થોડોએક તડકો – ઉમાશંકર જોષી

કવિ શ્રી ઉમાશંકર જોષી ( જન્મ : 21 જુલાઇ, 1911 )

થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો !
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

(તા. 31 ઓગષ્ટ, 1947)

2 replies on “થોડોએક તડકો – ઉમાશંકર જોષી”

  1. ઉમાશંકર જોશી અને અવિનાશ વ્યાસની જન્મતારીખ અને વર્ષ-એક જ છે એ જાણીને આશ્ચર્ય થયું. સ્વભાવગત મારા સ્ત્રોતો પણ ઉથલાવી જોયાં. એક જ દિવસે ગુજરાતી જગતમાં જન્મેલી અ બે ઘટનાઓ વિના આપણું સાહિત્ય સાચે જ પાંગળું બની રહ્યું હોત… એકે શબ્દને દિશા આપી અને બીજાએ સૂરને… એકે કવિતાનો આત્મા રચ્યો અને બીજાએ એને સંગીતના વાઘાં પહેરાવ્યાં…. બંને મહાનુભાવોને ભાવભીની અંજલિ…. આભાર, જયશ્રી !

  2. dipalpatel says:

    ઉમાશંકરજોશી અદભુત કવિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *