Category Archives: અશોકપુરી ગોસ્વામી

એવા સમે ખુદા તને પડકારવો હતો – અશોકપુરી ગોસ્વામી

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવા સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાત, ખામી આપણી હતી
રણને જ આપણે બગીચો ધારવો હતો

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.

– અશોકપુરી ગોસ્વામી