શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું;
એ રીતે મારે મને મળવું હતું.
શબ્દનાં છે ઝાડવાં ચારેતરફ,
પાંદડું તેનું થઇ ખરવું હતું.
શબ્દસાગર ઊછળે છે ભીતરે,
થૈ સરિતા, છાલકે ભળવું હતું.
શબ્દનો છે સૂર્ય કેવો આલીશાં,
બે જ હાથોથી નમન કરવું હતું.
શબ્દમાં જીવી જઇને આખરે,
તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.