સ્વરકાર શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય

ગુજરાતના વ્હાલા અને વિખ્યાત સ્વરકાર એવા શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયને થોડા વધુ નજીકથી ઓળખવાનો પ્રયાસ – અમર ભટ્ટ અને એમની દીકરીઓના શબ્દોમાં….

‘ગુજરાતના proud possession…. શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય’  – સ્વરકાર અમર ભટ્ટ

ગુજરાતના proud possession એવા શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય વિષે થોડીક વાત કરતાં અત્યંત આનંદ થાય છે. હું ખૂબ નાનો હતો ત્યારથી પુરૂષોત્તમભાઇને સાંભળતો આવ્યો છું ને માણતો આવ્યો છું. ઘણીવાર એવો વિચાર આવે છે કે એવું તે શું છે આ માણસનાં સંગીતમાં કે તે આટલી બધી અસર કરે છે? મને લાગે છે કે સૌથી વધુ સ્પર્શતી બાબત એ એમના અવાજની, એમની રજઆતની અને એમના સંગીતની તાજગી છે. એક જ ગીત એમની પાસે અનેકવાર સાંભળો છતાં એ even fresh લાગે. ગુજરાતી સુગમસંગીત પુરૂષોત્તમભાઇને પામીને ધન્ય બની ગયું છે. કોઇપણ યુવાન કલાકાર માટે પુરૂષોત્તમભાઇ એક આદર્શ છે. હું ઘણીવાર કહેતો હોઉં છે કે પુરૂષોત્તમભાઇ એ ગુજરાતી સુગમસંગીતનો શ્વાસ છે. મને એમની સાથે રહેવાનું ને એમની પાસે શીખવાનું મળ્યું તે મારા જીવનનો એક અગત્યનો વળાંક છે તેમ હું માનું છે. જેટલી ગઝલો સ્વરબધ્ધ કરી છે તે બધી જ પુરૂષોત્તમભાઇનાં માર્ગદર્શન પછી અને એમની અસર નીચે સ્વરબધ્ધ થઇ છે તે વાતનો નિખાલસ સ્વીકાર કરું છું.

.

એમના કાર્યક્રમો, બેઠકો એ બધું જ આજે આંખ સમક્ષ પસાર થઇ જાય છે. એ મહેફિલો સવાર સુધી ચાલતી એમ થાય છે કે આ મહેફિલ પૂરી જ ન થાય. મારો એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મેં પુરૂષોત્તમભાઇને દિવસમાં એકવાર યાદ ન કર્યા હોય. એક શિક્ષક તરીકે પુરૂષોત્તમભાઇ ખૂબ વિશાળ હ્રદયનાં છે અને પોતાની પાસે રહેલું બધું જ આપણને આપવા તત્પર છે. આવા નિખાલસ, વિશાળ હ્રદયનાં ગુરુ મેં જોયા નથી. ઘણીવાર સપનામાં મને એમના કાર્યક્રમો આવે છે. Mozartની biographyમાં સંગીત-music ની સરસ વ્યાખ્યા છે.

‘It is the space between the notes that makes music’.

આ વાત પુરૂષોત્તમભાઇનાં સંગીતમાં દેખાય છે. કવિવર ટાગોરની કવિતામાં એક ભાવકનો પ્રશ્નો છે તે મારાં પણ પ્રશ્નો પુરૂષોત્તમભાઇ માટે છે :-

‘હે ગુણીજન તમે કેવી રીતે ગાઓ છો? હું તો અવાક થઇને સાંભળી રહું છું તમને, એમ થાય છે કે હું એવા સૂરે ગાઉં પણ મારા કંઠમાં સૂર શોધ્યોય જડતો નથી. કાંઇ કહેવા માંગું છું પણ શબ્દો અટકી જાય એ. હાર માનતા મારો પ્રાણ રડે છે. મારી ચોરેતરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે?’

.

મારો પુરૂષોત્તમભાઇ સાથે ઘનિષ્ઠ પરિચય થયો તેના કારણમાં આપણા ખબ સુંદર સ્વરકાર દક્ષેશ ધ્રુ છે અને એટલે હું દક્ષેશભાઇનો પણ ખૂબ આભારી છું કે મને પુરૂષોત્તમભાઇનો પરિચય કરાવ્યો.

આવા સંપૂર્ણ કલાકાર ગુજરાત પાસે છે એ ગુજરાતનું સદનસીબ છે. ગુજરાત બહારના કલાકારોને હું જ્યારે પુરૂષોત્તમભાઇને અનોખો આદર અને અનેરું સન્માન આપતા જોઉં છું ત્યારે મારી છાતી ગજગજ ફૂલે છે અને એક જુદું જ રોમહર્ષણ થાય છે જે હું શબ્દોમાં વર્ષવી શકતો નથી. પુરૂષોત્તમભાઇ વિશે આ થોડીક વાત કરવાની તક આપવા બદલ આપનો આભાર માનું છું.

– અમર ભટ્ટ

——————————–

(‘થેંક યૂ પપ્પા’ માં પ્રકાશિત)
‘પપ્પા એટલે હાર્મોનિયમની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ – વિરાજ અને બીજલ ઉપાધ્યાય

અમે પુરુષોત્તમ ઉપાધ્યાયની દીકરીઓ છીએ. હું બીજલ, ઘરમાં સૌથી નાની અને વિરાજ મારાથી મોટી બહેન. હું નાની છું છતાં લગ્નની બાબતમાં પહેલ મેં કરી! પછી વિરાજ મારા રસ્તે ચાલી. અમને ઉછેર્યા ચેલણા ઉપાધ્યાયે અને છાવર્યા પુરુષોત્તમ ઉપાધ્યાયે. ગયા ભવની અમારી સાધના એવી છલોછલ હશે કે આ ભવે અમને પુરુષોત્તમ જેવા પિતા અને ચેલણા જેવી મમ્મી મળી.

.

પપ્પાથી સંગીત જેટલું નજીક એટલાં જ નજીક અમે. પપ્પાનું ઘર એટલે સંગીતનું નગર. વોશ-બેસિનના ખળખળ વહેતા નળમાંથી પણ તમે ‘સા’ ઘૂંટી શકો એવો સૂરીલો માહોલ..! પપ્પા આઠ વર્ષના હતા ત્યારથી મુંબઇમાં છે. કલાકાર તરીકેનો એમનો સંઘર્ષ અમારી આંખો સામેથી પસાર થયો છે. એ દિવસોના પપ્પા અને અત્યારના પપ્પામાં દુનિયાદારીની દ્રષ્ટિએ ઘણો ફેર છે. પણ, અમારા માટે તેઓ ક્યારેક નથી બદલાયા.

એમની કારકિર્દીનો સૂરજ ઊગવાને સંઘર્ષ કરતો હતો ત્યારથી લઇને આજ સુધી એમણે અમને કે મમ્મીને અછતના અંધકારમાં જીવતાં નથી શિખવાડ્યું. જીવન સાથે સમાધાન કરે પણ માંડવાલ કરે, એ પપ્પા ન હોય!

.

દુનિયાની નિષ્ફળતાને ભૂલીને તેઓ જ્યારે અમને ઉછેરતા ત્યારે અમે પણ અંદરથી મક્કમ બની જતાં! પપ્પા એટલે જુસ્સાનો પર્યાય. (અને હા, ક્યારેક ક્યારેક ગુસ્સાનો પણ!)

ગુસ્સાની વાત નીકળી છે ત્યારે યાદ આવે છે બીજલનો જન્મદિવસ… એ દિવસે પપ્પા બીજલ ઉપર ખૂબ ગુસ્સે થયેલાં પણ, પછી ગુસ્સો ઓસર્યા એટલે પોતે જ રડવા બેસી ગયા… ત્યારે ખબર પડે કે રડવા માટે જ ગુસ્સો કર્યો હશે..!

જો કે ગુસ્સે થવાની પરંપરા હવે વિરાજે સંભાળી છે, પપ્પાને ખખડાવવાની બાબતે વિરાજ ખાસ્સી ઉદાર છે. એમને કોઇ વાતે રોકવા, ટોકવા, વધુ બોલતા અટકાવવા – આ બધા પ્રશ્નો વિરાજ ઉકેલી શકે. જો કે આ પ્રકારના કાર્યક્રમમાં મમ્મીનો ફાળો પણ હૂંફાળો..! છતાં પણ, આ બધાની વચ્ચે પપ્પા એટલે સંગીત… મહેફિલ… વહાલ અને ખુલ્લેખુલ્લું ખડખડાટ હાસ્ય…!

ગુજરાતી સંગીત સાંભળનારો દરેક શ્રોતા જાણે છે કે પપ્પા એટલે સુગમ સંગીત… સંગીતના સંસ્કારો અમારી ઉપર થોપવામાં નથી આવ્યા, અમે કેળવ્યા છે. આત્મસાત કર્યા છે. ઘણા એવા કલાકારોને અમે જોયા છે કે એમનાં દીકરા-દીકરી ઉપર પોતાની કલાનો વારસો ઊતરે એ બાબતે સભાન રીતે પ્રયત્ન કરતાં હોય…! વળી, ઘણાને એમ હોય છે કે પુરુષોત્તમભાઇની દીકરીઓને તો સંગીત આવડવું જ જોઇએ ને! પપ્પાએ ‘મસ્તી પડે તો જ ગાવું’ – ના આગ્રહની પરંપરા અમને સોંપી છે.

એમની પાસેથી અમે સંગીતની ઘણી બારીકાઇ શીખ્યાં છીએ. હારમોનિયની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ શીખ્યાં છીએ. પપ્પા બેસ્ટ પરફોર્મર છે. ઉત્તમ ગાયક, ઉત્તમ સ્વરાંકન, ઉત્તમ કવિતા – આમ, બધું જ ઉત્તમ ભેગું થાય ત્યારે ‘શ્રેષ્ઠ’ – પરફોર્મરનો જન્મ થયો હોય છે. એમનાં ગીતો અમે હજ્જારો વાર હજ્જારોની સંખ્યામાં એમના જ કંઠે સાંભળ્યા છે છતાંયે અમને ‘કાન છુટ્ટો’ કરવાનું મન ક્યારેક નથી થયું. પપ્પાનું સંગીત અમને વધુ ગુજરાતી બનાવે છે.

.

પપ્પા બીજાના કાર્યક્રમોને પણ સાંભળે… સારુ લાગે તો દાદનો વરસાદ વરસાવી દે. વળી, પપ્પા નવી ટેલેન્ટને ઉછેરવામાં વધુ પડતાં ઉત્સાહી… આ બાબતે બહુ ઓછા કલાકાર એવા હશે જે ‘નવા’ ને સ્વીકારવામાં એમનાં જેટલો ઉસ્તાહ બતાવી શક્યા હોય.

ક્યારેક પપ્પાની ખૂબ ચિંતા થાય છે, એમના ‘પોઝિટિવ એટિટ્યૂડ’ – ને કારણે. તેઓ તબિયતની ચિંતા કર્યા વગર પ્રવાસો અને કાર્યક્રમો કર્યા જ કરે છે. ઉપરના સૂર ભરે છે ત્યારે ભૂલી જાય છે કે એમણે બાયપાસ કરાવી છે. (જો કે ગાતી વખતે બધું જ ભૂલી જાય એનું જ નામ કલાકાર ને!) આ બધું એટલે કહ્યું છે કારણ કે ‘પિતાની ચિંતા’ એ દીકરીઓનો વિશેષાધિકાર છે.

.

એમની બધી જ મર્યાદા વચ્ચે એમની વિશેષતાને દુનિયા સલામ કરે છે અને અમે એમની વિશેષતાઓને પ્રણામ કરીએ છીએ. એમણે ક્યારેય સ્ટેજ પરથી અમારી પાસે એમનાં જ સ્વરાંકનો ગવડાવવાનો આગ્રહ નથી રાખ્યો. એમણે અમારી પાસે બીજા સ્વરકારોનાં સ્વરાંકનો જ ગવડાવ્યાં છે. પણ, એ વાત ખરી કે અમે ગાતાં હોઇએ છીએ ત્યારે એમના ચહેરાનો હાવભાવ જોઇને અમને જે ખુશી થાય છે એવી ખુશી બીજે ક્યાંય નથી મળતી..!

.

આજે તો પપ્પા ઉંમરના એવા પડાવ પર છે જ્યાં સંઘર્ષનો ભૂતકાળ હવે હર્ષનો વર્તમાનકાળ બની ગયો છે. એ વિદેશ ગયા હોય છે ત્યારે પણ હમણાં ચાલીને અમારા ઘરે આવશે અને અમારા દીકરાઓ જોડે ક્રિકેટ રમશે – એવો આભાસ થાય છે.

યાદ છે ત્યાં સુધી બીજલના લગ્ન વખતે પપ્પા ખૂબ રડેલા. જેનાથી એમની તબિયતને અસર થઇ હતી. એટલે વિરાજના લગ્ન વખતે અમે નક્કી કરેલા પ્લાન મુજબ એમને સૌથી છેલ્લે મળીને વિરાજે સીધા નીકળી જ જવાનું રાખ્યું. વળી, અમે બધાએ એમને બીજા કામમાં રોકી રાખ્યા. આવું એટલા માટે કર્યું હતું કે એમની તબિયતને અસર ન થાય. ‘સોરી પપ્પા, પણ રડતા પપ્પાને જોવાનું કઇ દીકરીઓને ગમે?’

.

આમ તો ધારેલું કે પપ્પાને પત્ર સ્વરૂપે વાત કરતાં હોઇએ એ રીતે લખવું, પણ પછી વિચાર આવ્યો કે પપ્પાને પત્ર લખવો પડે એટલે દૂર રાખવાનું કોઇ કારણ? પપ્પા વિશે લખવું એટલે અરીસા સામે ઊભા રહીને આપણે જ આપણો ફોટો પાડવો; જેમાં ફ્લૅશના અજવાળા સિવાય કંઇ જ દેખાતું નથી હોતું !

112 replies on “સ્વરકાર શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય”

  1. પુરુષોતમભાઈને સાંભળવા એ જીવનનો એક લહાવો છે, ધન્ય છે તેમની આ સૂરાવલીની સાધના ને અને ટહુકો ડોટ કોમ ને પણ ખૂબ જ ધન્યવાદ.

  2. It is always privilege to hear the kavya rahana by swarkar Sakshar Shri Purshottambhai Upadhyaywith his Sabda & swar over past fifty eight yeas

  3. “Purushottam Upadhyay” jemna naam ma j badhu aavi jay chhe. amna vishe kai kahevanu na hoy fakt aankh bandh karine amne sambhlvana hoy.

  4. Purushotam upadhyay … Gujrati sangit ma na bhuto na bhavishyati….aemna vishe kashu kehva mate shabdo nu sarjan thayu na hoy aevo bhasthay che…kehvanu ghanu hoy ne kashu na kahi shakay aevi anubhuti nirantar rahe che… nayan kuhadiya dhoaraji Sandesh press reprter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *