ઝીલો – ધ્રુવ ભટ્ટ

આ ​ઝરમર ઝરમર કરી રહ્યા તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો.

આ એકજ ટીપુ આખે આખાં સરવર દેશે,
ધરો હથેળી અચરજના અવસર ને ઝીલો.

આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ,
જીવતર જેણે પ્રગટાવ્યા તે બળને ઝીલો.

આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો,
ઘટ -ઘટ ઉમટી ઘેરાયા વાદળને ઝીલો.

આ ઉમ્મર પદવી ,નામ ઘુંટ્યા તે ભૂંસી દઈને,
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો.

આ મહેર કરી છે મહરાજે મોટુ મન રાખી,
ખોલી દો ઘુંઘટપટ વરસ્યા વરને ઝીલો.

– ધ્રુવ ભટ્ટ

****

આસ્વાદ – ઉર્વશી પારેખ (કાવ્યાનુભૂતિ) (કાવ્યાનુભૂતિ પુસ્તક ટહુકોને મોકલવા માટે ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર)

વર્ષા ​ઋતુ નું આગમન થઇ ચુક્યું છે. આજે આપણે વરસાદની રચના માણીશું. ઠંડા પવનની લહેરખીઓ વાતી હોય, વ્રુક્ષ, છોડ, પાન એ બધા​પવન સાથે નૃત્ય કરી રહ્યા હોઈ. આકાશ, આજુબાજુનું વાતાવરણ ચોખ્ખુ, નિર્મળ અને આહલાદક હોઈ, મન ને શાતા આપી સભર કરતું હોય ત્યારે લાગે ઝીણા ઝરમર વરસાદમાં ફરવા નીકળી પડીએ. પ્રકુતિને મનભેર માણી ઝીલી લઈએ.

અહીં કવિ કહે છે કે વરસાદ ઝરમર પડી રહ્યો છે તે આપણે ઝીલીએ, ધરતી અને આકાશ વરસાદ રૂપી સાંકળ વડે જોડાઈ ગયા છે તે જોઈએ, માણીએ. હથેળીમાં વરસાદના ટીપાને ઝીલીને ભેગા કરીએ,જે તમને સરોવરની અનુભૂતી કરાવશે. વરસાદનાં આવવાથી ચારેબાજુ લીલા લીલા છોડો ઉગી જાય છે, લીલોતરી પથરાઈ ​જાય છે, આ લીલેરા જીવતર ને પ્રગટાવનાર ધરતીનાં બળને,શક્તીને ઝીલીએ. આ વરસાદ એ ફક્ત આકાશી ઘટના નથી, પણ ઉમટી આવેલા વાદળોની રમાતી સંતાકુકડી,દોડાદોડી છે તેને માણીએ. અંહી કવિ એક સરસ વાત કરે છે કે, તમે તમારી ઉંમર, પદ, નામ, હુંપણું આ બધુ ભૂલી જઈ, તમારા અંદર જે બાળક વસેલુ છે તેને ભરપુર આનંદ માણવા દો. ભગવાને ખુબ મોટું મન રાખી મોટી મહેર કરી છે તો બધા અંચળાઓને ફગાવી નાના બાળકની જેમ વરસતા વરસાદમાં ભીંજાવાનો લ્હાવો લઇ, વરસાદને ઝીલીલો માણી લો.

6 replies on “ઝીલો – ધ્રુવ ભટ્ટ”

 1. Harish Ganatra says:

  ટહુકો.કોમ નો હું ઘણા વખતથી વાચક અને ચાહક રહ્યો છું. ખૂબ ખૂબ આનંદ થયો છે. આભાર અને અભિનંદન તથા ધન્યવાદ !

 2. Dipak Parekh says:

  When is Amar Bhatt’s program in Bay Area ? How can book seats for it? I am coming from LA! So I need little advance notice to get organized
  Thanks
  Dipak

 3. Dinesh J. Pandya says:

  જયશ્રીબેન

  આ વર્ષે ખૂબ ટટળાવીને મોડો તો મોડો પણ આવ્યો છે અને હજી આવી (પડી) જ રહ્યો છે
  અહીં મુંબઈનો વરસાદ તો બહુ માથાભારે હોય છે (અત્યાર સુધી ૬૦/૬૫ ઈંચ પડી ગયો છે)
  તે છતાં હજી ડેફીસીટ છે.
  ધ્રુવ ભટ્ટની આ રચના બહુ સુંદર છે. અગાઉ કેટલાક વર્ષો પહેલા અહીં જ રાજુ થઈ છે
  અને માણી છે. પરંતુ આ વખતે ઉર્વશી પારેખ ના આસ્વાદ સાથે માણવાની વધારે મજા આવી.
  અમારા ‘સ્વરમાધુરી’ના વરસાદી ગીતોના કાર્યક્રમમાં આ સુંદર ગીત અમે સ્વરબધ્ધ કરી ને ગાઈ ને
  મજા માણી છે . અહીં ધ્રુવ ભટ્ટના ગીતની એક કડી યાદ આવે
  ‘ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે કે ચાલ જઇ કંઠ કંઠ મ્હાલીએ
  જે પ્રેમ કરી પામે તે જીતે તે ગીત હવે મારા કહેવાય કઇ રીત?’

  અભિનંદન! આભાર!

 4. Rekha Shukla says:

  આ ઉમ્મર પદવી ,નામ ઘુંટ્યા તે ભૂંસી દઈને,
  અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો…

  ખુબ સુંદર રચના…!!

 5. Prashant says:

  ખુબ સુંદર…જાને કે હમણાંજ વરસાદ પડી રહ્યો છે!

  કેટલું સચોટ કવને છેઃ “આ એકજ ટીપુ આખે આખાં સરવર દેશે”
  અને, “જીવતર જેણે પ્રગટાવ્યા તે બળને ઝીલો.”

  વાહ!

 6. dushyant c patel says:

  સાહિત્ય ના આકાશ નું ધ્રુવ ભટ્ટ એવું વાદળ છે કે જે વારંવાર વર્ષ્યા કરે ને મન મયૂર બની બસ પલળ્યા કરે …થિરક થિરક નર્ત્યા કરે…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *