છે. સંબંધના અવસાનમાંથી બહાર એ મોડેથી જ આવી શકે છે. હા, હાથ ખંખેરીને ઊભી થઈ જનાર સ્ત્રીઓ પણ જોવા મળશે અને તૂટેલા સગપણનો બોજ આજન્મ વેંઢારતા પુરુષો પણ જડી આવશે પણ અપવાદ હંમેશા નિયમની પુષ્ટિ જ કરતા હોય છે. નસીમ શાહજહાનપુરીનો એક શેર છે:

तर्के-उल्फ़त को ज़माना हुआ लेकिन ऐ दोस्त
दिलमें यादोंके चराग अब भी जला करते हैं
(પ્રેમત્યાગને જમાનો થઈ ગયો છતાં, એ દોસ્ત! દિલમાં યાદોના દીપક હજી સળગ્યા કરે છે.)

સ્ત્રી યાદ પણ મિટાવી દઈ શકે પણ પ્રેમ ત્યજી/ભૂલી શકતી નથી. એ કહે છે:

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

આ સ્ત્રી છે. પણ દરેક ધીરજ, દરેક પ્રતીક્ષા, દરેક વિશ્વાસનો એક અંત હોય છે. નાયિકાને આખરે ખાતરી થઈ છે કે બેવફા પ્રેમી પરત નહીં જ ફરે એટલે એ હવે હૃદયનો સધિયારો મેળવીને સહિયારો ત્યાગ કરવાનું નિર્ધારે છે. એકલાથી ભૂલવું કપરું છે, તો બે જણ ભેગા મળીને જોર કરીએ અને ભૂલી જઈએ. ને વળી ટાઇમલિમિટ પણ નક્કી છે. આજે રાત્રે જ. દિવસ ઊગી નીકળ્યો તો આશા પણ ઊગી નીકળવાની. યેનકેન પ્રકારે આજે રાત્રે જ આ વાતનો ઘડોલાડવો એક કરવાનો છે. પણ ભૂલવાની પ્રક્રિયા કેટલી તો વસમી છે કે નાયિકા પહેલી ચાર લીટીમાં જ ત્રણ-ત્રણ વાર ‘ભૂલી’ શબ્દ દોહરાવે છે!

પ્રેમ અજવાળેય છે ને હૂંફેય બક્ષે છે. (પ્રેમમાં અજવાળું અને હૂંફ પર એક લેખ લખી શકાય પણ અહીં વાત વિસ્મરણની કરવાની છે.) આ બંને છોડવું પડશે. હૃદય જેવું એને સોંપેલું કામ પૂરું કરી દે કે તરત એણે નાયિકાને જાણ કરવાની છે. બશર નવાઝ કહે છે, ख़ुश्क पत्तों से छुडा लेती है शाखें दामन,
किसने यादों से निभाई है यहां दिलके सिवा? તો દિલ યાદોથી જેવું અળગું થવામાં સફળ થશે કે તરત જ નાયિકા પણ પ્રણયવિચારવાયુને મોળો પાડી દેશે. મજા તો ત્યાં છે જ્યારે નાયિકા હૃદયને મીઠો ઉપાલંભ આપે છે કે એને ભૂલવામાં જલ્દી કરજે. નાહક તું ધીમું પડશે અને હું એને યાદ કરી બેસીશ. કેવી વિવશતા ! ‘કેવી મજાની પ્રેમની દિવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.’

હકીકતમાં બેવફા યારને ભૂલી ન શકવાની પોતાની કમજોરીનો ટોપલો હૃદયના માથે ઢોળી દઈને, હૃદયને જ ગુનેગાર સાબિત કરીને ભૂલી ન શકવામાં પોતાનો તો કોઈ વાંક છે જ નહીં કહીને નાયિકા પોતાની જાતને પણ છેતરવા મથે છે. ‘આજે રાત્રે’ જ આ કામ કરવાનું છે એમાં પણ છટકબારી સિવાય બીજું કંઈ નથી. સમયની ફ્રેમ ગોઠવીને નાયિકા ફરી-ફરીને ખુદને જ છેતરે છે. ભૂલવાની ‘કોશિશ’ કરવી પડે એનાથી બળવત્તર યાદનું બીજું કયું સબૂત હોઈ શકે?