Category Archives: ઇમુ દેસાઇ

ક્યાંક તું છે ક્યાંક હું છું – ચિનુ મોદી

સ્વર – બંસારી યોગેન્દ્ર
સંગીત – હરિશ બક્ષી

.

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.

મનડું વિંધાણું રાણા… – મીરાંબાઇ

ઘણા વખતથી ટહુકો પર ગુંજતું આ મીરાંકાવ્ય, આજે કૌમુદી મુન્શીના સ્વરમાં અને એક અલગ જ સ્વરાંકન સાથે ફરીથી એક વાર… બંને સ્વરાંકન આટલા અલગ.. અને તો યે બંને એટલા જ સુરીલા… !

સ્વર : કૌમુદી મુન્શી
સંગીત : ??

.

———————–
Posted on September 19, 2008

સ્વર : બંસરી યોગેન્દ્ર (know more about Bansari Yogendra’s Musical Journey)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
સંગીત Arranger : ઇમુ દેસાઇ

.

મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

નીંદા કરે છે મારી નગરીના લોક રાણા
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

———————

If you are in Los Angeles Area : Enjoy Musical Evening by Mrs. Bansari Yogendra

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની – કલાપી

આ ગઝલ આમ તો મારી પાસે ૪ મહિનાથી છે – અને આ ૪ મહિનામાં કેટલીયવાર સાંભળી પણ એનો કેફ જયારે ઉતરતો જ નથી. તમને થતું હશે કે તમારા સુધી આ ગઝલ પહોંચાડવામાં આટલી રાહ કેમ? એ તો એવું છે કે – આજના દિવસ માટે બચાવીને રાખી હતી..!

આ સ્પેશિયલ ગઝલ – આજના સ્પેશિયલ દિવસે – એક એકદમ સ્પેશિયલ Couple માટે !! 🙂

લયસ્તરો પર ‘આપણી યાદગાર ગઝલો’ શ્રેણીમાં ધવલભાઇએ આ ગઝલ માટે કહેલા શબ્દો ફરી એકવાર મમળાવવા જેવા છે.

‘કલાપી’ ગુજરાતી કવિતાનો પહેલો rock star હતો. રાજવી કુળ, એમની સાથે સંકળાયેલી પ્રણયકથાઓ અને નાની વયે મૃત્યુ – એ બધાએ એમને એક દંતકથા સમાન બનાવી દીધા છે. જેમના જીવન પરથી ફીલ્મ બની હોય એવા એ એક જ ગુજરાતી કવિ છે. આપની યાદી વિશે કાંઈ લખવું જરૂરી નથી – આપણે બધા એને પાઠ્યપુસ્તકમાં ભણી જ ચૂક્યા છીએ. છેલ્લા બે શેર મારા અતિ પ્રિય શેર છે. આટલા વર્ષે પણ રોજબરોજમાં વાપરવાના થાય છે. લોકો એક જમાનામાં ચર્ચા કરતા કે આ ગઝલ ભગવાનને સંબોધીને લખી છે કે પ્રેમિકાને સંબોધીને લખી છે. એના પર ઘણા સંશોધન પણ થયા છે. મારે તો એટલુ જ કહેવાનું કે ‘કલાપી’ માટે તો પ્રેમ જ ઈશ્વર હતો… આગળ તમે પોતે જ સમજી જાવ !

(જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે…      Fort Bragg, CA – Nov 08 )
* * * * * * *

સ્વર : બંસરી યોગેન્દ્ર
સંગીત : હરેશ બક્ષી
સંગીત Arranger : ઇમુ દેસાઇ

.

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-કલાપી
(1874 – 1900)