ગ્લોબલ કવિતા: ગીતાંજલિ : રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

પુષ્પ:૦૧

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમર્ત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય આનંદમાં એની સીમાઓ ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

(રવીન્દ્રનાથ ટાગોર)
-અનુ. વિવેક મનહર ટેલર

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન

ગીતાંજલિ બોલતાં જ આપણી નજર સમક્ષ જે કાવ્યસંગ્રહ આવે એ નોબેલ પારિતોષિક પ્રાપ્ત અંગ્રેજી અનુવાદ. મૂળ બંગાળી ગીતાંજલિ તો અંગ્રેજીથી ઘણી અલગ છે. પોતાના જ દસેક કાવ્યસંગ્રહોમાંથી 103 કવિતાઓનું ચયન કરી રવીન્દ્રનાથ ટાગોરે એમનો અંગ્રેજી અનુવાદ કર્યો અને વિશ્વ આખાની આંખ ભારતીય કવિતા તરફ આકર્ષિત થઈ. 1913ની સાલમાં આ પુસ્તક માટે ટાગોરને નોબેલ પુરસ્કાર મળ્યો એ પહેલાં પણ અને પછી પણ આજ પર્યંત એ સૌભાગ્ય અન્ય કોઈ કવિ કે લેખકને પ્રાપ્ત થયું નથી.

શાંતિનિકેતનમાં એક દિવસ કવિને જ્યારે ટેલિગ્રામથી સમાચાર મળ્યા ત્યારે સમાચારને બરાબર સમજ્યા વિના કાગળ એમણે ખિસ્સામાં મૂકી દીધો. એક અંગ્રેજ મુલાકાતીના આગ્રહથી જ્યારે એમણે તાર વાંચ્યો ત્યારે પહેલાં તો એમને થયું કે તારની અંગ્રેજી ભાષામાં કંઈ સમસ્યા છે. યુવાવસ્થામાં કવિ બંગાળના કોઈક ગામડામાં ગંગાકિનારે બોટ-હાઉસમાં ઘણા વરસો સુધી કોઈને એમનો ખરો પરિચય હોય જ નહીં એવી અવસ્થામાં દિવસ-રાતના અનવરત એકાંતને અઢેલીને રહ્યા. પત્ર દ્વારા મોકલાતી અને સામયિકોમાં છપાતી કવિતાઓ વડે જ એ બહારના વિશ્વ સાથે જોડાયેલા રહ્યા. એ પછી શાંતિનિકેતનની સ્થાપના કરી. ત્યાં સ્વરચિત કાવ્યો એ મોટા અવાજે રાત્રિના નીરવ આકાશ તળે બેસીને પોતાને જ સંભળાવતા. પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સંપર્કમાં આવવાની અદમ્ય ઇચ્છાને વશ થઈ એમણે પસંદીદા કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કર્યો. બ્રિટનપ્રવાસ દરમિયાન આ રચનાઓ જેમણે જેમણે વાંચી એ બધાએ આ રચનાઓનો સહર્ષ સ્વીકાર કરી ટાગોરને બ્રિટિશ કવિઓની
સમકક્ષનું માન આપ્યું.

નોબેલ પુરસ્કાર ગ્રહણ કરતી વખતે કવિએ જે ભાષણ આપ્યું હતું એમાં એમણે કહ્યું કે પચાસ વર્ષો સુધી સક્રિયતાથી અલિપ્ત, પશ્ચિમથી તો સાવ જ દૂર રહેલા મારા માટે ક્ષણાર્ધ જેવામાં જ મારો એમના કવિઓની સમકક્ષનો સ્વીકાર મારા માટે એક ચમત્કાર જ હતો. એકાંત અને એકલતાના વર્ષોમાં જે શાંતિ કવિઉરમાં જમા થઈ હતી એનો પડઘો પાશ્ચાત્ય સભ્યતાએ તરત જ સ્વીકારી લીધો. કવિ કહે છે કે, ‘હું જાણું છું કે આ પ્રસંશાને મારે વ્યક્તિગત ધોરણે સ્વીકારવી ન જોઈએ. મારી અંદર જે પૂર્વ હતું એણે જ પશ્ચિમને આપ્યું. મારા સદભાગ્યે જ્યરે પશ્ચિમે પોષણ માટે પૂર્વ તરફ નજર ઊઠાવી એ જ ક્ષણે હું સામે આવ્યો અને એટલે જ મને આ સન્માન મળ્યું છે.’

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. ગીતાંજલિ એ ભારતીય સંત-ભજનિક પરંપરાનું જ વહન કરતી હોવાથી લખાયાના સો વરસ પછી આજેય એ આપણા હૃદયને સીધો સ્પર્શ કરતી હોવાનું અનુભવાય. ગીતાંજલિમાંથી પસાર થતાં કોઈકને કદાચ એવુંય લાગે કે આ બધું તો સેંકડો સદીઓથી આપણી રગોમાં કબીર-તુલસી-નરસિંહ-મીરાંના હાથે દોડતું જ રહ્યું છે પણ મૌલિક અભિવ્યક્તિ, સહજ કલ્પન, સરળ બાની અને પ્રવાહી રવાનીના કારણે ગીતાંજલિના કાવ્યો આપણા સાહિત્યના અ-મર અમૂલ્ય મૌક્તિક બની રહ્યાં છે.

જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવતરની ગલીમાં આપણી ચોર્યાસી લાખ ફેરાની વાત કવિ કેવી સાહજિકતાથી કરે છે! पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनं (આદિ શંકરાચાર્ય) યાદ આવી જાય.

જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. વિશાળ પર્વતો અને ઊંડી ખીણોના સાપેક્ષમાં આપણું જીવતર તો ચિદ્ર પડેલી નાની પોલી વાંસળી જેવું તુચ્છ છે. ઈશ્વરકૃપા આપણા પોલાણમાંથી પસાર થાય ત્યારે જ નવીનતમ સૂરાવલિઓ રેલાય છે, ત્યારે જ જીવન સંગીતમય બને છે.

એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. ઈશ્વરકૃપા થઈ હોય એ જ નરસિંહની જેમ મામેરાની ચિંતા ન કરે કે મીરાંની જેમ ઝેર ગટગટાવી જઈ શકે. આપણા સંતકવિઓના શબ્દો અજરામર છે કેમકે એમની વૈખરીને ઈશ્વરનો અમૃતસ્પર્શ થયો છે. એની કૃપા થાય ત્યારે હદ-અનહદ બધું ઓગળી જાય, અનલહકની અનુભૂતિ થાય…

“એ”ની ભેટ! અનંત! પણ આપણા હાથ? તોય આશ્ચર્ય તો એ વાતનું કે આપણા ખોબા જેવડા વાસણમાં એ યુગયુગાંતરોથી સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે જગ્યા ખાલીને ખાલી જ રહે છે.. આપણે લેતાં થાકી જઈએ, એ દેતા નહીં થાકે… દુઃશાસન થાકીને ઠુસ્સ થઈ જશે પણ દ્રૌપદીના ચીર કદી નહીં ખૂટે.

2 replies on “ગ્લોબલ કવિતા: ગીતાંજલિ : રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)”

  1. Thank you for sharing with me such a priceless translation.
    I hope you will not mind if I use few sentences citing your name in my letter to my family.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *