Category Archives: મીરાંબાઇ

જૂનું તો થયું રે દેવળ – મીરાંબાઈ

મીરાંબાઈની પ્રેમલક્ષણા ભક્તિનું એક લોકપ્રિય પદ…

સ્વર / સંગીત : શિવ કુમાર નાકર

.

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦

-મીરાંબાઈ

(આભાર : લયસ્તરો)

વૃંદાવન મોરલી વાગે છે… – મીરાંબાઈ

સ્વર – સંગીત : ??

.

વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

તેનો નાદ ગગનમાં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

વૃંદા તે વનને મારગડે જાતાં,
દાણ દહીંના માગે છે. વૃંદાવન…

વૃંદા તે વનની કુંજગલીમાં,
રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન…

પીળાં પીતાંબર જરકસી જામા,
વહાલાને પીળો તે પટકો સાજે છે. વૃંદાવન…

કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
વહાલાના મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાવન…

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
થૈ થૈ થૈ થૈ નાચે છે. વૃંદાવન…

અમે સૂતાં’તાં ભર નિદ્રામાં,
નણદલ વેરણ જાગે છે. વૃંદાવન…

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
દર્શનથી ભીડ ભાગે છે. વૃંદાવન…

ઝેર તો પીધાં જાણી જાણી – મીરાંબાઇ

સ્વર : રેખા ત્રિવેદી

.

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી