શિકાગો આર્ટ સર્કલ આયોજિત ૭મી ઓગસ્ટના કવિ સંમેલનમાં ભરતભાઇ પાસેથી સ્ટેજ પરથી આ ગઝલ સાંભળવા મળેલી. કવિ સંમેલનની શરૂઆત જ ભરતભાઇએ કરેલી અને ઓપનિંગ બેટ્સમેન પહેલી ઓવરમાં સિક્સર મારે એટલી સરસ રજૂઆત કરીએ એમણે સૌની દાદ મેળવેલી..! કાર્યક્રમનું રેકોર્ડિંગ હજુ મારી પાસે નથી આવ્યું, એટલે હમણા તો ફક્ત આ શબ્દોથી જ ગઝલ માણીએ..!
હાજરી હોય અંહી જો તમારી ફરક તો પડે
હોય સંગત સનમની ગુલાબી ફરક તો પડે
લાગણી, ભાવના, યાદ સુધ્ધા શમી જાય પણ
બસ રહી જાય કોઇ નિશાની ફરક તો પડે
લો અમે તો બધી વાત માની ગયા પણ…તમે
વાત ક્યારેક માનો અમારી ફરક તો પડે
જિંદગી છે! બધી જાતના ખેલ કરવા પડે
તું બની જાય સારો મદારી ફરક તો પડે
એ ગઝલ, ગીત, કવિતા કશું પણ હશે ચાલશે
શબ્દની જો અસર થાય ધારી ફરક તો પડે
આપવા છે ખુલાસા વિગતવાર મારે તને
જાણકારી તને હોય સાચી ફરક તો પડે
ભરસભામા ગઝલની રજૂઆત જો તું કરે
દાદ ‘સ્પંદન’ મળે જો બધાની ફરક તો પડે
– ભરત દેસાઇ ‘સ્પંદન’
************
એમની આ અને બીજી રચનાઓ આપ એમના બ્લોગ – http://bharatdesai.wordpress.com/ પર માણી શકો છો.