Category Archives: સુરેશ વિરાણી

હશે કોઇ ભીતર ગઝલકાર જેવું – સુરેશ વિરાણી

ન મનમાં હો સહેજે અંધકાર જેવું,
પછી મન બને છે કલાકાર જેવું.

સ્મરણમાં છે પાયલના રણકાર જેવું,
પ્રિયે તારા પગલાનાં અણસાર જેવું.

મળી ક્યાં શકું છું મને પણ કદીયે,
જીવું જાત સાથે તડીપાર જેવું.

સવારે સમાચાર, સાંજે એ પસ્તી !
જીવન સાલું લાગે છે અખબાર જેવું.

પ્રયત્નો વિના પણ ગઝલ નીપજે છે,
હશે કોઇ ભીતર ગઝલકાર જેવું.