Category Archives: જયેન્દ્ર મહેતા

આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….

રોમાંચ હું અનુભવું ઝાકળના સ્પર્શથી
વિહ્-વળ બને છે જેમ યુગો પળના સ્પર્શથી
સંભાવના નથી કે અમીવૃષ્ટિ થાય, પણ
કંપે છે હિમશિખર કોઇ વાદળના સ્પર્શથી

– ભગવતીકુમાર શર્મા

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઇશારો જોઇએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઇએ

– શૂન્ય પાલનપુરી

જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?

શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા

– જયેન્દ્ર મહેતા

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું

– મુસાફિર પાલનપુરી