ઘરઘત્તા – ઊર્મિ

*

નાનપણમાં
રો…જ બપ્પોરે
ઘરના ઓટલા પર છાંયડે બેસીને
આપણે પેલી રમત રમતાં’તાં…
એ યાદ છે તને ?!

તું તારા ઘરેથી નાસ્તો લઈ આવતી
અને હું ભાખરી.
તું મારો વર બનતી
અને હું તારી વહુ…!
(કોકવાર ઊલટુયે કરતા.)
સામેના ઘરમાં રહેતી પેલી નાનકડી ખુશીને
આપણે કોકવાર આપણી દિકરી યે બનાવતા.
તું ઓફિસે જવાનું નાટક કરતી,
અને હું
નાનકડા સ્ટવ પર નાનકડી તાવી મૂકી
ભાખરી શેકવાનો અભિનય કરતી.
મારી ખોટુકલી રસોઈ થઈ જતી,
પછી
આપણે સાચુકલું સા….થ્થે બેસીને ખાતા…!

ખોટુકલું ઘર,
ખોટુકલી રસોઈ,
ખોટુકલા સંબંધો,
ખોટુકલા ઝઘડા,
પણ
સાચુકલી લાગણી
અને સાચુકલા મનામણાં…!
સાવ ખોટુકલી રમત અને
સાવ સાચુકલી મજા…!

પણ હવે
– કોણ જાણે કેમ –
બધ્ધું જ ઊલટું થઈ ગયું છે!

-ઊર્મિ

13 replies on “ઘરઘત્તા – ઊર્મિ”

 1. Kaushik Nakum says:

  સાવ સાચી વાત જયશ્રીબેન….
  કોણ જાણે કેમ –
  બધ્ધું જ ઊલટું થઈ ગયું છે!
  અને જગતમાં લોકો એનેજ સાચુ ગણે છે…!
  આ અછાંદસ વાચીને ડૉ.I.K.Vijalivala ની રચના યાદ આવે છે..
  “પુખ્ત અને મોટા હોવામાંથી રાજીનામુ આપી દેવુ છે.”

 2. Kaushik Nakum says:

  જયશ્રીબેન ઘરઘત્તા આ અછાંદસ વાચીને ડૉ.I.K.Vijalivala ની રચના યાદ આવે છે..
  “પુખ્ત અને મોટા હોવામાંથી રાજીનામુ આપી દેવુ છે.”

  એ મેં એમની બુકમાં વાચ્યુ હતુ..

  ગમતુ હોય એને ગુંજે ન ઘાલીએ ને ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાયે તમને મોકલુ છું..

  તમે આ પેહલા વાચ્યુ પણ હશે. પણ ગમતી વસ્તુ ફરી એક વખત કહેવાય તો કંટાળો નહીં જ આવે એમ માનીને મને ગમ્યુ તે અહી મુકુ છુ..

  આથી લાગતાવળગતા સૌની જાણ ખાતર…

  હું આજથી પુખ્ત વ્ય્કતિ તરીકેની મારી જિંદગીમાંથી અને જવાબદારીઓમાંથી કાયદેસરનું રાજીનામું આપું છું.
  નારે હવે ક્યારેય મોટાઅ કે વડીલ કે પછી પુખ્ત નથી કહેવાવું. મારે તો બસ આજથી આઠ વરસના બાળક બની જવું છે. જોકે એ ઉંમરની કોઇ પણ જવાબદારી નિભાવવાની મારી જરા પણ ના નથી.

  સ્કૂલની બહાર ઊભી રહેતી લારીમાંથી પચાસ પૈસાના શીંગચણા કોઇ અજબના સંતોષ સાથે ફરી એક વાર ખાવા માંગું છું. ગાયના નીચે પડેલા પોદળામાં સાંઠીકડું ખુતાડવાની રમત મારે ફરીથી રમવી છે. ગામના તળાવના ગંદા પાણીમાં ડૂબકીઓ લગાવીને ધરાઈ ગયા હોઇએ ત્યાર પછી એયને બધાં જ કપડાં બાવળિયાના ઝાડ પર સૂકવીને નિર્લેપભાવે પાણીમાં પથ્થર ફેંકીને કૂંડાળા કરવાનો આનંદ માણવો છે. વૅકેશનમાં સંતાકૂકડી, સાત-તાળી અને આંબલી-પીપળી રમવું છે. ભમરડાની આર બરાબરની અણીવાળી કરીને ભાઈબંધો સાથે કલાકો સુધી દાવ લેવો ને દાવ દેવોની ધમાલ કર્વી છે. ભમરડો ફેંકી ફટાક દઇને હથેળીમાં લઇ લેવાની પારંગતતા મેળવવી છે. લખોટીઓની કોથળી પથારીમાં ભેગી લઈને સૂવું છે.

  જીવવા માટે જગત એ ઘણી જ સારી જગ્યા છે એવો વિસ્વાસ મારે મારા મનને ફરીથી એક વાર અપાવવો છે. દરેકેદરેક માણસ પ્રામાણિક અને સારો જ હોય એવું ફરીથી અને દઢ્પણે માનતા થવું છે. પૈસા કરતાં રોટલી લાખ ગણી સારી છે, કારણ કે એને સીધેસીધી જ ખાઈ શકાય છે તે વાતનો વિસ્વાસ ફરીથી મનમાં જગાવવો છે. જે કંઈ ધારો તે બની શકો અને જે કંઈ ધારો તે થઈ થઈ શકે એવું દુનિયામાં ક્યાંક કોઈક રીતે તો શક્ય હોય જ એવું વિસ્વાસપૂર્વક માની લેવાનો રોમાંચ માણવો છે.

  યુવાન થઈને જે કંઈ શીખ્યા એનાં દુઃખ અને આઘાતમાંથી હવે મુક્ત થવું છે. અણૂશ્સ્ત્રો, લડાઈ, શોષણ,પૂર્વગ્રહો, નાતજાત ધર્મોના ભેદભાવ, હું જ ઊંચો અને બાકીના બધા નીચા એવા ખ્યાલો, માણસ જ માણસને ધર્મ કે પ્રદેશ કે જાતિના નામે રહેંસી નાખે એવી બધી વેદનાઓનો મારા પર પડછાયો પણ ન પડે તેટલા દૂર ભાગી જવું છે. જુઠાણાં, દુઃખો, બીમારીઓ, યાતનાઓ મને સ્પર્શે જ નહીં અને મને ચિંતા જ ન થાય તેવું મને ગમશે. કોઈ ક્યારેય મરે જ નહીં એ માન્યતા ખૂબ જ સરસ હતી એટલે મ્ર્ત્યુ આ દુનિયામાં ક્યાંય હોય જ નહીં એવું માનવાના પ્રદેશમાં પહોંચી જવું છે.

  પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરતાં નહીં અચકાતા આ સમજુ પુખ્ત લોકો કરતાં તો ઘડીક વાર લડી-ઝઘડીને ફરીથી તરત જ ભેગાં થઈને રમતાં બાળક બનવાનું હું વધારે પસંદ કરીશ. જિંદગીની મોટી મોટી અને ખોટી ખોટી તેમજ ભ્રામક માન્યતાઓથી હવે વધારે ભરમાવાની ઈચ્છા મને રહી જ નથી. હવે તો લક્ઝુરિયસ મોટરકારને બદલે એક નાનકડું ઊડતું પીછું જોઈને વધારે આનંદ થાય તે અવસ્થા જ જોઈયે છે. મને ખાતરી છે કે ટેલિવિઝન સામે પૂતળા થઈને ખોડાઈ રહેવા કરતાં ગિલ્લી-દંડા રમવામાં વધારે આનંદ આવશે.
  હું ખુશ એટલે બધા ખુશ જ હોય એવું જે ઉંમરે માનતો એ હવે ફરીથી માનવું છે. ત્રણ પાછળ અને એક આગળ પૈડાંવાળી સાઈકલ લઈને બપોર વચ્ચે ધીંગામસ્તી કરવી છે. પતરાના જૂના ડબલાને બરાબર તડકા વચ્ચે દાંતણની દાંડી વડે ટીપીને અડધી પોળને ઉથાડી મૂકે એવો અવાજ કરવો છે. ઝાડવે ચડવું છે. વાદીઓમાં જઈને બોર વીણવા છે. જમરુખ ચોરવા જતા રખેવાળ આવી જતાં ભાગવાની સીફત પાછી મેળવવી છે. પતંગિયાની પાછળ દોડાદોડી કરતાં કરતાં ગોઠણ છોલવા છે.
  સાચું કહુ તો મારે હવે સાવ સરળ બની જવું છે. સાવ સરળ જીવવું છે. ઘરભાડું, ઇન્કમટૅક્સ, લાઈટાબિલ, ટેલિફોનબિલ તેમજ બંધ ટેલિફોનની બબાલ કરતાં તો બાલમંદિરની કવિતાઓ અને પહેલા-બીજા ધોરણનાં થોડાક સરવાળાના દાખલા વધારે સરળ હતા. ચોપડીઓ અને ફાઈલોના ઢગલામાંથી બહાર નીકળવું છે. ઝઘડતા રાજકારણીઓ, લૂંટફાટ, તેમજ બાળ-ઝાળ કરતા લોકો, રોજ સવારે બારણા નીચેથી પધરાતું મરસિયાના મૅગેઝિન જેવું છાપું, બૅંકમાં વ્યાજના ઘટતા જતા દર, ખાલી થઈ રહેલુ બૅંકનું ખાતું, માંદગીઓ, દવાખાનાના ધક્કા, લોકોની ટીક-ટિપ્પણીઓ, વહાલાંઓની વિદાય એ બધાથી હું ખરેખર હવે તો ઉબાઇ ગયો છું. એના બદલે હવે તો પ્રેમનાં પ્રદેશમાં પહોંચી જવુ છે. જ્યાં ફક્ત પ્રેમ જ હોય, ઉષ્માંભ્ર્યું આલિંગન હોય, શીતળતાભર્યા શ્બ્દો હોય, ન્યાય હોય, અદભુત અને સોનેરી સ્વ્પ્નો હોય, હળીમળીને રહેતા પ્રેમાળ લોકો હોય તેવા આઠ વરસની ઉંમરના પ્રદેશમાંપહોંચી જવુ છે. અને હવે પછી સદા ત્યાં જ વસવું છે.

  અને એટલે જ… મારાં સગાં-વહાલાં, મિત્રો તેમજ લાગતા-વળગતા દરેકને આથી જાણ કરું છું કે આજથી એક પુખ્તવયની વ્યક્તિ તરીકેની મારી સર્વ જવાબદારીઓમાંથી હું રાજીખુશીથી મુક્ત થઈ જાઉં છું. આ નિર્ણય હૂં ખૂબ જ સમજપૂર્વક, પૂરા હોશહવાસ સાથે, કોઈ પણ દવાની અસર વિના, કોઈના પણ દબાણ વગર, સુર્ય, ચંદ્ર, તારા અને સમસ્ત જડ-ચેતનની સાક્ષીએ લઉં છું અને મોટા હોવામાંથી રાજીનામું આપુ છું. તેમજ આજથી આઠ વરસનો બાળક બની જાઉં છું..!!
  અને હા..! આ અંગે તમારે મારી સાથે વધારે ચર્ચા કરવી હોય તો પહેલાં મારી જોડે અડવાનો દાવ રમવો પડશે. અને એમાં પણ દાવ તો તમારે જ આપવો પડશે. બોલો છો તૈયાર..? નહીંતર છે ને આ રહ્યો….. ડિંગો…!!!

 3. Tanay says:

  maja avi gai

  maru childhod yaad avi gayu ne
  e pan tame aa summer na strating ma post muki to sache aankh ma ti 2 aansuda tapki padya
  k exam patva aavi hoy ne man ma etla shamna hoy k holidays ma ramsu ne te ramsu ne… :-*

  Thank u…

 4. Ullas Oza says:

  બાળપણની નિર્દોષ રમતો અને ફક્ત ઊર્મિથી ભરપૂર સંબંધો કોને યાદ ન આવે ?- આ હા ! ખૂબ સુંદર.

 5. Sejal Shah says:

  Loved the poem by Urmi. But at the same time I am thankful to Mr. Nakum for sharing such a beautiful article with us.

 6. Jayant Shah says:

  બીત ગયા વો સપના થા .બાલપન ર્ર્રેતિમા ખોવઈ ગયુ!!હવે જો હૈ વો સચ હૈ .
  જયન્ત

 7. Rekha shukla(Chicago) says:

  શ્રી કૌશિકભાઈએ લખેલી ડૉ.I.K.Vijalivala ની રચના વાંચીને ધણુ બધુ યાદ આવી ગયુ…!!!સાવ સાચી વાત જયશ્રીબેન….કોણ જાણે કેમ -બધ્ધું જ ઊલટું થઈ ગયું છે!
  અને જગતમાં લોકો એનેજ સાચુ ગણે છે…!ઘર ઘર રમવાની મજા જુદી જ હતી..ખો ખો ને કબ્બડી મા પણ કેટલી મજા આવતી…બાળપણ ના સંસ્મરણો તાજા કરાવવા ની ખુશી નો ફાળો ઉર્મિ તથા ટહુકાને મળે છે..

 8. સુંદર અછાંદસ… આ અછાંદસ અહીં જોઈને પણ ઊર્મિને એની ખોવાયેલી કવિતાનું સરનામું જડવું જોઈએ…

  કૌશિકભાઈ ! બહોત ખૂબ !!

 9. Maheshchandra Naik says:

  આ અછાંદસ દ્વારા ઊર્મિબેને આમારા જેવા વયસ્કોને બાળપણ યાદ કરાવ્યુ, વેકેશનમાં ગામ જતા ત્યારે ઝાડ નીચે બપોરે ત્યારના બાળ-મિત્રો સાથે જે રમત રમેલા એ બધઈ વાતો સ્મરણપટ પર લઈ આવવા બદલ શ્રી ઊર્મિબેનને અભિનદન, શ્રી લકુમ સાહેબે ડૉ.આઈ કે વિજળીવાલાની પુખ્ત વય અને મોટા હોવાની વાતમાથી રાજીનામુ આપવાની વાત વાંચ્યાનુ પણ સ્મરણ કરાવ્યુ એટલે એમનો પણ આભાર…………આ રચના અમારા સુધી લઈ આવવા બદલ શ્રી જયશ્રીબેન, આપને પણ ધન્યવાદ ………..

 10. સાઁભરે રે .. બાળપણનાઁ સઁભારણાઁ !ગેીત
  યાદ આવ્યુઁ.મોટી ઉઁમરે ડહાપણની દાઢો તો
  ફૂટે જ ને !ઊર્મિબહેન ને જયશ્રેીબહેનને ય
  અભિનઁદન ઘટે છે..આવી સરસ રચના અહીઁ
  મૂકવા બદલ !નદીની રેતમાઁ રમતુઁ…….

 11. Ranjitved says:

  “KOI BALPAN PACHHU AAPI DE TO ?”URMIBEN,KAUSHIKBHAI KE PACHHI KOIPAN…”..”ASHAKYO MAHETHI…PRABHUPARAM SAKHYE TU LAIJA…!! TO…KEVU SAARU…!!MAZA PADIJAY NAHIN..?

 12. M.D.Gandhi, U.S.A. says:

  અમેરીકામાં તો આવી રમત રમવાની કોઈએ ટેવજ નથી રાખી તે તો બરાબર, પણ હવે તો ભારતમાં પણ આવી રમત ક્યાં રમાતી હશે? પહેલાંતો ગામડાઓમાં કે નાના શહેરમાં રમાતી અથવા શહેરમાં તો ચાલી સીસ્ટમના મકાનોમાં રમાતી. હવે તો ફ્લેટ સીસ્ટમ, ટીવી અને કમ્પ્યુટર આવી ગયા એટલે આવી રમતો ભુલાઈ ગઈ!
  સરસ કાવ્ય છે. બાળપણની યાદ આવી ગઈ.

 13. sanjay brahmankar says:

  Thanks Jayshreeben…Simply great, khrekhar balpanna divso yad karavya tame.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *