Category Archives: પંચમ શુક્લ

ટપકી ટપકી ને છાજે ! – પંચમ શુક્લ

રડે દીકરો ત્યાં ગળે ડૂમો બાઝે,
હૃદય બાપનું કંઠે આવી બિરાજે.

રહે સહેજ છાનાં જરા બેય ત્યાં તો,
ત્રૂટે હીબકાઓ દ્વિગુણા અવાજે.

થયું શું, થશે શું, હવે શું કરીશું?
અકળ વેદના ચિત્ત મૂંગી કરાંજે.

લઈ ગોદમાં વ્હાલથી ભીંજવે બસ,
અહમ્ બાપનો ટપકી ટપકીને છાજે!

– પંચમ શુક્લ (૧૦/૬/૨૦૦૯)

Dedicated to: All first-time fathers’  first ‘babysitting‘ !

(આભાર – spancham.wordpress.com)

એ આવતો રહે – પંચમ શુક્લ

પંચમભાઇની એક Oven-fresh ગઝલ.. આ તાજ્જી વાનગી અમારી સાથે વહેંચવા બદલ આભાર, પંચમભાઇ..!

(દરિયાની ચડ-ઉતરના પને… Stanyan Beach, CA – Apr 09 )
* * * * * * *

એ તો સમય છે, સહુની કને આવતો રહે,
ઇજન વિના, મને-કમને, આવતો રહે.

તું વાપરે એને કે પછી વેડફે એને ,
એ એકધારો રાત-દને આવતો રહે.

ભરતી થઈ આવે વળી એ ઓટ થઈ આવે,
દરિયાની ચડ-ઉતરના પને આવતો રહે.

અંધારનો પલાણી અશ્વ રાત ચીરતો ,
પરોઢને ઉજાસ સપને આવતો રહે.

એ શ્વાસના વહનને જોર ચાલતો રહે,
એ જાય ત્યાં જ , એમ બને, આવતો રહે.

– પંચમ શુક્લ (24/4/09)