Category Archives: કાવ્ય

નેવાં – મનોજ ખંડેરિયા

આજે પલળીએ મનોજ ખંડેરિયાના આ મઝાના હાયકુ-કાવ્ય સંગાથે..!!

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

– મનોજ ખંડેરિયા

અંધેરી નગરી ને ગંડુ રાજા – દલપતરામ

આજે કવિ શ્રી દલપતરામની પૂણ્યતિથિના દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ મઝાનું કાવ્ય.. ‘અંધેર નગરી ને ગંડુ રાજા – ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં’.. આ શબ્દો તો એક કહેવત જેટલા લોકપ્રિય થયા છે..! મને યાદ છે જ્યારે પહેલીવાર આ શબ્દો વાંચેલા ત્યારે મમ્મીને પૂછવું પડેલું કે આ કવિતામાં ‘ટકો‘ આવે છે એનો અર્થ શું થાય..!

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

——
આભાર – ગાગરમાં સાગર

——-

ટહુકો પર માણો એમની બીજી કવિતાઓ..

ઊંટ – દલપતરામ
કરતા જાળ કરોળિયો… – દલપતરામ
શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

વારતા – પ્રાણજીવન મહેતા

(દાદાજી અને પૌત્રની વાતચીતો….)

હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો; દાદાજી,
આંધળાં રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી.

ભૂતિયા મહેલમાં કુંવરની આસપાસ, અજવાળું બાંધતું જાળાં; દાદાજી,
કુંવરીને જોઈ એ પોતાને પૂછતો, પડછાયા કેમ કાળા ? દાદાજી,
પ્રશ્રો પહેરીને કેમ આગળ જવાશો, કુંવરને સમજાવો; દાદાજી.

ભાંગેલું વહાળ તેમાં ભરાતી રેતી, કેટલે દૂર છે જાવાનું ? દાદાજી,
ટચૂકડો દરિયો ને હલેતાં તૂટ્-ફૂટ, કૂંવરનું હવે શું થાવાનું ? દાદાજી,
પ્રશ્રોને આરપાર વીંધે એવું, તીરકામઠું કુંવરને અપાવો; દાદાજી.

ગાઢ એક જંગલ ને જંગલમાં ભરેલી અંધારું ધોર એક વાવ; દાદાજી,
પાણીમાં જુએ તો પોતે ને, પડછાયો રમતા પકડદાવ; દાદાજી,
કુંવરને માણસ પરખાય જરી એટલું અજવાળું પથરાવો; દાદાજી.

આંધળા રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી,
હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો; દાદાજી.

સ્મૃતિ – નિરંજન ભગત

ઘરની અંદર
વર્ષોથી એક ખૂણામાં બેસી રહૂં.
મારો ખંડ સુશોભિત,
છત પર બિલોરી ઝુમ્મરો,
ભોંય પર ગૂંથેલી જાજમો,
બારી પર રેશમી પડદા,
ભીંત પર મઢેલા અરીસા,
ટેબલ પર રંગીન ફૂલો;
મારો ખંડ ભર્યો.

ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું,
મને ઘડી હસાવી, ઘડી રડાવી,
જાણું નહીં ક્યારે એ વિદાય થયું;
મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું.
હવે મારો ખંડ ખાલી ખાલી,
હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો.

– નિરંજન ભગત

કરતા જાળ કરોળિયો… – દલપતરામ

(Photo: Webshots.com)

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

–  દલપતરામ

જટાયુ – સિતાંશુ યશશ્ચંદ્ર

નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંક
વચ્ચે સદસદ્જ્યોત વિહોણું વન પથરાયું રંક

ધવલ ધર્મજ્યોતિ, અધર્મનો જ્યોતિ રાતોચોળ
વનમાં લીલો અંધકાર વનવાસી ખાંખાંખોળ

શબર વાંદરાં રીંછ હંસ વળી હરણ સાપ ખિસકોલાં
શુક-પોપટ સસલાં શિયાળ વરુ મોર વાઘ ને હોલાં

વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે

દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ
બસ, તરસ લાગતાં અનુભવે પાણી પીધાનું સુખ

જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક
ક્યાં ઉપર અયોધ્યા ઉત્તરે, ક્યાં દૂર દખ્ખણે લંક

વનમાં વિવિધ વનસ્પતિ, એની નોખી નોખી મઝા
વિવિધ રસોની લ્હાણ લો, તો એમાં નહીં પાપ નહીં સજા

પોપટ શોધે મરચીને, મધ પતંગિયાંની ગોત
આંબો આપે કેરી, દેહની ડાળો ફરતી મોત

કેરી ચાખે કોકિલા અને જઈ ઘટા સંતાય
મૃત્યુફળનાં ભોગી ગીધો બપોરમાં દેખાય

જુઓ તો જાણે વગર વિચારે બેઠાં રહે બહુ કાળ
જીવનમરણ વચ્ચેની રેખાની પકડીને ડાળ

ડોક ફરે ડાબી, જમણી : પણ એમની એમ જ કાય
(જાણે) એક ને બીજી બાજુ વચ્ચે ભેદ નહી પકડાય

જેમના ભારેખમ દેહોને માંડ ઊંચકે વાયુ
એવાં ગીધોની વચ્ચે એક ગીધ છે : નામ જટાયુ

આમ તો બીજું કંઈ નહીં, પણ એને બહુ ઊડવાની ટેવ
પહોર ચડ્યો ના ચડ્યો જટાયુ ચડ્યો જુઓ તતખેવ

ઊંચે ઊંચે જાય ને આઘે આઘે જુએ વનમાં
(ત્યાં) ઊના વાયુ વચ્ચે એને થયા કરે કંઈક મનમાં

ઊની ઊની હવા ને જાણે હૂંફાળી એકલતા
કિશોર પંખી એ ઊડે ને એને વિચાર આવે ભળતા

વિચાર આવે અવનવા, એ ગોળ ગોળ મૂંઝાય
ને ઊની ઊની એકલતામાં અધ્ધર ચડતો જાય

જનમથી જ જે ગીધ છે એની આમે ઝીણી આંખ
એમાં પાછી ઉમેરાઈ આ સતપત કરતી પાંખ

માતા પૂછે બાપને : આનું શું ય થશે, તમે કેવ
આમ તો બીજું કંઈ નહી પણ આને બહુ ઊડવાની ટેવ

ઊડતાં ઊડતાં વર્ષો વીત્યાં ને હજી ઊડે એ ખગ
પણ ભોળું છે એ પંખીડું ને આ વન તો છે મોટો ઠગ

(જ્યમ) અધરાધરમાં જાય જટાયુ સહજ ભાવથી સાવ
(ત્યમ) જુએ તો નીચે વધ્યે જાય છે વનનો પણ ઘેરાવ

હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન
તુલસી તગર તમાલ તાલ તરુ જોજનનાં જોજન

ને એય ઠીક છે. વન તો છે આ ભોળિયાભાઈની મા
લીલોછમ અંધાર જે દેખાડે તે દેખીએ, ભા

હસીખુશીને રહો ને ભૂલી જતા ન પેલી શરત
કે વનનાં વાસી, વનના છેડા પાર દેખના મત

એક વખત, વર્ષો પછી, પ્રૌઢ જટાયુ, મુખી
કેવળ ગજ કેસરી શબનાં ભોજન જમનારો, સુખી

વન વચ્ચે, મધ્યાહ્ન નભે, કૈં ભક્ષ્ય શોધમાં ભમતો’તો
ખર બિડાલ મૃગ શૃગાલ શબ દેખાય, તોય ના નમતો’તો

તો ભૂખ ધકેલ્યો ઊડ્યો ઊંચે ને એણે જોયું ચોગરદમ
વન શિયાળ-સસલે ભર્યુંભાદર્યું, પણ એને લાગ્યું ખાલીખમ

એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઊઠ્યો થરથર
વન ના-ના કહેતું રહ્યું જટાયુ અવશ ઊછળ્યો અધ્ધર

ત્યાં ઠેક્યાં ચારેકોર તુલસી તગર તમાલ ને તાલ
સૌ નાનાં નાનાં મરણભર્યાં એને લાગ્યાં સાવ બેહાલ

અને એ જ અસાવધ પળે એણે લીધા ક્યા હવાના કેડા
કે ફક્ત એક જ વીંઝી પાંખ હોં ને જટાયુએ દીઠા વનના છેડા

નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણે નગરી લંક
બે ય સામટાં આવ્યાં જોતો રહ્યો જટાયુ રંક

પળ તો એણે કહ્યું કે જે – તે થયું છે કેવળ બ્હાર
પણ ત્યાં જ તો પીંછે પીંછે ફૂટયો બેય નગરનો ભાર

નમી પડ્યો એ ભાર નીચે ને વનવાસી એ રાંક
જાણી ચૂકયો પોતાનો એક નામ વિનાનો વાંક

દહમુહ – ભુવન – ભયંકર, ત્રિભુવન – સુંદર – સીતારામ
-નિર્બળ ગીધને લાધ્યુ એનું અશક્ય જેવું કામ

ઊંચા પવનો વચ્ચે ઊડતો હતો હાંફળો હજી
ત્યાં તો સોનામૃગ, રાઘવ હે, લક્ષ્મણ રેખા, સ્વાંગને સજી

રાવણ આવ્યો, સીત ઊંચક્યાં, દોડ્યો ને ગીધ તુરંત
એક યુધ્ધે મચ્યો, એક યુધ્ધે મચ્યો, એક યુધ્ધે મચ્યો
હા હા ! હા હા ! હાર્યો, જીવનનો હવે ઢૂંકડો અંત

દખ્ખણવાળો દૂર અલોપ, હે તું ઉત્તરવાળા ! આવ
તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ

દયા જાણી કૈં ગીધ આવ્યાં છે અંધારાને લઈ
પણ હું શું બોલું છું તે એમને નથી સમજાતું કંઈ

ઝટ કર ઝટ કર, રાઘવા ! હવે મને મૌનનો કેફ ચડે
આ વાચા ચાલે એટલામાં મારે તને કંઈ કહેવાનું છે

તું તો સમયનો સ્વામી છે, ક્યારેક આવવાનો એ સહી
પણ હું તો વનેચર મર્ત્ય છું – હવે ઝાઝું ટકીશ નહીં

હવે તરણાંય વાગે છે તલવાર થઈ મારા બહુ દુઃખે છે ઘા
આ કેડા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા?

આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ?
-નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ

-સિતાંશુ યશશ્ચંદ્ર

(આભાર : માવજીભાઇ.કોમ)

ઇશ્કનો બંદો – કલાપી

જો ઇશ્ક ના શું ખુદા? આલમ કરી તોયે ભલે,
જો ઇશ્ક ના શું જહાં? એને ખુદાયે શું કરે?

આ કારખાનું ઇશ્કનું જોજો તપાસી ખૂબ ખૂબ,
આ ખેલ ને આ ખેલનારો એક નૂરે-ઇશ્ક છે!

એથી ડરું તો ક્યાં ઠરું? કોને ખુદા મારો કરું?
જ્યાં લઐલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે?

રે! ઇશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ!
શું છે ખુદા? શુ છે સનમ? એને બીમારી એ જ છે!

ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બન્દો હશે,
જો ઇશ્કથી જુદો થશે તો ઇશ્કથી હારી જશે!

જો હો ખુદા તો હો ભલે! તેની હમોને શી તમા?
છે ઇશ્કથી તો ના વડો, જે ઇશ્ક મારું તાજ છે!

છે ખાક ચોળી છાપ મારી ઇશ્કની જેને દિલે,
દાખલ થતાં તેને બહિશ્તે રોકનારું કોણ છે?

જો કો હમોને વરશે, કાઈ હમોને પૂછશે,
તો ઇશ્કની ફૂંકે હમારી લાખ કિલ્લા તૂટશે!

ગુલામ થઈ રહેશું કદા પણ બાદશાહી મ્હાલશું,
માલિકના બિલનું કરીને તખ્ત સૂનારા હમે!

હા! લાખરંગી ઇશ્કનું કો એકરંગી જામ છે,
મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા હમે!

આવો ભરી પીજો અને એ જીરવી લેજો નશો!
નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને!

ી તો હમારી માદરે પાયું હમોને જન્મતાં,
ને મોતની મીઠી પથારીમાં ભર્યું એ એ…જ છે!

એ ઇશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા!
એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા હમે!

– કલાપી

સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠના જન્મદિવસે માણીએ એમની આ નાનકડી પણ સુંદર કવિતા …

* * * * *

તારી તે હોડી ને મારાં હલેસાં છે,
દરિયો તે આપણા બેનો ;

તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
રસ્તો તે આપણા બેનો ;

તારા બળદ ને મારાં હળલાકડાં,
ખેતર તે આપણા બેનું ;

તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
આખું નભ આપણા બેનું.

તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
જ્યોતિ તે આપણા બેની ;

તારું છે ફૂલ અને મારું પતંગિયું,
મધુરપ તે આપણા બેની.

– ચંદ્રકાન્ત શેઠ

(આભાર : અમીઝરણું)

શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

કવિ દલપતરામના જન્મદિવસે (21 જાન્યુઆરી -1820) માણીએ એમનું આ ઘણું જ જાણીતું કાવ્ય…
* * * * *

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.

એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.

કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”

– દલપતરામ

(આભાર : પ્રભાતના પુષ્પો)

ગ્રામમાતા – કલાપી

(શાર્દૂલવિક્રીડિત)

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(માલિની)

મધુર સમય તેવે ખેતરે શેલડીના,રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(અનુષ્ટુપ)

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(વસંતતિલકા)

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(મંદાક્રાન્તા)

ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને,જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે.

(અનુષ્ટુપ)

ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.

(શાર્દૂલવિક્રીડિત)

‘લાગી છે મુજને ત્રુષા, જલ જરી દે તું મને’
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચરે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(વસંતતિલકા)

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈ વિચાર કરતો નર તે ગયો પી.

(અનુષ્ટુપ)

‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને ત્રુષા,’
કહીને પાત્ર યુવને માતાના કરમાં ધર્યું.

(મંદાક્રાન્તા)

કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

(અનુષ્ટુપ)

‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.

(વસંતતિલકા)

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

(શાર્દૂલવિક્રીડિત)

‘પીતો’તો રસ મિવ્હ્ટ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોક્કો સહુ દ્ધવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીંસમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્ધવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)

રસ હવે દે ભરી પાત્ર બાઈ !પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ,તમારી તો આશિષ માત્ર માગું !’

(વસંતતિલકા)

પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !’

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

(આભાર : સિધ્ધાર્થનું મન)