રેંટિયા બારસ નિમિત્તે : બાપુજીના પાઠ તમે ભણી જુઓ…

આમ તો ટહુકો પર હમણા ‘કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ’ ઉજવાય છે – પણ આજે એમાં એક દિવસનો બ્રેક લઇને – એક ખાસ પોસ્ટ..!

મારા મમ્મી ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલા, એટલે આજે હું મમ્મીને એના જમાનાની બધી વાતો પૂછતી હતી.. તમને ભણવામાં કયા વિષયો હતા, બીજું શું કરવાનું આવતું.. એવા બધા.. એમાં મમ્મીએ કહ્યું કે એમને તો ફરજિયાત રેટિંયો કાંતવાનો આવતો.. અને એની પરિક્ષા પણ લેવાતી.. પછી મમ્મીએ કહ્યું કે એ આઝાદી પછીના શરૂઆતના વર્ષો હતા, એટલે ગાંધીજીને લગતું ઘણું ભણવામાં આવતું.. એમણે એવું પણ કહ્યું કે આજે આટલા વર્ષો પછી નહેરૂજીની જન્મતિથી ‘બાળદિન’ તરીકે ઉજવાય છે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્નનનો જન્મદિવસ ‘શિક્ષકદિન’ તરીકે ઉજવાય છે… પણ ગાંધીજીએ કહ્યું હતું કે ‘મારો નહીં પણ મારા રેંટિયાનો જન્મદિવસ ઉજવજો’ અને એટલે જ ભાદરવા વદ બારસ ‘રેંટિયા બારસ’ તરીકે ઓળખાય છે – એ કેટલાને ખબર હોય છે? મમ્મી કહે છે કે એ જમાનામાં રેટિંયા બારસ ઉજવાતી, અને કાંતણયજ્ઞ ચાલતો.. ગુજરાત વિદ્યાપીઠથી બધા કોચરબ આશ્રમ જતા રેંટિયો કાંતવા. પ્રભાતફેરી પણ થતી, અને એમાં ગાંધીજીના, દેશભક્તિના ગીતો ગવાતા.

એમાંનું આ એક ગીત મને મમ્મીએ સંભળાવ્યું, તો એ તમારા બધા સાથે વહેંચવાની લાલચ થઇ આવી! કુતુહલવશ કેલેન્ડરમાં જોયું કે ભાદરવા વદ બારસ ક્યારે આવે છે, અને આશ્ચર્ય થયું કે એ તો આજે જ છે (સ્પ્ટેમ્બર ૨૦, ૨૦૧૪). એટલે આજે જ આ ગીત લઇ આવી..! થોડી વિનંતી પછી મમ્મી માની પણ ગઇ, અને રાગ સાથે આ ગીત ટહુકો પર – આપ સૌ માટે હાજર છે.

સ્વર – ગુલાબબેન ભક્ત

બાપુજીના પાઠ તમે ભણી જુઓ, હિંદના હો માનવી
ભણી જુઓ ને ભણાવી જુઓ, હિંદના હો માનવી

મોટર ગાડીમાં સહુએ ફરે છે,
પગપાળા તમે ચાલી જુઓ, હિંદના હો માનવી

મિલના કપડા સહુએ પહેરે છે,
જાડી ખાદી તમે પહેરી જુઓ, હિંદના હો માનવી

ઉંચ અને નીચના ભેદો ભૂલીને,
હરિજનનો હાથ તમે ઝાલી જુઓ, હિંદના હો માનવી

મારૂ મારૂ તો સૌ એ કરે છે,
બીજાને માટે કંઇ કરી જુઓ, હિંદના હો માનવી

સત્ય અહિંસાનો લ્હાવો અનેરો,
એની રાહે તમે ચાલી જુઓ, હિંદના હો માનવી

બાપુજીના પાઠ તમે ભણી જુઓ, હિંદના હો માનવી
ભણી જુઓ ને ભણાવી જુઓ, હિંદના હો માનવી

13 replies on “રેંટિયા બારસ નિમિત્તે : બાપુજીના પાઠ તમે ભણી જુઓ…”

  1. અહાહાહ… અદ્ભુત ઃ) મને એવું લાગ્યું કે ગાંધીજીના હ્રદય-કુંજમાં બેઠી છું અને એકદમ સાહજિક શૈલીથી ગીત ગવાઈ રહ્યું છે. ઃ) બહુજ મજા આવી ઃ)

  2. બાની તીજોરીમાનુ ઍક અણમોલ રત્ન! લ્હાવો લુટાવવા બદલ ખુબ ખુબ આભર જયશ્રીબહેન!!

  3. સરસ.આપના માતુશ્રીએ એ સમયની યાદ અપાવી.કેવો સાદગી સાથે શ્રમનો એ યુગ હતો !!

  4. Extremely happy to hear the real old age voice of your mummy. My mother was expert singing kirtans and hearing this I have had fond memory of her.My salute to her. it is the fortune of tahuko readers to have this real khazana. My pranams to her.

  5. ખુબજ આનનદ થયો ખુબ ખુબ આભાર જયશ્રેી બેન હમેશા કઈક નવેીન ….ગુલાબ બેન નો આભાર. ગુલાબબેન નવસારેી ચોવેીસેીના ?

  6. પુજ્ય્ બા ને પ્રનામ્
    એક બિજુ ગિત ” જેનુ જિવન કાર્ય અખ ન્દ રહો, અમ વચે બપુ અમ્રર રહો.” કોને યાદ હશે ?

  7. તમરા મમ્મી નો સ્વર સાંભળીને મારા મમ્મી ગાંધી બાપુના(આઝાદીલડતના)ગીતો ગાતી તે યાદ આવ્યા.
    હા ગઈકાલે રેંટિયા બારસના એ યાદ આવતું હતું,પણ તમે મમ્મીનો અવાજ સંભળાવ્યો તો ખુબ સારું લાગ્યું;ધન્યવાદ.

  8. પૂ. બાના અવાજે ગીત સાંભળી બહુ મજા આવી અને પૂ. બાપુના સંદેશની આ પુણ્ય પર્વે સરસ યાદ કરાવી દીધી.

  9. પ્રિય જયશ્રિબેન ,
    આજે મને ખુબ જ આનન્દ થયો છે. તમારી મમ્મી ના અવાજ માં આ ગીત સાંભળવાની ખરેખર
    ખુબ જ મઝા આવી.. તમે પ્રયત્ન કરી મારુ ગમતુ કાવ્ય ” ત્રણ પડોશી ” નુ શોધાવી શકશો તો પણ
    મને ઘણો આનંદ થશે.
    ફુલવતિ શાહ

  10. અમને રેટિયા બારસ પુજ્ય મહાત્મા ગાંધીબાપૂના જન્મદિવસ તરીકે ઉજવાય છે એ ખબર હતી પરતુ એની પાછળનો સંદર્ભ આજે જ ખબર પડી એ માટે શ્રીમતી ગુલાબબેન નો આભારી છુ,સરસ રચના, મારા પત્નિનુ કહેવુ છે કે એમને શાળામા અભ્યાસ દરમ્યાન આ રચના કંઠસ્થ કરાવવામા આવતી હતી, ખુબ જ સરસ રીતે આપના માતૃશ્રીએ સ્વરમા ગાયુ છે, મારો રાજીપો અને પ્રસન્નતા વ્યક્ત કરુ છુ, દર વરસે રેટિયા બારસના પર્વ પર ટહુકો પર આ રચના સાંભળવા મળશે તો આભારી થઈશ, આપનો અને શ્રીમતિ ગુલાબબેન ભક્તનો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *