આજે માણીએ અમારા બે એરિયાના કવયિત્રી – જયશ્રીબેન મર્ચન્ટ – ના આલ્બમ ‘લીલોછમ ટહુકો’નું ટાઇટલ ગીત.!! મને તો આલ્બમના બધા જ ગીતો અને ગઝલો ગમે છે – પણ એમાં આ ગીત તો એકદમ જ સ્પેશિયલ છે. અને એ કેમ એ તો તમને ખબર હશે જ ને? 🙂
સ્વર – સંગીત : નેહલ રાવલ ત્રિવેદી
પ્રસ્તાવના : તુષાર શુક્લ
લીલોછમ ટહુકો ઊડ્યો છે પાંખમાં,
લઈને આકાશ આ આખું
મને દઈ દો, આ ટહુકાનું આયખું!
મેઘધનુષનું એક આખું નગર વસે.
પેલે પાર વાદળિયા, ધૂંધળિયા દેશમાં!
ને વીજલડી! તારા ને ચાંદાની ઓથે,
ઊઘડતું બ્રહ્માંડ આખું!
મને દઈ દો આ ટહુકાનું આયખું!
યમુનાને કાંઠે, કદમના પાન પાન,
સખી માધવની મુરલીએ મ્હાલે!
ને રાધિકાની રગરગમાં વાસંતી ટહુકો,
ઊતરે લઈ આકાશ આખું!
મને દઈ દો આ ટહુકોનું આયખું!
– જયશ્રી મરચંટ