Tag Archives: તુષાર શુક્લ

માધવ લખે તો સખી કેવું લખે? ~ તુષાર શુક્લ ~ સ્વરાંકન: આલાપ દેસાઈ ~ સ્વર: ગાર્ગી વોરા

કવિ: તુષાર શુક્લ
સ્વરાંકન: આલાપ દેસાઈ
સ્વર: ગાર્ગી વોરા

માધવ લખે તો સખી કેવું લખે?
એમાં શબ્દો હશે કે હશે પૂર?
ખોલું? ન ખોલું ? હું શું રે કરું?
એમાં ટીપાં હશે કે હશે પૂર?

ઓધવજી લાવ્યા છે માધવનું મોરપીચ્છ
દ્વારિકાથી ઠે..ઠ મધુવનમાં
સોનાના ભાર છતાં સાચવ્યું હશે શું અલી,
ગોકુળિયું ગામ એણે મનમાં?
હૈયું ને હાથ બેઉ જુદું કહે છે,
હું કોને કહું કે, સબૂર?
એમાં ટીપાં હશે કે હશે પૂર?

સપનાંઓ, આંખમાંથી આઘા રહો
ને મારી ઝંખનાઓ, રહેજો સુદૂર
મળવાના ઓરતાઓ, કોરે રહોને તમે
એમે લખ્યું હોય કે “ઝૂર”!
ના રે ના ના છે મને જમુનાના સમ, ઓ સખી
શામળિયો એવો ન ક્રૂર

માધવ લખે તો સખી કેવું લખે?
એમાં શબ્દો હશે કે હશે પૂર?
સાચું હશે કે હશે સપનાની વાત?
એમાં ટીપાં હશે કે હશે પૂર?

~ તુષાર શુક્લ