Category Archives: જુગતરામ દવે

અમ વચ્ચે બાપુ અમર રહો ! – જુગતરામ દવે


થોડા દિવસ પહેલા મમ્મીના અવાજમાં ‘બાપુજીના પાઠ તમે ભણી જુઓ’ ગીત મૂક્યું હતુ, યાદ છે? (રેંટિયા બારસના દિવસે). એ ગીતની કોમેંટમાં રસિકભાઇએ એક બીજા ગીતના શબ્દો લખ્યા ‘એનું જીવનકાર્ય અખંડ તપો..’ મેં જ્યારે મમ્મીને એ કોમેંટ વાંચી સંભળાવી, મમ્મીએ મને આખું ગીત સંભળાવી દીધું.

એટલે મને થયું, તિથી પ્રમાણે ગાંધીજીની જન્મજયંતિ ઉજવી, તો તારીખ પ્રમાણે બીજી ઓક્ટોબર પણ ઉજવશું જ ને – ત્યારે આ ગીત મુકશું ટહુકો પર.

ગાંધી બાપુને અંતરના પ્રણામ સાથે સાંભળીએ આ ગીત…

સ્વર – ગુલાબબેન ભક્ત

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

એના જીવનમંત્ર સમો ચરખો
પ્રભુ, ભારતમાં ફરતો જ રહો !

અમ જીવનમાં અમ અંતરમાં
એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !

અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા
એની પાવક આતમજ્વાળ દહો !

એનો સત્યનો સૂર્ય સદાય તપો
અમ પાપ-નિરાશાના મેલ દહો !

એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો
અમ ભારતનાં સહુ ક્લેશ વહો !

એણે જીવતાં રામ સદાય રટ્યા,
એ તો ‘રામ’ વદીને વિદાય થયા;

લઘુ માનવમાં મહિમા ભરવા
નિજ લોહી અશેષ વહાવી ગયા.

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

– જુગતરામ દવે

અંતરપટ – જુગતરામ દવે

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

અહીં મેં માંડી, તહીં તેં માંડી,
આંખની આતુર મીટ,
પટ ઊપડી પટ તુરત બિડાયું,
વા વાયરો વિપરીત… અરેરે !

તું મારાં હું તારાં ઝીલું,
વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો,
વસમું એ સંગીત… અરેરે !

આ પા ઊછળે, તે પા ઊછળે,
હ્રદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ,
ચેન પડે નહીં ચિત્ત… અરેરે !

ખીણ કે ખાડી, નદી નથી આડી,
વંડી, વાડ કે ભીંત;
હાથ ચડે નહીં, તોય નડે આ,
ઝાકળઝીણું ચીર… અરેરે !