Category Archives: આલાપ દેસાઇ

મારો સાહ્યબો અષાઢીલો મેઘ… – તુષાર શુક્લ

તુષાર શુક્લ – એક એવા કવિ અને વક્તા, કે એ સામે હોય તો બસ સાંભળ્યા જ કરીયે… હસ્તાક્ષરની આખી સિરિઝમાંથી સૌથી પહેલું ખરીદેલું અને સૌથી વઘુ સાંભળેલુ કલેકશન એ તુષાર શુક્લના ગીતોનું !

દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ, પૂછીને થાય નહીં પ્રેમ..!!

કેસેટ પર લખેલા આટલા શબ્દો વાંચ્યા પછી કોઇક જ એવું હશે કે જેણે એ કેસેટ પાછી શેલ્ફ પર મુકી દીધી હોય..

‘તુષાર શુક્લ’ની આ કલેકશન જો હાથમાં આવે તો છોડતા નહીં, હોં ને.. 🙂

1) પૂછીને થાય નહીં પ્રેમ (નવભારત)
2) મારો વરસાદ (નવભારત)
3) આ ઉદાસી સાંજની (નવભારત)
4) અક્ષ -a compilation of self composed garba(નવભારત)
5)તારી હથેળીને (વિશાલ પબ્લિકેશન, મુંબઇ)
6)evening-coffee table book(35mm-sanjay vaidya)

અમારે કેલિફોર્નિયામાં આજકલ વરસાદની મૌસમ છે.. તો તુષાર શુક્લનું આ વરસાદી ગીત એ જ ખુશીમાં –

અને આ જ વરસાદી મૌસમ વિષે એમનો આ શેર પણ ગમી જાય એવો છે :

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે

356561454_25f2d26dfa_m

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ

.

સ્વર: ઐશ્વર્યા મજુમદાર
સ્વરાંકન: આલાપ દેસાઈ
આલબમ :સુરવર્ષા

.

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મળવા આવે ત્યારે બોલે ના કાંઇ
એના શ્વાસોમાં વાગે શરણાઇ
આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમા
લાગે કે નખશિખ ભીંજાઇ

મારો પીયુજી હૈયાનો હાર,
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

ઉપરથી લાગે છે કોરોધાકોર
એની ભીતર ઘેરાતું આકાશ
આષાઢી અણસારો ઓળખતા આવડે તો
ચોમાસુ છલકે ચોપાસ

ગમે એના વિના ના લગાર
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

હું તને કયાંથી મળું ? – -જવાહર બક્ષી

આ ગઝલનો પહેલો શેર એક ચોપડીમાં વાંચ્યો, અને તરત જ ગમી ગયો, આખી ગઝલ વાંચવાની ઇચ્છા થઇ, અને લયસ્તરો જેવા ગુજરાતી કવિતા – ગઝલોના દરિયામાંથી તરત જ આ મોતી જેવી ગઝલ મળી પણ ગઇ….

સ્વર: આલાપ દેસાઈ

આલ્બમ: ગઝલ રૂહાની

.

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

( આભાર : લયસ્તરો )