Category Archives: શ્રીમદ રાજચંદ્ર

બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો – શ્રીમદ રાજચંદ્ર

મારા દાદીમા શ્રીમદ રાજચંદ્રના અનુયાયી હતા, એટલે એમનો ફોટો અમારા ઘરના મંદિરમાં કાયમ રહ્યો, પણ મને એમના વિષે ઘણુ મોડેથી જાણવા મળ્યું, કારણ કે જ્યાર સુધી દાદી અમારી સાથે હતા, ત્યાર સુધીમાં એવા સવાલો પૂછવા જેટલી સમજ મારામાં નો’તી આવી.
નાનપણથી એમને ફક્ત નામ અને ફોટાથી ઓળખ્યા હતા, પણ એકવાર ચિત્રલેખામાં એમના વિષે લેખ વાંચ્યો, થોડુ ઓનલાઇન વાંચ્યુ, અને એમને સૌથી વધુ ઓળખ્યા : ‘અપૂર્વ અવસર’ નાટક જોયા પછી. Marrow Drive માટે volunteer કરવા અહીંના જૈન દેરાસર ગઇ હતી, અને આ નાટક આવે છે એ જાણ્યુ. પછી હું આ નાટક ના જોઉં એવું બને? ખરેખર, તમે જૈન હો કે ના હો, પણ એકવાર આ નાટક જોવા જેવું છે. આપણા રાષ્ટ્રપિતાના ગુરુ (હા, શ્રીમદ ને ગાંધીજી ગુરુ માનતા..) ને એકવાર ઓળખવા જેવા છે.

અને એ નાટકમાં જ્યારથી મેં આ સ્તુતિ સાંભળી, ત્યારથી વિચારતી હતી કે ક્યાંથી મેળવું? પણ અનાયાસ મુંબઇમાં શ્રી સુરેશ જોષીને મળવાનું થયું, અને એમણે કહ્યું કે જો મેં ‘અપૂર્વ અવસર’ અને ‘મૃત્યુંજય’ નાટક વિષે સાંભળ્યું હોય તો એમાં એમનું સંગીત છે. મને તો જાણે ઘર બેઠા ગંગા મળી…!!

સ્વર : રેખા ત્રિવેદી
સંગીત : સુરેશ જોષી

shrimad.jpg

.

બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો, નહિ એક્કે ટળ્યો,
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ?

લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ?
શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!!

નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે;
પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિધ્ધાંત કે પશ્વાત દુ:ખ તે સુખ નહીં.

હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિધ્ધાંતત્વ અનુભવ્યાં.

તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
રે! આત્મ તારો આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હ્ર્દયે લખો.