Category Archives: ચંદ્રવદન મહેતા

ભવિષ્યવેત્તા – ચન્દ્રવદન મહેતા

કાલે રજા છે, ગઈ છું ય થાકી, વાંચીશ વ્હેલા સહુ પાઠ બાકી
તારી હથેલી અહીં લાવ, સાચું હું ભાઈ, આજે તુજ ભાગ્ય વાંચું.

કેવી પડી છે તુજ હસ્તરેખા ! જાણે શું લાખે નવ હોય લેખાં !
પૈસા પૂછે છે ? ધનની ન ખામી જાણે અહોહો ! તું કુબેરસ્વામી !

છે ચક્રચિહ્નો તુજ અંગુલિમાં, જાણે પુરાયા ફૂટતી કળીમાં
છે મત્સ્ય ઊંચો, જવચિહ્ન ખાસ્સાં, ને રાજવી લક્ષણ ભાઈનાં શાં !

વિદ્યા ઘણી છે મુજ વીરલાને, ને કીર્તિ એવી કુળ હીરલાને !
આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ નથી તું ટાળ,

ને હોય ના વાહન ખોટ ડે’લે, બંધાય ઘોડા વળી ત્યાં તબેલે.
ડોલે સદાયે તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં, વધુ કંઈ આથી ?

જો ભાઈ, તારે વળી એક બ્હેન, ચોરે પચાવે તુજ પાટી પેન,
તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી !

મારેય તારે કદી ના વિરોધ રેખા વહે છે તુજ હેત ધોધ
એ હેતના ધોધ મહીં હું ન્હાઉં, ચાંદા ઝબોળી હરખે હું ખાઉં.

ડોસો થશે, જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો મુજ નક્કી હારું !
આથી જરાયે કહું ના વધારે, કહેતાં રખે તું મુજને વિસારે !

‘જો જે કહ્યું તે સહુ સાચું થાય, ઈલા ! પછી તો નહીં હર્ષ માય
પેંડાં, પતાસાં ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે.’

– ચન્દ્રવદન મહેતા

દિવાળી – ચંદ્રવદન મહેતા

આજે ભાઇબીજ… રક્ષાબંધન પર જેટલો ભાઇ-બહેનના હેતનો મહિમા ગવાય છે, એટલે ભાઇબીજ પર નથી સંભળાતો… કદાચ દિવાળીની મઝા માણી, ચકરી ઘુઘરા ખાઇને અથવા વેકેશન માણીને લોકો થાકી જતા હશે? 🙂

ખાસ નોંધઃ આ કવિતા મોકલનાર શ્રી વસંતભાઇ શેઠનો ખૂબ ખૂબ આભાર. દિવાળી વિષેના ગીતની માંગણી બે વર્ષ પહેલા ટહુકો પર કરી હતી, એમણે એ જાણીને ખાસ દિવાળીના દિવસે આ ગીત મોકલ્યુ!

આજે ટહુકો પર – દિવાળી અને ભાઇ-બહેનને સાથે યાદ કરીએ.. અને ગીતની પ્રસ્તાવના – ઇલાકાવ્યો વિશેની થોડી વાત – ધવલભાઇના શબ્દોમાં સીધેસીધું (આભાર – લયસ્તરો.કોમ – જ્યાં બીજા ઇલા કાવ્યો પણ માણવા મળશે)

ભાઈ-બહેનના સ્નેહને ચં.ચી.એ ઈલા કાવ્યો દ્વારા જેટલો ગાયો છે એટલો ગુજરાતીમાં બીજા કોઈએ ગાયો નથી. એમના ઈલા કાવ્યો ગુજરાતી ભાષાનું અનેરું ઘરેણું છે. મુગ્ધ સ્વપ્નસૃષ્ટિ અને કોમળ ભાવવિહારથી આ ગીતો શોભી ઊઠે છે. ઈલા કાવ્યોની પ્રસ્તાવનામાં ચં.ચી. આ કાવ્યો પાછળનો પોતાનો હેતુ એટલા સરસ શબ્દોમાં રજૂ કર્યો છે કે એ અહીં ટાંકવાનો મોહ જતો કરી શકતો નથી. – ધવલ શાહ

હું કુબેરદેવ હોઉં તો ઠેકઠેકાણે ઇમારતો બાંધી એને ‘ઈલા’ નામ આપું; (અરે હું વિશ્વકર્મા હોઉં તો -કે બ્રહ્મા જ હોઉં તો- નવી સૃષ્ટિ રચી એને ‘ઈલા’ નામ નહિ આપું ?); હું શિખરિણી હોઉં તો એકાદ ભવ્ય અને સુંદર ગિરિશૃંગ શોધી, ત્યાં ચડી એને ‘ઈલાશિખર’ નામ આપું; હું કોઈ મોટો સાગરખેડુ હોઉં તો એકાદ ખડક શોધી વહાણોને સાવચેત રહેવા ત્યાં એક નાજુક પણ મજબૂત દીવાદાંડી બાંધી એને ‘ઈલા દીવી’ નામ આપું અથવા તો હું એક મહાન વૈજ્ઞાનિક થાઉં તો જગતજ્યોતિમાંથી એકાદ નવું રશ્મિ શોધી એને ‘ઈલાકિરણ’ નામ આપું કે ખગોળમાં નવો જ ‘ઈલાતારો’ શોધું.

પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે. એક સ્મારક. આ તો રંક પ્રયાસ, ભગિનીહેતના ભવ્ય કર્મકાંડના ઉપનિષદ-સાહિત્યમાંથી એકાદ નજીવા શ્લોકનો ઉચ્ચારમાત્ર, ધ્વનિમાત્ર, શબ્દમાત્ર… – કવિ ચંદ્રવદન મહેતા

‘ઈલા, દિવાળી ! દીવડા કરીશું;
તારા સર્યા વ્યોમ થકી અહીં શું ?
કેવા ફટાકા આ અહીં ફૂટે છે !
આ કાનના તો પડદા તૂટે છે.’

‘સુણ્યા નથી તેં વીજના કડાકા ?
એ સ્વર્ગમાંના ફૂટતા ફટાકા !
ત્યાં વાદળવાદળીઓ અફાળી
સૌ દેવબાલો ઊજવે દિવાળી.’

‘તું બ્હેન જ્યારે કદી લે અબોલા,
ઝીલું ન તારાં વચનો અમોલાં;
મૂંગા ફટાકા દિલમાંહી ફૂટે
ને એ સમે તો ઉરતંતુ તૂટે.’

– ચંદ્રવદન મહેતા

ચઢો રે શિખર રાજા રામનાં – ચંદ્રવદન મહેતા

ચં.ચી. મહેતા ના નામે જાણીતા આપણા કવિ-સાહિત્યકાર શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતાની આજે જન્મ શતાબ્દી. (જન્મ તારીખ April 6, 1901). એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ ગીત. ગીતની પહેલી જ પંક્તિ વાંચો અને ‘પઢો રે પોપટ રાજા રામના…’ યાદ આવી જાય..! પણ જેમ જેમ ગીત આગળ વાંચશો – ગીત તમને એક જુદા જ શિખર પર ચોક્કસ લઇ જશે.

******

ચઢો રે શિખર રાજા રામનાં.
ઈ રે શિખરે સૂરજ એકલો શેણે ચઢે રે પરભાત !
અલ્યા ઊભો રહે અમે આવીએ, પછે તારી છે વાત :
ચઢો રે શિખર રાજા રામનાં.

જો રે સોનાજાળી પાથરી, એમાં ઝીણી ઝીણી ભાત,
એવી મઢશું અમે જાતડી, ચઢી સૌ મળી સાથ :
ચઢો રે શિખર રાજા રામનાં.

ત્યાં તો પરચંડા વાયરા, કેવા વીંઝે દિનરાત !
અલ્યા તને બિવડાવશું તારી તે શી વિસાત ?
ચઢો રે શિખર રાજા રામનાં.

રામનામ સૌ હઇડે ધરો, ડાંગ ધરો રે હાથ,
ડેરો ઠોકો ને ડગ ભરો, જેની માનવીની જાત :
ચઢો રે શિખર રાજા રામનાં.

સૂરજ પ્હેલાં મથી આપણે બાંધી દઈએ મ્હોલાત,
છો ને ચઢે પછી એકલો, એ રે ઊતરશે પછાત :
ચઢો રે શિખર રાજા રામનાં.

– ચંદ્રવદન મહેતા