Category Archives: જગદીશ વ્યાસ

એટલામાં તો – જગદીશ વ્યાસ

આપણે હજી જાણતાં નથી એકબીજાનું નામ
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ.

જાઉં હું દોરો વ્હોરવા મને ખ્યાલ ન તારો હોય
એ જ દુકાને તુંય રે આવે વ્હોરવા માટે સોય
ગામ એવું તે હાલતાં ભેગાં થઈએ ઠામોઠામ
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ.

એકબીજાનું સાંભળ્યું નથી આપણે એકે વેણ
આપણી વચ્ચે આટલી છે બસ લેણ ગણો કે દેણ
નેણ મળે ને અમથું હસી પડતાં સામોસામ
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ

કાલ સાંજે તો આરતી ટાણે ભીડ જામી’તી બહુ
‘જયઅંબે મા, જયઅંબે મા’ ઘૂન ગાતા’તા સહુ
ઘૂન ગાતાં’તાં આપણે ‘રાધેશ્યામ હો રાધેશ્યામ’
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ.
– જગદીશ વ્યાસ

*****************
આ કવિતાનો કવિ શ્રી ‘રાજેશ વ્યાસ મિસ્કીન’એ ‘શતદલ’ પૂર્તિમાં કરાવેલો આસ્વાદ માણીએ…!!

પ્રેમને કોઈ કારણો સાથે સંબંધ જ નથી હોતો. અને જો કારણો સાથે સંબંધ હોય તો એ પ્રેમ નહીં હોય, બીજું કશુંક હશે. પહેલ-વહેલી વાર પ્રેમ થાય, એકબીજાને અલપ-ઝલપ જોઈ લેવાનું થાય, અચાનક યોગાનુયોગે ગમે ત્યાં અને ગમે ત્યારે મળી જવાનું થાય અને એમાંથી આ જગતને વાતો કરવા માટે કેટકેટલું જડી જાય છે તેનું આ ગીત છે. મેં જોયું છે કે ગમે તેટલો નિરસ માણસ કોઈ બીજાના પ્રેમની ચર્ચાઓ કરવામાં રસિક બની જતો હોય છે. જગદીશ વ્યાસ મારી પેઢીનો એક આશાસ્પદ ગઝલકાર અને ગીતકાર હતો.

એકબીજાનું હજુ નામ પણ જાણતા ન હોય. માત્ર આંખોથી એકબીજાની સામે જોઈ લેવાતું હોય અને એટલામાં તો એ બંને વિશે આખું ગામ વાત કરવા મંડી પડે છે. પેઢી દરપેઢીથી આપણે જાણતા આવ્યા છીએ કે આ જગત બે પ્રેમીઓને મળવા જ નથી દેતું. અમેરિકાના કવિ નિલેશ રાણાની બે પંક્તિઓ મને ખૂબ ગમે છે. મેં તેમને પૂછ્‌યું હતું કે તમે કવિ કઈ રીતે થયા? તેમણે કહ્યું કે મારી સગાઈ માટે જે છોકરીને જોવા હું ગયો હતો એને મેં સોયમાં દોરો પરોવતી જોઈ અને એ જ પળે એ એટલી ગમી ગઈ કે બસ એને જોતો રહ્યો અને આખું ગીત લખાઈ ગયું. એમના એ ગીતની બે પંક્તિઓ જોઈએ.

સોયમાં દોરો પરોવતી જોઈ તને,
મારામાં સંધાયુ કંઈ…

કોઈને સોયમાં દોરો પરોવતા જોઈને આપણી ભીતર કંઈક સંધાઈ જાય એનું નામ પ્રેમ. અહીં પણ એવી જ બે પંક્તિઓથી વાત શરૂ થાય છે.

જાઉં હું દોરો વ્હોરવા મને ખ્યાલ ન તારો હોય
એ જ દુકાને તુંય રે આવે વ્હોરવા માટે સોય.

જે કામ તલવાર નથી કરી શકતી એ કામ સોય અને દોરો કરી શકે છે. મનમાં ખ્યાલ પણ ના હોય અને છોકરો દુકાને દોરો લેવા જાય અને એ જ દુકાને છોકરી સોય ખરીદવા આવી હોય. માત્ર સોય અને દોરો જ નહીં, મન પણ એકબીજામાં પરોવાઈ જાય એના માટે યોગ પણ કેવા-કેવા ઉભા થતા હોય છે. અને પાછું ગામ હોય નાનકડું કે દિવસમાં ગમે તે બાજુએ જાવ, એકબીજાને સામે મળી જ જાવ.

એકબીજાનું હજુ નામ તો જાણતા જ નથી ત્યાં એકબીજાએ વાત તો ક્યાંથી કરી હોય જ. હજુ તો અવાજ કેવો છે, વેણ કેવા છે એ પણ સાંભળ્યું નથી. બેઉની વચ્ચે આટલી પાતળી લેણ-દેણ હોય છે. અને છતાંય જેવી એકબીજાની આંખો મળી જાય છે કે સાવ કારણ વગર અમથું-અમથુએ હસી પડાય છે. પ્રેમની આ જ વિશેષતા છે કે કોઈ કારણ વગર પણ હોઠ હસી પડે છે, હૃદય મહેંકી ઊઠે છે.

હવેની ચાર પંક્તિઓ એક નાનકડાં પ્રસંગની આપણને ઝલક આપે છે. કલ્પના કરીએ કે એક નાનકડું ગામ હોય. એ ગામમાં અંબા-માતાનું મંદિર હોય. સાંજના આરતીના સમયે આખું ગામ ઉમટ્યું હોય. આરતી પૂરી થયા પછી જય અંબે મા જયઅંબેની ઘૂન બધા ગાતા હોય. પણ અહીં તો પેલા બે પ્રેમીઓને એકબીજાની ઘૂન લાગી ગઈ છે. માતાજીનું મંદિર છે કે કૃષ્ણનું મંદિર છે ેએ પણ ભૂલાઈ ગયું છે. એકબીજાને જોતાં-જોતાં રાધેશ્યામ રાધેશ્યામની ઘૂન ગાય છે. આમેય પ્રેમને રાધા અને શ્યામ સાથે સંબંધ છે.

ગીતના આરંભમાં કવિ કહે છે કે આપણે હજુ એકબીજાના નામ જાણતા નથી અને આપણને ય તે સમજાઈ જાય છે કે કશું જ બન્યું નથી છતાં બંનેની વાત થાય છે. જે એકબીજાના નામ નથી જાણતા એ નામોની ચર્ચા આખા ગામમાં ચાલે છે. ગીત આખું વાંચીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે કશું જ બન્યું નથી. અને છતાં ઘણું બઘું બની ગયું છે. સ્થૂળ રીતે પ્રગટ થાય એ પ્રેમ નહીં.

જગદીશ વ્યાસ ખૂબ નાની ઉંમરે પરદેશમાં કેન્સરની બિમારીથી મૃત્યુ પામ્યો. પ્રેમ મળ્યા પછી પણ પ્રેમને માટે ઝઝૂમતો રહ્યો. તેણે તેના અંતિમ દિવસોમાં પત્ની, પુત્ર, પુત્રીને સંબોધીને ગઝલો લખી છે. આંખ સામે મૃત્યુ છે. હજુ બાળકો સમજણા પણ નથી થયા. એ ઉમ્મરે એમને છોડીને મૃત્યુને સહજ સ્વીકારી ચૂકેલા આ કવિની ગઝલ જોઈએ.

કેન્સરના દર્દી તરીકે ચાર વર્ષના દીકરાને સંબોધન…

મારી ઉપર કોપી ઊઠ્યો છે કાળ, દીકરા!
મારા વિના જ જિંદગી તું ગાળ, દીકરા!

ઈચ્છું છું તોય તુજને રમાડી શકું છું ક્યાં?
રમ તું હવે જાતે જ રમતિયાળ દીકરા!

મોટાં દુઃખોમાં એક દુઃખ છે એય પણ મને,
તારી નહીં હું લઈ શકું સંભાળ, દીકરા!

વીતે છે દિવસો કેમ એની છે મને ખબર,
તું કેમ મોટો થઈશ નાના બાળ દીકરા!

જીવન તમારાં સહુનાં સહજતાથી વીતજો,
થાશો નહીં એ કોઈ દી’ ખર્ચાળ, દીકરા!

હું પ્રાર્થના કરું છું કે મારા ગયા પછી,
મળજો તને મળનાર સહુ હેતાળ, દીકરા!