Category Archives: ઉર્વીશ વસાવડા

વરસાદ જેવું છે કશુંક – ઉર્વીશ વસાવડા

peacock

જો અષાઢી સાદ જેવુ છે કશુંક
આભમાં ઉન્માદ જેવું છે કશુંક

યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે
ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક

હું કહું, વરસાદમાં આવી પલળ
તું કહે, મરજાદ જેવુ છે કશુંક

મોર ટહુકા સાંભળી લે તું ગગન
છે ધરા પર દાદ જેવુ છે કશુંક

સીમમાં આવી હવા કહી ગઇ મને
ગામમાં વરસાદ જેવું છે કશુંક

ગઝલ – ઉર્વીશ વસાવડા


જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણનો વસાહત થઇ ગઇ

ગઝલ – ઉર્વીશ વસાવડા

તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે
પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે

તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

પ્રસ્તાવનામાં નામ ફક્ત એમનું લખ્યું
મારી કથાનો જોઇ લો કેવો ઉપાડ છે

થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને
લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે

ભાંગી પડ્યો છું સાવ ને રગરગ પીડા થતી
કારણમાં દોસ્ત ! કાળની ધોબીપછાડ છે