Category Archives: ડો. ભરત પટેલ

મને દરિયો દેખાય તારી આંખમાં – પ્રફુલા વોરા

આ ગીત મારા માટે ખૂબ જ Special છે. શબ્દો.. ગાયકી.. સંગીત… અને સાથે દરિયો એટલો વ્હાલો છે કે આ ગીત પણ વ્હાલું થઇ ગયું.

અને બીજી એક વાત, આ ગીત હું છેલ્લા ૧૦ વર્ષથી શોધતી હતી. ‘તારી આંખનો અફીણી – ગુજરાતી Remix’ એવા આલ્બમમાં આ ગીત સાંભળ્યું હતું, ત્યારથી હ્ર્દયે વસી ગયેલું. પણ એ કેસેટ તુટી ગયા પછી એની બીજી કોપી મને આટલા વર્ષો સુધી ના મળી. તો યે એનું ખાલી કવર સાચવી રાખ્યું હતું, જે મને હમણા ઘરે ગઇ હતી ત્યારે અચાનક મળ્યું.. અને એના પર સંગીતકાર – ગાયકોના જે નામ હતા, એમાંથી એક જાણીતું નામ – ગાર્ગી વોરા. એટલે સૌથી પહેલા તો અચલભાઇ પાસેથી એમનો નંબર મેળવ્યો, અને ગાર્ગીબેન પાસેથી સંગીતકાર – ડો. ભરતભાઇ પટેલનો.

એમને રાજકોટ ફોન કરીને કહ્યું કે હું વાપીથી બોલું છું, અને તમારું એક ગીત ૧૦ વર્ષથી શોધું છું, તો એમણે મારું સરનામું લઇને તરત જ મને એમના બધા જ ગીતોની CD મોકલી આપી.

જ્યારે CD મને મળી અને આ ગીત સાંભળ્યું, ત્યારે શું ખુશી થઇ… એના પર તો કદાચ એકાદ કવિતા જ લખી શકાય..!! 🙂

સંગીત – ડો. ભરત પટેલ
સ્વર – પ્રીતિ ગજ્જર

462492485_ea413e6d51

.

દરિયાને જોઇ હું તો દરિયો થઇ જાઉં
મને દરિયો દેખાય તારી આંખમાં
દરિયાનો દેશ પછી દરિયાનો વેશ પછી
દરિયો રેલાય મારી આંખમાં

દરિયાને જોઇ…

છીપલામાં સદીઓથી કેદ થઇ સૂતેલા
દરિયાને સપનું એક આવ્યું
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ
માછલીને મીઠું જળ પાયું

માછલીની વાત હોય સાચી સાચી
ને એક સપનું ઘેરાય તારી આંખમાં

દરિયાને જોઇ…

ઓળઘોળ મોજાં ને ઓળઘોળ ફીણ પછી
ઓળઘોળ અંકાતી રેતી
ઝુકેલી ડાળખીને સાન-ભાન-માન નહીં
દરિયામાં વાત થઇ વ્હેતી

વ્હેતી એ વાત બની વાંસળીના સૂર
મોરપિઁછુ લહેરાય તારી આંખમાં

દરિયાને જોઇ હું તો…

ગરબે રમવાના થયા ઓરતા રે.. – દિલીપ જોશી

સ્વર : પ્રીતિ ગજ્જર, નિગમ ઉપાધ્યાય
સંગીત : ડો. ભરત પટેલ

bhagawati_PZ44

.

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

પડવેથી પૂનમનો પંથ કેવો પાવન
જ્યાં જ્યાં નિહાળો ત્યાં માઁના હો દર્શન

આંગણિયે આંગણિયા આજ થયા ઉપવન
સોળે શણગાર સહુ શોભતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ઝળહળતી હોય ધરા ઝળહળતું અંબર
માઁને પૂછીને ઉગે સૂરજ ને ચંદર

ચોકે ચોકે રે ઝરે ઉમંગી અવસર
આઠે બ્રહ્માંડ રંગ ઘોળતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…