Category Archives: હસમુખ મઢીવાળા

સળગતા શબ્દની સાખે – હસમુખ મઢીવાળા

untitled.JPG

(રંગત…..   સંધ્યા અને ઉષાના રંગોની…   )

————————————

મને ભેટી પડ્યો ઘાયલ સળગતા શબ્દની સાખે,
અને બોલી ઊઠી કોયલ સળગતા શબ્દની સાખે.

નથી રંગત એ સંધ્યા કે ઉષાના રંગની મિત્રો,
ઊડે છે છાતીના છાયલ સળગતા શબ્દની સાખે.

ઊંઘેટી આંખમાં છાંટી છલકતી પ્યાલીને પાછી,
થયો છું મહેફિલે દાખલ સળગતા શબ્દની સાખે.

જુઓ એ ગીતના લહેકા ઉપર ઊછળી ઊડી આવ્યું,
મને વાગી ગયું પાયલ સળગતા શબ્દની સાખે.

અને આંજી દીધું એણે બનીને મુગ્ધ મારા પર,
અમારા નામનું કાજળ સળગતા શબ્દની સાખે.

પ્રણય કેરી ખુમારી ને ખુવારીને ધરી માથે,
ભટકતો હોય છે પાગલ સળગતા શબ્દની સાખે.

અને સમજ્યા વિના એણે ઘણી મારી ગઝલ-રચના,
કરી દીધી છે રદબાતલ સળગતા શબ્દની સાખે.

સમયના યંત્ર પર કાંટા રહે ફરતા સમય સાથે,
છતાં છે સ્વસ્થ આ ડાયલ સળગતા શબ્દની સાખે.