Category Archives: દેવદાસ ‘અમીર’

જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી ! – દેવદાસ ‘અમીર’

દેવદાસ અમીરની આ મારી ઘણી જ ગમતી ગઝલ.. મત્લા થી મક્તા સુધી એક પણ શેર એવો ના મળે જેના પર ‘વાહ વાહ’ કરવાની ઇચ્છા ન થાય… દરેક શેર વાંચતા જ દિલને સ્પર્શી જાય એવો.. જોઇ લે, આ હાથમાં ગાંડિવ છે, ગોફણ નથી..! કેવી ખુમારીવાળી વાત!

અને આવી સુંદર ગઝલ જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સ્વર – સંગીત સાથે સામે આવે – તો કંઇ એક-બે વાર સાંભળવાથી ધરાવાય? વારંવાર સાંભળ્યે જ છુટકો.. બરાબર ને?

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
વાદ્યવૃંદ સંચાલન : આશિત દેસાઇ
આલ્બમ : અનુભૂતિ
(રાજેશભાઇ દેસાઇનો ખાસ આભાર – આ આલ્બમ માટે)

.

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !