ગ્લૉબલ કવિતા: પૈસો – હેનરી મિલર (અનુ. વિવેક મનહર ટેલર)

To walk in money through the night crowd,
protected by money, lulled by money, dulled
by money,
the crowd itself a money,
the breath money,
no least single object anywhere that is not money,
money, money everywhere and still not enough,
and then no money,
or a little money or less money or more money,
but money, always money,
and if you have money or you don’t have money.
It is the money that counts
and money makes money,
but what makes money make money?
– Henry Miller

પૈસો

પૈસામાં ચાલવું રાત્રિની ભીડમાં થઈને,
પૈસા વડે રક્ષાવું, પૈસા વડે જ સૂવું, ઝાંખા પડવું
પૈસા વડે,
ટોળું પોતે જ પૈસો,
શ્વાસ પૈસો,
નાનામાં નાનો કોઈ એક પદાર્થ પણ ક્યાંય એવો નહીં જે પૈસો ન હોય,
પૈસો, પૈસો જ સર્વત્ર અને તોય અપૂરતો,
અને પછી પૈસાનો અભાવ,
અથવા થોડો પૈસો અથવા ઓછો કે વધુ પૈસો,
પણ પૈસો, હંમેશા પૈસો,
અને જો તમારી પાસે પૈસો છે અથવા નથી.
એ પૈસો જ છે જેની ગણના છે
અને પૈસો જ બનાવે છે પૈસાને,
પણ શું છે જે બનાવે છે પૈસાને પૈસો ?

– હેનરી મિલર
(અનુ. વિવેક મનહર ટેલર)

બે અક્ષરનું ધન, બે અક્ષરનું મન અને ધનોતપનોત

ગિન ગિન કે સિક્કે હાથ મેરા ખુરદુરા હુઆ,
જાતી રહી વો લમ્સ કી નરમી, બુરા હુઆ. (જાવેદ અખ્તર)

(સિક્કા ગણી-ગણીને હાથ એવો ખરબચડો થઈ ગયો છે કે હવે સ્પર્શની નરમી ચાલી ગઈ છે.) પૈસાની ગતિ જ ન્યારી છે. ચંદ્રકાંત બક્ષીએ કહ્યું હતું, “તનસ્વી થવા માટે રોટી જોઈએ છે અને મનસ્વી થવા માટે પૈસા જોઈએ છે. રોટીની ભૂખ સીમિત છે, પૈસાની ભૂખ અસીમ છે.”

ઇમેજિસમના પ્રણેતા એઝરા પાઉન્ડે ૧૯૩૫માં હેનરી મિલરની ચર્ચાસ્પદ નવલકથા “ટ્રૉપિક ઑફ કેન્સર” વાંચીને પોસ્ટકાર્ડ લખ્યો ને પૂછ્યું, “તમે કદી પૈસા વિશે વિચાર્યું છે કે કોણ એને બનાવે છે ને કઈ રીતે એ ત્યાં પહોંચે છે?” ત્રણ વર્ષ પછી મિલર ૪૬ પાનાંની પુસ્તિકા “મની એન્ડ હાઉ ઇટ ગેટ્સ ધેટ વે” લઈને આવે છે. આ કવિતા એ પુસ્તકનો જ ભાગ છે કે અલગ સર્જન છે એની જાણકારી મળી નથી પણ આ કવિતા મિલરની ‘અર્થ’દૃષ્ટિ દેખાડે છે.

“ધન”નો અર્થ તો વેદાંતકાળથી જ સ્પષ્ટ હતો. ‘ધનમ્’ શબ્દ એ ‘ધનાતિ’ અર્થાત્ ‘દોડવું’ પરથી ઉતરી આવ્યો છે. ધનમ્ નો અર્થ હતો દોડ અથવા દોડસ્પર્ધાના વિજેતાને મળતો પુરસ્કાર. આમ, એ સમયથી જ ‘દોડવું’ એ ધન સાથે જોડાઈ ગયું હતું અને દેશ કોઈપણ હોય, સંસ્કૃતિ કોઈપણ હોય અને સમય પણ ભલે કોઈપણ હોય, માણસ ધનની પાછળ દોડતો જ રહ્યો છે… “દૌલત” શબ્દ અરબીમાંથી ઉતરી આવ્યો છે. મૂળ ધાતુ ‘દવલ’ છે, જેનો અર્થ છે બદલાવું, એકના હાથમાંથી બીજાના હાથમાં જવું. (‘દો’ ‘લત-લાત’ –બે તરફથી લાત લગાવે એ દોલત એવું પણ અર્થઘટન કોઈકે કર્યું છે!) “દ્રવ્ય” શબ્દ પણ દૌલત જેવો જ અર્થ ધરાવે છે. ‘દ્ર્વ’ એટલે પીગળવું, વહેવું. જે વહેતું રહે છે એ દ્રવ્ય છે. “પૈસો” શબ્દની ઉપપત્તિ પણ રસપ્રદ છે. મૂળ લેટિન ક્રિયાપદ ‘પેન્ડર’ –‘વજન કરવું’ પરથી લેટિન સંજ્ઞા ‘પેન્સમ’ ઉતરી આવી જેનો અર્થ ‘કંઈક વજન કરેલ’ થયો જેના પરથી સ્પેનિશમાં ‘પેસો’ એટલે કે ‘વજન’ શબ્દપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. સ્પેનિશ-મેક્સિકન ‘પેસો’ હોય કે આપણો ‘પૈસો’ –એનું વજન સરખું જ પડે છે. બક્ષી કહે છે, ‘પૈસા માટે સંસ્કૃત ભાષાએ એક વિરાટ, સર્વવ્યાપી શબ્દ વાપરી દીધો છે: અર્થ. અર્થ શબ્દનો અંત છે. અર્થ નિચોવી લીધા પછી શબ્દનું માત્ર છોતરું રહે છે.’

આદિ શંકરાચાર્ય તો ડગલે ને પગલે અર્થના અનર્થ તરફ અંગૂલિનિર્દેશ કરે છે: “यावादवित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारों रक्त:।” (જ્યાં સુધી તું ધન કમાવા સશક્ત છે, ત્યાં સુધી જ તારો પરિવાર તારા પર આસક્તિ રાખશે. સુખકે સબ સાથી, દુઃખમેં ન કોઈ) मूढ़ जहीहि धनागमतृष्णां| (હે મૂઢ ! ધન આવવાની તૃષ્ણા છોડ) अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम्| (અર્થને નિત્ય અનર્થ માન, તેથી સહેજ પણ સુખ નથી.) કબીર પણ કહી ગયા, “અવધૂ માયા ત્યજી ન જાઈ.” પૈસાને લગતી કહેવતો -‘પૈસા વગરનો ઘેલો અને સાબુ વગરનો મેલો’, ‘પૈસાના કંઈ ઝાડ ઊગે છે’, ‘પૈસાનું પાણી કરવું’, ‘પૈસે કોઈ પૂરો નહિ, ને અક્કલે કોઈ અધૂરો નહિ’- માંડવા બેસીએ તો આખો લેખ લખાઈ જાય.

હેન્રી મિલરે જ કહ્યું છે, ‘Money has no life of its own except as money.’ સમજી શકાય તો પુનરુક્તિનો આ કટાક્ષ પૈસાની સાચી વિભાવના રજૂ કરે છે. પૈસો મિલરની ભાષામાં always something inclusive, coexistent, consubstantial and beyond the thing manifest – સમાવર્તી, સહઅસ્તિત્વધારી, એક જ પદાર્થનો બનેલ અને દેખાવથી પર યાને કે સર્વશક્તિમાન ઈશ્વર સમો છે. આપણે ત્યાં પણ પૈસાને પરમેશ્વર ગણાયો જ છે. સમરસેટ મોમે કહ્યું હતું, ‘પૈસો છઠ્ઠી ઇન્દ્રિય છે જેના કારણે બાકીની પાંચ બરાબર ચાલે છે.’ પણ ધનપૂજા આપણા મૂલ્યોને ભીતરથી કોરી ખાતી ઉધઈ છે. પૈસાની દોટમાં માણસ આંધળો બની જાય છે. પ્રેમ આંધળો છે પણ એને કમસેકમ દિલ તો છે. પૈસો માણસને આંખથી આંધળો અને દિલથી પાંગળો બનાવે છે. અને પૈસો જેટલો મળે, ઓછો જ પડે. સાઇકલ હોય તો સ્કુટરના સપનાં આવે. સ્કુટર હોય તો કારના. કાર હોય તો લક્ઝુરી કારના. એક હોય તો અનેકના. ને અનેક હોય તો અનંતના. ટોલ્સ્ટોયે બહુખ્યાત વાર્તા ‘એક માણસને કેટલી જમીન જોઈએ?’માં માણસની ધનની તૃષ્ણાનું જે નગ્ન ચિત્ર દોર્યું છે એ સદાકાળ સર્વસંકૃતિ માટે યથાર્થ છે. “नेति नेति” મનુષ્યજાત માટે સદૈવ ધન માટે જ સાર્થક રહ્યું છે.

પૈસો તો હકીકતમાં એક પ્રતિક માત્ર છે. સિક્કા-નોટનું ભૌતિક અસ્તિત્વ પૈસો નથી. ક્રેડિટ-ડેબિટ કાર્ડ, ઓનલાઇન બેન્કિંગમાં સિક્કા-નોટનો એકડો નીકળી નથી જતો? પૈસાનું ખરું મૂલ્ય એની વિભાવનામાં રહેલા વિશ્વાસના કારણે જ છે. આપણા જીવનના શ્વાસોચ્છવાસમાં પૈસો પ્રાણવાયુની જેમ વણાઈ ચૂક્યો છે. હાલતા-ચાલતા, સૂતા-જાગતા આપણી જિંદગી પૈસો, વધુ પૈસો, હજી વધુ પૈસોની દોડમાં જ પૂરી થાય છે. બે અક્ષરનું ધન બે અક્ષરના મનનું ધનોતપનોત કાઢી નાંખે છે.પૈસાની જ ગણના છે. પૈસો પૈસાને બનાવે છે પણ કવિ કાવ્યાંતે એક મહત્ત્વનો પ્રશ્ન પૂછે છે કે કઈ વસ્તુ છે જે પૈસાને પૈસો બનાવે છે?

6 replies on “ગ્લૉબલ કવિતા: પૈસો – હેનરી મિલર (અનુ. વિવેક મનહર ટેલર)”

 1. KETAN YAJNIK says:

  પ્યાસાના સાહિર યાદ આવે છે

 2. narendra soni says:

  પ્ઈસૉ મારૉ પરમૅશવર….
  નૅ હૂ પઇસા નૉ દાસ… નરેન્દ સોનિ
  i can not write properly guj. in comp., forget.
  actually money for us is like honey,
  with money in ur pocket, u r handsome,intelligent and nice too.

 3. narendra soni says:

  with money in ur pocket,
  u r handsome,intelligent…
  and clever too…

  paiso maro parmeshwar…
  ne..hu paisano das…
  na…na… apne badhaj das… narendra soni

 4. Darshana bhatt says:

  अर्थानाम् अर्जने दु:खम्
  अर्जितानां च रक्षणे।
  आये दु:खं व्यये दु:खं
  धिग् अर्था: कष्टसंश्रया:॥

 5. સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

 6. ” માણસ કરતા ‘પૈસો’ વધુ મોંઘો-પ્યારો-શ્રેયસ્કર-પ્રેયસકર કલિયુગની દેન .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *