Category Archives: હર્ષદ ત્રિવેદી

હર્ષદ ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

કાળું ગુલાબ - હર્ષદ ત્રિવેદી
તારે નહીં - હર્ષદ ત્રિવેદી

કાળું ગુલાબ – હર્ષદ ત્રિવેદી


મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.
અંધારા આંખોમાં ઊતરી આવ્યાં કે હવે દેખું છું કાળાં હું ખ્વાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

આંગણાનાં તુલસીને પૂજવા તો જાઉં પણ અંદરથી રોકે છે કોક,
માળા તો પ્હેરી છે બબ્બે સેરોની તોયે અડવાણી લાગે છે ડોક;
આયનો તો પૂછે છે જુઠ્ઠા સવાલ અને માગે છે સાચા જવાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

સપનાં કૈં કાચની બંગડી નથી કે એને પથ્થર પર પટકું ને તોડું,
ઉંબરની બહાર કૈં દરિયો નથી કે ભાન ભૂલું ને ખળખળતી દોડું;
જુઠ્ઠા તો જુઠ્ઠા પણ ગણવાના શ્વાસ અને કરવાના સાચા હિસાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

Share what you loved...

તારે નહીં – હર્ષદ ત્રિવેદી

surfing

કૈંક તો એવું કે ખુદમાંથી જ પરવારે નહીં,
હોઠ પર હૈયેથી આવે એ ય ઉચ્ચારે નહીં!

આ રીતે તો કોઇ માઝમ રાત શણગારે નહીં,
દીપ જલતો હોય તે પળવાર પણ ઠારે નહીં!

એમની તાસીર છે રાખે હ્રદયમાં તોરથી,
થાય ના શરણે ને ખુલ્લેઆમ પડકારે નહીં!

કહે ખરાં, તુજ નામની રટણાં નથી અટકી છતાં -
વાર તહેવારે ય લઇને નામ સંભારે નહીં!

છેવટે ઓળખ મળી છે ઝાંખીપાંખી આટલી,
ડૂબવા તો ના જ દે પૂરેપૂરા તારે નહીં!

Share what you loved...