Category Archives: ભીખુ કપોડિયા

તમે ગયા ને…. – ભીખુ કપોડિયા

તમે ગયાં ને આંગણિયે લીંપણમાં પાડી
હથેળીઓની ભાત નથી કલબલતી.

આંગણ ઢૂક્યો મોર પાધરો
થીજી ગયેલી ઓકળીઓની પાંખ નીરખી આભ જેવડો
એક નિસાસો નાંખે;

સવારમાં મુઠ્ઠી દાણા લઇ
તમે વેરતાં કલરવ ક્યાં? ને કેટકેટલી કીકીઓ એની
આંખોમાંથી શૂન્ય વેરતી તાકે?

– અને છીબમાં ન્હાઇ નિરાંતે ઊછળી પડતી
દીવાલ પર તે સૂરજ કેરી ક્યાં છે પેલી માછલીઓ ઝલમલતી?

બપોરના ઢળતી નેવેથી ઉંબર પર
તડકાની લો આ કરવત પાછી ઓકળીયાળી પાંખ
વ્હેરાતી ચાલી;

સાંજ પડ્યે તુલસીને પાનેપાન ઊગતા
સૂરજ આડે ક્યાંથી આંજુ કણકણતી બે
હથેળીઓની લાલી ?

અંધારાનું પતંગિયું પણ કેમ હોલવે
વણ પ્રગટેલા દીવા કેરી શગને મારી આંખોમાં હલબલતી?

તમે ગયા ને….

તમે ટ્હૂક્યાં ને… – ભીખુ કપોડિયા

તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું…
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું…

લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો સારસની જોડ,
પાંખનો હેલાર લઇ પાંપણિયે, ઉર મારું
વાંસળીને જોડ માંડે હોડ.

તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દ્ડ્યું…

મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઇ
નીરખું નીરખું ન કોઇ ક્યાંય,
એવી વનરાઇ હવે ફાલી સોનલ ક્યાંય
તડકાની લ્હાય નહીં ઝાંય.
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં… ય
વન આખું રે લીલેરા બોલે મઢ્યું…