Category Archives: ઉમેશ બારોટ

અમે નિસરણી બનીને દુનિયામાં – દુલા ભાયા ‘કાગ’

આજે કવિ શ્રી દુલા ભાયા ‘કાગ’ નું એક સંદર ગીત બે સ્વરોમાં…..પ્રસિદ્ધ પ્રફુલ દવે અને ઊભરતા ગાયક ઉમેશ બારોટ….

સ્વર – પ્રફુલ દવે
સંગીત – અવિનાશ વ્યાસ
આલબ્મ – સાચું સગપણ

સ્વર – ઉમેશ બારોટ
ETV Gujarati પ્રોગ્રામ  ‘લોક ગાયક ગજરાત’

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..
અમે દાદરો બનીને ખીલા ખાધા રે..
તપસ્યાના ફળ નો મળ્યા હો.. જી..

માથડા કપાવી અમે ઘંટી એ દળાણાં ,
ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે..
જમનારા કોઈ નો મળ્યા હો.. જી..

નામ રે બદલાવ્યા અમે પથિકો ને કાજે,
કેડો બનીને જુગ જુગ સુતા રે…
ચાલનારા કોઈ નો મળ્યા હો.. જી..

કુહાડે કપાણા અમે આગ્યું માં ઓરાણા,
કાયા સળગાવી ખાક કીધી રે
ચોળનારા કોઈ નો મળ્યા હો.. જી..

પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી,
ઘાઘરી પહેરીને પડ માં ઘૂમ્યા રે
જોનારા કોઈ નો મળ્યા હો.. જી..

સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં,
કરમાં લીધી છે રૂડી વરમાળા રે
મુછાળા કોઈ નો મળ્યા હો.. જી..

” કાગ ” બ્રહમલોક છોડ્યો પતિતોને કાજે,
હેમાળેથી દેયું પડતી મેલી રે
ઝીલનારા કોઈ નો મળ્યા હો.. જી..

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..

– દુલા ભાયા ‘કાગ’