Tag Archives: અમર ભટ્ટ

ક્યારેક એવો થાય અનુભવ અવાજનો (ગઝલ) ~ મનોજ ખંડેરિયા ~ સ્વરકાર: અમર ભટ્ટ ~ સ્વર: રાસબિહારી દેસાઈ

રચના: મનોજ ખંડેરિયા
સ્વરકાર: રાસબિહારી દેસાઈ
સ્વર: અમર ભટ્ટ

ક્યારેક એવો થાય અનુભવ અવાજનો
અડકું તો ઓગળી જતો પાલવ અવાજનો

ઊડી જજો હે મારા ધવલ મૌનનાં વિહગ
લાગ્યો છે આજ જંગલોમાં દવ અવાજનો

ઘોંઘાટિયા શહેરમાં તારું ટહુકવું
ખીલ્યું છે એક પદ્મ ને કાદવ અવાજનો

અર્થોની અપ્સરાઓ બધી ક્યાં ગઈ કહો
ઝાંખો હવે પડી ગયો વૈભવ અવાજનો

આજે પવન ફરીથી અચાનક પડી ગયો
થાયે કદાચ ક્યાંકથી ઉદ્ભવ અવાજનો

***

ખાલી કૂવે કોશ ચલાવી હવે અમે તો થાક્યા રે ~ ચંદ્રકાન્ત શેઠ ~ સ્વર અને સ્વરાંકન: અમર ભટ્ટ

રચના: ચંદ્રકાન્ત શેઠ
સ્વર અને સ્વરાંકન: અમર ભટ્ટ

ખાલી કૂવે કોશ ચલાવી હવે અમે તો થાક્યા રે,
અરે અમારે તળિયે કોરાં ઝરણ ઝાંઝવાં જાગ્યાં રે .

ખેતર મોટાં ખેડ ઘણેરી બીજ ઊંચેરા વાવ્યાં  રે,
ગગન થકી નહિ અમરત ઉતર્યાં, ઊગતામાં મુરઝાયાં રે,
ખાલી હાથે અમે જ અમને અદકા ભારે લાગ્યા રે.
અરે અમારે તળિયે કોરાં ઝરણ ઝાંઝવાં જાગ્યાં રે .

મનના મારગ ખુંદતા ખુંદતા બોર રૂપાળા મળિયા રે
જ્યારે ચાખ્યા ત્યારે જાણ્યું નકરા એમાં ઠળિયા રે
ખાલીપામાં ખોવાયાં જલ ઊંડે અમને વાગ્યાં રે
અરે અમારે તળિયે કોરાં ઝરણ ઝાંઝવાં જાગ્યાં રે .

***