The Kiss
I hoped that he would love me,
And he has kissed my mouth,
But I am like a stricken bird
That cannot reach the south.
For though I know he loves me,
To-night my heart is sad;
His kiss was not so wonderful
As all the dreams I had.
– Sara Teasdale
ચુંબન
આશ હતી એ મને ચાહશે,
ને એણે ચૂમ્યું મુજ મુખ,
પણ હું જાણે ઘાયલ પંખી
દખ્ખન ન પહોંચું એ દુઃખ
જાણું છું એ મને ચાહે છે,
આજ રાત દિલ તો પણ ખિન્ન;
ચુંબન એવું નહોતું અદભુત,
જોયેલ સૌ સ્વપ્નોથી ભિન્ન.
– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)
पहला नशा… पहला खुमार…
પ્રથમની ઉત્તજનાથી વધુ બીજું કંઈ હોતું નથી. પ્રથમ શાળા, પ્રથમ સાઇકલ, પ્રથમ કાર, પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ ઘર, પ્રથમ બાળક – પ્રથમની તો વાત જ અલગ. પહેલું એ કાયમ પહેલું જ રહેવાનું. અજોડ અને અનન્ય. સર્વોત્તમ. ને વળી ‘પહેલું’ કદી ફરીને આવતું નથી, માટે જ એની સરખામણી શક્ય જ નથી. કેટલાક લોકો પોતાના જીવનના આવા ‘પહેલા’ઓની યાદી બનાવતા હોય છે, તો કેટલાક એને યાદમાં સંગોપીને વિન્ટેજ વાઇનની જેમ આજીવન ચુસકી ભરતા રહે છે. કોલેજનો પહેલો દિવસ હોય કે લગ્નની પહેલી રાત- લોકો તડામાર તૈયારી કરવાનું ચૂકતા નથી. પહેલી પળનો રોમાંચ તસુભર માણવાનું ચૂકી ન જવાય એ માટે માણસ પોતાની જાતને દિવસો સુધી તૈયાર કરે છે. પણ ધમધોકાર તૈયારી બાદ મળેલું ‘પહેલું’ તમારી અપેક્ષા પર ખરું ન ઊતરે તો? તો શું થાય? સારા ટિસડેલની આ કવિતા આવી ‘પહેલા’ની નિષ્ફળતાની જ વાત કરે છે.
સારા ટ્રેવર ટીસડેલ. ૦૮-૦૮-૧૮૮૪ના રોજ સેંટ લૂઈ, મિસોરી, અમેરિકા ખાતે મેરી વિલાર્ડ અને જોન ટિસડેલના પૈસાપાત્ર ઘરે ચોથા અને છેલ્લા સંતાન તરીકે જન્મ. નબળા સ્વાસ્થ્યના કારણે ૯ વર્ષની વય સુધી ઘરે જ ભણ્યાં. સ્વાસ્થ્ય તો જોકે આજીવન નબળું જ રહ્યું અને એક નર્સ મોટાભાગનો સમય એમની સાથે જ રહેતી. સૌથી નાનાં અને તબિયતે કમજોર હોવાના કારણે રાજકુમારીની જેમ લાડમાં ઉછર્યાં. બોલતાં શીખ્યાં ત્યારે પહેલો શબ્દ એ ‘pretty’ (સુંદર) બોલ્યાં હતાં. ૧૯૦૩માં સ્નાતક થયાં. ૧૫ વર્ષની વયે પહેલી કવિતા લખી. ૧૯૦૭માં ૨૩ વર્ષની વયે એમની પ્રથમ કવિતા અને પ્રથમ કાવ્યસંગ્રહ –બંને પ્રગટ થયાં. પોતાની કવિતાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટે તેઓ ખૂબ સતર્ક હતાં. એ જમાનામાં સોશ્યલ મિડીયાઝ તો નહોતા, એટલે સ્ત્રી તરીકેની ગરિમાને ઠેસ ન પહોંચે એ રીતે, પણ ખંતપૂર્વક તેઓ પોતાનો સંગ્રહ ટપાલ વડે યોગ્ય જગ્યાઓએ પહોંચે એની કાળજી લેતાં. જો કે પુલિત્ઝર વિજેતા ‘લવ સૉન્ગ્સ’ પુસ્તક એટલું લોકપ્રિય થયું કે એની એકાધિક આવૃત્તિઓ ટૂંકા ગાળામાં છાપવી પડી હતી. ત્રણેક વર્ષ ઘણા બધા પુરુષો સાથે પ્રેમસંબંધ રાખ્યા બાદ ૧૯૧૪માં અર્ન્સ્ટ ફિલસિંગરને પરણીને ન્યૂયૉર્ક સ્થાયી થયાં. બહુખ્યાત પુલિત્ઝર પ્રાઇઝની શરૂઆત ૧૯૨૨માં થઈ પણ એ પહેલાં ૧૯૧૮માં આ ઈનામ પહેલવહેલીવાર ‘સ્પેશ્યલ પ્રાઇઝ’ તરીકે સારાને આપવામાં આવ્યું હતું. વ્યવસાયાર્થે સતત પરિભ્રમણ કરતા પતિને ૧૯૨૯માં છૂટાછેડા લઈ એમણે ચકિત કરી દીધો. જૂના પ્રેમીઓમાંથી એક, હવે પરિણીત કવિ વચેલ લિન્ડસે સાથે ફરી સ્નેહસંબંધે જોડાયાં. એમનો છેલ્લો સંગ્રહ પ્રગટ થયો એ જ વર્ષની શરૂઆતમાં ન્યુમૉનિયાથી લાંબો સમય રિબાયા બાદ વધુ પડતી ઊંઘની ગોળીઓ લઈને માત્ર ૪૮ વર્ષની વયે ૨૯-૦૧-૧૯૩૩ના રોજ ન્યૂયોર્ક ખાતે એમણે આત્મહત્યા કરી. આત્મહત્યાના અઢાર વર્ષ પૂર્વે પ્રગટ થયેલા એમના કાવ્યસંગ્રહમાંની ‘આઇ શેલ નોટ કેર’ કવિતાને ઘણા લોકો એમની ‘સુસાઇડ નોટ’ ગણવાની ભૂલ કરે છે.
સારાની કવિતાઓ પ્રમુખ અંગ્રેજી કાવ્યધારાઓમાંની ‘ક્લાસિકલ’ ધારાને વરેલી છે. મુખ્યત્વે તેઓ તેમના ગીતો માટે વધુ જાણીતાં છે. ન્યૂયૉર્ક ટાઇમ્સે તો લખ્યું હતું: ‘મિસ ટિસડેલ પહેલાં, અંતે, અને હંમેશા એક ગાયિકા છે.’ પરવીન શાકિરની જેમ સારાના ગીતો એક સ્ત્રીના અંતરના ભીતરતમ પડળમાંથી ઊઠતો નિજી અવાજ છે, જે જેટલો સરળ લાગે છે એટલું જ ઊંડાણ ધરાવતો હોવાથી જનસમાજને વ્યાપક રીતે સ્પર્શી શક્યો છે. એમના જીવનકાળમાં તેઓ વાચક અને વિવેચક -બંનેના પ્રિય હતાં. માનવસંબંધના ઝીણેરાં સંવેદનો એમણે કુમાશથી કાંત્યાં છે. એમની કવિતાઓમાં લંબાઈ કરતાં ઊંડાઈ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે, જાણે ગાગરમાં સાગર ન હોય!
પ્રસ્તુત રચના ‘ચુંબન’ પણ આ વાતની પ્રતીતિ છે. માત્ર આઠ જ પંક્તિનું આ સાવ ટબુકડું પણ કેવું બળુકડું ગીત છે! અહીં માત્ર ચાર-ચાર પંક્તિઓના બે જ બંધ છે અને પંક્તિઓ પણ સાવ નાનકડી. અંગ્રેજીમાં પ્રચલિત આયમ્બિક પેન્ટામીટર (દસ શબ્દાંશ) વાપરવાના બદલે સારા એકી પંક્તિઓમાં ટેટ્રામીટર (આઠ શબ્દાંશ) અને બેકી પંક્તિઓમાં તો સાત જ શબ્દાંશ (સિલેબલ્સ) પ્રયોજે છે. કવયિત્રી ચુસ્ત પ્રાસ મેળવે છે, પણ માત્ર બેકી પંક્તિઓમાં જ. ગુજરાતી અનુવાદ પણ મૂળ અંગ્રેજી રચનાને અનુસરીને બેકી પંક્તિઓમાં ચુસ્ત પ્રાસ મેળવવાની સાથે એકી પંક્તિઓમાં આઠ ગુરુ અને બેકી પંક્તિઓમાં સાત ગુરુ માત્રાવિન્યાસ કરીને તાલમાં તાલ મિલાવવાની કોશિશ કરે છે. ટૂંકી પંક્તિઓ, ઓછી પંક્તિસંખ્યા, સરળ અને સહજ શબ્દો, ચુસ્ત પ્રાસ અને પ્રવાહી લયના કારણે રચના નખશિખ આસ્વાદ્ય બની છે.
પ્રથમ ચુંબનની અનુભૂતિનું આ ગીત છે. ચુંબન આમેય કવિઓનો પ્રિય વિષય રહ્યો છે. આ જ શીર્ષકધારી અન્ય એક ગીતમાં સારા કહે છે, ‘તેં મને ચૂમી એ પહેલાં માત્ર સ્વર્ગમાંથી વાતા પવનો અને વરસાદની ઋજુતાએ જ મને ચૂમી હતી, પણ હવે તું આવી ગયો છે તો એમના જેવા ચુંબનોની દરકાર હું કઈ રીતે રાખી શકું? દરિયો દક્ષિણના ગીતો ગાતા પવનો મને ચૂમવા મોકલે છે, પણ હું મારું મોઢું દૂર ફેરવી લઉં છું જેથી મારા હોઠ પરના તારા ચુંબનોની પવિત્રતા યથાવત જાળવી શકું અને એપ્રિલની પ્રકાશિત ઋતુના મીઠા વરસાદો પણ મારા હોઠ શોધી નથી શકતા, જેના પર ચુંબનો હજી જીવંત છે; હું મારું માથું નમાવી લઉં છું, જેથી જે રીતે વરસાદ તારાઓ બુઝાવી દે છે, મારી શોભા ઓલવી ન દે. હવે હું મારા પ્રેમીની છું અને એ મારો છે હરહંમેશ માટે, મહોર મારીને કાયમ માટે સીલ કરી દઈને. તમને શું લાગે છે, જ્યાં પહેલાં રાજા ઊભો હતો, ત્યાં હું ભિખારીને પ્રવેશવા દઈશ?’ ચુંબનનું આ ગીત ખાસ એટલા માટે આખું અહીં ઉતાર્યું છે કે અહીં પ્રથમ ચુંબનની મહત્તા સારાએ સ્થાપી છે અને જે રીતે અમિતાભ બચ્ચન સાથે હાથ મેળવ્યા બાદ એ સ્પર્શ ઊડી ન જાય એ માટે ઘણા લોકો ત્રણ-ચાર દિવસ સુધી હાથ ધોતા નથી હોતા એ જ રીતે સારા પ્રિયતમના ચુંબનને સાચવે છે. પણ જે કવિતાની આપણે અહીં વાત કરવા ધારી છે એમાં પ્રથમ ચુંબનની વાત આનાથી બિલકુલ વેગળી છે. અલગ-અલગ મનોસ્થિતિમાં એક જ કવિ એક જ અનુભૂતિને કેવી અલગ-અલગ રીતે તાગે છે એ પણ કેવું રસપ્રદ છે, નહીં?!
આ નાયિકાની એકોક્તિ-સ્વગતોક્તિ છે. નાયિકાને આશા હતી કે નાયક એને પ્રેમ કરશે. અને એણે એને મુખ પર ચૂમી લીધી. આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રેમ છે. પ્રેમના એકરાર અને ચુંબન વચ્ચે શૂન્ય સમયગાળો હોય એ સહેજે સમજી શકાય છે. નાયિકાને આશા હતી કે બંને વચ્ચેનો સંબંધ જે રીતે આકાર લઈ રહ્યો છે એ મુજબ ગમે ત્યારે નાયક પ્રેમનો એકરાર અને ચુંબન કરશે જ. બે પંક્તિની વચ્ચે ‘પણ’ના સ્થાને ‘(અ)ને’ પ્રયોજાયું છે એ સૂચક છે એ વાતનું કે ચુંબન પ્રેમના એકરારની સાથે જ વણાયેલી અભિવ્યક્તિ છે. બલ્કે, ચુંબન જ કદાચ પ્રેમના આવિર્ભાવને સંપૂર્ણ કરે છે. ચુંબન વિશેનું સારાનું અન્ય ગીત ‘નજર’ અહીં માણવું ગમે એવું છે:
ધવલ મને ચૂમ્યો વસંતમાં,
પાનખરમાં કલ્પન,
પણ નીરવે માત્ર જોયે જ રાખ્યું
ચૂમ્યો નહીં કદી પણ.
ખોવાઈ મસ્તીમાં ચૂમી ધવલની,
કલ્પનની રમતમાં,
પણ મને રાત-દિ પીડે ચૂમી જે
હતી નીરવની નજરમાં.
પ્રત્યક્ષ ચુંબન કરતાં પરોક્ષ ચુંબન ક્યારેક વધુ બળવત્તર અને વધુ દીર્ઘજીવી હોય છે એ વાત આ કવિતા કેવી સ-રસ રીતે કરે છે! આપણે જે રચનાની વાત માંડી છે એમાં પણ પ્રેમના આવિર્ભાવ સાથે જ પ્રત્યક્ષ ચુંબન પણ નાયિકાને ભેટ મળ્યું છે. પણ અહીં પણ પ્રત્યક્ષ મળેલા ચુંબનમાં હોવી જોઈએ એવી મજા નાયિકા અનુભવતી નથી. આ ચુંબન નાયિકાની અપેક્ષાની કસોટી પર કદાચ પૂરું અને ખરું ઊતર્યું નથી એટલે જ એને પોતે ઘાયલ પંખી હોવાનો અહેસાસ થાય છે. પ્રેમથી મોટું બીજું કોઈ ઘા-બાજરિયું શોધાયું નથી અને ચુંબનથી વધુ અસરદાર કોઈ મલમ નથી. ચુંબનથી વધુ નજીકનો કોઈ દિલાસો હોઈ જ ન શકે પણ અહીં તો ઊલટું, નાયિકા ચુંબન મળ્યા બાદ ઘાયલ થયાનું દુઃખ અનુભવે છે. ઘાયલ થવાના કારણે દક્ષિણમાં પહોંચવા અસમર્થ બનેલા પક્ષીની વેદના એને થાય છે. જે રીતે પહેલી બે પંક્તિઓને કવયિત્રી ‘(અ)ને’થી સાંધે છે, એ જે રીતે પછીની બે પંક્તિઓ વચ્ચે એ ‘પણ’ લઈ આવે છે. કવિતામાં આ ‘પણ’નો પ્રવેશ વિરોધ અને વળાંકનો સૂચક છે. એક જ સાચા શબ્દનો પ્રયોગ કવિતાને કઈ રીતે ધારી દિશામાં લઈ જઈ શકે એ આના પરથી સમજી શકાય છે.
દક્ષિણનો સંદર્ભ આપણે ત્યાં મૃત્યુ સાથે સંકળાયેલો છે. દક્ષિણને યમરાજની દિશા માનવામાં આવે છે. મરણાસન્ન વ્યક્તિનું માથું ઉત્તર તરફ રાખવામાં આવે છે, જેથી એના પ્રાણ દશમ દ્વારમાં થઈને નીકળે. ચુંબકીય વિદ્યુત પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફની હોવાથી ધ્રુવાકર્ષણના લીધે આત્મા આસાનીથી શરીરની જેલમાંથી મુક્ત થઈ શકે એમ મનાય છે. પણ મૃત્યુ બાદ શબનું માથું દક્ષિણ તરફ કરવામાં આવે છે જે મૃતકને યમરાજને સમર્પિત કરી દેવાયાનું સૂચક છે. ગ્રીક પુરાણકથાઓમાં નોટસ નામે દક્ષિણાનિલના દેવતાનો ઉલ્લેખ છે. ઇજિપ્તની પુરાણકથાઓમાં પણ સિંહના માથું અને માનવીનું શરીર ધરાવતા દક્ષિણી પવનોના દેવતા શેહબુઇની વાતો જોવા મળે છે. પાશ્ચાત્ય દેશોમાં દક્ષિણથી આવતો પવન ખુશનુમા હોવાનું મનાય છે, જે ફૂલોને ખીલવામાં અને પક્ષીઓને ચહેકવા પ્રેરે છે. બાઇબલમાં પણ ઠેકઠેકાણે કહેવાયું છે કે દક્ષિણાનિલ મનુષ્યજીવનમાં શાંતિ આણે છે, જીવનને તરોતાજા બનાવે છે અને આ જ સમય છે જ્યારે ઈશ્વર આધ્યાત્મિક સત્યો છતા કરે છે. માટે જ બાઇબલ ચહેરો દક્ષિણ તરફ કરવા (સેમ્યુઅલ ૩૩:૨૪) અને દક્ષિણ તરફ જોઈ બોલવા (જોશુઆ ૧૫:૦૪) પણ કહે છે. જિનેસીસમાં અબ્રાહમને દક્ષિણ તરફ મુસાફરી કરતો બતાવાયા છે.
દક્ષિણના આ મહત્ત્વથી સારા વંચિત છે. એમની કવિતાઓમાં ‘દક્ષિણ’ અવારનવાર ડોકિયું કરે છે. વિશ્વમાં દક્ષિણના પ્રદેશો બહુધા હૂંફાળા છે. શિયાળો જોર પકડે ત્યારે યાયાવર પક્ષીઓ ઉત્તરીય શીતપ્રદેશો છોડીને દક્ષિણાયન કરે છે. આમ, પક્ષીઓનું દક્ષિણ દિશા તરફનું પ્રયાણ હૂંફ-ઉષ્મા પ્રાપ્તિ માટેનું પ્રયાણ છે. પણ નાયિકાને પ્રિયતમે કરેલા ચુંબનમાં એ હૂંફ અનુભવાતી નથી, જે દક્ષિણ તરફ જતું પક્ષી અનુભવતું હશે અથવા જે હૂંફ મેળવવા પક્ષી દક્ષિણ તરફ ઊડતું હશે. એટલે જ્યારે નાયિકા કહે છે, કે આ ચુંબન બાદ પોતાને દક્ષિણ તરફ ઊડવાને અશક્ત ઘાયલ પક્ષી હોવાનું અનુભવાય છે ત્યારે ચુંબન વડે મળવી જોઈતી હૂંફની ગેરહાજરી આપણને સમજાય છે. ગંતવ્યસ્થાને ન પહોંચી શકવાનું દુઃખ કોને ન થાય? પક્ષીનો ઉલ્લેખ અમૂર્ત ચુંબનના આનંદનું મૂર્ત સ્વરૂપ પણ છે. ચુંબન કરતી વખતે આપણા પગ ધરતીથી અધ્ધર થઈ જાય છે. રોમાંચના માર્યા આપણને સાતમા આસમાને ઊડતા હોઈએ એવી લાગણી થાય છે. પણ પ્રથમ ચુંબનમાં આ ઊડ્ડયનનો અભાવ અનુભવાતા કવયિત્રીને પોતે પાંખ કપાયેલું ને ધાર્યું ન ઊડી શકનાર પંખી હોવાની દુઃખદ ખાતરી થાય છે.
જાણ છે કે પ્રિયજન પોતાને સાચે જ ચાહે છે, પણ આ હકીકત નાયિકાના હૃદયને ખુશીનું માર્યું તર કરી દેવાના બદલે આજે રાત્રે ખિન્ન કરી દે છે. અહો વૈચિત્ર્યમ્! કેવી વિડંબના! પ્રિયપાત્ર પાસેથી ‘લૉન્ગ અવેઇટેડ’ ચુંબન મળે ત્યારે પ્રેયસીને પોતે ‘ટૉપ ઑફ ધ વર્લ્ડ’ હોવાનું અનુભવાવું જોઈએ. પ્રેમમાં આ એવી ક્ષણ છે, જેની આગળ મનુષ્યને સ્વર્ગસુખ પણ મિથ્યા લાગતું હોય છે. આ ક્ષણની પ્રાપ્તિ માટે લોકો આખું જીવન દાવ પર લગાવી દેતા હોય છે. પણ એથી વિપરિત, અહીં તો નાયિકા વ્યથિત થઈ ગઈ છે. સુખના સ્થાને એ દુઃખ અનુભવે છે. જીવનભરના ઘા રુઝાઈ જવાના બદલે એને પોતાની પાંખો કપાઈ ગઈ હોવાનું અનુભવાય છે. આખી મુગ્ધાવસ્થા પ્રથમ ચુંબનની પ્રતીક્ષામાં વીતી જતી હોય છે. પહેલી ચૂમીની ફરતે તો રોમાંચના મહેલોના મહેલ ચણાતા હોય છે. પહેલું ચુંબન કરીશું ત્યારે ચારેતરફ શહનાઈ-વાયોલિન વાગશે, આકાશમાંથી ફૂલવર્ષા થશે અને ‘હોવું’ એક ઉત્સવ બની રહેશે એવાં સ્વપ્નો કોણ નથી સેવતું? દરેકને આ ‘પહેલાં’ની બેસબ્ર ઇંતેજારી હોય છે. ચારેય હોઠ મંદ-મંદ કંપ અનુભવે છે. પૂર્વાનુમાનની ઉત્તેજનામાં આંખો બિડાઈ જાય છે, ને શરીર કમાન વળી જાય છે… હોઠ પર હોઠ પહેલવારકા સ્પર્શે એ સંવેદનાની પરાકાષ્ઠાનું ગુરુશિખર છે.
પણ ‘પહેલું’ શું સાચે જ આવું ને આટલું રોમાંચપ્રદ હોય છે? શું પ્રથમ ચુંબન તમારી વર્ષોની પ્રત્યાશાને સાચે જ સંતોષે છે? પૂર્ણપણે? આંશિક? કે ધૂળભેગી કરી દે છે? કવિઓએ, નવલકથાકારોએ અને પ્રેમીઓએ સેંકડો સદીઓથી ઊભા કરેલા પ્રથમ ચુંબનના ઉન્માદના મહાગ્રંથોને સારા ટૂંકાટચરક ગીતની છેલ્લી બે જ કડીમાં જમીનદોસ્ત કરી દે છે. એ કહે છે, કે આ ચુંબન આજ સુધી જોયેલાં સૌ સ્વપ્નોથી બિલકુલ ભિન્ન હતું. વર્ષોથી હજારો સપનાંઓમાં જે લાખો મન્સૂબા ઘડ્યે રાખ્યા હતા, આ ચુંબન એવું અદભુત હતું જ નહીં. કલ્પનાની દુનિયા જેટલી રળિયામણી ભાસતી હતી, વાસ્તવની ધરતી એનાથી સાવ ઊલટી જ અનુભવાઈ. સપનાંઓમાં સાતમા આસમાને ઊડવાનું સુખ આંખ ખુલતાવેંત ધરતી પર પછડાવાના દુઃખમાં પલટાઈ ગયું. ‘પ્રથમ’ની ઉત્તેજના બહુધા આપણે જ ઊભા કરેલા ભ્રમનો ભાગ હોય છે. એને ચકનાચૂર થતાં વાર લાગતી નથી. ‘પ્રથમ’માં એવું કંઈ મહાન જાદુ ભર્યું હોતું નથી.
ખેર, માત્ર ચુંબનની જ નહીં, જીવનની પણ આ જ હકીકત છે. કલ્પના અને વાસ્તવનું મિલન ભાગ્યે જ સુખદાયી હોય છે. આશાનો પ્રકાશ સદૈવ નિરાશાનો પડછાયો લઈને જ આવે છે. વસ્તુ જ્યાં સુધી મળતી નથી, ત્યાં સુધી જ મીઠી લાગે છે. પાણી ન મળે ત્યાં સુધી જ તરસની સાચી કિંમતની જાણ રહે છે. મન્સૂબાના સૂબા વાસ્તવની ધરતી પર ભાગ્યે જ રાજ કરી શકે છે. ટૂંકમાં કહીએ તો સારાનું આ ગીત અધૂરપની મધુરપનું પ્રશસ્તિગાન છે. પૂર્વાનુભૂતિનો હાથ અનુભૂતિથી હંમેશા ઉપર જ રહેવાનો…
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે,
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…
અભિનંદન, દોસ્ત! અભિનંદન!
સારા ટિસડેલને અનુવાદિત કરવા બહુ જ મુશ્કેલ કામ છે. આપે સુંદર રીતે ભાવ જાળવીને શબ્દોની ગૂંથણી કરી છે.
સારા ટિસડેલના જીવનનાં ઘણાં પાસાં સામાન્ય ગુજરાતી વાચક ન જાણતો હોય તે આપે ઉજાગર કર્યાં છે. બાકી સારા ટિસડેલ કે કેથેરાઇન મેન્સફિલ્ડનના જીવનની કરુણતા જે જાણતું હોય તે જ તેમના શબ્દોને સમજી શકે.
‘ચુંબન’ અનુવાદ તો ગમ્યો જ; તેની સાથે ‘The Look’ ને ગુજરાતી ભાષામાં સહજ રીતે રમતી કરવાની ‘વિવેક શક્તિ’ ની તો વાત જ શી કરવી!
But the kiss in Colin’s eyes
Haunts me night and day. પંક્તિઓને પણ મને રાત-દિ પીડે ચૂમી જે
હતી નીરવની નજરમાં …. બહુ જ સહજતાથી મૂળ ભાવ વ્યક્ત કર્યો છે.
હાર્દિક અભિનંદન, ગુજરાતી સાહિત્યક્ષેત્રે આવું નોંધપાત્ર કાર્ય કરવા બદલ!
શેર લોહી ચડે એવો મજાનો પ્રતિભાવ….
ખૂબ ખૂબ આભાર…
સરસ કાવ્ય,રસાસ્વાદ પણ ઉત્ત્તમ ,પરદેશની સારી રચનાનો ભાવાનુવાદ ખુબ જ મનભાવન રહ્યો, ડો.વિવેક ટૅલરને અભિનદન….
ખૂબ ખૂબ આભાર સ્નેહીજન…
But I am like a stricken bird
That cannot reach the south.
અહીં કહેવા માંગીશ કે આપનો ઉપર ની પંક્તિઓ માં નો ‘south’ ના સંદર્ભમાં અનુવાદ બંધબેસતો નથી લાગતો. મૂળ કવિતા માં ‘પક્ષી’ અને ‘દક્ષિણ’ નો સંદર્ભ, અમેરિકાના ઉત્તરી બર્ફીલા શિયાળામાં દક્ષિણમાં migrate થતા પક્ષીઓ વિશે વધુ પ્રાસંગિક લાગે છે, કે “એક ઘવાયેલ પક્ષી (હવે આવતી ઠંડી ઋતુમાં) દક્ષિણ તરફ નહીં જઈ શકે.
આભાર નીતિનભાઈ,
આપની વાત સાચી જ છે. આસ્વાદમાં પણ એનો ઉલ્લેખ છે જ. જુઓ:
‘વિશ્વમાં દક્ષિણના પ્રદેશો બહુધા હૂંફાળા છે. શિયાળો જોર પકડે ત્યારે યાયાવર પક્ષીઓ ઉત્તરીય શીતપ્રદેશો છોડીને દક્ષિણાયન કરે છે. આમ, પક્ષીઓનું દક્ષિણ દિશા તરફનું પ્રયાણ હૂંફ-ઉષ્મા પ્રાપ્તિ માટેનું પ્રયાણ છે.’
[…] […]