એમણે
સર્જ્યું અસીમ આકાશ
અને ધરા પર
લહેરાવ્યાં કાંઇ છમલીલેરાં વૃક્ષો
પક્ષીઓને કહ્યું,
આવો,
કર્ણમધુર કલશોર લઇને
આવો
વૃક્ષોની ડાળે બાંધો માળા
ને
મધમીઠાં ફળ ચાખો….
વિહગો આવ્યાં
વૃક્ષો પર ખીલ્યો કલરવ
પછી –
પછી પ્રવેશ્યા તમે
હાથમાં પીંજર લઇને
તમે –
હા તમે ઉતરડી નાખ્યું
પંખીની પાંખો પરથી
એનું નીલાકાશ
પૂરી દીઘું એને
સાંકડા પીંજરમાં
અને હજી તો
કરો કામના સૂણવા
મઘુરા કલરવની ?!