Tag Archives: આશિત દેસાઈ

હું તો નીકળી ગઈ મારી તલાશમાં (ગીત) ~ કવિ: અનિલ જોશી ~ સ્વરકાર: આશિત દેસાઈ ~ સ્વર: હેમા દેસાઈ

કવિ: અનિલ જોશી
સ્વરકાર: આશિત દેસાઈ
સ્વર: હેમા દેસાઈ

હું તો નીકળી ગઈ મારી તલાશમાં
સાત પગલાં આકાશમાં

સંજવારી જેમ હું તો પડી હતી ઉંબરે
ને પોતીકા ફળિયાને ઘેરી
વીજળીના ઝબકારે ઓળખે નહીં મને
મારા સરનામાની ડેલી
હું તો નીકળી ગઈ બહારના ઉજાસમાં
સાત પગલાં આકાશમાં

ઉંબરા ને ફળિયા તો ઓગળતા ચાલ્યા
ને આકાશને નહીં કોઈ બારી
બેડું જો હોય તો ઉતરાવે કોઈ
કેમ ઉતરાવે વીતકની ભારી  
મને અંધારું લાગે ઉજાસમાં
સાત પગલાં આકાશમાં ….

***

આંખ તો મારી આથમી રહી ~ ગીત: સુરેશ દલાલ ~ સ્વરાંકન-સ્વર: આશિત દેસાઈ

ગીત: સુરેશ દલાલ
સ્વરાંકન-સ્વર: આશિત દેસાઈ

આંખ તો મારી આથમી રહી
કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે :
હમણાં હું તો ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો
નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે
સ્પર્શ નથી વરતા’તો.

સૂકા હોઠની પાસે રાખો
ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે :
અબઘડી હું ચાલી.

નસના ધોરી રસ્તા તૂટ્યા
લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં :
વહી ગયેલી વય.

પંખી ઊડ્યું જાય ને પછી
કંપે જરી ડાળી.

***