શરૂઆત અધૂરી લાગે છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


શું સાંભળવા ઝંખે છે મન, હર વાત અધૂરી લાગે છે,
આ કોણ નથી સંગાથે કે શરૂઆત અધૂરી લાગે છે.

એ રંગ કયો આંખે ઘૂંટ્યો ? ભીતરથી જાય નહીં છૂટ્યો,
એ રંગ-ભાતને શું નિસ્બત ? હર ભાત અધૂરી લાગે છે.

એમાં થોડું જો સ્મિત ભળે આખો અવસર અજવાળી દે,
આ હું પદ કેવું ખટકે છે ? સોગાત અધૂરી લાગે છે.

જે મૌન મહીં ઘૂંટી હરપળ જે રાત-દિવસ ભીતર ખળખળ,
એ વાત વિનાની તો સઘળી રજૂઆત અધૂરી લાગે છે.

સઘળું છોડીને આવી છે મનગમતા સૌને લાવી છે,
આખરની પળ આખરવેળા કાં રાત અધૂરી લાગે છે.

ક્યાં ખોટ કશાની છે ઘરમાં જીવું છું જાણે અવસરમાં,
આ કોણ યાદ આવ્યું મિસ્કીન કે જાત અધૂરી લાગે છે.

2 replies on “શરૂઆત અધૂરી લાગે છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

  1. …શું સાંભળવા ઝંખે છે મન, હર વાત અધૂરી લાગે છે,
    આ કોણ નથી સંગાથે કે શરૂઆત અધૂરી લાગે છે…
    …આ કોણ યાદ આવ્યું ….કે જાત અધૂરી લાગે છે….

  2. v. nice one……..!!
    સઘળું છોડીને આવી છે મનગમતા સૌને લાવી છે,
    આખરની પળ આખરવેળા કાં રાત અધૂરી લાગે છે.

Leave a Reply to Asha Cancel reply

Your email address will not be published. Required fields are marked *