જીવતર આખ્ખુંય જાણે એવું વરસ્યાં કે જાણે એવું વરસ્યાં કે જાણે
તરસ્યાં ને તરસ્યાં રે આપણે
બસમાં બે બેસતાં અડોઅડ એવું કે અળગાં લાગ્યાનો ના વહેમ,
ડોસાડોસીને જોઇ લોકો બોલે છે : જાણે તાજાં પરણેલાંની જેમ,
તાળી દઇને પછી એવું મલક્યાં કે જાણે એવું મલક્યાં કે જાણે
છલક્યાં ને છલક્યાં રે આપણે.
ઉનાળે – શિયાળે – ચોમાસે આપણે તો બારમાસી વરસ્યાં’તાં હેત,
આખ્ખુંય આયખું એવું કોળ્યું કે જાણે લીલુંકુંજાર હોય ખેત,
પીંછાની જેમ પછી એવું ફરક્યાં કે જાણે એવું ફરક્યાં કે જાણે
વેળામાં સરક્યાં એ આપણે
જીવતર આખ્ખુંય જાણે એવું વરસ્યાં કે જાણે એવું વરસ્યાં કે જાણે
તરસ્યાં ને તરસ્યાં રે આપણે.