ગ્લૉબલ કવિતા: એક મજાનું ગીત – સ્ટિફન ક્રેન

Once, I knew a fine song

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

એક મજાનું ગીત હું જાણતો હતો

એકવાર, એક મજાનું ગીત હું જાણતો હતો,
– એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઝાંપો ખોલ્યો,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ ધૂળ સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

વિચારોની આઝાદી જ છે સાચી કવિતા…

સ્ટિફન ક્રેન. આયુષ્ય ગણવા બેસો તો બે હાથની આંગળીના વેઢા વધારે પડે પણ લેખનકાર્ય જુઓ તો બાહુલ્યનું વરદાન લખાવી આવ્યો હોય એમ લાગે. લખ-વા ન થયો હોય એમ ક્રેને માત્ર ચાર વર્ષની ઉંમરે લખવાની શરૂઆત કરી હતી. સોળ વર્ષની ઉંમરે તો એમના લેખો છપાવા માંડ્યા હતા. માત્ર ૨૮ વર્ષનું અલ્પાયુષ્ય (૦૧-૧૧-૧૮૭૧ થી ૦૫-૦૬-૧૯૦૦). છ નવલકથાઓ, પાંચ નવલિકાસંગ્રહો, બે કાવ્યસંગ્રહો, પત્રો અને ચિત્રો. સ્ટિફન સાહિત્યના આકાશમાં ધૂમકેતુની જેમ એક લિસોટો છોડી ગયા જે કાયમ પ્રકાશિત રહેનાર છે. અમેરિકાના અગ્રગણ્ય વાસ્તવવાદી સર્જકોમાંના એક સ્ટિફન ક્રેનનું સાહિત્ય યથાર્થવાદી, નિસર્ગવાદી અને પ્રભાવવાદી હતું અમેરિકન નેચરલિઝમની શરૂઆત કરવાનું શ્રેય એને ફાળે જાય છે.

ચૌદ બાળકોના પરિવારમાં એ સહુથી નાના. બહેને ઉછેર્યા અને ભણાવ્યા. ક્રેનની કવિતાઓ જેને એ ‘લાઇન્સ’ કહેવી પસંદ કરતા, મોટા ભાગે ટૂંકી, છંદ વગરની અને પ્રાસરહિત હતી યાને કે એ જમાનાની રુઢિથી ઉફરી ચલનારી હતી. ક્રેનની ‘બુદ્ધિજીવી’ કવિતા હૃદય કરતાં વધુ વિચારને સ્પર્શે છે. કહેવાતી વેશ્યાના કેસમાં સાક્ષી બનવા બદલ વર્ષો સુધી ક્રેન ગામચર્ચાનું પાત્ર બન્યા હતા. યુદ્ધ ખબરપત્રી તરીકે ક્યુબા જતાં રસ્તામાં પ્રથમ મહિલા યુદ્ધ ખબરપત્રી કોરા સ્ટુઅર્ટ (ટેઇલર) સાથે મુલાકાત થઈ જે જીવનસંગિની તરીકે પછી સાથે રહી. જહાજ પાણીમાં ડૂબી જતાં ત્રીસ કલાક નાના હોડકાના સહારે પણ રહ્યા ને બચી ગયા. પણ દીર્ઘાયુષ્ય નસીબમાં હતું નહીં તે ક્ષયરોગના કારણે જર્મની ખાતે એક સેનેટોરિયમમાં એમણે શ્વાસ છોડ્યો.

અહીં સાવ નાના અમથા કાવ્યમાં કવિ કવિતાને, કવિતાની વિભાવનાને સરસ રીતે સમજાવે છે. સમય-સમયે અને દેશ-દેશે કવિતાની વ્યાખ્યા સતત થતી આવી છે ને થતી જ રહેશે. કળા કોઈ પણ હોય, એ મનુષ્યને “सुबह होती है, शाम होती है; उम्र यूं ही तमाम होती है”ની કંટાળાજનક એકવિધ ઘટમાળમાંથી મુક્ત કરવાનું કામ કરે છે. કળા એ આપણા હોવાપણાંના ફેફસાંને મળતો રાહતનો શ્વાસ છે. કળા જીવી જવા માટેનું ચૈતસિક બળ પૂરું પાડે છે. આપણે ત્યાં કહેવાયું છે, “साहित्यसंगीतकलाविहीनः साक्षात् पशु पुच्छविषाणहीनः।” (કળાવિહીન મનુષ્ય સાક્ષાત્ પૂંછડા અને શિંગડા વિનાના પશુ સમો છે.) આદિમાનવ પાસે જ્યારે કોઈ સંસ્કૃતિ નહોતી, ભાષા નહોતી, ઘર નહોતાં ત્યારે પણ એ કળાથી વિમુક્ત રહી શક્યો નહોતો. વિશ્વભરમાં ઠેકઠેકાણે મળી આવેલ ગુફાઓમાં જોવા મળતા પ્રાગૈસિહાસિક ગુફાચિત્રો માનવી અને કળાની અવિભાજ્યતાની દ્યોતક છે. કળા अनन्य परतन्त्रा, नियतिकृत नियमरहिता ભાવસૃષ્ટિનું સર્જન કરે છે. કળા જીવનનું પાથેય છે, જીવનરસ છે. હકીકતે તો કળાના આસ્વાદથી નિપજતો રસ જ જીવન છે.

सत्वोद्रेकादखंड स्वप्रकाशानंद चिन्मय:।
वेद्यान्तर स्पर्श शून्यो ब्रह्मास्वाद सहोदर:।। (સાહિત્યદર્પણ, આચાર્ય વિશ્વનાથ)

(રસનો સાક્ષાત્કાર અખંડ, સ્વયંપ્રકાશ્ય, આનંદમય, ચૈતન્યસ્વરૂપ, અન્ય વિષયોના સ્પર્શ શૂન્ય (સંપૂર્ણ એકાગ્રતા), બ્રહ્મનો આસ્વાદ કરાવે એવો હોય છે.) માટે જ કળા અને કળાસ્વાદથી અનુભવાતા રસનું પાન મનુષ્યને પશુ યોનિથી ઉચ્ચતર સ્થાને સ્થાપિત કરે છે અને કળાકાર-સર્જક સાક્ષાત્ બ્રહ્માના સ્થાને ગણાયા છે. આનંદવર્ધનેકહ્યું હતું, “अपारे काव्यसंसारे कविः एवे प्रजापतिः।” અને અનાદિકાળથી તમામ સંસ્કૃતિ-ભાષા-દેશોમાં તમામ પ્રકારની લલિત તથા લલિતેતર કળાઓમાં કવિતાનું સ્થાન સર્વોત્તમ રહ્યું છે. અને એટલે જ કવિતા શું છે, કાવ્યપદાર્થ શું છે એને સમજવાની, વ્યાખ્યાયિત કરવાની મનુષ્યની નેમ શરૂથી જ રહી છે. એરિસ્ટોટલે કહ્યું, ભાષાના માધ્યમ વડે પ્રકૃતિનું અનુકરણ એ કાવ્ય. આપણે ત્યાં તો કવિતાની વ્યાખ્યા અત્યંત વિશાળ રહી છે. काव्यम् गद्यं पद्यं च । (ભામાહ) वाक्यं रसात्मकं काव्यम्। (વિશ્વનાથ) ટૂંકમાં, કવિતા એને કહેવાય જે મનને સ્પર્શી જાય. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે A poem should not mean but be.

કવિ પાસે એક ખૂબ મજાનું ગીત છે. કવિ જાણે છે કે આપણી આસપાસ ગપોડશંખ કે લપોડશંખનો કોઈ તોટો નથી એટલે એ પોતાની મિલકત વિશે ખાતરી પણ કરાવવા માંગે છે. પોતાની પાસે એક મજાનું ગીત છે એ વાત એકદમ સાચી છે એમ કહ્યા પછી પણ કવિને વાત વધુ પ્રતીતિકર બનાવવા માટે કહેવું પડે છે કે મારો વિશ્વાસ કરો. કેમકે,

વિશ્વાસ ક્યાં જડે છે કોઈ આંખમાં હવે?
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

કવિતા પંખી જેવી છે, આઝાદ. વર્ડ્ઝવર્થ કહે છે, Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility. (કવિતા બળવત્તર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે: પરમ શાંતિમાં એકત્ર થયેલ મનોભાવોમાંથી એ જન્મે છે) પણ આ લાગણીઓ કાગળ પર ઉતારવા જઈએ ત્યારે? શું એ લાગણીઓનું સ્વરૂપ પણ બદલાઈ નથી જતું? અમૂર્ત લાગણીને નખશિખ શબ્દસ્થ કરી શકે એવો કોઈ કવિ પેદા થયો છે ખરો? અહીં કવિએ પણ મજાના વિચારોને અક્ષરોમાં કેદ કરી રાખવા ધાર્યું છે. જો કવિ એના વિચારોને એના મન, એના કાગળની કેદમાંથી મુક્ત કરે તો તે તરત જ દૂર ઊડી જશે… અને ઊડી ગયેલા વિચાર પાછા બોલાવવાનો વિચાર પોતે મૂર્ખામીથી વિશેષ કશું નથી. લોકો હસશે તમારા પર. આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. જરૂર છે એને મુક્ત કરવાની. પંખીઓની સાચી જગ્યા જેમ મુક્ત આકાશ એમ જ વિચારોની આઝાદી જ સાચી કવિતા છે. ખરી કવિતા આપણી અંદર રહેલી છે. એને કાગળની છાબલીમાં અક્ષરોની સાંકળથી બાંધવાની ભૂલ કરીએ એ ઘડી એના અંતની શરૂઆત છે.

શાશ્વત મૌન છે
એકમાત્ર અક્ષત કવિતા…
એને તમે શબ્દોથી ટાંચો છો
ત્યારે
શિલ્પ તો બની જાય છે
પણ
કવિતા તૂટી જાય છે !

4 replies on “ગ્લૉબલ કવિતા: એક મજાનું ગીત – સ્ટિફન ક્રેન”

  1. બહુ જ સુદર લેખ. આભાર. વાંચવાની મજા આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *