ગુજરાતી નાટકોમાં ગીત-સંગીતનો પ્રયોગ હવે ઓછો થઈ રહ્યો છે. એક સમયે કાંતિ મડિયા પેતાના નાટકમાં વાર્તાને અનુરૂપ ગીતો રાખતા. ચંદ્રકાંત શાહ (ચંદુ)ના નાટકોમાં પણ ગીતોનું એક આગવું આકર્ષણ રહેતું.
મુંબઈમાં પ્રતિભાવંત દિગ્દર્શક પ્રીતેશ સોઢા દિગ્દર્શિત, મંથન જોશી લિખિત ‘કોશેટો’ નાટકમાં રમેશ પારેખની કવિતાઓનો સઘન અને સંવેદનશીલ વિનિયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ નાટકમાં રમેશ પારેખ એક અગત્યના પાત્ર તરીકે પણ તખ્તા પર છે. ર.પા.ની કવિતાના પ્રેમમાં નાયિકા પરિમિતિ શાસ્ત્રી છે. (લાજવાબ અભિનયઃ સેજલ પોન્દા)
જેના ૨૫ પ્રયોગ થઈ ચૂક્યા છે એવા ‘કોશેટો’ નાટકમાં સમાવિષ્ટ ગીતોમાં શબ્દો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે એનો વિશેષ આનંદ છે.
***
તારા ગણવાથી રાત પૂરી ન થાય
હવે તારા ગણવાથી વાત પૂરી ન થાય
એકલવાયા રે સખી, ઘરના રહેવાસ
એમાં આવા ને આવા ઉજાગરા
ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક
મારાં લોચનમાં મ્હોર્યા છે ખાખરા
લંબાતી ઝંખનાને છેડો નહીં ક્યાંય
હું તો પગલે પગલે રે સાવ તૂટું
કાંકરીઓ વાગવાથી ફૂટતી’તી હેલ્ય
હવે એવા દિવસો કે હું જ ફૂટું
આથમણી મેર ડૂબે સૂરજ છતાંય મારે
રોમ રોમ તડકાઓ આકરા (૨)
કોડને કમાડ કદી ઘૂંટેલાં લાભશુભ
રાતુંચટ્ટાક હજી જાગે
ઓસરીમાં આભલાંનું તોરણ
તે કોઈ એક આવે તો કેટલાય લાગે!
ભણકારો સ્હેજસાજ વાગ્યાથી લોહીઝાણ
થઈ જાતા જોયાના કાંગરા (૨)
ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક
મારાં લોચનમાં મ્હોર્યા છે ખાખરા