Category Archives: અશોક ચાવડા ‘બેદિલ’

સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું… – અશોક ચાવડા ‘બેદિલ’

અમથી અમથી ઊભી રહી ને તું આવ્યો છે
એવું ધારી એક ઢોલિયો ઢાળું
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

ઘડીક થાતું ચાલી જાઉં ઉમ્બરની બહાર હું
ઘરનું પેલું બંધ બારણું ખોલી
સાંકળ સુધી હાથ પહોંચતા કોઇ મને રોકીને રાખે
અંદરથી કૈં બોલી

આંખોની અંધારી ગલીએ ભૂલાં પડેલાં
સપનાંઓને કેમ હું પાછા વાળું?
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

એક અરજ આ મારી ખાલી પોતે આવી
મારી અંદરનું અંધારું પીવો
સ્મરણોના અજવાળે મારું આખું યે ઘર
ઝગમગ ઝગમગ શાને કરને દીવો?

દીવો કરતા અંધારાને નામ લઇને તારું
હમણાં હમણાંથી હું ટાળું
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…