સ્વર : મનન ભટ્ટ
કવિ : જયેશ ભટ્ટ
સ્વરકાર : મોહંમદ દેખૈયા
(તમારું સ્મરણ, સાંજ…. Photo by: Vivek Tailor)
* * * * *
.
તમારું સ્મરણ, સાંજ, ડૂમો અગાસી;
ભળે તળ-અતળમાં કણસ ને ઉદાસી.
કદી નાચી મથુરા કદી નાચી કાશી;
પીડા મારી થઈ ગઈ અરે! દેવદાસી.
હવાનું ઉપસ્થિત ન હોવું નદીમાં;
અને હાથ મારા નિરંતર ખલાસી.
રહો છો અલગ આપ ભીતર લગોલગ;
ત્વચાને ઉતરડી કરી છે તલાસી.
ન હું પી શક્યો કે હતી પ્યાસ ઘેરી;
ફરી પાછી રહી ગઈ મનમીન પ્યાસી.
થયું મારું મન સ્હેજ ભીનું કે તત્ક્ષણ-
થયાં વાદળો, વીજળી પણ પ્રકાશી.