ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !
– બાલમુકુન્દ દવે
ગુજરાતી ભાષાનું અમર કરુણપ્રશસ્તિ કાવ્ય
माया મનુષ્યમાત્રની લાક્ષણિકતા છે, કદાચ સજીવમાત્રની! સમયની સાથે આપણને આપણી આસપાસના માત્ર સજીવો જ નહીં, નિર્જીવો સાથે પણ માયા બંધાઈ જાય છે. આપણા ઘર-ઑફિસ-વાહન-સામાન આપણા જીવનના અવિભાજ્ય અંગો બની જાય છે. મોબાઇલ બગડી જાય ત્યારે જે દુઃખ થાય છે, એ માત્ર નવા કરવા પડનાર ખર્ચ બાબતનું નથી હોતું કેમકે બગડતાં પહેલાં એ આપણી હથેળીના પરિવારનો એક સદસ્ય બની ચૂક્યો હોય છે. પાંડવો સ્વાર્ગારોહણ માટે હિમાલય પર ગયા, ત્યારે અનાયાસ એમની સાથે જોડાઈ ગયેલું કૂતરું એમના પરિવારનો જ હિસ્સો બની ગયું હતું, અને એને લીધા વિના યુધિષ્ઠિર સ્વર્ગમાં પ્રવેશવા તૈયાર નહોતા થયા. મૂંગા પ્રાણીઓ માટે આવી મમતા થઈ આવતી હોય તો માનવી-માનવીની તો વાત જ શી કરવી? અને એમાંય મૃતક જો નિકટનું સ્વજન હોય તો તો આ બંધન પરાકાષ્ઠાએ જ હોવાનું ને?! ઘરની દીવાલોની વચ્ચે સમય કાઢતા માનવી સમય જતાં અનાયાસે જ એ દીવાલોને શ્વસવાનું શરૂ કરી દેતો હોય છે. પરિવારજનો માટેના સ્નેહ અને નિર્જીવ ઘરવખરી માટેના ખેંચાણ વચ્ચે ક્યારેક ભેળસેળ પણ થઈ જાય છે. આવી જ માયા અને ભેળસેળવાળી પરિસ્થિતિ કેન્દ્રમાં રાખીને બાલમુકુન્દ દવેએ આપણને ગુજરાતી ભાષાનું અમર સૉનેટ આપ્યું છે.
બાલમુકુન્દ દવે. જન્મ ૦૭-૦૩-૧૯૧૬ના રોજ વડોદરા પાસેના મસ્તુપુરા ગામમાં. પિતા મણિશંકર ગિરજાશંકર દવે. માતા નર્મદાબેન. પિતા ગામોટ ગોર હતા. પ્રાથમિક શિક્ષણ પ્રકૃતિના ખોળે મસ્તુપુરા-કુંવરવાડાની ગુજરાતી સરકારી શાળામાં. વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૩૭માં જાસુદબહેન સાથે પ્રથમ લગ્ન. એમનું નિધન થતાં ૧૯૪૧માં ચંદનબહેન સાથે બીજાં લગ્ન. ૧૯૪૦માં નોકરીની શોધમાં અમદાવા આવી સ્થાયી થયા. શરૂઆતમાં ‘સસ્તું સાહિત્ય’ કાર્યાલયમાં. થોડો વખત પત્રકારિત્વ. ૧૯૬૮થી ૧૯૯૧ સુધી ‘નવજીવન’ પ્રકાશિત ‘લોકજીવન’ના તંત્રી. ૧૩-૧૪ વર્ષની વયે કાવ્યસર્જનનો પ્રારંભ. ૨૮-૦૨-૧૯૯૩ના રોજ ૭૭ વર્ષની વયે નિધન.
અનુગાંધીયુગીન કવિઓમાંના નોંધપાત્ર. ઘર-ગામ-તળાવ-ખેતર અને શાળાના રસ્તે અનવરત થયે રાખેલ પ્રકૃતિપાન ઉપરાંત પ્રાસંગિક ગીતો-પ્રભાતિયાં, વિશદ વાંચન, કુમારની બુધસભા અને વેણીભાઈ પુરોહિત જેવાઓની મૈત્રીનો કવિ બાલમુકુંદના ઘડતરમાં પ્રમુખ ફાળો. એમના મતે એમના પર ‘પ્રકૃતિસૌન્દર્ય, પ્રણય અને પ્રભુભક્તિ –એ ત્રણ ‘અંગ’માંથી પ્રકૃતિસૌન્દર્યની અસર વિશેષ વર્તાય છે.’ સુ.દ. લખે છે: ‘બાલમુકુંદ પડઘાઓના નહીં, પણ પોતીકા અવાજના કવિ છે…. …મૃત્યુનો અનુભવ બાલમુકુંદના વિષાદનું કેન્દ્ર છે. માતા, મિત્ર, પત્ની અને પુત્ર એ ચારેયનાં મૃત્યુની છાયા કવિના શબ્દ પર પડી છે.’ કવિએ બહુ લખ્યું નથી પણ જેટલું લખ્યું છે એ નખશિખ આસ્વાદ્ય છે. એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતો આપણી ભાષાનો આગવો ટહુકો બની રહ્યાં છે. એમની કવિતા જાત-અનુભૂતિની ભોંય ફાડીને અંકુરિત થયેલી છે. સરળ અને મધુર ભાષામાં લયાન્વિત એમની બાની હૃદયને તુર્ત જ સ્પર્શી લે છે. એક તરફ પરંપરા તો બીજી તરફ ગાંધીયુગીન સંસ્કારો સાથે તાદાત્મ્ય સાધીને પણ તેઓ સફળતાપૂર્વક નિજી છબી ઉપસાવી શક્યા છે. બાળકાવ્યોથી માંડીને પ્રૌઢશિક્ષણ અને મુક્તક, ભજન, ગીતોથી લઈને સૉનેટ-ખંડકાવ્યો સુધીની બૃહદરેખ પર એમનું સર્જનફલક વિસ્તાર પામ્યું છે. કવિતા વિશે બાલમુકુન્દ દવેના શબ્દો નોંધવા જેવા છે: ‘મૌનનું પડ ફોડીને કવિતાનો શબ્દાંકુર બહાર પ્રગટે છે, તે પૂર્વે ભોમ-ભીતરમાં ચાલતી કવિતાબીજ ફણગાવવાની નિગૂઢ પ્રક્રિયા તપાસવી, એ જેટલું રસપ્રદ એટલું જ અટપટું છે…. બારીક મોજણી કરવા છતાંય, કશુંક એવું બાકી રહી જય છે જે પૂરેપૂરું પામી શકાતું નથી અને જે કવિતાને ‘કવિતા’ બનાવે છે. આ જે તત્ત્વ શેષ રહી જાય છે એ જ કવિતાનું ‘વિશેષ’ છે!’
‘જૂનું ઘર ખાલી કરતાં’ આપણી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠ સૉનેટોમાંનું એક છે. કવિએ અહીં કરુણ રસનિર્વાહ માટે વધુ અનુકૂળ મંદાક્રાંતા છંદ બે-ચાર નાની છૂટ લઈને પ્રયોજ્યો છે. અષ્ટક-ષટક મુજબની પ્રચલિત પંક્તિ સંખ્યાના સ્થાને એમણે ષટક-અષ્ટક પ્રયોજ્યાં છે અને ષટક પછી ભાવપલટો આણીને છેલ્લી બે પંક્તિમાં અભિપ્રેત ચોટ નિપજાવી છે. સૉનેટની પહેલી બારેય પંક્તિઓને કવિએ પ્રાસની પળોજણમાં નાંખી ન હોવાથી ભાવક મુક્તવિહારની અવસ્થા લઈને કાવ્યાંતે પહોંચે છે ત્યારે અચાનક જ ‘આઉટ ઑફ બ્લૂ’ છેલ્લી બે પંક્તિમાં એનો સામનો પ્રાસ સાથે, ના, ચુસ્ત પ્રાસ સાથે થાય છે ત્યારે આખરી બે પંક્તિઓની ચોટ વધારે ધારદાર બની રહે છે અને ભાવકના અસ્તિત્ત્વને ચીરી નાંખવામાં સફળ રહે છે. કવિએ અનાયાસે જ પ્રાસ મેળવી દીધો હોય તોય એટલું સહજ સ્વીકારવું પડે કે આ પ્રાસ સૉનેટને અત્યંત ઉપકારક નીવડ્યો છે. અને આમ તો કવિ नवरसरुचिरा ગણાય છે, પણ ભવભૂતિએ તો एको रसः करुण एव કહીને કરુણ રસને એકમાત્ર મુખ્ય રસ ગણાવ્યો છે. દુઃખ કરુણરસની નિષ્પત્તિનો વિભાવ છે અને દુઃખની ઉત્પત્તિના અનેક કારણોમાંનું એક તે મૃત્યુ. આમ તો આપણે જાણીએ જ છીએ કે जातस्य हि ध्रुवो मृत्युः પણ નિશ્ચિત હોવા છતાં સમયરેખા પર અનિશ્ચિત રહેતું મૃત્યુ હંમેશા અણધાર્યું દુઃખ જન્માવે છે અને આ મૃત્યુ જો નિકટતમ સ્વજનનું હોય તો તો વિષાદનો રંગ ઓર ઘેરો બની રહે છે. વેદનાથી ફાટફાટ કવિહૃદયમાંથી આવા સમયે ફૂટી નીકળતા ઝરણાંને આપણે કરુણપ્રશસ્તિ (Elegy) કાવ્યો તરીકે ઓળખીએ છીએ. રામાયણ-મહાભારતમાં જોવા મળતાં ‘મંદોદરીવિલાપ’ તથા ‘ઉત્તરાવિલાપ’; કાલિદાસના ‘કુમારસંભવમ્’માં ‘રતિવિલાપ’ અને ‘રઘુવંશમ્’માં ‘અજવિલાપ’માં કરુણપ્રશસ્તિ કાવ્યોનો સહજ ઈશારો જોવા મળે છે. ગુજરાતી ભાષામાં ૧૮૬૫માં દલપતરામે લખેલ ‘ફાર્બસવિરહ’ને આપણે ગુજરાતી કરુણપ્રશસ્તિકાવ્યોનું પ્રારંભબિંદુ ગણી શકીએ. એમના પુત્ર ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ પણ કરુણપ્રશસ્તિ કાવ્ય. નરસિંહરાવનું ‘સ્મરણસંહિતા’, પાઠકનું ‘છેલ્લું દર્શન’, ઉમાશંકરનું ‘સદગત્ મોટાભાઈ’ વગેરે આપણા ઉત્તમ કરુણપ્રશસ્તિ કાવ્યો છે. બાલમુકુન્દ દવેનું પ્રસ્તુત કાવ્ય આ કાવ્યોની પંગતમાં હારોહાર બેસે છે.
પ્રસ્તુત રચના કવિના પ્રથમ પુત્રના અવસાન નિમિત્તે લખાઈ છે. કવિતામાં ભલે ખાલી કરાતા ઘરમાં પુત્રપ્રાપ્તિની વાત કરાઈ હોય, હકીકતે પુત્રનો જન્મ તો રિવાજાનુસાર કવિપત્નીના પિયરના ગામ શેરખી ખાતે થયેલો અને પછી મા-દીકરા અમદાવાદના આ ઘરે આવ્યાં. પુત્ર ગંભીર બિમારીમાં સપડાયો એ જ સમયે ગામમાં કવિના પિતાની તબિયત પણ ગંભીર થઈ. એમની ખબર કાઢવા સૌ ગામ ગયા ત્યાં પુત્રનું અવસાન થયું અને બીજા દિવસે કવિના પિતાનું પણ. કવિ લખે છે: ‘મારી તો બંને પાંખ કપાઈ ગઈ! ખાલી હાથે અમદાવાદ આવ્યાં! ઘર તો ખાવા ધાય! (-જે ઘર પછી અમે ખાલી કર્યું.) આવા ઘેરા વિષાદ વચ્ચે ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ રચાયું –એમાં પિતાપુત્ર બંનેના મૃત્યુના વિષાદનો બેવડો ભાર છે. પુત્ર જન્મ્યો શેરખીમાં, અવસાન પામ્યો મસ્તુપુરામાં અને સૉનેટ રચાયું અમદાવાદમાં! કવિતાની ગતિવિધિ આવી મનસ્વિની છે! એ સ્થળકાળ વટાવીને પોતાની રીતે જ પ્રગટ થાય છે.’
પ્રસ્તુત સૉનેટ ગઈકાલની અને આજની ગુજરાતી ભાષા વચ્ચેના સંધિકાળ પર ઊભું છે, જે એની ખાસ વિશેષતા ગણી શકાય. ટૂથબ્રશ, લક્સ સાબુ, ચશ્માં, ક્લિપ, બટન જેવા અંગ્રેજી શબ્દોની અડોઅડ કૂખકાણી, અંક, દૃગ, કણિકા, મણીકા જેવા આજે અપ્રચલિત બની ગયેલા શબ્દો અહીં એકદમ સહજતાપૂર્વક વપરાયા છે. કદાચ એટલે જ આ સૉનેટ દરેક પેઢીને પોતીકું લાગતું આવ્યું છે, લાગતું રહેશે. શીર્ષકના કારણે કવિતા વાંચવી શરૂ કરતાં પહેલાં જ ભાવકને જાણ છે કે જૂનું ઘર ખાલી કરવામાં આવી રહ્યું છે, એટલે પ્રથમ પંક્તિ વાંચતાની સાથે આપણો મેળાપ મધ્યમવર્ગની માનસિકતા સાથે થાય છે. મમતાની દોર તોડવી કપરી છે એ કારણ તો ખરું જ પણ, મૂળે તો ઘર ખાલી કરી દીધા બાદ પણ મધ્યમવર્ગીય માનવી ‘કદાચ કંઈક બાકી રહી ગયું હોય તો?’ની માનસિકતાથી આઝાદ થઈ શકતો નથી, એટલે એ ખાલી કરાયેલું ઘર માત્ર ફંફોસતો નથી, ફરી-ફરીને ફંફોસે છે. (એકીસાથે આવતા ત્રણ ‘ફ’ની વર્ણસગાઈ કવિતાના ઊઠાવને વધુ ગતિશીલ બનાવી દે છે.) અને એને નિરાશા પણ નથી મળતી. એને હાથ છૂટકમૂટક એકાદ-બે વસ્તુઓ નહીં, ‘ખાસ્સું’ લાગે છે. આ ‘ખાસ્સું’ની જે યાદી છે, એ ‘મિડલક્લાસ મેન્ટાલિટી’ની મહોર ઓર ગાઢી બનાવે છે.
નવા ઘરમાં સહેજે કામ ન આવે એવી જ બધી વસ્તુઓ કવિને હાથ આવે છે, કેમકે કામ આવે એ તમામ ઘરવખરી તો ક્યારની લારીમાં લદાઈ ચૂકી છે. ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. જૂનું ઝાડું, ટૂથબ્રશ, વપરાયેલા સાબુની બચેલી ગોટી, ઢાંકણ વગરની શીશી, ડબલું, કૂખેથી કાણી (અર્થાત્ કોઈ કાળે કામ ન આવે એવી) ડોલ, તૂટેલાં ચશ્માં અને છેલ્લે શોધવું પણ અઘરું થઈ પડે એવી સાઇઝની વસ્તુઓ – બટન, ટાંકણી, સોય અને દોરો! આમાં કઈ વસ્તુ નવા ઘરમાં કામ લાગી શકે એવી છે, કહો તો?! કવિએ આ યાદીમાં ભૂલથી પણ એકય કિંમતી કે કામની વસ્તુ આવી ન જાય એની ચીવટ લીધી છે. છેલ્લે દરવાજા બહાર લટકતું નામનું પાટિયું પણ કવિ પાછળ છોડી શકતા નથી. આ મધ્યમવર્ગીય માનવીની સંઘરાખોરીની વૃત્તિ છે. તો બીજી તરફ, એને એ પણ ખબર છે કે આ રાચરચીલું કાંઈ ગર્વ લેવા જેવું પણ નથી. ભલે ત્યાગી નથી શકાતું, પણ એ પોતાની માલિકીનું હોવાનો ઢંઢેરો પીટતાં એને શરમ પણ એટલી જ આવે છે. એટલે એ પોતાના નામનું પાટિયું છોડી ભલે નથી, શકતો, લારીમાં એને ઊંધું મૂકે છે, જેથી કોઈ જોઈ-જાણી ન શકે કે આ ‘બહુમૂલ્ય’ અસબાબ કોનો છે! મધ્યમવર્ગની માનસિકતાનું આથી વધુ અસરદાર ચિત્રણ બીજે જડવું દોહ્યલું છે.
કવિએ એ અહીં એક કાંકરે એકાધિક પક્ષીઓ માર્યાં છે. પ્રથમ ષટકમાં સામાનની મૂલ્યહીનતાની સાથોસાથ કવિતામાં રમૂજી હળવાશ અનુભવાય છે, જે ઉત્તરાર્ધ સાથે તીવ્ર વિરોધાભાસ સર્જવામાં સફળ નીવડે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ સામાન છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને ઘર તરફ છેલ્લી નજર નાંખે છે ત્યારે. ફરીફરીને ફંફોસી-ફંફોસીને ઝીણામાં ઝીણી વસ્તુઓ વીણી અંકે કરી લઈ, લારીને વિદાય કર્યા બાદ પણ દંપતી આગળ વધી શકતું નથી. પહેલાં તો હાથે ચડ્યો એ સૌ સામાન વીણીને લારીમાં ભરી લીધો, હવે હાથે ન ચડી શકે એવા ઘરને નજરમાં ભરી લેવાનું છે. ઘર તરફ નજર કરતાં જ એવું ઘણું યાદ આવે છે, જે એકેએક વસ્તુઓ ઉસેટી લેવાની લ્હાયમાં યાદ જ નહોતું આવ્યું. પ્રમાણમાં ઓછા જાણીતા કવયિત્રી ચંદ્રિકાબહેન પાઠકજીનું એક લઘુ કાવ્ય અહીં યાદ આવે છે:
જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?
મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.
બાલમુકુન્દ દવે કરતાં ખાસ્સા ઓછા વાક્યો અને ઓછા શબ્દોમાં લાગણીને સહેજ પણ મુખર થવા દીધા વિના કવયિત્રીએ સંતાન/નોએ બારી-દીવાલ-દાદરે કરેલાં, ખસેડી-સમેટી ન શકાતાં ચિતરડાંઓની વાત કરીને સંતાનશોક વધુ સંયત રીતે રજૂ કર્યો છે. પ્રસ્તુત સૉનેટમાં પણ ખાલી ઘર પર આખરી મીટ માંડતા કવિદંપતીની આંખ સામે વીતી ગયેલાં દસ વરસ ક્ષણાર્ધમાં આવી ચડે છે. લગ્ન કરીને બંને જણ આ ઘરમાં આવ્યાં હતાં. આ ઘરમાં જ સહજીવનની શરૂઆતનો મુગ્ધતાસભર આખો દાયકો વીતાવ્યો હતો. દસ વર્ષના લગ્નજીવનના ખટમીઠા સંભારણાંની સાથોસાથ જ બંનેને પહેલો દીકરો યાદ આવે છે. અરે! આ ઘરમાં તો ઈશ્વરકૃપા સમો પ્યારો પુત્ર મળ્યો! પ્રથમ સંતાન કયા મા-બાપને ઈશ્વરના વરદાનથી સહેજ પણ ઓછું લાગતું હશે? પણ સંતાનપ્રાપ્તિની આ મધમીઠી યાદનું આયુષ્ય કવિતામાં એક જ પંક્તિનું છે. સંતાનસુખ-પુત્રસુખ જો કે કવિના નસીબમાં હતું જ નહીં. આ ઘરમાં લગ્ન થયા, આ ઘરમાં પત્નીએ પગ મૂક્યો, આ ઘરમાં દીકરો મળ્યો અને આ ઘરમાં જ દીકરાને ગુમાવવાનું બદનસીબ પણ સાંપડ્યું. આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. પોતાને જીવતેજીવ સંતાન, પ્રથમ સંતાન મૃત્યુ પામે એ ઘા કોઈપણ મા-બાપ માટે દુનિયામાં સૌથી વસમો અને અસહ્ય હોય છે. આ ઘર એ સંતાનની યાદોથી ભર્યુંભાદર્યું છે. ઘરના કોઈ એક ખૂણામાંથી અચાનક મરી ગયેલો દીકરો જાણે પુનર્જીવીત થઈ ઊઠે છે અને સામો આવીને મા-બાપને હૈયાસોંસરવો પ્રશ્ન પૂછે છે: ‘બા-બાપુ! તમે એકેય વસ્તુ આ ઘરમાંથી નવા ઘરમાં લઈ જવાની ભૂલ્યાં નહીં. સાવ તૂટલી-ફૂટલી, ઘસાયેલી વસ્તુઓય લેવાનું તમે બાકી ન રાખ્યું. એક મને જ ભૂલી ગયાં કે?’ અહીં વાક્યાંતે આવતો ‘કે’ છંદ જાળવવા માટે પ્રયોજાયેલો ભરતીનો અક્ષર નથી, એ આપણા તમામ છંદોલયને વેરવિખેર કરી નાંખતો વજ્રાઘાત છે.
કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે, ગમે ત્યાં ‘સાથે’ તો લઈ જવાતી હતી ને! પણ મહામૂલા પુત્રરત્નની પ્રાપ્તિ અને ખોવા વચ્ચેના સંસ્મરણો શું ફરીફરીને ફંફોસી ફંફોસીને પણ સાથે લઈ જવાશે ખરું? સાવ નકામી કહી શકાય એવી વસ્તુઓને સાથે લઈ જઈ શકાવાની ક્ષમતા અને પ્રિયમાં પ્રિય પુત્રના સ્મરણોને લઈ ન જઈ શકાવાની અક્ષમતા વચ્ચે કવિએ જે ધારદાર વિરોધાભાસ ઊભો કર્યો છે, એ વેદનાનું એવરેસ્ટ છે. મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. ક્ષુલ્લક ભાસતા વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.
દંપતીની આંખો આંસુઓથી ભરાઈ આવે છે. પણ સાફ જોવા માટે તો આંખ કોરી જોઈએ. સજલ આંખો ઘર તરફ માંડેલી આખરી મીટને ધૂંધળી બનાવે છે, એ અનુભૂતિને આંખમાં કાચની કણી ભોંકાતી હોય એની સાથે સરખાવીને કવિએ દેખાવે કાચ જેવા પ્રવાહી આંસુનું ઘનીકરણ કરીને તકલીફને અસહ્ય બનાવી છે. નાનું ધૂળનું કણુંય આંખમાં પડ્યું હોય તો સહી શકાતું નથી, અહીં તો જાણે કાચની કણી ભોંકાઈ રહી છે. કેવી પીડા! વળી, જેમ કાવ્યારંભે ‘ફ’કારની વર્ણસગાઈ સૉનેટના ઊઠાવને મદદરૂપ નીવડે છે, એ જ રીતે કાવ્યાંતે ‘કાચ કેરી કણિકા’માં એકસાથે આવતા ચાર ‘ક’ની કઠોર વર્ણસગાઈ કણીની કર્કશતામાં વધારો કરીને શોકની પીડા વધુ તીવ્રતર બનાવે છે. વળી, આંખ માટે દૃગ શબ્દ પ્રયોજીને બીજી પંક્તિમાં કવિ પગલાં માટે ડગ શબ્દ વાપરીને આંતર્પ્રાસ વાપર્યો હોવાથી વાક્યાંતે આવતો કણિકા-મણીકાનો ચુસ્ત પ્રાસ વધુ બળવત્તર બને છે. સુરેશ જોષી લખે છે: ‘એ બંધ બેસી જતા પ્રાસની વચ્ચે જાણે શિશુવિયોગી માતાપિતાનાં હૃદય દબાઈ ગયાં છે! પ્રાસના રેણથી સંધાઈ ગયાં છે!’
લારી ચાલી નીકળી છે. જૂનાં ઘર તરફ છેલ્લીવાર નજર નાંખવાનો લોભ દંપતિને ભારે પડ્યો છે. પુત્રસ્મૃતિને લઈને આંખમાં આંસુઓ ખૂંચી રહ્યાં છે અને આંસુસભર આંખે આગળ ચાલવાની કોશિશ કરવા જતાં સમજાય છે કે પગ પર કોઈને લોઢાના મણકાઓ બાંધી ન દીધા હોય એમ પગ પણ ઊપડી-ઊપાડી ન શકાય એવા ભારી થઈ ગયા છે. નગીનદાસ પારેખ લખે છે: ‘આખા કાવ્યની ભાષા સાદી, સ્વાભાવિક, સીધી અંતરમાંથી આવતી, અને લાગણીની સચ્ચાઈના રણકાવાળી છે- લગભગ નિરલંકાર છે, એ પણ કાવ્યની અસરકારકતામાં વધારો કરે છે.’ ચન્દ્રશંકર ભટ્ટ પણ આવું જ કહે છે: ‘ભાવની સ્પર્શક્ષમ અભિવ્યક્તિ માટે ભારેખમ પદાવલિ અનિવાર્ય નથી, તેનું સમર્થ ઉદાહરણ આ કાવ્ય.’ ગુજરાતી ભાષાના આ ઉત્તમ કરુણપ્રશસ્તિ સૉનેટનો સુગુના રામનાથન તથા રીટા કોઠારીએ ‘મૂવિંગ હાઉસ’ નામે અફલાતૂન અંગ્રેજી તરજૂમો પણ કર્યો છે. રસિક મિત્રોને એમાં પણ રસ પડે એમ છે.
જીવનની એક જ દારુણતમ ઘટનાની અભિવ્યક્તિ કાજે એક જ કવિ બે અલગ કાવ્યસ્વરૂપ પસંદ કરે ત્યારે કવિતામાં અકલ્પ્ય અંતર નજરે ચડે છે. પ્રાણપ્યારા પુત્રના મૃત્યુનો શોક સૉનેટમાં ઊતાર્યા બાદ કવિએ આ જ વિષય પર એક ગીત પણ લખ્યું. માત્ર કાવ્યસ્વરૂપભેદના કારણે કવિતામાં કેવું મોટું અંતર સર્જાય છે એ રસનો વિષય બને છે. ગીત જોઈએ:
સોનચંપો
રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !
ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?
વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !
કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !
દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !
ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !
બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !
સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !